Skip to content

show must go on by shahbuddin rathod

show must go on by shahbuddin rathod
3782 Views

show must go on – shahbuddin rathod. શો મસ્ટ ગો ઓન – શાહબુદ્દીન રાઠોડનાં પુસ્તકોમાથી એક છે. જેમાનો “સરકસ જોયુ” હાસ્યપ્રસંગ અહી રજુ કર્યો છે.shahbuddin rathod ni books pdf, shahbuddin rathod jock, શાહબુદીન રાઠોડની કેસેટ,shahbuddin rathod na karykram, ગુજરાતી હાસ્ય સાહિત્ય, શાહબુદ્દીન રાઠોડ ના જોક્સ, શાહબુદ્દીન રાઠોડ સાહેબ ની વાત, વનેચંદનો વરઘોડો

સરકસ જોયુ ( show must go on )

સરકસ જોયુ (શૉ મસ્ટ ગો ઓન) શાહબુદ્દીન રાઠોડ.

હું, વનેચંદ, નટુ, રતિલાલ, પ્રાણલાલ, પ્રવીણ, જશવંત, સુલેમાન, થોભણ અને મથુર સરકસ જોવા સુરેન્દ્રનગર ગયા. મથુરે આ પહેલાં સરકસ ક્યારેય જોયું ન હતું. તેના પિતાએ ધોળા દિવસે માત્ર ‘ટાઢું સરકસ’ બતાવેલું. ટિકિટના પૈસા ખર્ચી રાત્રિ સમયે કાર્યરત સરકસ નહીં.

અમે ઉમંગભેર ગૅલરીની ટિકિટ લઈ સૌથી ઊંચેની બેઠકો પર, સમય કરતાં વહેલાં જઈ ગોઠવાઈ ગયા.

મ્યુઝિશિયનોનો મંચ, વચ્ચેનું ગ્રાઉન્ડ, તંબૂના મથાળે દોરડાથી બાંધેલા ઝૂલા, ઝૂલાનો ખેલ કરતાં કોઈ પડી જાય તો નીચે ઝીલી લેવા મોટી જાળી. કલાકારોને પ્રવેશવા માટે મોટુ પ્રવેશદ્વાર, જિજ્ઞાસાના ભાવો સાથે સરકસ જોવા આવી રહેલા પ્રેક્ષકો. આ બધું અમે ઉપર બેઠાં બેઠાં ઝીણી નજરે જોઈ રહ્યા હતા.

એમાં અમારા ગામના ઉત્તમચંદ શેઠ તેમનાં કુટુંબીજનો અને સંબંધીઓને પણ અમે પ્રવેશતા જોયા. ઉત્તમચંદ શેઠ અમારા ગામના શ્રીમંત વેપારી, શેઠની ઊંચાઈ પૂરતી હતી, પરંતુ શરીરની જાડાઈને હિસાબે જણાતી નહોતી. શેઠનું શરીર એવું જાડું હતું કે એક વાર બે-ત્રણ નાનાં બાળકો ઉનાળાના તાપમાં શેઠની પાછળ પાછળ આવતાં હતાં. શેઠ કહે, ‘એય મારી પાછળ કેમ આવો છો ?’ – અમરકથાઓ

બાળકો કહે, ‘તમારી છાંયામાં ચાલીએ છીએ, તડકો બહુ છે ને એટલે.’

ઉત્તમચંદ શેઠને હૃદયની બીમારીને લીધે રાજકોટ લઈ જવા પડેલા. શેઠના પરિવાર સાથેના સંબંધને લઈ અમારા શિક્ષકમિત્ર જે.સી.દવે પણ સાથે ગયેલા.

ડૉ. મુકુલભાઈ ટોળિયાએ શેઠનું બી.પી. લીધું, કાર્ડિયોગ્રામ કાઢ્યો, અન્ય તપાસ પૂરી કરી. જે.સી. દવેએ પૂછ્યું, ‘ડૉકટર સાહેબ, શેઠને શી તકલીફ થઈ છે ?’

ડૉ. મુકુલભાઈ કહે : ‘તેમનું હાર્ટ પહોળું થઈ ગયું છે.’

જે.સી.દવે કહે, ‘શેઠ પહેલેથી જ ઉદાર સ્વભાવના છે. ગર્લ્સ સ્કૂલમાં એકવીસ હજારનું દાન કર્યું છે. સત્સંગ ભવન માટે અગિયાર હજાર આપ્યા છે. તેમનું હૃદય પ્રથમથી જ વિશાળ છે.’

ડૉકટર કહે, ‘માસ્તર, એ વિશાળ હૃદય અને આમાં ઘણો ફેર, આમાં તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે.’

આવા ઉત્તમચંદ શેઠ પરિવાર સાથે ભારે કિંમતની ટિકિટ લઈ સૌથી આગળ સોફામાં ગોઠવાઈ ગયા હતા.

હવે સરકસ ક્યારે શરૂ થાય તેની આતુરતાપૂર્વક અમે પ્રતીક્ષા કરતા હતા. તેમાં મિલિટરીમાં માર્ચ પાસ્ટ વખતે વાગે છે એવું મ્યુઝિક શરૂ થયું અને અવનવા પોશાકમાં કલાકારો દાખલ થયા. પુરુષો, સ્ત્રીઓ, બાળકો, ઘોડા, હાથી, સાયકલસવારો, જોકરોએ પૂરો રાઉન્ડ મારી પ્રેક્ષકોને સલામ કરી, વિદાય લીધી. રંગીન લાઈટની અવનવી ગોઠવણ, મ્યુઝિકના તાલમાં માર્ચ પાસ્ટ કરતાં કલાકારોને જોઈ અમે મુગ્ધ બની ગયાં.

ત્યાર બાદ એક પછી એક ખેલ રજૂ થયા. બૅલેન્સના અદ્દભૂત પ્રયોગો રજૂ થયા. સાઈકલનો ખેલ આવ્યો. એક જ સાઈકલ પર આટલા બધા સવારી કરી શકે છે એ જોઈ અમારે વનેચંદે કહ્યું, ‘આવી ખબર હોત તો છોકરાને જુદી જુદી સાઈકલ હું ન અપાવત.’

વચ્ચે જોકરો આવ્યા – લંબુ, ઠીંગુ, અકડતંબુ, લકડતંબુ અને માસ્ટર. કોઈ લાંબો તો કોઈ ઠીંગણો. કોઈ જાડો તો કોઈ પાતળો. તેમના ચિત્રવિચિત્ર રંગીન પોશાક, રંગેલા મોઢાં, જુદી જુદી જાતની ટોપીઓ, એકની લાંબી અણીવાળી ટોપી, એક પહેરેલી તૂટેલી હૅટ, એકને માથે સાદડીનો મોટો ટોપો, ખોટાં લગાડેલાં મોટા ગોળ નાક. જોકરો વાતવાતમાં બાઝી પડતા અને એકબીજાને સડાકસડાક લાફા વળગાળી દેતા, ખોખરા વાંસાના દંડા એકબીજાને મારતા – અવાજ એવો આવતો અમને થયું સાચે જ મારે છે, ફારસિયા જોકરોથી હસી હસી અમારી આંખમાં આંસુ આવી ગયાં.

જોકરો જે ખેલો ચાલતા હોય તેવાં ટિખળ કરતાં, સાઈકલનાં ખેલમાં લંબુએ સાઈકલ ચલાવી અને બધા આડાઅવળા તેને ટિંગાઈ ગયા, પણ બધા જોકરો સાથે સાઈકલ જ્યારે અવળી ફરવા માંડી ત્યારે તો ભારે મજા આવી. અમરકથાઓ

ઝૂલાના ખેલમાં અકડબંબુ અને લકડબંબુ સામસામા ઝૂલે અન્ય કલાકારોની જેમ ઊભા રહ્યા, ખેલ ચાલુ થયો. અકડબંબુ પગની આંટીપાડી અવળો ટિંગાઈ ગયો. આ તરફ લકડબંબુને પરાણે બીજા કલાકારોએ ધકેલ્યો. બંનેએ વચ્ચે મળવાનું હતું અને લકડબંબુને અકડબંબુના હાથને વળગી જવાનું હતું, પરંતુ ડરનો માર્યો લકડબંબુ બીજા ઝૂલે વળગી ન શક્યો અને તેનો માત્ર લેંઘો અકડબંબુના હાથમાં આવ્યો. માત્ર ચડ્ડી વરાણિયે એ પાછો ફર્યો ત્યારે નાનાં બાળકોની સાથે અમારા થોભણ, જશવંત અને સુલેમાન ભારે રાજી થયા. નાનાં બાળકોમાં તો જોકરો અતિ પ્રિય થઈ પડ્યા.

હું પણ નાનો હતો ત્યારે એમ વિચારતો કે મોટો થઈને હું જોકર થઈશ અને બધાને બહુ હસાવીશ, પરંતુ પછી સમજાણું કે બધું જાણતાં હોવા છતાં અણઘડ થઈ વર્તવું, પોતાની જાતને હાસ્યાસ્પદ બનાવી હાસ્ય સર્જવું, પોતાના અંગત દુ:ખો ગમે તેવાં હોય પણ એ યાતના સહી, તેના પર સમજણનો પરદો પાડી, સ્વસ્થ બની, નિશ્ચિત સમયે અન્યને હસાવવા, Show must go on ની ભાવના જીવંત રાખવી એ કેટલું અઘરું કાર્ય છે. શ્રી શયદાએ લખ્યું છે :

મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું,
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.

વચ્ચે ઈન્ટરવલ પડ્યો, ફરી સરકસ શરૂ થયું. ઘોડાના, હાથીના ખેલ સાથે રીંછ મોટરસાઈકલ ચલાવે અને સિંહ પાછળ બેઠો હોય એવો ખેલ પણ રજૂ થયો. હવે સરકસ પૂરું થવાની તૈયારીમાં હતું. છેલ્લા ખેલની તૈયારીઓ ચાલતી હતી. તાબડતોબ વચ્ચેના ગ્રાઉન્ડ ફરતા સળિયા ગોઠવી તેને અલગ પાડી દેવામાં આવ્યું.

પ્રવેશદ્વારથી સિંહ, વાઘ, ચિત્તાનાં પાંજરાં પ્રવેશી શકે તેટલી જગ્યા રાખવામાં આવી, વચ્ચે ટેબલો ગોઠવાયાં અને ચામડાના ઝરકીન તેમ જ બ્રિજીસ પહેરેલા રિંગ માસ્ટરો હાથમાં ચાબુક લઈ પ્રવેશ્યા. લાલ લાઈટો થઈ. જંગનું એલાન થતું હોય તેવા મ્યુઝિકે ભયંકરતા વધારી. રાની પશુઓની ગર્જનાથી તંબૂ હલબલી ઊઠ્યો. લોકોને થયું ખરાખરીનો ખેલ તો હવે છે. રિંગ માસ્ટર સામા થઈ જતાં, ઘુરકિયાં કરતાં અને ગર્જના કરી મોઢું ફાડતાં હિંસક પશુઓને જોઈ ઘણા હેબતાઈ ગયા, નાનાં બાળકો કેટલાક રોવા પણ માંડ્યા.

પાંજરા આવતાં જતાં હતાં, રિંગ માસ્ટરો પાંજરામાંથી પરાણે સિંહોને બહાર કાઢી તેમની પાસે ખેલો કરાવતા હતા ત્યાં ઓચિંતાની એવી ચીસ પડી, ‘ભાગો ! ભાગો !’ વાઘ પાંજરામાંથી છૂટી બહાર નીકળી ગયો છે ભાગો !’

આ સાંભળતાં જ પ્રેક્ષકોમાં જે નાસભાગ શરૂ થઈ છે, સરકસવાળા ન કરી શકે તેવા પ્રયોગો કેટલાક પ્રેક્ષકોએ કરી દેખાડ્યા. અમારો નટુ વાંદરો સાગ માથે ચડે, કોઈ ખલાસી વહાણના કૂવા થંભ માથે ચડી જાય તેમ સડસડાટ સરકસનાં થાંભલે ચડી ગયો અને તંબૂ બહાર અડધો નીકળી ગયો. સુલેમાન અને થોભણ સરકસના ઝૂલે ટિંગાઈ ગયા. સુલેમાન કહે, ‘વાઘનો બાપ હોય તો પણ આટલે ઊંચે ન પહોંચી શકે.’

જશવંત પ્રાણલાલની મોટરસાઈકલ ઉપર પ્રાણલાલનીય પહેલાં બેસી ગયો. અમે ગૅલેરીમાંથી ભફોભફ ધૂબકા મારી નીચે પડ્યા અને કળ વળે તે પહેલાં સ્ટેશન તરફ ભાગવા મંડ્યા. ઘણાખરા દોરડામાં ગૂંચવાઈ ગયા તો કોઈ વળી બીકમાં વાઘ સામા દોડ્યા. સૌને પ્રાણ બચાવવા એ પ્રાણપ્રશ્ન થઈ પડ્યો. અમારા ઉત્તમચંદ શેઠને શી ખબર શું સૂઝ્યું તે એ દોડીને વાઘના ખાલી પાંજરામાં ઘૂસી ગયા અને બારણું બંધ કરી દીધું.

સરકસવાળા મૂંઝાઈ ગયા કે વાઘને પકડીને પૂરશું શેમાં ?

રિંગ માસ્ટર શેઠને કહે, ‘બહાર નીકળો.’ તો શેઠે ટિકિટ બતાવી. લોકો ભાગતાં ભાગતાં પણ શેઠને જોતા જતા હતા.

એમાં મુકુન્દરાયે શેઠને કીધું, ‘અરે શેઠ વાધના પાંજરામાં ગયા છો ભૂંડા લાગો છો ભૂંડા, બહાર નીકળો. આ આબરૂના કાંકરા થાય છે.’ મુકુન્દરાયને એમ કે આબરૂ બચાવવા શેઠ બહાર નીકળે તો હું ગોઠવાઈ જાઉં પાંજરામાં. પણ શેઠ ઉસ્તાદનું ફાડિયું હતા. તેમણે કહ્યું, ‘કાંકરા ભલે થાય, થોડી વાર આબરૂના કાંકરા થાય તેનો વાંધો નહીં. આ વાઘ જો મારી નાખેને તો પાળિયા થાય, સમજ્યો ?’

અમે સ્ટેશન પહોંચ્યા. ટ્રેનનો ટાઈમ નહોતો, પણ એક માલગાડી જતી હતી અને વજુભાઇ ગાર્ડ હતા. અમને બધાને બ્રેકમાં વજુભાઈએ બેસાડી દીધા. અમે થાન ઊતરી ગયા. ગામમાં પહોંચતાં સવાર પડ્યું. ત્યાં ગયા એટલે વળી નવી વાત સાંભળી.

ગામવાળા કહે, ‘સરકસમાંથી રીંછ અને સિંહ ભાગી ગયાં છે અને આપણા ગામમાં ઘૂસી ગયાં છે. અમે કહ્યું, ‘અરે રીંછ અને સિંહ નહીં વાઘ છૂટી ગયો છે. અમે પોતે એ ખેલમાં હતા એમાંથી જ ભાગીને આવ્યા છીએ.’

પણ ગામના લોકો કહેતા તે સાચું હતું. ખોટાં સિંહ-રીંછ બની સરકસની નોકરી કરતા વિઠ્ઠલ અને નરસી સિંહ-રીંછનાં ચામડા ઉતારે એ પહેલાં તેમણે છૂટા વાઘને આવતો જોયો. બંને મોટરસાઈકલ પર બેસી આડા રસ્તે થાન આવી પહોંચ્યા હતા. બંનેએ સરકસની નોકરી તે દિવસથી છોડી એ છોડી. ત્યાર પછી કોઈ દિવસ સરકસ સામું જોયું પણ નથી.

અમે વિઠ્ઠલ અને નરશીને ભેટી પડ્યા. સૌએ પોતાની આપવીતીની આપ-લે કરી અને કોઈ ભીષણ સંહાર થયો હોય તેવા મહાયુદ્ધમાંથી વીરતાપૂર્વક બચી ગયેલા યોદ્ધાઓની જેમ અમારી વીરતાની વાતો કરવા અમે બહાર નીકળી પડ્યા.

✍ શાહબુદ્દીન રાઠોડ – ટાઇપીંગ – અમરકથાઓ ગ્રુપ

આ પણ વાંચો 👇

🍁 આવ ભાણા આવ – શાહબુદ્દીન રાઠોડ

🍁 શિક્ષકોનું બહારવટું – શાહબુદ્દીન રાઠોડ

મને ડાળે વળગાડો – શાહબુદ્દીન રાઠોડ

છોગાળા હવે તો છોડો બાળવાર્તા
છોગાળા હવે તો છોડો બાળવાર્તા
શિક્ષકોનું બહારવટું - શાહબુદ્દીન રાઠોડ
શિક્ષકોનું બહારવટું – શાહબુદ્દીન રાઠોડ

મુલાકાત બદલ આભાર – www.amarkathao.in 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *