Skip to content

Sindbad Ni Safar 3 | Alif Laila

Sindbad Ni Safar 3
6021 Views

Sindbad Ni Safar 3 ગુજરાતીમાં વાંચો. આ વાર્તા Alif Laila સીરિયલમાં પણ પ્રસારિત કરવામાં આવી હતી. Sindbad Ni Sat Safar માં આજે ત્રીજી સફર.

Sindbad Ni safar 3

સિંદબાદે ત્રીજી સફરની વાત શરૂ કરીઃ ‘‘ બીજી સફરના અંતે મેં ઘણું ધન મેળવ્યું હતું. હું એ વાપરતો અને એમાંથી ગરીબોને પણ દાન ખેરાત કરતો. મારા દિવસો સુખચેનમાં વીતતા હતા. પણ ફરી મારું મન દરિયાઈ સફર કરવાના વિચારે ચઢ્યું ને કેટલાક વેપારીઓનો સાથ મળતાં હું ત્રીજી સફરે ઊપડ્યો.

આ વખતે મેં મારું પોતાનું જહાજ ખરીદ્યું હતું. એમાં મેં વેપાર માટે ખૂબ માલ ભરી લીધો હતો. બગદાદથી બસરા ને એમ અમે આગળ વધતા રહ્યા. અમે અલગ – અલગ દેશોનાં બંદરોએ જહાજ લાંગરતા અને અમારો માલ વેચી નવો માલ ખરીદતા આગળ જતા હતા. ખરીદેલો માલ ફરી બીજા દેશમાં વેચતા અને એમ ઘણો નફો પણ કરતા રહેતા હતા.

એક અંધારી રાતે અમારા જહાજની લગોલગ આવેલા એક જહાજમાંથી દોરડાંનાં લંગર નાંખી અમારા જહાજને લૂંટારાઓએ પોતાના કબજામાં લઈ લીધું. એ લૂંટારા દરિયાઈ ચાંચિયા હતા. તેમની સાથે થયેલી ઝપાઝપીમાં કેટલાક સાથીઓ અમારે ગુમાવવા પડ્યા.

હું અને મારા થોડા સાથીદારો માંડ જીવ બચાવી તક મેળવી દરિયામાં કૂદી પડ્યા. જેમ – તેમ કિનારે પહોંચ્યા. પાછળ નજર કરી તો ચાંચિયાઓએ જહાજને આગ ચાંપી સળગાવી દીધેલું દેખાયું. તેઓ ત્યારબાદ લૂંટના માલ સાથે ભાગી છૂટયા હતા.

અમે કિનારે પહોંચી ઊંચા ખડક તરફ આગળ વધ્યા. ખૂબ મહેનત કરી તેની ઉપર ચડ્યા ને ગીચ જંગલ તરફ લપાતા છુપાતા અમે આગળ વધતા હતા. ત્યાં દૂરથી અમને ઢોલ વાગવાનો અવાજ સંભળાયો. અમે ચૂપચાપ ગીચ ઝાડી પાછળ સંતાઈને ઊભા રહ્યા.

થોડી વારમાં ટેકરીની તળેટીમાંથી ઘણા બધા માણસોનું એક ટોળું ઉપરની તરફ આવતું દેખાયું. ટોળું અમને જોઈ ન જાય એમ અમે સંતાઈ ગયા.

નજીક આવતાં જોયું તો અમારો શ્વાસ થંભી જાય તેવું એ દશ્ય હતું. આ કાળા ને કદાવર લોકો ડરામણા વેશવાળા હતા. તેઓ ચીસો પાડતા મેદાનમાં એકઠા થયા હતા. કોઈના હાથમાં લાંબો ભાલો, કોઈના હાથમાં તીરકામઠાં તો કોઈ વળી ફરસી જેવા હથિયારધારી હતા. તો કોઈએ માથે પક્ષીઓનાં પીંછાં ખોસ્યાં હતાં. શરીરે કાળી મેશ લગાવી હોય તેવા કાળા ડિબાંગ એ લોકોના ગળામાં માનવનાં હાડકાંની માળાઓ જોતાં જ અમે સમજી ગયા કે આ માનવભક્ષી જંગલીઓ હશે.

ઢોલનો અવાજ મોટો થતો ગયો ને આ કાળિયાઓ અમારાથી થોડેક જ દૂર વર્તુળાકારે ગોઠવાઈ ગયા. એમની વચ્ચે સૂકાં લાકડાંનો મોટો ઢગલો કર્યો. તેની વચ્ચે થોડું સૂકું ઘાસ મૂકી જે તેમણે ચકમકથી અગ્નિ પેટાવી સળગાવ્યો હતો. સાથે લાવેલા શિકારને તેની ઉપર રાખીને તેઓ વર્તુળમાં જોડાઈ ગયા હતા. છુપાઈને અમે જોયું તો તેઓ જે શિકાર લઈ આવ્યા હતા તે માનવ હતો. આ કાળિયાઓ તેનો બલિ આપવા ભેગા થયા હતા તે સમજતાં અમને વાર ન લાગી.

જીવ બચાવવા અમે પાછા પગે ભાગવા શરૂ થયા. અમારાં પગલાંનો અવાજ સંભળાયો હોય તેમ તેઓમાંથી કેટલાક અમારી પાછળ પડ્યા ને મારા સિવાય બાકીના બધા પકડાઈ ગયા.

મુઠ્ઠીઓ વાળી ભાગતાં ભાગતાં હું ઘણે દૂર નીકળી માનવભક્ષી શિકારીઓથી ખૂબ જ દૂર સલામત જગ્યાએ પહોંચી ઊભો રહ્યો. પાછળ નજર કરી તો પેલા માનવભક્ષીઓમાંથી કોઇ મારી પાછળ આવ્યું નહોતું. મને લાગ્યું કે તેઓએ મને જોયો નહિ હોય.

ભૂખ અને તરસથી બેભાન થઈ જવાશે એમ લાગતું હતું. મેં પાણીની કોઈ જગ્યા મળે તો શોધવા માંડી. એક ઝરણું મળી જતાં મેં તેમાંથી પાણી પીધું. પાસે ફળનાં ઝાડ પણ હતાં. ઝાડ પરથી ફળ ઉતારી ખાધાંને થાક ઉતારવા આડો પડ્યો.

થાકથી મારી આંખો ઘેરાઈ ત્યાં અચાનક ઘોડાના ડાબલાનો અવાજ સંભળાયો. હું ઊભો થઈ ગયો ને સંતાવા માટે નજીકના એક ઝાડ પર ચઢી ગયો. ઝાડનાં પાંદડાં વચ્ચેથી મેં જોવા માંડ્યું.

મને એમ કે પેલા માનવભક્ષીઓમાંથી કોઈક હશે, પણ મારી એ માન્યતા ખોટી ઠરી. ઘોડા સાથે આવેલા આ લોકો કોઈ બીજા જ હતા ને દેખાવ પરથી માયાળુ ને ભલા લાગતા હતા.

મેં ઝાડ પરથી નીચે ઊતરી તેમની પાસે જઈ મદદની માગણી કરી. મનુષ્યભક્ષી કાળિયાઓ પાસેથી હું જીવતો છૂટ્યો એને જ એમણે મારું સદ્ભાગ્ય ગણાવી મને સાથે લીધો.

તેમણે કહ્યું , ‘ પાસે જ અમારા રાજા રહે છે. અમે રાજાના ઘોડાને પાણી પાવા આ ઝરણાં પર આવ્યા હતા. હવે તમે અમારી સાથે ચાલો ને અમારા રાજાના મહેમાન બનો. ’

હું તેમની સાથે ચાલ્યો .
ઘોડાઓને જોઈને મને એ વાતનું અચરજ થયું કે , ‘ તેઓને તેમના ઘોડા પર બેસવા માટે જીન અને બેઠા પછી પગ ઠેરવવા પેંગડાં ન હતાં.

મેં પૂછી પણ નાખ્યું , ‘ તમે લોકો ઘોડા ઉપર બેસવા જીન કેમ નથી રાખતા ? પગ ઠેરવવા પેંગડાં કેમ નથી બનાવતા ? ’

મારા પ્રશ્નો સાંભળી તેમને નવાઈ લાગી. તેઓ બધા મને પૂછવા લાગ્યા , ‘ જીન ! એ વળી કેવું હોય ? પેગડાંશું ? ‘

મેં તે બધાને જીન અને પેંગડાંનો ઉપયોગ અને ફાયદાઓ સમજાવ્યા. મારી વાતમાં તેમને ખૂબ રસ પડ્યો. તેમની સાથે નગરમાં જઈ તેમને જીન અને પેંગડાંના નમૂના બનાવી આપ્યા.

આ વાતની જાણ તેમના રાજાને થઈ. ખાતરી કરવા રાજાએ જીન અને પેંગડાનો ઘોડે સવારી કરી ઉપયોગ કર્યો. સગવડમાં ઉમેરો થયેલો લાગવાથી ખુશ થઈ રાજાએ મને ખાસ રહેણાંક આપ્યુ અને તેમના બધા ઘોડા માટે જીન અને પેંગડાં બનાવી આપવાની કામગીરી સોંપી.

મેં રાજાના મોચી પાસે જીન તૈયાર કરાવ્યાં અને રાજાના લુહાર પાસે પેંગડાં તૈયાર કરાવ્યાં. હવે હું રાજાનો માનીતો માણસ બની ગયો અને રાજ્યના લોકો પણ મને આદર આપવા લાગ્યા. થોડા દિવસોમાં હું રાજાનો વિશ્વાસુ મિત્ર જેવો બની ગયો. રાજા મારી સાથે પરિવારના સભ્ય જેટલો જ પ્રેમ રાખતા. રાજાની જેમ રાજ્યના અમીરો અને ધનવાનોએ પણ મારી મદદથી તેમના ઘોડા માટે જીન અને પેંગડાં બનાવરાવ્યાં.

એક મોટા ને આબરૂદાર વેપારી તરીકે મારી સાખ બંધાણી. થોડા વખતમાં મારી પાસે ઠીક ઠીક પૈસો એકઠો થઈ ગયો. રાજાએ મને તેના દરબારીઓમાં સ્થાન આપ્યું ને અવારનવાર મારી સલાહ પણ લેવામાંડી.

એક દિવસ રાજાનું તેડું આવ્યું. હું રાજા પાસે ગયો. રાજા કહે, ‘ સિંદબાદ , તમે ખૂબ બહાદુર અને પ્રામાણિક છો. વળી અતિ સાહસિક અને વેપારી છો. તમારું મારે ખાસ કામ છે. તમે મારી સાથે આવશો ? ’ મેં હા પાડી અને હું રાજાને અનુસર્યો.

રાજા સાથે હું તેમના મહેલમાં ગયો. થોડા ઓરડાઓ વટાવી અમે એક મોટા દરવાજા પાસે આવી ઊભા રહ્યા. મને દરવાજા બહાર ઊભો રાખી રાજા અંદરના ભાગમાં ગયા. અંદર વાજિંત્ર વાગતું સંભળાતું હતું. અંદર દાખલ થવા રાજાના હુકમની રાહ જોતો હું ઊભો રહ્યો.

અંદરથી આવતો વાજિંત્રનો મધુર અવાજ એકાએક બંધ થઈ ગયો. તેમાં રાજાની રાજકુમારી હતી. તે રાજકુમારી રાજાને પૂછતી સંભળાઈ , ‘ પિતાજી ! બહાર કોને બોલાવ્યા છે ? તેઓ મારા માટે નવી સારંગી લાવ્યા છેકે શું ? ’
રાજાનો અવાજ સંભળાયો , ‘ બેટી , તને મળવા આજે મેં એક સાહસિક ને ધનવાન પરદેશી વેપારીને બોલાવ્યો છે. તું એમને મળે એવી મારી ઇચ્છાછે. ’

રાજકુમારીએ સંમતિ આપી હોય એમ લાગ્યું ને મને અંદર તેડવા રાજાનો હજુરિયો બહાર આવ્યો. હું તેની સાથે એ વિશાળ રોનકદાર ખંડમાં દાખલ થયો. નાની પરી જેવી દેખાવડી એવી રાજકુમારીએ સ્મિતથી મારું સ્વાગત કર્યું ને પછી મારા સ્વાગતમાં હોય તેમ વાજિંત્રના મધુર તાન સાથે તેણે એક મધુર ગીત છેડ્યું. રાજાએ આગ્રહ કરી મને ભોજન પણ તેમની સાથે જ લેવા કહ્યું. મેં વિનયપૂર્વક રાજાની એ વાત સ્વીકારી.
ભોજન દરમ્યાન રાજા અને રાજકુમારી સાથે ઘણી વાતો થઈ. ભોજન પૂરું થતાં મને એકલો મૂકવા બહાનું કાઢી રાજા સૂવાના ખંડમાં ગયા.

રાજકુમારી બાજુમાંથી વાજિંત્ર લઈ વગાડવા બેઠી ને એકાએક ગંભીર ને ઉદાસ થઈ જઈ તે વાજિંત્ર વગાડતીઅટકી ગઈ. તેની ઉદાસીનતાનું કારણ પૂછતાં તે બોલી, ‘ તમે અમારા સારા મિત્ર બન્યા છો. મારા પિતાજી, હું અને રાજ્યની પ્રજા એક મોટી આફતમાં છીએ એની યાદ આવી ગઈ તેથી હું ઉદાસ થઈ ગઈ છું. તમે બહાદુર અને બુદ્ધિશાળી છો. અમારા ઉપર આવેલી આફતમાંથી ઉગારવાનો કોઈ રસ્તો બતાવો એવી મારી માગણીછે. અમારા શહેર ઉપર કેટલાક દરિયાઈ ચાંચિયાઓનો ઉપદ્રવ મચ્યો છે. તેઓ લૂંટફાટ કરવા આવે છે ને અમારી નિર્દોષ પ્રજામાંથી ઘણાની કતલ કરે છે. તેઓ અમારી સ્ત્રીઓને ઉપાડી જાય છે. તમારા જેવા વીર પુરુષની વીરતા અને બુદ્ધિની તેમને મારી હટાવવામાં અમારે જરૂરત છે.

મેં કહ્યું , ‘ મારું તમને વચન છે. ’ આમ કહી મેં સર્વે પ્રકારે સહાય કરવાની ખાતરી આપી. પછી વિદાય લઈ મારા રહેણાંકે આવ્યો.

ત્યાં તો ત્રીજા દિવસે જ ચાંચિયાઓ શહેરમાં ઘૂસી આવ્યા. ચાંચિયાઓ જે હોડીમાં આવેલા તે સૂની મૂકી તેઓ લૂંટફાટ માટે શહેરમાં પ્રવેશ્યા હતા. આ તકનો લાભ લઈ હું પહેલાં તો એમની હોડી પાસે પહોંચી ગયો અને મેં એમની સૂની હોડીને સળગાવી તેનો નાશ કર્યો. ચાંચિયા પાછા ફરેતો નાસવાનું સાધન ન રહે એ મારો ઇરાદો હતો.

પછી રાજાના સૈનિકોમાંથી થોડાકને સાથે લઈ મેં લૂંટફાટ કરતા ચાંચિયાઓ સાથે જીવ સટોસટની બાજી ખેલી. ચાંચિયાઓને પકડી દોરડે બાંધી શહેરના ચોકમાં લાવી રાખ્યા. શહેરના બધા લોકોને ભેગા કરી ચાંચિયાઓએ કરેલી લૂંટની સજા કરવા લોકોને છૂટ આપી. ચોર લૂંટારાઓને જાહેરમાં પથ્થરો મારી મારી નાખવા એવો ત્યાંનો રિવાજ હતો.

લોકોએ ચિચિયારીઓ પાડી પથ્થરો ફેંકી બધા ચાંચિયાઓને પૂરા કર્યા. લોકો હંમેશ માટે ચાંચિયાઓનાં ભયમાંથી મુક્ત થયા. રાજાએ મારું જાહેર સન્માન કર્યું. મને વીરતાનો ચંદ્રક પણ એનાયત કર્યો. વધારામાં મને તેમના મહેલે ભોજન માટે નિમંત્ર્યો.

ભોજન બાદ રાજાએ મને કહ્યું, ‘ સિંદબાદ હવે તમે મારી સૌથી મોટી ચિંતા દૂર કરો. તમે મારી લાડકી રાજકુમારી સાથે લગ્ન કરો એવી મારી અંતરની ઇચ્છા છે. ’

રાજાની ઇચ્છાને વશ થઈ મેં તેમની કુંવરી સાથે લગ્ન કરવાની હા પાડી. એ કુંવરી જેવી રૂપવાન હતી તેવી જ ગુણવાનપણ હતી.

તરત રાજાએ ચાર તાળી પાડી. સેવકો દોડી આવ્યા. રાજાએ તરત હુકમ કર્યો કે ‘ આજથી નગર આખાને સરસ રીતે શણગારો , બાગબગીચા સાફ કરી સુશોભિત કરો. સુગંધિત ફુવારાઓ ચાલુ કરો. રાજકુંવરીનાં લગ્ન આપણે ધામધૂમથી કરવાનાંછે. ’

રાજાના હુકમનો અમલ થયો. સારું મુહૂર્ત જોઈ અમારાં લગ્ન કરવામાં આવ્યાં. ત્યારબાદ અમને રથમાં બેસાડી આખા શહેરમાં ફેરવવામાં આવ્યાં. લગ્નની ખુશાલીમાં રાજાએ શહેરના બધા લોકોને જમાડ્યા, બક્ષિસ આપી. ગરીબ લોકોને દાન આપ્યું. રાજકુંવરીની બહેનપણીઓ ખૂબ ખુશ હતી. તેમણે આખા શહે૨ માં મારું ખૂબ ઉમળકાથી ફૂલોના ગજરા વડે સ્વાગત કર્યું. રાજકુંવરીએ પોતે જાહેરમાં આવી લગ્નની ખુશાલીમાં સંગીત પીરસ્યું. એની પ્રિય સારંગી સાથે એણે સંગીતથી લોકોનું મનોરંજન કર્યું.

એવામાં એક ઘટના બની. રાજકુમારીની એક પ્રિય સખીનું અવસાન થયું. તેથી હું તેની તે સખીના પતિને આશ્વાસન આપવા તેમના ઘેર ગયો. તેનો પતિ મને જોઈ ચોધાર આંસુએ પોક મૂકી રડવા લાગ્યો. એ પછી બોલ્યો, ‘ ખુદા તારું રક્ષણ કરો અને તનેલાંબું આયુષ્ય આપો. ’

મેં તેને પૂછ્યું , ‘ તું મને કેમ આવું કહે છે ? ‘ તેણે આપેલો જવાબ ચોંકાવનારો હતો. તે બોલ્યો, ‘ તને અમારા સમાજના રિવાજની જાણ નથી. અહીં એવો રિવાજ છે કે પત્ની મરી જાય તો તેના પતિને પણ પત્ની સાથે જીવતાં દટાવું પડે છે. મારી જેમ તારી પત્ની તારા પહેલાં ન મરે ને તારે જીવતાં દટાવું ન પડે તેથી હું આમ કહું છું. ’

તેની વાત સાંભળી મારું મન વિચારે ચઢ્યું. મને લાગ્યું કે હું બરોબરનો ફસાયો છું.
મને અહીંથી ભાગી જવાનું મન થયું. મેં મનોમન નક્કી કરી લીધું કે ‘ મોકો મળતાં જીવ બચાવી ભાગીછૂટવું. ’ પરંતુ હું તેમ ન કરી શક્યો. રાજકુંવરી ખરા દિલથી મને ચાહતી હતી. હું તેને એકલી છોડીને ભાગી ન શક્યો. તેની સાથે દગો કેમ થાય ?

આખરે જે ન થવું જોઈએ તે થયું. થોડા જ દિવસોમાં મારી પત્નીની તબિયત બગડી. વૈદ્યો અને હકીમોને બોલાવી ઘણી સારવાર કરી પણ રોગ ન મટ્યો, એક દિવસ વહેલી સવારે તેણે અંતિમ શ્વાસ લઈ આ દુનિયાનો હંમેશ માટે ત્યાગ કર્યો.

મને આ રાજ્યના રિવાજની ખબર હતી. મેં રાજાને વિનંતી કરી, ‘ હું તો પરદેશી છુ મને તમારા રિવાજમાંથી બાકાત રાખો. ’ પણ તેમણે મારી વાત સ્વીકારી નહિ.

મારી પત્નીના શબની સાથે મને પણ એક મોટી કબરમાં જીવતો ઉતારી દેવામાં આવ્યો. મેં જોયું તો કબર અંદરથી વિશાળ મહેલ જેટલી મોટીહતી. એ લોકોએ મારી સાથે ખોરાક અને પાણી પણ મૂકેલાં. સાથે એક ઘોડાને પણ બળજબરીથી જીવતો ઉતારવામાં આવ્યો હતો.

મેં મને અંદર ન ઉતારવા ઘણી આજીજી કરી હતી પણ એના ઉપર ધ્યાન આપવામાં આવ્યું નહોતું. રાજા પણ મારી વિદાયની વેળાએ હાજર હતા. રાજા બોલેલા પણ ખરા, ‘ સિંદબાદ ! તમારા વિના અમને સાવ સૂનકાર લાગશે. પણ અમે લાચાર છીએ. ’ કહી તેમણે રાજકુમારીનું પ્રિય વાજિંત્ર સારંગી પણ મારી સાથે કબરમાં નંખાવી દીધું હતું. ત્યારબાદ શબની અંતિમ વિધિ કરી કબરને મોટા પથ્થરથી ઢાંકીને બધા લોકો ચાલ્યા ગયા હતા.

હું જમીન પર પટકાયો હતો. થોડી વાર તો આંખે અંધારાં આવી ગયાં હતાં. માથું ફાડી નાખે તેવી દુર્ગંધ હતી. મને કંઈ સમજ પડતી ન હતી કે મારે શું કરવું ! કબરની અંદર ઘોર અંધકાર હતો. મેં ખિસ્સાં ફંફોસી ચકમક પથ્થર કાઢ્યો. તેનાથી અગ્નિ પેટાવી રૂમાલ સળગાવ્યો. તેના પ્રકાશમાં સામાન સાથે આપેલ મશાલ શોધી સળગાવી. મશાલના અજવાળે હું ગુફામાં આગળ વધ્યો. મશાલના અજવાળે મેં આસપાસ જોવા માંડ્યું. ચારે તરફ હાડપિંજર, હાડકાં અને ખોપરીઓનજરે પડતાં હતાં.

મારા માટે ખોરાક અને પાણી હતાં એટલે એ ચાલે ત્યાં સુધી કશો વાંધો નહોતો. ઘોડાની મદદથી હું કબરના બીજે છેડે જઈ શકું તેમ હતો. ઘોડો સમજુ હતો એ હું દોરું તેમ દોરાવા લાગ્યો હતો અને એ પોતે પણ બચવા માગતો હતો.

અચાનક પવનની જોરદાર લહેરખી આવતાં મારા હાથની મશાલ ઓલવાઈ ગઈ. હું પવનની દિશામાં આગળ વધ્યો. થોડીવારે એક ઊંચા બાકોરા પાસે હું આવી ગયો. મને અજવાળું અને હવા બંને મળ્યાં. હું ખૂબ રાજી થયો. મારી શ્રદ્ધા વધી કે ખુદા મને જિવાડવા જ માગે છે. હું એ બાકોરાના સહારે આગળ વધ્યો. બાકોરામાંથી પ્રકાશ આવતો હતો. મહામહેનતે હું ત્યાંથી બહાર નીકળ્યો. બહારનું દ્રશ્ય જોતાં હું આનંદથી નાચી ઊઠ્યો, કેમ કે કબરની બહાર દરિયાકિનારે હું આવી ઊભો હતો ગુફાનું બાકોરું મોટું કરી હું પાછો તેમાં ગયો. નીચે કબરમાં શબપેટીઓ ખોલી, હીરા – ઝવેરાતથી શણગારેલાં શબો ઉપરથી કીમતી ઘરેણાં ઉતારી બધાને એક મોટી પેટીમાં ભરી લીધાં. એ પેટી લઈને હું ફરી પાછો દરિયાકાંઠે આવ્યો.

ઝાડના લાકડાનો એક મોટો તરાપો બનાવી પેટી સાથે બગદાદ પાછો ફરવા તૈયાર થયો. મારા સારા નસીબે દરિયા કિનારે થોડે આગળ જતાં એક વેપારી જહાજની મદદ મળી ગઈ. પેટીમાંથી થોડાં કીમતી ઘરેણાં જહાજના કપ્તાનને આપ્યાં ને એણે મને વગર આનાકાનીએ સાથે લીધો. આખરે અમે બગદાદ આવ્યા. આ સફરમાં મને ધન ઓછું મળ્યું હતું પણ અનુભવે એટલું સમજાયું હતું કે સત્તા, સંપત્તિ કે સલ્તનત આપણા હાથની વાત નથી. ”

સિંદબાદે પોતાની વાત પૂરી કરી અને કૂકડાના બોલવાનો અવાજ સંભળાયો ત્યારે ખબર પડી કે સાહસકથા સાંભળવામાં રાત આખી પસાર થઈ ગઈ હતી. છતાં હિંદબાદ સહિત બધાં આનંદમાં હતાં, કેમ કે રાતની ઊંઘ કરતાં સિંદબાદની સાહસકથા સાંભળવાનો લહાવો અનેરો હતો.

અહીથી વાંચો. – સિંદબાદની સફર – 4

સિંદબાદની સફર – 1 👉 https://amarkathao.in/sindbad-ni-safar/

સિંદબાદની સફર -2 👉 https://amarkathao.in/sindbad-ni-saat-safar/

1 thought on “Sindbad Ni Safar 3 | Alif Laila”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *