Skip to content

ચિઠ્ઠી – રમણભાઈ મહિપતરામ નીલકંઠ

ચિઠ્ઠી વાર્તા
5028 Views

ચિઠ્ઠી – રમણભાઈ મહિપતરામ નીલકંઠ, ભંદ્રભદ્ર અને રાઈનો પહાડ જેવી હાસ્ય નવલકથાઓ આપનાર લેખક રમણભાઈ નીલકંઠની સુંદર હાસ્યવાર્તા વાંચો, હાસ્યકથા, ખોટી બે આની, ગુજરાતી શ્રેષ્ઠ વાર્તા સંગ્રહ, ગુજરાતી સાહિત્ય વાર્તા, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા, ગુજરાતી વાર્તા સંગ્રહ, gujarati varta pdf, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા pdf, ગુજરાતી વાર્તા pdf, ગુજરાતી જોક્સ

ચિઠ્ઠી

રજાનો દિવસ હતો. અને હું ચોકમાં હિંચકે બેસી નવલકથાનું પુસ્તક વાંચતો હતો. નોકરે આવીને કહ્યું, ‘કોઇ મળવા આવ્યું છે.’ મળવા આવનારને અંદર લાવવા મેં સંમતિ આપી. તેને મારી સામે પાટ ઉપર બેસાડી આવવાનું પ્રયોજન પૂછ્યું. તેણે મારા હાથમાં પત્ર મુક્યો. પત્રના અક્ષર અજાણ્યા હતા અને તેમાં સહી કરનારનું નામ પણ અજાણ્યું લાગ્યું. પત્રમાં લખ્યું હતું, “હું ગઇ સાલ આપને આણંદ સ્ટેશને મળ્યો હતો તે યાદ હશે. બે ચાહ વેચનારા ચાહની તારીફ આપ્યા કરતા હતા ત્યારે મેં કહેલું કે ટેબલ પર ચાહની દુકાન છે ત્યાંની ચાહ આ બંનેથી સારી છે.

કાગળ લાવનારની હકીકત સાંભળી તેની ઇચ્છા પ્રમાણે તેને મદદ કરવા મહેરબાની કરશો. તા.ક. આ માણસ મારા સગામાં છે.” ચાહનો પ્રસંગ મારી સ્મૃતિમાં નહોતો, અને આટલી જૂજ ઓળખાણ પર ભારે બોજો મુકાય છે એમ મને લાગ્યું પરંતુ ‘સંબન્ધમાભાષણ પૂર્વમાહુઃ! (વાતચીત થઈ એટલે તરત મૈત્રી થયેલી ગણાય છે) એ રઘુવંશનું વચન લક્ષમાં લઇ પત્ર લાવનારને તેની હકીકત કહેવા મેં કહ્યું, તે બોલ્યો :

“મારા ભાણેજ છગનલાલ માટે વહીવટદાર સાહેબ વધારે પગારની જગાની ભલામણ નથી કરતા. છગનલાલને આ જગ્યાએ અઢી વરસ થયાં. અને વસ્તીપત્રકમાં પિંજારાના મહોલ્લામાં એને ગાળો ખાવી પડેલી. પણ છગનલાલ રૂશ્વત ખાય છે એમ કહી નોંધણી કામદારે વહીવટદાર સાહેબના મનમાં ખોટો વહેમ ઘાલ્યો છે, પણ નોંધણી કામદારની મરજી એ જગા પોતાના ભાઈબંધ અમથાલાલના દીકરા છોટાલાલને આપવાની છે. બહારથી એમ બતાવે છે કે અમથાલાલ સાથે મારે ભાઈબંધી નથી. પણ, નોંધણી કામદાર અહીં આવ્યા પહેલાં સાવલીમાં હતા ત્યારે અમથાલાલના ઘરથી ત્રણ ઘર છેટે રહેતા હતા. એ કહે છે કે હું દશ ઘર છેટે રહેતો હતો એ ખોટું છે. ત્રણ ઘર છેટે રહેતા હતા એવો પુરાવો હું આપ સાહેબને બતાવું.”

મેં કહ્યું, “મારે એવો પુરાવો શું કામ જોવો પડે?”

“વહીવટદાર સાહેબને ખાતરી કરાવાય કે નોંધણી કામદારને અમથાલાલ સાથે ભાઈબંધી છે.”

“તમારે તેમને ખાતરી કરાવવી હોય તો તમે કરો.”

“નાયબ ફોજદાર સાહેબને પૂછશો તો તે પણ હા કહેશે.”

“શાની હા કહેશે?”

“સાવલીમાં અમથાલાલના ઘરથી ત્રણ ઘર છેટે નોંધણી કામદાર રહેતા હતા. એક ઊંટની ચોરીની તપાસ કરવા નાયબ ફોજદાર સાહેબ ત્યાં ગયા હતા. રાવળીઆનું ઊંટ હતું અને બજાણીયા ચોરી ગયા એવું ચારણ લોક કહેતા હતા.”

“આ બધી હકીકત મને કહેવાની શી મતલબ છે?”

“વહીવટદાર સાહેબ ઉપર આપ સાહેબ ચિઠ્ઠી લખી આપો કે છગનલાલ રૂશ્વત નથી ખાતો અને બચરવાળ છે, તો એની ભલામણ કરે.”

“ક્યા ગામના વહીવટદાર અને તેમનું નામ શું?”

ચિઠ્ઠીના પ્રાર્થીએ ગામ અને નામ કહ્યું. મેં કહ્યું “પણ હું એ સાહેબને ઓળખતો નથી. કોઇ દિવસ એમને મળ્યો નથી.”

“પણ આપને તો એ નામે ઓળખતા હશે. આપનું નામ તો જાણીતું છે. એટલું લખી આપો કે છગનલાલ રૂશ્વત નથી ખાતો અને બચરવાળ છે માટે ભલામણ કરશો તો તો ગરીબ માણસનું કામ થાય.”

“હું છગનલાલને ઓળખતો નથી. એ ગામે હું કોઇ દિવસ આવ્યો નથી તો હું શી રીતે કહી શકું એ રૂશ્વત નથી ખાતો? એ બચરવાળ છે તે બતાવવા તો તમે વહીવટદાર સાહેબ આગળ એનાં છોકરાંને લઇ જઇ ઊભાં કરજો. મેં કાંઇ એનાં છોકરાં જોયા છે?”

“નોંધણી કામદારે ખોટો વહેમ ઘાલ્યો છે તેથી એ માર્યો જાય છે”

“જુઓ ભાઈ, હું તમને નથી ઓળખતો, વહીવટદાર સાહેબને નથી ઓળખતો, નોંધણી કામદારને નથી ઓળખતો, છગનલાલને નથી ઓળખતો. હું આ કામમાં શી રીતે વચ્ચે પડું?”

“અમથાલાલની બધી ખટપટ છે. છોટાલાલને જગા અપાવવા માટે એ અમલદારોના કાન ભંભેરે છે. ઊંટની ચોરીના કામમાં પણ એણે બહુ ખટપટ કરેલી… એનો કોઇ કાકો પણ ખટપટીઓ છે.”

“તેમાં મારે શું?”

“ગોવિંદલાલભાઈએ આપને કાગળ લખી આપ્યો છે. આપ સિવાય મારે બીજો આધાર નથી.”

“ગોવિંદલાલભાઈ સાથે મેળાપ થયાનું મને યાદ રહ્યું નથી, પણ મને એમણે સંભાર્યો તે મહેરબાની કરી છે. તમે એમના શા સગા થાઓ?”

“એમની દીકરીના દીકરાની સગાઇ મારા મામાની છોડી વેરે થવાની છે.”

“તમારી હકીકત મેં સાંભળી લીધી. હું ચિઠ્ઠી લખી આપી શકું તેમ નથી.”

“પણ સાહેબ મારો ભાણેજ રૂશ્વત ખાતો નથી અને બચરવાળ છે.”

“હું ક્યાં કહું છું કે એ રૂશ્વત ખાય છે અને બચરવાળ નથી?”

“તો સાહેબ ચિઠ્ઠી-“

“ચિઠ્ઠીની વાત કરશો જ નહિ. હવે બંધ કરો.”

છગનલાલના પ્રમાણિકપણા વિષે અને બહોળા કુટુંબ વિષે ઘણાં આગ્રહનાં વચનો સાંભળી મારે એ માણસને આખરે વિદાય કરવો પડ્યો.

નવલકથા આગળ વાંચવી મેં શરૂ કરી. પણ, અડધું પાન વાંચ્યું એટલામાં તો બીજો મળનાર આવી પહોંચ્યો. તેણે આપેલો કાગળ હું વાંચતો હતો. એટલામાં તેણે પાટ પર બેઠા બેઠા ડોકું કરી તથા લાંબો હાથ કરી બુમો પાડી કે જગાભાઈ! આવોને! ભગાભાઈ! આવોને! ગગાભાઈ! આવોને! એમ કહી બારણે ઊભેલા પાંચ છ માણસોને તેણે ચોકમાં બોલાવ્યા અને તેઓ આવી તેની જોડે પાટ ઉપર બેઠા. મને આપેલો કાગળ મારા ઓળખીતાનો હતો. તેથી આ મહાશયને મેં સકારણ ગણી આગમન કારણ પૂછ્યું. પ્રથમ આવનારે કહ્યું. “અમારા ગામમાં સરકાર સુધરાઈ ખાતું કાઢે છે.”

મેં કહ્યું, “બહુ સારું”

બધા બોલી ઉઠ્યા, “શું બહુ સારું? કર નાખે તેથી અમે બધા વેપારી માર્યા જઇએ.”

“ગામમાં રસ્તા થશે, દીવાબત્તી થશે, નિશાળ નહિ હોય તો નિશાળ થશે, દવાખાનું થશે. એ બધું કાંઇ કર નાખ્યા વગર થાય?”

“અમારે તો એમાંનું કાંઇ ના જોઇએ. નિશાળ તો હોય છે તે સરકારને બંધ કરવી હોય તો બંધ કરે. છોકરા નજીકને ગામ જઇ ભણશે. પણ સુધરાઈ ના જોઇએ. અમારું ગામ તો ખાડા ટેકરાવાળું છે. તેમાં સુધરાઈને શું કરવી છે? આજ લગી સુધરાઈ વિના ચાલ્યું અને હવે સુધરાઈ શા માટે કાઢે છે?”

“એ બધું મને શા માટે કહેવા આવ્યા છો?”

“દીવાન ઉપર ચિઠ્ઠી લખી આપો કે અમારા ગામમાં સુધરાઈ ના કાઢે.”

“એમ શી રીતે બને? રાજ દીવાન સાહેબને ચલાવવું અને હું અહીં બેઠો બેઠો ચિઠ્ઠીઓ લખું કે આમ કરજો અને આમ ન કરજો! રાજ વહીવટના કામમાં મને માથું મારવાનો શો હક?”

” આપ દીવાન સાહેબને લખો કે આ ગામ સુધરાઈ કાઢવા સરખું નથી. સુધરાઈથી ગામમાં ખટપટ જાગશે માટે સુધરાઈ કાઢવી ન જોઇએ.”

“દીવાન સાહેબે તજવીજ કરીને અને કાગળો વાંચીને જે અભિપ્રાય બાંધ્યો હોય તે મારી ચિઠ્ઠીથી ફેરવી નાંખે એ આપની માગણી વ્યાજબી છે? જેને માથે રાજની જવાબદારી હોય તે નક્કી કરે કે ફલાણા પગલાં લેવાં કે ન લેવાં. હું એમાં મારો અભિપ્રાય આપી શકું નહિ.”

“ભાઈએ તો કહ્યું કે તમે જશો એટલે ચિઠ્ઠી લખી આપશે.”

“મારે કેવી રીતે વર્તવું એ નિર્ણય કરવાની થોડી ઘણી છૂટ તો મને ખરી કે નહિ?” એ ગામમાં સુધરાઈ સ્થપાયાથી પડવાનાં દુ:ખ વિશે અનેક કલ્પનાઓ સંભાળવી ડેપ્યુટેશન ઘણી આનાકાનીથી વિદાય થયું.

નવલકથાનું પાનું હું પૂરું કરી રહ્યો એટલે એક વહોરાને લઇ એક માણસ આવ્યો. તેણે કહ્યું, ‘…..ભાઈએ કહ્યું છે કે આ વહોરાજીની હકીકત માટે એને ચિઠ્ઠી લખી આપવા જેવું છે.’ સંદેશો કહી તે ચાલતો થયો અને વહોરાજીને બક્ષીસ રૂપે મૂકતો ગયો. વહોરાજીને પૂછતાં માલુમ પડ્યું કે કોર્ટમાં તેની અપીલ ચાલવાની હતી તે કોર્ટના ન્યાયાધીશ પર તેને ચિઠ્ઠી જોઇતી હતી. મેં કહ્યું, “ઇન્સાફના કામમાં ચિઠ્ઠી અપાય નહિ.”

“હું બી એવી જ ચિઠ્ઠી માંગુ છું કે ઇન્સાફ કરજો.”

“એ સાહેબ હંમેશ ઇન્સાફ જ કરે છે. ત્યારે ચિઠ્ઠીની જરૂર શી?”

“ફક્ત જમણી અને દાબી આંખ જેટલો ફરક રાખે એટલી મારી અરજ છે.”

” મતલબ કે મારે લખવું કે આ વહોરાજી તરફ પક્ષપાત કરી ગેરઇન્સાફ કરજો?”

“નહિ સાબ, આદમ જાતને દાબી જમણીમાં ફરક કરવો પડે છે.”

“ઇન્સાફ કરનારને તો જેનું ખરું હોય તે જમણો અને જેનું ખોટું હોય તે ડાબો. તમારું ખોટું જણાય તો પણ ન્યાયાધીશ તમને જમણા ગણે એવી ભલામણ શી રીતે કરી શકાય?”

“….ભાઈએ તો કહ્યું કે તમને જરૂર ચિઠ્ઠી લખી આપશે.”

“એ સાહેબ તો મોટા માણસ છે. એમણે આવી ભલામણ કરી તે બહુ નવાઈ લાગે છે. પણ ઇન્સાફના કામમાં ન્યાયાધીશને હું કદી ચિઠ્ઠી લખતો નથી કે ભલામણ કરતો નથી.”

દાબી જમણી આંખની ફિલસુફી મને અનેક પ્રકારે ફરી ફરીથી સમજાવી વહોરાજી ઘણી નામરજીથી વિદાય થયા. પરંતુ નવલકથા આગળ વાંચવાનું મારા નસીબમાં નહોતું. મારો જૂના વખતનો જાણીતો અને સરકારી નોકરીમાંથી બરતરફ થયેલો એક કારકુન તરત દાખલ થયો. તેની બરતફીના હુકમમાં રહેલી ભૂલો વિષે વિસ્તારી વિવેચન તેણે મને અનેકવાર સમજાવ્યું હતું. અને તેની પુનરુક્તિ માટે હું સજ્જ થયો. પરંતુ તેણે જુદી દિશામાં વહાણ વાળ્યું હતું. તે બોલ્યો, “મારી પ્રથમની નોકરી પાછી મેળવવાની માથાકૂટ મેં મૂકી દીધી છે. મને બીજી નોકરી મળે તો બસ છે. તમે મારા છોકરાને નિશાળમાં નોકરી અપાવી પણ ઇજનેર ખાતામાં નોકરી માટે મેં અરજી કરી છે. માટે ઇજનેર સાહેબ પર મને ચિઠ્ઠી આપો કે એમના ખાતામાં જો…

નોકરી મારા લાયક હોય તો મને રાખે. અને ઇજનેર સાહેબના ઉપરી સાથે તમારે ઓળખાણ હોય તો તેમના પર ચિઠ્ઠી લખી આપો અને વસુલાત ખાતાના મોટામાં મોટા અધિકારી સાથે તમારે પિછાણ હોય તો તેના પર ચિઠ્ઠી લખી આપો કે તમારા તાબાના સૌ અધિકારીઓને ભલામણ કરજો કે રૂા. ૭૫ની જગા ખાલી પડે ત્યારે પહેલી આ માણસને આપે. અને જંગલખાતાના ઉપરીને તમે ઓળખતા હો તો તેના ઉપર ચિઠ્ઠી લખી આપો કે ખાલી પડતી જગા આ માણસને આપજો. અને હાલ જગા ખાલી ન હોય તો નવી જગા કહાડી આપજો. તમે લખશો તો જરૂર નવી જગા કહાડશે. મીઠા ખાતાના ઉપરીને તો તમે ઓળખો છો માટે તેના પર ચિઠ્ઠી લખી આપો કે મારો માણસ છે. માટે આને જગા આપ્યા વગર ચાલે તેવું નથી; કોઇ એમની વિરુદ્ધ કહે તો સાંભળશો નહિ.”

“તેના કરતાં હું તમને ગવર્નર જનરલ પર ચિઠ્ઠી લખી આપું તો કેમ?”

“શી ચિઠ્ઠી લખી આપશો ?”

“ચિઠ્ઠીમાં એમ લખું કે આ માણસને સરકારી તિજોરીમાંથી એક લાખ રૂપિયા આપજો. કેમકે નાણા વિના એ બહુ દુ:ખી થાય છે.”

“તમારે મન તો મશ્કરી છે પણ અમે કામધંધા વગર હેરાન થઈએ છીએ.”

“ત્યારે તમે જુદા જુદા અમલદારો પર મારી પાસે અણઘટતી ચિઠ્ઠીઓ લખાવી મારી હાંસી કરવાના પ્રયત્નો કરો છો એ તમારા ધ્યાનમાં નથી આવતું? એવી માંગણી હું કરું તે તેઓ સ્વીકારી શકે?”

“માગણી કરવામાં તમારું શું જાય છે? મારું નસીબ હશે તો કોઇ જગાએ જોગવાઇ થઈ જશે.”

“તમારે મન તો એમ કે વાગે તો તીર નહિતર ટપ્પો! હું મૂરખ ગણાઉં તેની તમને ચિંતા નથી.”

“સાહેબ, આટલી ઉમ્મરે મારી નોકરી ગઇ. હવે હું શું ધંધો કરું? બરતરફ થયેલા માણસને નોકરીમાં રાખવા કોઇ ખુશ ના હોય એ શું વાજબી છે? પરમેશ્વરને કોઇ કહેનાર નથી કે એ લોકોને આવી કુબુદ્ધિ કેમ આપે છે?”

“મને એવો વિચાર આવે છે કે બધું મૂકી તમને પરમેશ્વર પર લખી આપું કે ‘આ માણસને સ્વર્ગમાં દાખલ કરજો. એણે કાંઇ પુણ્ય કર્યાનું તો મારા જાણવામાં નથી. પણ એ મારો ઓળખીતો છે.’ પછી તમારે આ દુનિયાની વાતોની કાંઇ પરવા જ કરવાની નહિ, અને તમે સ્વર્ગમાં જઇ તમને થયેલા અન્યાય વિષે પરમેશ્વર સાથે સવાલજવાબ કરજો.”

“હજી તો મારે ઘણું જીવવું છે. રસ્તો ખોદનારા મજુરોની હાજરી લખવાની હંગામી નોકરી મને મળે તેવી ચિઠ્ઠી લખી આપો એટલે બસ છે. હું રૂશ્વત લીધા માટે બરતરફ થયો નથી પણ વગર રજાએ ગેરહાજર રહ્યા માટે બરતરફ થયો છું એટલું ચિઠ્ઠીમાં સમજાવજો.”

ચિઠ્ઠી લઇ તે વિદાય થયો. પણ, સૂર્ય આથમે ને ચંદ્ર ઊગે તેમ તેની પીઠ અદ્રશ્ય થઈ તે તરત એક કંટ્રાટ્રી દાખલ થયો. એણે મ્યુનિસિપાલિટીની નિશાળનું મકાન બાંધવાનો કોન્ટ્રાકટ રાખ્યો હતો. પણ બાંધકામમાં ચુનાને ઠેકાણે ચારું વાપર્યું હતું. ઇંટો પાકી લાલને બદલે આમરસી વાપરી હતી. લાકડાં મલબારી સાગને બદલે વલસાડી સાગ વાપર્યા હતાં, પાટીયાં આખાંને બદલે કાટવાળા વાપર્યા હતાં. વળીઓ ઓછી જાડાઇની વાપરી હતી. અને સ્ક્રૂને બદલે ખીલા વાપર્યા હતા. પાયા શરત પ્રમાણે ઊંડા કર્યા નહોતા; એવા કારણથી મ્યુનિસિપાલિટી તરફથી કોન્ટ્રાક્ટના પૈસા મળતા નહોતા. મેં પૂછ્યું, “મ્યુનિસિપાલિટી આ વાંધા કાઢે છે તે ખોટા છે?”

“બીજા અદાવતીઆ કંટ્રાટીઓની નનામી અરજીઓ પરથી મ્યુનિસિપાલિટીએ આ વાંધા કહાડ્યા છે!”

“પણ કોઇએ આ વાંધાના ખરાખોટાપણા વિષે તજવીજ કરી છે?”

“સરકારી ઇજનેર ખાતાના ઓવરસિયરે મ્યુનિસિપાલિટીના લખાણ ઉપરથી તજવીજ કરી છે.”

“તેમણે શો રીપોર્ટ કર્યો છે?”

“તેમણે તો લખ્યું છે કે મકાન તદન રદી છે અને પાડી નાખવું જોઇએ.”

“એટલે આ વાંધા એમને ખરા લાગ્યા છે?”

“હા, પણ મારા અદાવતીઆની ખટપટથી આ કામ ઊભું થયું છે.”

“કામ ઊભું થવાનું કારણ ગમે તે હોય પણ તમે કોન્ટ્રાક્ટ પ્રમાણે બાંધકામ કર્યું નહિ અને નબળું મકાન કર્યું તો તમને મ્યુનિસિપાલિટી નાણાં શી રીતે આપે?”

“સાહેબ, હું માર્યો જાઉં છું. મારે માલ માટે વેપારીઓનાં બીલ ચુકવવાનાં છે અને કડીઆ સુતારના રોજ ચુકવવાના છે. મ્યુનિસિપાલિટી પૈસા ન આપે તો હું શી રીતે નાણું પતાવું? “

“કપટ કર્યું તો તેનું ફળ ભોગવો.”

“કપટ શાનું! બધા કંટ્રાટીઓ એમ જ કરે છે. આ તો છીંડે ચડ્યો તે ચોર. કંટ્રાટ પ્રમાણે બધું કામ કરે તો કંટ્રાટીઓ કમાય શું? વચમાંના નાના નોકરોના મન મનાવવાં પડે અને હરીફાઇમાં કંટ્રાક્ટની રકમ તો ઓછી રાખવી પડે. ચસમપોશી વિના ધંધો જ ચાલે નહિ.”

“એ નીતિશાસ્ત્ર તમને મુબારક હો. પણ, હું કામમાં શું કરી શકું ?”

“મ્યુનિસિપાલિટીના સેક્રેટરી સાહેબ ઉપર આપ ચિઠ્ઠી લખી આપો તો મારું કામ થાય.”

“એવી ચિઠ્ઠી લખી આપું કે મ્યુનિસિપાલિટીનું હિત બગાડી આ માણસને નાણાં આપજો?”

“સેક્રેટરી સાહેબ તો ધારે તે કરી શકે.”

“શું ધારે? તમારા બાંધકામ માટે ઇજનેર ખાતાએ રીપોર્ટ કર્યો હશે, એમણે પોતે રીપોર્ટ કર્યો હશે, સરકારી ઓવરસિયરે રિપોર્ટ કર્યો છે, તે છતાં તમને નાણાં આપવાનું શી રીતે ધારે?”

“બધા કાગળ એક જ તુમારમાં છે.”

“તેથી શું?”

“એ તુમાર ગુમ થઈ જાય તો હું બીજા સારા રીપોર્ટ મેળવી શકું.”

“સેક્રેટરી સાહેબને દગો કરવા ચિઠ્ઠી લખું એવી સૂચના કરતાં શરમ નથી આવતી?”

“સાહેબ હું માર્યો જાઉં છું. બચરવાળ છું ગરીબ માણસ છું. આપ ભલામણ ન કરશો પણ ચિઠ્ઠી લખી આપો તો બસ છે. તે ચિઠ્ઠી લઇને સેક્રેટરી સાહેબને આપીશ. ચિઠ્ઠીમાં ગમે તે લખજો.”

“ગમે તે લખીશ તો ચાલશે.”

“હા સાહેબ.”

“નોટ પેપર લઇ તે પર ચિઠ્ઠી લખી આ પ્રમાણે વાંચી સંભળાવી :”આ ચિઠ્ઠી લાવનાર જે માગણી કરે છે તે એવી અઘટીત છે કે હું તેની ભલામણ કરું જ નહિ પણ ગરજવાનને અક્ક્લ નથી હોતી અને સ્વાર્થથી અંધાપો આવે છે તેના નમુના તરીકે આ માણસને આપની પાસે મોકલું છું. એ કહેશે તેથી આપને ક્રોધ ચઢશે પણ કામના બોજામાં રમુજ પણ થશે.

“તે બોલી ઉઠ્યો, “સાહેબ! આવી ચિઠ્ઠી?”

“તમે તો કહો છો ને કે ગમે તેવી ચિઠ્ઠી લખશો તો ચાલશે.”

“ગમે તેવી એટલે મને ગમે તે રીતે ફાયદો કરે તેવી.”

“હવે તમે અહીંથી ચાલ્યા જાઓ, નહિ તો તમે કરવા ધારેલા દગા વિશે હું પોલીસને ખબર આપીશ.”

કંટ્રાટી ચાલ્યો ગયો. “ગમે તેવી” ચિઠ્ઠી પડી રહી.

ચિઠ્ઠીના પ્રાર્થયિતાઓની ‘લેવી’ સાંજ સુધી ચાલુ રહી. નોકરી માટે, બદલી માટે, ઘર ભાડે આપવા માટે, વરકન્યાના સગપણ માટે, મફત મોતીઓ કાઢવા માટે, વેપારની ભાગીદારીમાં સામેલ કરવા માટે, કરામાં બારણું મુકવા દેવા માટે, વગેરે કામ કરવા માટે ભલામણની ચિઠ્ઠીઓ માગનારા એક પછી એક આવતા જ ગયા. મને શક પડ્યો કે મારે બારણે કોઇએ પાટીયું માર્યું હશે કે “આ ઠેકાણે ચિઠ્ઠીઓ અપાય છે.” તે માટે હું ઓટલે જઇને જોઇ આવ્યો પણ એવું પાટીયું જોવામાં આવ્યું નહિ. પ્રાત:કાલે આશા રાખી હતી કે આજે રજા છે. તેથી આરામ લેવાશે, નવલકથા વંચાશે, અને દહાડાની થોડી ઉંઘ લેવાશે તે બધી આશા વ્યર્થ ગઇ. સૂર્યાસ્ત થતો હતો ત્યારે સ્વ. મણિશંકરના ‘વસંતવિજય’માંના એક શ્લોકમાં થોડા શબ્દ બદલી હું ઉચ્ચારવા લાગ્યો,

“ઘેલી બની બધી સૃષ્ટિ ચિઠ્ઠીમાં હાલ નહાય છે ! હાય ! એક જ આ મારા હૈયામાં કૈક થાય છે.”

ચિઠ્ઠી લખી આપવાનો હક કોઇને વેચાતો લેવો હોય તો એક પૈસા માટે ‘કુલ અભરામ ન દાવે અઘાટ’ વેચાણ કરી આપવા હું ખુશ છું.

અન્ય હાસ્યલેખક ની હાસ્યકથાઓ વાંચો 👇

🍁 શો મસ્ટ ગો ઓન – શાહબુદ્દીન રાઠોડ

🍁 નટા-જટાની જાત્રા – શાહબુદ્દીન રાઠોડ

🍁 મુંબઇનો મારો પ્રથમ પ્રવાસ – શાહબુદ્દીન રાઠોડ

🍁 મને ડાળે વળગાડો – શાહબુદ્દીન રાઠોડ

🍁 જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ – શાહબુદ્દીન રાઠોડ

🍁 ચતુરાઇની વાર્તાઓ – મામો ભાણેજ

1 thought on “ચિઠ્ઠી – રમણભાઈ મહિપતરામ નીલકંઠ”

  1. Pingback: ગુજરાતી સાહિત્યની Best 101 વાર્તાઓનો સંગ્રહ | Gujarati Varta Pdf - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *