5487 Views
જલારામબાપાનાં ગુરુ એટલે સંત કવિ ભોજા ભગત. આજે વાંચો ભોજા ભગત નાં જીવન અને તેમની રચનાઓ વિશે. Bhojalram bapa, bhoja bhagat, bhoja bhagat na chabkha, Jalarambapa na guru. ભોજલધામ ફતેપુર, ભોજા ભગતના ચાબખા. ભોજલરામ બાપાનું જીવન. ભોજલરામ બાપાના પરચાઓ, ભોજા ભગતની રચનાઓ, ભોજલરામ બાપાનાં ભજન.
‘‘કીડી બિચારી કીડલી રે, કીડીનાં લગનીયા લોવાય,
પંખી પારેવડાંને નોતર્યા, કીડીને આપ્યા સન્માન,
હાલોને કીડી બાઈની જાનમાં હાલોને કીડી બાઈની જાનમાં “
ભોજલરામ બાપા (ભોજા ભગત) નું જીવન
આ પ્રખ્યાત ભજનના રચયિતા સંતકવિ એટલે ભોજા ભગત. ગિરનારની છત્રછાયામાં જેતપુર આવેલું છે. તેની બાજુમાં દેવકીગાલોળ ગામમાં ભોજા ભગતનો જન્મ થયો હતો. બુદ્ધપૂર્ણિમાનાં પાવન દિવસે તેમનો જન્મ થયો. કરશનદાસ અને ગંગામાં તેમના માતાપિતા. આવા તેજપૂંજ સમા પુત્ર રતનનાં આગમનથી કણબી કુટુંબમાં હરખની હેલી ચડી. અને હા … એમની જન્મભૂમિ ભલે દેવકીગાલોળ, પરંતુ તેઓએ અમરેલી પાસે આવેલા ફતેપુરને એમની કર્મભૂમિ બનાવી.
રાજાશાહીના વખતમાં ખેડૂતો એક સ્થળેથી બીજા સ્થળે ખેતી કરવા જતા હતા. ‘‘ જ્યાં ગાજે ત્યાં ગરાસ ” એ કહેવત પ્રમાણે જ્યાં સારો વરસાદ હોય, રાજા અને રાજ વ્યવસ્થા સારી ત્યાં જઈને લોકો વસતા. આવા જ કોઈ કારણસર આ કુટુંબ દેવકીગાલોળથી નીકળ્યું. વડોદરા રાજ્યનાં અમરેલી શહેરથી ત્રણ માઈલ દૂર ચક્કરગઢ ગામે આવ્યું. ત્યાંના નારણબાપા ધોરાજિયા ભોજા ભગતનાં માસિયાઈ ભાઈ થતા હતા.
પરંતુ ભોજા ભગતને કોઈ શાંત સ્થળમાં આશ્રમ બાંધી ભગવાનની ભક્તિ કરવાની તાલાવેલી જાગી.
અમરેલીથી દક્ષિણમાં બે માઈલનાં અંતરે એક ટીંબો હતો. સરસ મજાની વનરાજી ખીલી હતી. કેસુડાએ કામણ પાથર્યા હતા.
પરંતુ આ ટીંબા ૫૨ આવીને કોઈને વસવાનું ગમતું ન હતું. કારણ કે તે વખતનાં લોકો એવું માનતા હતા કે ટીંબા ઉપર ભૂતાવળ થાય છે. એટલે લોકો ત્યાં જતા નહીં. જો જાય તો રાત્રિ પહેલાં તે સ્થળ છોડી દેતા. આ વાત ભોજા ભગતે જાણી. તેમને ખૂબ દુ:ખ થયું. તેમણે લોકોનાં આ વહેમને દૂર કરવા માટે જ આ સ્થળે આશ્રમ બાંધ્યો.
આ ટીંબો એટલે આજનું ફતેપુર ગામ. હરિકીર્તનનાં સ્વર ગુંજવા લાગ્યા. વહેમી લોકોનાં વહેમ ઉપર ફતેહ મેળવી એટલે આ ગામનું નામ ફતેપુર કહેવાયું. કોઈ કહે છે બાપાએ વહેમ ઉપર ફતેહ કરી, તો કોઈ કહે છે બાપાએ ભૂત ઉપર ફતેહ કરી, પણ લોકો અહીંયા આવીને વસવા લાગ્યા. ધીમે ધીમે આ આશ્રમ અમરેલી જિલ્લાનું તીર્થધામ ‘ ભોજલધામ ’ બની ગયું.
ભોજલરામ બાપાનાં બે સમર્થ શિષ્યો થઈ ગયા. એક હતા જલારામ અને બીજા હતા વાલમરામ.
એક વાર ફતેપુરમાં મોટો મેળો ભરાયો. તેમાં હજારો ભક્તો તથા સંતો – મહંતો પધાર્યા હતા. તેમાં સંતો – ભક્તોને જમાડવાની આગેવાની જલારામનાં શીરે હતી. નાની ઉંમરનાં શિષ્ય જલારામને વારંવાર શંકા જતી કે રસોઈ ખૂટશે તો ? એટલે વારંવાર ભોજલરામ બાપાને પૂછવા જતા. કામ પૂર્ણ થતા વળી બાપાને પૂછવા ગયા કે બાપા ! હવે હું શું કરું ? એટલે બાપાએ રમૂજમાં કહ્યું કે , ‘‘ જા પડ પાટમાં.”
બસ બાપાનાં મુખેથી નીકળેલા શબ્દ એટલે બ્રહ્મવાક્ય.
જલારામ જઈને આખી રાત પાણીમાં ઊભા રહ્યાં. સવારે બાપાને ખબર પડી કે જલારામ તો સાચે જ પાટમાં પડેલ છે. તેમણે જલારામને બોલાવ્યા. ગુરુ – શિષ્ય ભેટી પડ્યા. આવી હતી જલારામની ગુરુભક્તિ.
બીજા શિષ્ય વાલમરામ. ગારિયાધારમાં આ વાલમરામ બાપાની જગ્યા છે અને ત્યાં સવાર – સાંજ પૂજા – અર્ચના થાય છે અને સદાવ્રત પણ ચાલે છે.
આ મહાનસંત ભોજા ભગતનાં રચેલા પદો ચાબખા નામે જાણીતા છે : ભોજાભગતે જગતના સ્વાર્થી અને દંભી લોકોને રીતસરનાં આડે હાથ લીધા છે. જેમ ચાબુકનાં ચાબખા મારવામાં આવે એ રીતે આવા લોકોને બરાબરના ઠપકાર્યા હોવાથી આવી રચનાઓ ‘ચાબખા’ તરીકે પ્રસિદ્ધ થયા.
-: ભોજા ભગત નાં ચાબખા :-
દુનિયા ભરમાવા ભોળી રે,
ચાલ્યો બાવો ભભૂતી ચોળી રે,
દોરાદાગા ને ચીઠ્ઠી કરે,
બાવો આપે ગુણકારી ગોળી રે ..
મનથી ફેરવો માળા રે,
મેલી દીયો જગતનાં ચાળા રે,
અનેક જન્મ થયા અડવડતા,
ને કર્મ લાગ્યા કાળા રે …
મૂરખો રળી રળી કમાણો રે, માથે મેલસે મોટો પાણો.
ધાઇ ધુતીને ધન ભેળું કીધું, કોટિધ્વજ કહેવાણો;
પુણ્યને નામે પા જૈ ન વાવર્યો, અધવચેથી લૂટાણોરે.
મૂરખો….
ભર્યા કોઠાર તારા ધર્યા રહેશે, નહિ આવે સાથે એક દાણો;
મસાણની રાખમાં રોળાઇ ગયા કઇક, કોણ રંકને કોણ રાણોરે. મૂરખો…
મંદિર માળિયાં મેલી કરીને, નીચે જઈ ઠેરાણો;
ભોજો ભગત કહે મુવા પુઠે જીવ, ઘણો ઘણો પસ્તાણો રે.
મૂરખો…..
અંતમા ભોજા ભગતનું પ્રખ્યાત અને તત્વજ્ઞાનનાં ગુઢ રહસ્યોથી ભરેલુ ખુબ જ પ્રખ્યાત ભજન માણીને આ લેખ પુરો કરુ છુ.
🌺 હાલોને કીડી બાઇની જાનમાં – ભોજા ભગત
કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં….
મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજુરો પિરસે ખારેક
ભુંડે રે ગાયાં રૂડાં ગીતડાં…હે પોપટ પિરસે પકવાન,
હાલો ને કીડીબાઇની જાનમાં….
મંકોડાને મોકલ્યો માળવે રે લેવા માંડવીયો ગોળ
મંકોડો કેડે થી પાતળો…હે ગોળ ઉપડ્યો ન જાય
હાલો ને કીડીબાઇની જાનમાં….
મીનીબાઇને મોકલ્યાં ગામમાં રે એવા નોતરવાં ગામ
હામા મળ્યા બે કૂતરા…હે બિલાડીના કરડ્યા બે કાન
હાલો ને કીડીબાઇની જાનમાં….
ઘોડે રે બાંધ્યા પગે ઘુઘરા રે, કાકીંડે બાંધી છે કટાર
ઉંટે રે બાંધ્યા ગળે ઢોલકા…હે ગધેડો ફુંકે હરણાઇ
હાલો ને કીડીબાઇની જાનમાં….
ઉંદરમામા હાલ્યા રે રીહામણે ને, બેઠા દરીયાને પેટ
દેડકો બેઠો ડગમગે…હે મને કપડાં પેહરાવ
જાવું છે કીડીબાઇની જાનમાં….
વાંસડે ચડ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ
આજતો જાનને લુટવી…હે લેવા સર્વેના પ્રાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….
કઇ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર
ભોજા ભગતની વિનતી…હે સમજો ચતુર સુજાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….
કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં…..
- ભોજા ભગત
મિત્રો પોસ્ટ અહીથી share કરી શકશો 👇 કોપી કરવાની મનાઇ છે.
🌻 અહીંથી વાંચો બાલમુકુંદ હવેલી ધરાઇ નો ઇતિહાસ
