Skip to content

બહારવટિયો : સૌરાષ્ટ્રની રસધારની અદ્ભુત લોકકથા 1

બહારવટિયો : સૌરાષ્ટ્રની રસધારની અદ્ભુત લોકકથા 1
9545 Views

બહારવટિયો લોકવાર્તા ઝવેરચંદ મેઘાણી લીખીત સૌરાષ્ટ્ર ની રસધાર માથી લેવામાં આવી છે. જ્યારે વિજળી પડવાનાં ભયથી સૌ છોડીને ભાગી જાય છે… ત્યારે તેના દુશ્મન બહારવટિયા આવે છે મોત સાથે બાથ ભીડવા.. Baharvatiyo – saurashtra ni rasdhar pdf – zaverchand meghani ni book, બહારવટિયા કોને કહેવાય ?, સોરઠી બહારવટીયા, બહારવટિયાનો ઇતિહાસ , બહારવટિયાના દુહા, ઝવેરચંદ મેઘાણી ની વાર્તાઓ pdf, ઝવેરચંદ મેઘાણી દુહા, ઝવેરચંદ મેઘાણી ની નવલકથા, ઝવેરચંદ મેઘાણીના જીવન પ્રસંગો

બહારવટિયો – ઝવેરચંદ મેઘાણી ની વાર્તાઓ

ઈડર શહેરમાં કાઠિયાવાડના અમરેલી ગામથી કોઈ જ્યોતિષ જાણનારો બ્રાહ્મણ આવ્યો છે. રાજા કલ્યાણમલજીને આ જોશીના સામર્થ્યની જાણ થઈ છે. એણે બ્રાહ્મણને રાજકચેરીમાં બોલાવ્યો.

બાહ્મણ આવ્યો. અને મહારાજે એને પ્રશ્ન કર્યો: “મારું મૉત કહી દેશો, જોશી?”

“મારવું-જિવાડવું એ તો પ્રભુના હાથની વાત છે, રાજાજી! હું તો ફક્ત જન્મોત્રીના આંકડા માંડીને ભવિષ્ય ભાખું છું.”

“મારું ભવિષ્ય જોશો?”

“આટલાં બધાં માણસોની વચ્ચે કહેવરાવવું રહેવા દ્યો, મહારાજ! ફરમાવો તો હું આપને એકાંતે મળું.”

“ના, ના, જોશી! આ તમામ મારા સાટે જીવ દેનારા રજપૂતો છે; એનાથી મારે અંતરપટ ન હોય. કહો, જે કાંઈ મારી જન્મકુંડળીમાંથી નીકળતું હોય તે.”

“ઠીક ત્યારે, બાપુ! આજથી ઓગણત્રીસમે દિવસે તમારે માથે વીજળીની ઘાત છે.”

મધ્ય ચૈત્ર માસ ચાલતો હતો. આભમાં વાદળાંનું ધાબું પણ નહોતું. રાત પડતાં નક્ષત્રો નિર્મળ તેજે ચળકે છે. આભને આઘે આઘેને ખૂણે વરસાદના વાવડ નથી. કલ્યાણમલજી જોશીની વિદ્યા ઉપર મીઠું મીઠું હસ્યા.

“મહારાજ!” જોશીએ જમદૂતની મક્કમ વાણીમાં કહ્યું: “આ આંકડાની ગણતરી છે — વિધાતાના લેખ જેવી. ઓગણત્રીસમે દિવસે જતન રાખજો.”

“અને ગણતરી ખોટી પડે તો?”

“તો જનોઈ બાળીને પી જાઉં.”

“એમ નહિ, મા’રાજ, જુઓ: તમારું ભાખ્યું જૂઠું પડે, તો જન્મકેદ દઈશ; અને સાચું પડશે તો ઈડર રાજ્યનું એક ગામ આપીશ. લાવો ત્રાંબાનું પતરું.”

ત્રાંબાનું પતરું મંગાવી કલ્યાણમલે એક ગામનો પટ્ટો કરી કારભારીને સોંપ્યો; આજ્ઞા દીધી કે “ઓગણત્રીસમો દિવસ ઊતરીને ત્રીસમો દિવસ ઊગે, અને જો વીજળી પડી હોય તો આ બ્રાહ્મણને લેખ સુપરત કરજો.”

બ્રાહ્મણને નજરકેદ રાખવામાં આવ્યો. અને ઓગણત્રીસ દિવસની અવધિ ઓરી ને ઓરી આવવા લાગી. થતાં થતાં બાવીસ દિવસ ઊગ્યા ને આથમ્યા, ત્યારે રાજનાં ચતુર માણસોનાં મનમાં વિચાર ઊગ્યો કે વખત છે ને કદાચ બ્રાહ્મણની વાણી સાચી પડે, માટે કોઈ વીજળીનો પછાડ ઝીલીને જતન કરે તેવી જગાએ ઓથ લેવો ભલો.

બ્રાહ્મણે કહ્યું: “બરાબર છે. હું નથી કહેતો કે રાજાનું મૉત છે; હું તો કહું છું કે મહારાજને માથે વીજળીની ઘાત છે. કોઈ સારો ઓથ લઈને તમે એ ઘાત મોળી પાડી શકશો.”
અમર કથાઓ

“ઓથ લેવાય એવું તો આપણા જોધપરિયા ડુંગરાનું ભોંયરું છે.” એમ જાણકારોએ જાણ દીધી. જોધપરિયાના ભોંયરામાં છેલ્લું અઠવાડિયું વિતાડવાનું નક્કી થયું. ભોંયરામાં સાફસૂફી થઈ, અને સરંજામ પહોંચ્યો.

વાદળની સાથે વાતો કરતો, જુગજુગથી વીજ-વરસાદના ને તોફાનના ઘા ઝીલતો કાળો જોધપરિયો; કાળના હૈયામાં ખટકતી ખીલી સરીખો, ઈડરની ધરતી ઉપર પડછાયા નાખતો અને ગરુડ પંખીઓને આશરો દેતો ઊભો છે. એની ભૈરવી ટૂંકને માથે કાળનો એક પણ ઘા ફૂટ્યો નથી: કોઈ વ્રતધારી જોદ્ધો જાણે કવચ પહેરીને આઠેય પહોરની આલબેલ દેતો ઊભો છે.

એવા અટંકી ડુંગરાની પલોંઠી નીચે મોટી દરબાર-કચેરી સમાય તેવડું પોલાણ પથરાયેલું છે. એ પોલાણની અંદર બાવીસમા દિવસની સંધ્યાને સમયે રાવ કલ્યાણલજીએ, પોતાની થાળીમાંથી કોળિયો લેનાર તેવતેવડા ને બુઝર્ગ મળી પાંચસો સંગાથીઓ સાથે રહેઠાણ આદર્યું, રોજ રાતે ગાણાં-બજાણાંના રંગરાગ રેલાવા લાગ્યા.

સાત દિવસમાંથી એક દિવસ વીત્યો… બીજો દિવસ ઊગીને આથમ્યો… ત્રીજા દિવસની ઝડ લાગી… તેમ તેમ તો રાવ કલ્યાણમલજીની નજર ખેંચાતી જાય છે કે જે પાંચસો સાથી સોનાની મૂઠે તરવાર લઈને પોતાની ચોગમ વીરાસને ઝૂકતા હતા તેમાંથી રોજરોજ થોડા થોડા સરકીને ઘરભેળા થવા લાગ્યા છે. કાળના મોઢામાં ઓરવા માટે જે રાખી મૂકેલા તે જ જોદ્ધાઓ આમ ઓછા થાય છે, તેથી રાવને તો કંઈયે વહેમ નથી આવતો. ‘કંઈક કામે જતા હશે,’ ‘કંઈક મારા રક્ષણનો ઉપાય વિચારવા જતા હશે’, એવો અર્થ કરીને રાવ મન વાળે છે.

પણ એમ જોતાં જોતાં ઓગણત્રીસમા દિવસનું પ્રભાત પડ્યું અને આભને આરે કાળના કાફલા નાંગરતા હોય તેવાં વાદળાંની આવ-જા મંડાઈ ગઈ. એક પહોર… બે પહોર… અને ત્રીજે પહોરે તો દોવળા ને ચોવળા થર બાંધીને વાદળાંએ આભમાં ટપોટપ જમાવટ કરી દીધી. કાળનાં ડમરું બાજતાં હોય તેવી ધણેણાટી એ ઘઘૂંબેલા ગગનમાંથી ઊઠવા લાગી. પ્રલયનાં નગારાં માથે કાળભેરવો વજ્રની ડાંડી વડે ધોંસા દેવા લાગ્યા. કોઈ મંત્ર જાણનારે મંત્ર છાંટીને મૉતની સેનાને જગાડી મૂકી છે.

કલ્યાણમલજીના હાથમાં હોકાની નળી રહી ગઈ છે, અને એને વીંટીને હવે એકસો જ સાથી બેઠા છે. એમાંથી તો એક પણ ઓછો થવાની બીક નથી. પણ જેમ જેમ તોફાનનાં મંડાણ જામતાં ગયાં, અને આભનાં ગડેડાટથી જોધપરિયો ડુંગર ગુંજવા લાગ્યો, તેમ તેમ કલ્યાણમલે દીઠું કે પોતાની હજૂરમાંથી એક પછી એક સાથી નોખનોખાં બહાનાં બતાવી લપાતો લપાતો સરતો જાય છે. એમ થાતાં થાતાં બપોરટાણું થયું ત્યાં તો પાંચસોમાંથી ચારસો-પંચાણું ફટકિયાં મોતી વિણાઈ વિણાઈને બહાર નીકળી પડ્યા, અને બાકી રહ્યા એંશી-એંશી વરસના પાંચ બુઢ્ઢાઓ. એ પાંચ ડોસા કઠણ છાતી કરીને રહ્યા તો ખરા, પણ રાવ કલ્યાણમલથી આઘેરા જઈને ભોંયરાના છેટા ખૂણામાં લપાતા બેઠા: પોતાના અન્નદાતાની પાસે બેસવાથી તો એને પણ વીજળી પડવાની બીક હતી!

ઝૂમણાં ની ચોરી
ઝૂમણાં ની ચોરી – ઝવેરચંદ મેઘાણી click


‘દુનિયા! વાહ દુનિયા! વાહ દુનિયા!’ એવા ત્રણ નિ:શ્વાસ રાવના હૈયામાંથી નીકળી પડ્યા. મરક – મરક – મરક મુખ મલકાવીને રાજા પોતાના ઓલવાતા હોકામાંથી જોર કરી કરી ઘૂંટો તાણવા લાગ્યા. બીજી બાજુ ગગનની પ્રલયકારી અસુર સેનામાં વીજળીનો વધારો થયો.

ઘડી આભનાં અંતર ભેદતી ને ઘડી ધરતીને માથે ગડથોલાં ખાતી વીજળીએ મહાઘોર નાટારંભ માંડ્યો: કડડ! કડડ! ત્રણ કટકા થઈને ડુંગરાને હલમલાવવા લાગી. પીળા, લાલ અને આસમાની રંગે ડુંગરો રંગાવા લાગ્યો. હમણાં ડુંગરનાં શિખર ખડેડીને ભુક્કો બની જશે, એવી ઘડીઓ ગણાતી થઈ.

ઈડર શહેરને ગઢે, કોટે, કાંગરે ઝાડવે ને ઝરૂખે હજારો માનવી ચડીચડીને જોધપરિયા ડુંગરા માથે મૉતની આતશબાજી મંડાણી હતી તે નીરખી રહ્યા: ઘડીક જળળળ અજવાસ: ઘડીક ઘોર અંધારું: કડેડાટ અને પવનના સુસવાટા: હમણાં ડુંગર તૂટશે… એ તૂટ્યો… એવા ફફડાટ: મહેલમાં માળાઓ લઈને ‘હર! હર! હર!’ કરતી બેસી ગયેલી રાણીઓ: અને હૈયે હૈયું દળાય તેવી મેદની: એની વચ્ચે કલ્યાણમલ હોકાની ઘૂંટો તાણતા, મોંમાં આંગળી નાખીને અચળ બેઠા છે.

એવે સમયે ઈડરના સીમાડા માથે એક સાંઢિયો પોતાની પીઠ ઉપર બે બોકાનીદાર પડછંદ અસવારોને ઉપાડીને ચાલ્યો આવે છે. જમીન ઉપર લા બળતી હોય એવા છબ્યા ન છબ્યા પગ માંડતો, ડિલને નીડોળીને પંદર-પંદર હાથ માથે ઝાંફો ભરતો, પોતાની ડોકને છેક અસવારના ખોળામાં નાખી દેતો, કટકા કરી નાખે તોપણ કણકે નહિ એવો, અને પા ગાઉ માથેથી પણ માનવીનાં પગલાં કળીને ખેતરવા જેટલે આઘે તરી જનારો, બા’રવટાંની રીતનો જાણનારો અસલ થરનો ઊંટ એ ડુંગરિયા પંથ કાપતો આવે છે.

માથે બેઠેલ અસવારો દૂધમલિયા જુવાનો જ છે. એમાંના એકનું નામ કલ્યાણસંગ અને બીજાનું નામ ઉમેદસંગ છે. બેયની કમ્મરે તલવારો લટકે છે, અને બેયના ખોળામાં લાંબી નાળીવાળી અક્કેક બંદૂક છે.

“ઉમેદા!” મોટા અસવારે યાદ કીધું.

“બોલો, ભાઈ!”

“ઉમેદા, જોજે હો, થડકારો થાય નહિ! આજ નાનકડી લૂંટમાં કોક બિચારા નવાણિયાને કૂટવામાં નથી રોકાવું. બહુ વાર બાપડા નિર્દોષોનાં માથાં ઉતાર્યાં છે. આજ તો ઈડર રાજનો મૂછનો વાળ હોય તેવાને જ ફૂંકી દેવો છે, હો! ભલે ત્યાં કટકા થઈ જઈએ!”

“મોટાભાઈ! મૂંઝાઓ મા. આ વખત છેલ્લી વારના જુવાર કરીને જ નીકળ્યો છું અને અબળખા નથી રહી. ગળોગળ આવી ગયા છીએ. આજ તો એને મારીને એના રુધિરમાં આપણી દાઢી-મૂછોના કાતર્યા ભીંજવવા છે.”

“ટીંટોઈની જાગીરનું એક છોકરું પણ જીવતું રહે ત્યાં સુધી ઈડરના ધણી નીંદર ન કરી શકે, એવી રીતે આજ મરી જાણવું છે, હો ભાઈ!”

શેણી વિજાણંદ
શેણી વિજાણંદ click ☝


“બહુ સારું, ભાઈ! અહાહાહા! પણ આ શો મામલો? ગઢનો કાંગરે કાંગરો ને ઝાડની ડાળીએ ડાળી આજ સજીવન કાં? કાળી રાતે ક્યાંય નહિ ને જોધપરિયા માથે વીજળી કાં ગડથોલાં ખાય?”

“અરે, પણ સીમાડે ક્યાંય એંધાણ નહિ ને શહેરમાં આ મેઘાડમ્બર ને વાવાઝોડું ક્યાંથી?”

બંને જણા અજાયબીમાં ગરકાવ થઈ ગયા. ગગનના કડાકા સાંભળી બંનેની વજ્ર-શી છાતી પણ થડક થડક થઈ વાદળના વાજિંત્ર સાથે તાલ દેવા લાગી ગઈ. અજવાસના ઝબકારામાં બંનેની આંખો અંજાઈ જવા લાગી, થોડી વારમાં તો સાંઢિયો ઈડરના દરવાજા પાસે આવીને ઊભો રહ્યો, અને આગલા અસવારે દરવાનને હાક દઈ પૂછ્યું: “આ બધું શું છે આજ?” ઉઘાડી તરવારે ટહેલતા પહેરેગીરે ટૂંકોટચ ઉત્તર દીધો: “રાવસાહેબને માથે વીજળી પડનારી છે.”

“કોણે કહ્યું?”

“અમરેલી ગામના જોશીએ.”

“ક્યાં છે રાવ?”

“જોધપરિયાના ભોંયરામાં.”

“કોણ કોણ છે સાથે?”

“હતા તો પાંચસો, પણ અટાણે પાંચ રહ્યા — તે પણ આઘેરા જઈ બેઠા છે.”

“ઉમેદા! સાંઢિયાને હાંકી લે જોધપરે!” એમ કહી કલ્યાણસંગ પાછલા કાઠામાં ટટાર થઈ ગયો. જોધપરિયા માથે ઊંટ વહેતો થયો. કોટને કાંગરેથી માનવી જોઈ રહ્યો કે સાંઢિયાના અસવારો જોધપરિયે મરવા માટે જાય છે! વીજળીના અજવાસમાં ઊંટ અનેક રંગે રંગાતો આવે છે. ગડગડાટ કરીને ખાઈ જવા તત્પર થયેલા આભ સામે છાતી કાઢીને મરણિયો ઊંટ ફાળ ભરતો ચાલ્યો જાય છે.

અસવારોએ ડુંગરાની તળેટીમાં ઊંટ ઝોકાર્યો. ઊંટ ઝૂક્યો–ન ઝૂક્યો ત્યાં તો બંને અસવાર સપાટામાં ઠેકડા મારી ઊતર્યા; ભોંયરાને બારણે દાખલ થયા.

“ઉમેદા! જોજે હો, તું કાંઈ કરતો નહિ; હું જ હિસાબ ચૂકવીશ.”

એટલું કહીને કલ્યાણસંગ દાખલ થયો. અંદર જઈને જુએ તો હલમલીને તૂટું તૂટું થતા ડુંગરાની નીચે જીવતા માણસનું પ્રેત બેઠું હોય તેવા રાવ કલ્યાણમલને બેઠેલ દીઠા.

એકલો, નિરાધાર અને મરવાની અણી ઉપર.

કલ્યાણસંગના અંતરમાં ઊભરો આવ્યો: “અહાહાહા! મારો ભાઈ, ઈડરનો છત્રપતિ એકલો!”

“મોટાભાઈ, ભારી લાગ મળ્યો! ફૂંકી દઉં છું. જે મોરલી…” એમ કહીને જ્યાં ઉમેદસંગ બંદૂક ઉગામવા જાય છે, ત્યાં તો કલ્યાણસંગે ઉમેદાનો હાથ ઝાલ્યો: “ઉમેદા! જામગરી ઓલવી નાખ!”

બેઉ ભાઈ રાવની પાસે જઈ ઊભા રહ્યા.

“કોણ તમે?” બોલતાં જ રાવનો અવાજ ફાટી ગયો.

“અમે કોણ? નથી ઓળખતો, બાપ? તેં રાન રાન ને પાન પાન કરી નાખેલ તારા ભાઈ! ઓળખ્યા કે નહિ?”

એટલું કહીને બંને જણાએ બુકાની છોડી. સૂસવાતા વાયરામાં બંનેની વાંકડી મૂછો ફરકી રહી.

“આ કોણ? કલ્યાણ! ઉમેદા! તમે આવી પહોંચ્યા?”

“હા, બાપ! અટાણે ન આવીએ તો પછી ક્યારે!” કહીને કલ્યાણસંગ કરડું હાસ્ય કર્યું.

“ભલે આવ્યા, કલ્યાણ–ઉમેદા! બ્રાહ્મણની વાણી સાચી પાડવા ભલે આવ્યા. તમારા મ્યાનમાં પણ વીજળી છે ને! ખેંચો ભાઈ!”

સાંભળીને બહારવટિયાની આંખ પલળતી દેખાઈ. બહારવટિયા કાંઈ બોલી ન શક્યા. ત્યાં તો ક-ડ-ડ-ડ ડુંગરો કડેડ્યો, અને રાવે કહ્યું: “કલ્યાણસંગ! ભાઈ! તું ભાગી જા. હમણાં વીજળી પડશે.”

અષાઢી સાંજનાં અંબર ગાજે lyrics
અંબર ગાજેને મેઘાડંબર ગાજે ગીત


“ભાગી જાવું હોત તો તો આવત જ શા માટે? અને તને બહુ વહાલા હતા તે તો ભાગી ગયા! એની ભંભેરણીથી તો તેં અમારો રોટલો ઝૂંટવ્યો છે!”

ક-ડ-ડ-ડ! બીજી વાર મૉતનો સાદ પડ્યો, અને મોટેરા બહારવટિયાએ કલ્યાણસંગ રાવનો હાથ ઝાલ્યો: “ઊઠ, ભાગી જા! બહાર નીકળી જા!”

“અને તું?” રાવે પૂછ્યું.

“હું તારો નામેરી છું. ઊઠ, બ્રાહ્મણની વાણી ભલે સાચી પડે. હું ખાઈ-પી ઊતર્યો છું. તું લાખોનો પાલણહાર —”

“હું ઊઠીને તને મારી ઘાત ઝીલવા દઉં? રામ રામ રામ…” ત્યાં તો કડડડ! ત્રીજો કડાકો થયો… આભ તૂટી પડ્યું… ડુંગરો હલમલ્યો… ઉપરથી શિખર ચિરાણું… બાર સૂરજ ભેળા ઊગ્યા હોય તેવો ઉજાસ થયો… અને એક પળમાં તો બહારવટિયા કલ્યાણસંગે રાવનું બાવડું ઝાલી ઘા કર્યો. રાવ આઘેના ખૂણામાં જઈ પડ્યો, અને ઉપરથી વીજળી પડી. બહારવટિયાના એ લંબાવેલા હાથને ખોટો પાડી, પાછી છલંગ મારી, ગુફાના જાણે ચૂરા કરી નાખશે તેવી કિકિયારી કરતી, તાંડવ રમતી ઈંદ્ર મહારાજની સળગતી સમશેર ગગનમંડળમાં પાછી ચાલી ગઈ.

પલકમાં તો તોફાન સંકેલાઈ ગયું. જાણે સ્વપ્નું આવીને ઊડી ગયું. બ્રાહ્મણના અક્ષર સાચા પડ્યા: ‘કલ્યાણ’ નામના બે માણસોમાંથી એક ઉપર વીજળી ત્રાટકી અને બરાબર વખતસર રાજા કલ્યાણમલની ઘાત લીધી.

“ભાઈ… મારો ભાઈ…!” એમ બોલતો રાવ આવીને બહારવટિયાના પગમાં પડી ગયો.
અમરકથાઓ

ગદગદ કંઠે કોઈથી કાંઈ બોલાયું નહિ.
————————————–
✍ ઝવેરચંદ મેઘાણી

આ પણ વાંચો 👇

🌹 આનુ નામ તે ધણી – ઝવેરચંદ મેઘાણી

🌹 ભાઇબંધી – ઝવેરચંદ મેઘાણી

👉 રજપુતાણી

👉 ગરાસણી

વાદળ ફાટવું એટલે શુ ?
વાદળ ફાટવું એટલે શુ ? click

ઝવેરચંદ મેઘાણી નાં લોકગીત pdf downland , ઝવેરચંદ મેઘાણી ની વાર્તાઓ pdf, ઝવેરચંદ મેઘાણી દુહા, ઝવેરચંદ મેઘાણી ની નવલકથા, ઝવેરચંદ મેઘાણીના જીવન પ્રસંગો, ઝવેરચંદ મેઘાણી pdf, ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર ની રસધાર, સૌરાષ્ટ્રની રસધાર pdf, મેઘાણીની લોકવાર્તા, સોરઠી બહારવટિયા, સોરઠની રસધાર, સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1 થી 5 pdf download, Saurashtra ni Rasdhar Pdf, saurashtra ni rasdhar all part, saurashtra ni rasdhar gujarati book

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *