Skip to content

51 માઈક્રોફિક્શન વાર્તાઓ | Best Micro fiction stories

માઈક્રોફિક્શન વાર્તાઓ
3669 Views

માઈક્રોફિક્શન વાર્તાઓ ડો. હાર્દિક યાજ્ઞિક, લઘુકથાઓ, ટુંકીવાર્તા, માઈક્રો ફિક્શન વાર્તાઓ, Microfiction stories, flash fiction stories, gujarati short stories, Best Gujarati stories pdf.

માઈક્રોફિક્શન વાર્તા એટલે શુ ?

માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ અંગ્રેજીમાં ખૂબ લાંબા સમયથી ચાલી આવતું, પ્રચલિત અને અનોખું સ્વરૂપ છે, અંગ્રેજીમાં તેને ફ્લેશ ફિક્શન પણ કહે છે. વિકિપીડિયા મુજબ ખૂબ ટૂંકાણમાં વાર્તાકથનનો આગવો પ્રકાર છે માઈક્રોફિક્શન, પણ તેની લંબાઈ વિશે કોઈ સ્પષ્ટ અવધારણાઓ કે નિયમો પ્રચલિત નથી. મહદંશે ૩૦૦ અને ઘણી વખત ૫૦૦ શબ્દો સુધીની મર્યાદા ધરાવતી વાર્તાઓને અંગ્રેજી સાહિત્યમાં માઈક્રોફિક્શન ગણવામાં આવે છે, ચીનમાં તેને ‘સ્મોકીંગ લોંગ’ કહેવાય છે, મતલબ કે તમારી સિગારેટ પૂરી થાય એ પહેલા વાર્તા વંચાઈ જવી જોઈએ, વળી તેને ‘પામ સાઈઝ’ વાર્તા પણ કહેવાય છે. તેના અન્ય નામોમાં પોસ્ટકાર્ડ, ક્વિક, ફ્યૂરીયસ, પોકેટસાઈઝ કે મિનિટ લોંગ ફિક્શન પણ કહેવાય છે.

51 માઈક્રોફિક્શન વાર્તાઓ

(૧) ગઇકાલે લગભગ ૫૦૦૦ માણસો પર્યાવરણ બચાવોની રેલીમા જોડાયા. આજે સ્વચ્છતા કામદારોએ શહેરના રસ્તા પરથી લગભગ ૮૦૦૦ જેટલા પાણીના ખાલી પ્લાસ્ટિક પાઉચ ભેગા કર્યા.

(૨) આજે ૧૫ વર્ષે બન્ને એક્બીજાની સામે આવ્યા. કંઈ કેટલીય યાદો સજીવન થઇ ગઇ. હજી કશું બોલવા જાય ત્યાં તો બન્ને તરફની ટ્રેનોએ પ્લેટફોર્મ છોડવાનું શરૂ કરી દીધું.

(૩) ૮૬ વર્ષે બા ગયા. દાદાને દિકરાઓએ કહ્યું, ‘આટલા તાપમાં તમને સ્મશાન સુધી નહી ફાવે. ઘરમાં જ રહો.’ દાદાજી રૂમમાં ગયા. લાલ ચટક સાડીને છાતી સરસી ચાંપીને કોઇને સંભળાય નહી તેમ મન મૂકી ને રડ્યા..

(૪) ઓફિસના પાર્કિગમાં મહેશ ચેરમેન સાહેબની મર્સિડીઝ જોઈને મનમાંને મનમાં હસ્યો. એના મને આજે આ ગાડી એકદમ તુચ્છ હતી કારણકે આજે જ એણે નવુ લ્યુના ખરીદ્યું હતું.

(૫) સંધ્યાકાળનો સમય થયો, ચાલતા ચાલતા ડાબી બાજુ આવતી મસ્જીદ તરફ સહેજ ડોકુ નમાવીને તેણે મનમાં કહ્યું “જય શ્રીકૃષ્ણ.”

(૬) “એય, આજે હું ઘરે જઇશ. નાહીશ ડોલ ભરીને, સરસ કપડા પહેરીશ. કાલથી ભાઇની દુકાનમાં નોકરી કરીશ.. ભાભી હવે વઢશે તો કહી દઇશ કે હવે તો ડાહ્યો થઇ ગયો છું. ભાઇ હવે મને મારશે પણ નહિ. ડોકટર કહેતા હતા રોજ દવા પીશ તો ધરે જવા મળશે. હું રોજ દવા પીવુ છુ. એટલે હુ આજે ઘરે જઈશ.” પાગલખાનામાં બધાંને ભેગા કરીને મિતેશે જાહેર કર્યુ.

પાછળથી ડૉકટરે આવીને પીઠ થાબડીને કહ્યુ, “મિતેશ, તારૂ ઘરે જવાનુ પાકું પણ પછી આ લોકોને તારા વિના સૂનું લાગશે એનુ શું? આ તારી બાજુના બેડ વાળો રતનતો સવારનો રડે છે અને ૧૦ નંબરના બેડવાળા શાંતિકાકાએ તો કશું ખાધું નથી.”

મિતેશે જાહેર કર્યુ, “એમ, તો તો કોઇને દુઃખી શું કામ કરવા? હું અહીં જ રહી જઇશ.”

(૭) સરકારી દવાખાનાનાં જનરલ વોર્ડમાં પડેલ ૧૦ પથારીઓ પાસે જઇને દરેકના ઓશીકા પાસે રૂ. ૧૦૦૦નું કવર મૂકીને કંઇજ બોલ્યા વગર તે ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો.

ઘરે આવતાં જ માંએ પૂછ્યું, “કોઠારી સ્વામીનો ફોન હતો. મંદિરે અન્નકુટની ભેટ મૂકી આવ્યો?”

એણે હસીને કહ્યું, હા મમ્મી..”

(૮) પરમાર સાહેબે એક પછી એક ફાઇલો ખોલીને તેમા વચ્ચે મૂકેલી ૫૦૦ની નોટને ભેગી કરીને પોતાના પાકીટમાં મૂકવા માંડી. એક ફાઇલમાંથી પૈસા ન નીકળ્યા. એ ફાઇલ એમણે પાસ કરી દીધી અને બાકીની કાલ માંટે પેન્ડિંગ રાખી. આજે એમને શ્રાવણ મહિનાના પહેલા સોમવારનો ઉપવાસ હતો.

(૯) “આ સાલા ભીખારીઓ વગર મહેનતે કમાવાના ધંધા માંડયા છે.” સુરેશભાઇ છણકો કરીને આગળ વધ્યા. કપાયેલા બન્ને પગ પરનું કપડુ સરખુ કરતા કરતા પ્રસરી ગયેલા કેન્સરનાં દર્દનો ઉંહકારો ભરીને તે બોલ્યો, “ભગવાન એનું પણ ભલુ કરજો.”

(૧૦) ન્યૂયોર્કના ટાઇમ સ્કેવર પાસે દુનિયાભરના દેશોના ધ્વજમાંથી પરમે ભારતનો ધ્વજ શોધી નાખ્યો. નાનકડા દીકરાને કહ્યું, “જો આ આપણા દેશનો ધ્વજ છે. આમ સલામી આપવાની.”
ત્યાંજ મોબાઇલ રણકયો, સામે છેડેથી પરમના પિતા બોલ્યા, “દીકરા, ટેન્ડર આપણને મળી ગયુ. ૪ કરોડ જરા નેતાજીના સ્વિસખાતામાં ટ્રાન્સફર કરી દેજે કાલ સુધીમાં..”

(૧૧) હ્યુમન રાઈટ કમીશન (માનવ અધિકાર પંચ) ના પ્રમુખ સાંજ પડે ઓફિસમાંથી ઘરે પાછા ફર્યા અને પત્નીએ કહ્યું, “આટલા ઓછા પગારમાં આટલુ બધું કામ કરાવો છો એમ કહી આપણા નોકરે કામ છોડી દીધું છે.”

(૧૨) શાંતિલાલ ૭૫ વર્ષે પણ રોજ અચૂક મંદિરે જાય. ભજનમાં બેસે અને પાછા આવે. ગઇકાલે મુખ્ય ભજનિક સવિતાબેન ગુજરી ગયા.
શાંતિલાલે હવે મંદિરની જગ્યાએ ઘરેજ પૂજા કરવાનું ચાલુ કર્યું.

(૧૩) નેતાજી અચાનક પુલ ઉપરથી પડી ગયા. લોકોમાં હાહાકાર થયો. એક કાકાએ પાણીમાં ઝંપલાવ્યુ અને જીવના જોખમે નેતાજીને બચાવ્યા. નેતાજીએ આભાર માન્યો. કાકાએ હસીને પેલા પાટીયા સામે જોયું જેમા લખ્યું હતું, “ગંદા કચરાથી ગંગાજીને બચાવો.”

(૧૪) એક લેખક મૃત્યુ પામ્યા. બીજા જ મહિને પસ્તીના પૂરા ૩૫૦ રૂ. વધારે મળ્યા.

(૧૫) ભાભીએ એના હાથ પકડીને જોરથી બંગડીઓ પછાડી. થોડા કાચના ટુકડા એને વાગ્યા. એને રડાવી જોઇએ એમ માનનારાઓએ કંઇ જ કસર ન રાખી. પતિના મરણપ્રસંગે જમવાનુ તો કંયાથી હોય પણ કોઈએ પાણી સુધ્ધાનું પૂછ્યુ નહીં. સવારથી એ એકનીએક જગ્યાએ બેસી રહી. રાત સુધી અલગ અલગ વ્યક્તિઓએ આવીને હિંમત રાખવાની એકની એક વાત કર્યા કરી. લગભગ ૧૨ વાગ્યા સુધી સગાવ્હાલાઓએ એને ભવિષ્યમાં શું કરવુ તેના અભિપ્રાય આપી દીધા. અંતે ૧ વાગે તે એકલી રૂમમાં આવી અને સહજ રીતે બોલી ઉઠી… “હાંશ !”

(૧૬) બારીની બહાર પાનની પીચકારી મારી બાંયથી મ્હોં લૂછતા સુમન માસ્તર મોટેથી બોલ્યા, “છોકરાઓ… જીવનમાં ખોટી ટેવથી હંમેશા દૂર રહેવું જોઇએ.”

(૧૭) નેતાજી નિવાસની સામેની ફુટપાથ પર વર્ષોથી બેસતા ખીમજી મોચીને પોલીસે દૂર કર્યો. કારણ પૂછતા જાણવા મળ્યું, ‘સિક્યોરીટી રિઝન.’

શહેર સ્વછતા અભિયાન હેઠળ બીજે ક્યાંય જગ્યા ન મળી. અંતે કુટુંબનું ભરણપોષણ ન કરી શકવાથી ખીમજીએ પરિવાર સહિત આત્મહત્યા કરી અને ચિઠ્ઠીમાં તૂટ્યા ફૂટ્યા અક્ષરે કારણ લખ્યું “સિક્યોરીટી રીઝન.”

(૧૮) રજનીભાઈએ સ્વભાવ મુજબ આ વખતે પણ ટ્રેનની મુસાફરીમાં બાજુ વાળા મુસાફર સાથે મિત્રતા કરી દીધી. આ વખતે બાજુમાં હતો ૨૫ વર્ષનો મયંક.
રજનીભાઈએ પોતાનાથી ત્રણગણા નાના મંયક સાથે પ્રેમ અને છોકરીઓની વાતો શરૂ કરી. શરૂઆતમાં તો એ શરમાયો પણ પછી થયું કે કાકા પણ આપણા જેવા જ છે. બે કલાક સુધીની વાતો પછી ધીમેથી આંખ મીંચકારી રજનીભાઈએ ગર્લફ્રેન્ડ માટે પૂછ્યું, બિન્દાસ્ત મયંકે મોબાઇલમાં રહેલા પર્સનલ ફોટા બતાવ્યા.

રજનીભાઇને જોરથી ઉધરસ આવી. ગળુ ખંખેરી એ બાથરૂમ તરફ વળ્યા અને ઘરે ફોન જોડીને કહ્યું, “આરતી, હું વળતી ટ્રેનથી ઘરે પાછો આવી રહ્યો છું.”

(૧૯) ઝૂંપડામાં લટકતા ગણપતિજીના કેલેન્ડર સામે આંગળી કરીને નાનકડો મનુ બોલ્યો, “આ ફોટા કેમ લટકાવવાના?”

કામ ઉપર જતી માંએ કહ્યું, “બેટા, એ ખાલી ફોટા નથી, ભગવાનના ફોટામાં જે હોય એ બધું સાચું હોય.”

માંની વાત સાચી માનીને ગઈકાલનો ભૂખ્યો મનુ કેલેન્ડરની પાસે પહોંચ્યો. એક ખાલી ડબ્બા ઉપર ચડીને ગણપતિજીની જમણી બાજુ પડેલા લાડુના થાળને ચાટવા લાગ્યો.

(૨૦) અંગ્રેજો સામેની લડાઈમાં શહીદ થનાર આઝાદ સ્વ. તિલકરામ જોષીના ફોટા સામે દીવો કરીને પ્રણામ સાથે તેમનો પ્રપૌત્ર અનિલ એરપોર્ટ જવા નીકળ્યો. એને બ્રિટનમાં સારી નોકરી મળી ગઈ. રહેવાનું, જમવાનું અને પરમેનેન્ટ રેસીડન્સી…

હાજી કાસમ તારી વીજળી વેરણ થઇ
હાજી કાસમ તારી વીજળી વેરણ થઇ

(૨૧) હિપ્નોટીઝમ

દારુડીયા બાપથી છુપાવીને રાખેલી રોટલી માએ ધરી ત્યાં તો રતલી અને નાનોભાઇ શનો રીતસરના દોડ્યા… રોટલી પણ એટલી સૂકાયલી કે બન્ને બાજુએથી ખેંચતા ભાઈબહેનના જોર સામે ટકી રહી..

અચાનક નાનકડા ભાઈની આંખોમાં રતલીથી જોવાઈ ગયું. ભાઈની બે દિવસથી ભૂખી આંખોએ કોણ જાણે કેવું વશીકરણ કર્યુ કે રતલીના હાથમાંથી રોટલીનો પોતાનો ભાગ આપોઆપ છૂટી ગયો.

(૨૨) ગરીબની દિવાળી

“સપરમાં દહાડેય માંગવા આવે છે. હવે ના પાડી દિવાળી કોણ બગાડે. જો પેલા પાછળના ડબ્બામાં જૂના પૌવા પડ્યા હશે.. નાખ એના વાટકામાં…” મોટા બંગલાના દરવાજે તોરણ બાંધતા બાંધતા ડૉ. શાહે પત્નીને બૂમ પાડીને કહ્યું.

ડોકટરને ત્યાંથી વાસી ખોરાક મેળવીને તેમનું નવુ વર્ષ તાજુ રહે એવા આશિર્વાદ આપી એક ગરીબ આગળ વધ્યો.

(૨૩) ભેદ

કોઈ ભક્ત દ્વારા લાવેલા સફરજનને સહર્ષ સ્વીકારતા મહારાજની નજર અનાયાસે એના પર વીંટાળેલા છાપા પર ગઈ. ચૂપકેથી છાપાનો ટુકડો ગાદી પાસે મૂક્યો.. આખાય પ્રવચન દરમ્યાન ધ્યાન સતત એના પર છપાયેલ ફોટા અને “પપ્પા હવે તો પાછા આવી જાવ” ની જાહેર વિનંતી પર જ હતું.

પછીના ચાર દિવસથી ગામમાં એક જ વાત ચર્ચાય છે કે ગામવાળાથી કોઈ મોટો ગુનો થયો હશે નહીં તો આમ કોઈને કહ્યા વગર અચાનકજ સિધ્ધબાબા અલોપ ન થઈ જાય.

(૨૪) દુર્ભાગ્ય

આપણે પૈસા પછાડો અને તપાસ કરાવો જો છોકરી હોય ને તો અબોર્શન……

(૨૫) સૈનિકની અધૂરી ઇચ્છા

સિયાચીન ગ્લેશિયરની બરફની ચાદરોમાં હાથમા ગરમાગરમ કાવાનો કપ લઇ એ વિચારતો કે ગઇકાલના હુમલામાં પોતે મારેલ સામેના દેશનો જવાન આમ જોવા જઈએ તો એના દેશ માટે તો શહીદ જ થયો ને?

કમસેકમ અમારી સીમામાં પડેલી એની લાશ એના ઘરવાળાને મળવી જ જોઈએ.. પણ એ શક્ય ન હતું.. કદાચ હું એ શહીદ માટે કંઈ કરી શક્યો હોત તો?

(૨૬) મૃગજળ

જુગારના દાવમાં એને લાંબે ગાળે મોટો ફાયદો દેખાતો… એ રમતો.. હારતો.. પણ થોડું વધારે રમીશ તો જીત મળી જ જશે એમ માની વધુને વધુ રમતો ગયો.. હારતો ગયો. પણ જેટલું રમે એટલી જીત દૂર જતી રહી.

(૨૭) સ્પેશ શટલ

નાનકડો જયુ આજે સવારથી ઉંચે ઉડે એવુ કાગળનુ સ્પેશશટલ બનાવામાં પડ્યો હતો. એની અંદર એણે એક ચિઠ્ઠી મૂકી “પપ્પા, મમ્મી કહેતી હતી કે તમે દૂર અવકાશમાં ગયા છો. તો પાછા કયારે આવશો? તમારા વગર નથી ગમતું.”

સ્કુલમાં ટીચરે કહ્યું હતુ કે સ્પેશશટલ જ એક એવુ યાન હોય જે દૂર અવકાશમાં વાદળોનીય પાર જઈ શકે.

(૨૮) અશ્વત્થામા

“અર્જુનની પુત્રવધુ ઉત્તરાના ગર્ભમાં રહેલ બાળકને બ્રહ્મશિરા શસ્ત્રનો ઉપયોગ કરીને અશ્વત્થામાએ બાળી નાખ્યો હતો.. જેની સજા સ્વરુપે કૃષ્ણે એને કુષ્ટ રોગથી પીડાતા, કળિયુગના અંત સુધી તિરસ્કૃત અવસ્થામાં ભટકવાનો શ્રાપ આપ્યો હતો..” ટી.વી.માં કોઇ મહારાજના મુખે આ વાત સાંભળતા સિસ્ટર રત્નાને પોતે જ્યાં કામ કરતી તે મેટરનીટી હોમના ડૉ. અસિત યાદ આવ્યા અને એના મનમાં થયું “એમણે તો કેટલાય.!!”

(૨૯) અણગમો

“મને આ ભીખારાઓ ઉપર બહુ ચીડ છે. ગાડીથી મંદિર સુધી પહોંચતા પહોંચતા ભીખ માંગી માંગીને જીવ લઇ લે સાલાઓ…” રોજની જેમ બબડતા બબડતા રમણિકશેઠ મંદિરમાં પહોંચ્યા. હાથ જોડી ધંધાની ઉન્નતિ, દિકરાના લગ્ન, ચાર વર્ષથી ચાલતા કોર્ટકેસનો નિકાલ અને શેરબજારમાં રોકેલા નાણા બમણા થવાની પ્રાર્થના બે હાથ જોડીને ઇશ્વરને કરી..

(૩૦) પડછાયો

“મોટાભાઈ મારું શરીર, ને હું એમનો પડછાયો. જ્યાં એ ત્યાં હું.. એ કહે એ મારા માટે પથ્થરની લકીર..” અમિત નાનપણથી જ દરેકને આમ કહેતો.

ગઇકાલે મોટાભાઇએ એની પાસે કેટલીક સાઈન કરાવી. આંધળા વિશ્વાસે વાંચ્યા વગર અમિતે દરવખતની જેમ સાઈન કરી.. વખત જતે પરિસ્થિતિનું ભાન થયું.. ને આજે મોટાભાઈ પડછાયા વગરના થઇ ગયા.

(૩૧) સંવાદ

કોઈકના લગ્નમાં આજે ૬૦ વર્ષ પછી બન્ને એકબીજાની સામે આવ્યા. બોખા ચહેરા મલકાયા.. દિકરા અને પૌત્રોની વચ્ચે વાત કેમ કરાય? એટલે બન્ન્નેની મોતીયો આવેલી આંખોએ બને એટલુ જોર કરીને વાતો ચાલુ કરી… અંતે એક પણ શબ્દ વગર બેઉને એટલું સંભળાયુ કે હજીય હ્રદયના એક ખૂણામાં પ્રેમ અંકબંધ છે.

(૩૨) અટકેલો સમય

“બેટા, મારી ઘડીયાળના સેલ આજે તો લઈ આવીશ ને?” સતત છઠ્ઠા દિવસે ઓફિસ જતા દિકરાને રિટાયર્ડ બાપે કહ્યું.

છણકો કરી દિકરાએ કહ્યું, “જોઈશ, જો ટાઇમ મળે તો.”

પોતાની નિઃસહાય હાલત પર દયા ખાતા બાપે બંધ ઘડીયાળમાં પોતાનો અટકેલો સમય જોયો.

(૩૩) અર્ધસત્ય

“જાનુ, હું કેવી લાગુ છું?”

“સરસ, પણ..”

(૩૪) દૂધપીતી (દિકરી)

દિકરાના તરછોડ્યા પછી જયારે દિકરી અને જમાઈ એમને પોતાના ઘરે લઇ ગયા ત્યારે આ જ દિકરીનો જન્મ ન થાય તે માટે લીધેલી પણ નિષ્ફળ ગયેલી ગોળીઓ એમને યાદ આવી..

(૩૫) જટાયુ

રાત્રીના અંધકારને ચીરીને આવતી કોઇ સ્ત્રીની ચીસો સાંભળીને પોતાની રહી સહી તાકાત અને લાકડીના સહારે એ ગલીમાં ગયો. એક સ્ત્રીને ઘસડતો માણસ જોયો.. બને એટલા જોરથી એ એમની ઉપર તૂટી પડ્યો.. એક સન્ન કરતી ગોળી આવીને હાડકાના એ માળાને પીંખી નાંખ્યો.. આજે પણ સીતાને લઇ જતા રાવણને જટાયુ ન રોકી શક્યો…

(૩૬) કર્ણ

“અમે બધા બૉસ અને મેનેજમેન્ટની સામે પડ્યા છીએ અને તું તો જાણે છે કે એ બધાએ ખોટું કર્યું છે તો પણ તું બોસની તરફેણમાં કેમ? અમારી જોડે આવ, તું તો યુનિયનનો લીડર થઇ શકે તેમ છે.” હડતાલે ચડેલાઓએ રાજેશને સમજાવ્યો.

કશુંય બોલ્યા વગર એ એકલો ઓફિસમાં કામ કરવા આગળ વધ્યો. એની નજર સામે એ દિવસો હતા જયારે કોઈ એનો હાથ નહોતું પકડતું ત્યારે આ જ ખોટા બોસે એને મદદ કરી હતી.

(૩૭) અમરત્વ

“બેટા, છે દુસમનની સોડી પણ આજ દુસમન બહારગામે ગયો સે ને દુસમનનો દુસમન એની સોકરીનું શીયળ લુંટી એને મારી નાંખે.. આજ દુસમની ભૂલી એ સોડી ને બસાવી ઈ આપણો ધરમ…” એમ બોલીને દુશમનની છોકરીને બચાવીને મૃત્યુને પામેલ આ બન્ને જણ આમ તો અહીં પાળીયા થઇ ગયા પણ અમાર ગામ માટે તો એ પાળિયા નહી અમરત્વની નિશાની છે. આમ બોલતા આપા પથ્થરના બે દેવને પગે લાગ્યા.

(૩૮) બીજી ઇનિંગ

સ્કુટરને દિવ્યાબેનની એકદમ પાસે ઉભુ રાખી સંજયભાઈએ હેલમેટ ઉતારતા કહ્યું, “લે ચલ.”

દિવ્યાબેન શરમ અને સંકોચ સાથે બોલ્યા “પણ સમાજ અને લોકો!”

“થોડી વાત કરી ભૂલી જશે.. પણ આપણે બાકીનું જીવન પોતાની મસ્તીથી જીવી શકીશું.. બોલ આવે છે?” સંજયભાઈના શબ્દોમાં આત્મવિશ્વાસ હતો.

દિવ્યાબેન પૂજાની થાળી રસ્તા પર જ મૂકી સ્કુટર ઉપર બેસી ગયા. બીજા દિવસે છાપાના ચોથા પાને હેડલાઈન હતી, “૬૦ વર્ષના એક વિધુરે તેની જ સોસાયટીમાં રહેતી એક વિધવાને ભગાડી..”

(૩૯) છેલ્લા સાત વર્ષથી વિદેશ જઇને વસેલા દીકરાએ ભારતમાં એકલી રહેતી માને ફોનમાં પૂછ્યું, “મમ્મી, મજામાં છે ને?”

મા સહેજવાર મૂંગી રહી અને પછી બોલી “હોઉં જ ને…”

(૪૦) એક પ્રખ્યાત રાજકીય પાર્ટીએ આગામી ચૂંટણીના પોતાના પ્રતિનિધિને સત્કારવા સાચા રેશમના તાકાની મોતી મઢેલ રૂપિયા ૫૦,૦૦૦ની કાશ્મીરી શાલ અર્પણ કરી.

ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તાઓનો સંગ્રહ
ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તાઓનો સંગ્રહ

અતિશય ઠંડી સહન ન થતા ગઇકાલે એ જ મત વિસ્તારની ફુટપાથ પર રહેતા એક ગરીબ કુટુંબના ૩ સભ્યો મૃત્યુ પામ્યા.

(૪૧) પોતાના દીકરાના દીકરાએ પોતાનાથી મોટી ઉંમરની એક આફ્રિકન સ્ત્રી સાથે લગ્ન કરી, તેના ઘરે સામેથી રહેવા ગયાનું જાણીને અપર્ણાબહેને દીકરા નિમેશને ફોન કર્યો.

“ઈન્ડિયામાં શું રાખ્યું છે” એમ કહીને વર્ષો પહેલા અમેરીકા આવી વસેલા નિમેશભાઇએ સિફતથી ડુસકું છુપાવતા અપર્ણાબહેનને કહ્યું “મા, તું સમજીશ નહીં, અહીં તો આવું જ હોય.”

(૪૨) શિક્ષણ વિભાગ તરફથી ચાલતા પરિસંવાદમાં “ગુજરાતી ભાષાની શુદ્ધતાને અક્ષત રાખવાના પરિપેક્ષ્યમાં ગુજરાતીઓનો નીતિધર્મ અને શિક્ષકોની ફરજ” વિષય પર રાજ્યના ભાષા શિક્ષકોને ફરજીયાત ભાગ લેવડાવામાં આવ્યો.

એક માસ્તરે ધીમેથી બાજુવાળાને પૂછ્યુ “મારુ હાળુ, ઓંય કંઈ ખવરાવસે કે પછ ખાલ ખાલ ભાહણ જ આલે રાખસે?”

(૪૩) ઘરડાઘરના વિઝિટીંગ અવર્સમાં બાપને મળવા ગયેલા રાકેશે સહજતાથી કહ્યું, “આજકાલ ટોમી સહેજ બારણું ખુલ્લું જુએ કે તરત દોડીને ભાગી જાય છે. માંડ માંડ પકડીને લાવવો પડે છે. ઘણીવાર તો લાગે છે કે ટોમી નહીં હોય તો હું કેમ કરીને જીવી શકીશ.”

બાપાએ રાકેશના ખોળામાં બેઠેલ ટોમીના માથા પર હાથ ફેરવતા કહ્યું “લકી ડોગ.”

(૪૪) એક દેશના નેતાને ખરેખર હ્રદયથી દેશસેવા કરવાનું મન થયું. ખૂબ વિચારીને આખરે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.

(૪૫) સંપૂર્ણ અહિંસામાં માનનારા સુમનલાલે કાચબાછાપ મચ્છર અગરબત્તી ખરીદી, તેના વગર એ શાંતીથી સૂઈ પણ શક્તા નહોતા.

(૪૬) છાપામાં મોટા અક્ષરે સમાચાર હતા, “દેશમાંથી બાળમજૂરી દૂર કરવા સરકાર કટિબદ્ધ છે.” છાપામાંથી મોં ઉંચું કર્યું તો ગેલેરીની નીચેથી લગભગ ૫ કિલોનુ વજનવાળું દફતર લઇને નિશાળ તરફ જતાં બે છોકરાઓ દેખાયા.

(૪૭)

ઝૂંપડાનું છેલ્લુ વાસણ પણ ટપકતી છત નીચે ગોઠવીને કલ્લુ રોજની જેમ મંદિર ગયો.

બે હાથ જોડીને ઇશ્વરને પ્રાથના કરી “ઓણ સાલ વરહાદ હારો કરજે હોં બાપ… આ ધરતીમાને પોણીની જરુર સ..”

(૪૮)

રોગથી વ્યાકુળ પત્નીને હોસ્પિટલ પંહોચાડવાની જલ્દીએ દિપકભાઇએ જોરથી ગાડીનું હોર્ન વગાડયું. અચાનક પતિ પત્ની બન્નેની નજર આગળ જતી રીક્ષા પર લખેલા વાક્ય પર પડી અને ક્ષણાર્ધ માંટે દુઃખ ભૂલી બેય હસી પડ્યા..

ત્યાં લખ્યુ હતું.. “તકલીફ તો રહેવાની જ..”

(૪૯)

કંપનીના ડાયરેક્ટરની સીટ પર પહેલી વાર દીકરાને બેસાડતા પિતાએ એક ખાસ વાત શીખવી, “એમ્પલોઈઝ પર બીક રાખવી બહુ જરૂરી છે. જો એમના પ્રત્યે લાગણી રાખીશ તો આપણો ફાયદો લેશે.. એક કે બે ને નાનકડા વાંકે પણ નોકરીમાંથી કાઢી મૂકજે. બીજા આપો આપ સમજી જશે..”

ઓફિસથી થોડે દૂર, ગોચરમાં, પહેલી વાર ધણ ચરાવા લઇ ગયેલ દીકરાને બાપે લાકડી આપતા સમજાવ્ય્ં, “જો, આ તો ડોબું કહેવાય.. ઓ ના દૂધથી જ કમાવાનું છે.. લાકડી હાથમાંં ડરાવવા રાખવાની, પણ ઇ ને વાપરવાની ભાગ્યે જ! ઈ આપણી મિલકત સ.. ઇ ને હમજીશ તો ઇ ડોબુય તને હમજશે..”

(૫૦)

મોટાભાગના લોકોની ૧૪મી ઓગસ્ટે ફોન પર થતી વાતોનો નિચોડ
“કાલનો શું પ્લાન છે?”
“શું હોય? કાલે ૧૫મી ઓગસ્ટ છે એટલે રજા.. મોડા ઊઠીશું.. ટી.વી. માં તો દેશભક્તિની પીપુડી વાગતી હશે એટલે ડીવીડી પર હોલીવુડનું કોઈ સારું મૂવી જોઈશું. બપોર પછી ફરવા નીકળીશું.. તમારો શું પ્લાન છે?”

(૫૧)

ગઇકાલે મન્નત પૂરી કરવા એ પીરબાબાની મઝાર પર ચાદર ચડાવા ગયો… ખબર નહી શુંં થયું તો દરગાહે ખાલી માથું નમાવી બહાર આવી ગયો. મસ્જીદની પાસે બેઠેલા ફકીરને નવી નક્કોર ચાદર ઓઢાડી… ઘરે ફોન કર્યો, “મન્નત કબૂલ થઈ ગઈ છે અમ્મી.”

✍ ડો. હાર્દિક યાજ્ઞિક 🕳 સંકલન અમરકથાઓ

માઈક્રો ફિક્શન સ્વરુપ

સદીઓથી માઈક્રોફિક્શન અનેક નામરૂપ આપણી વચ્ચે છે, બોધકથાઓ, દંતકથા કે પુરાણકથાઓ, બાળકવિતાઓ, કહેવતો, ટૂચકા, રૂઢિપ્રયોગો કે ચબરાકીયાં વગેરે એક કે બીજી રીતે માઈક્રોફિક્શનના જ પ્રકારો ગણી શકાય અને એ રીતે પંચતંત્રની કથાઓ, ઈસપની બોધકથાઓ, જૈનકથાઓ, ઝેનકથાઓ, મુલ્લા નસરુદ્દીનની કે અકબર-બિરબલની વાતો એક રીતે માઈક્રોફિક્શન જ ગણાવી જોઈએ. ઇટાલી, જાપાન, અમેરિકા અને યુરોપમાં માઈક્રોફિક્શનનો ઈતિહાસ ખૂબ રસપ્રદ અને વિશદ છે, 

છ શબ્દોથી પાંચસો શબ્દોની બંધારણીય મર્યાદા અંગ્રેજી માઈક્રોફિક્શન લેખકો સૂચવે છે. સંક્ષેપમાં હોવા છતાં એ એક આખી વાર્તા છે. રૂઢીગત વાર્તાપ્રકારની જેમ અહીં પણ વાર્તાના એક કે તેથી વધુ તત્વો ઉપસ્થિત હોય જ છે, પાત્રોની વચ્ચે ખટરાગ, કપરા સંજોગોમાં સંઘર્ષ કરતું મુખ્ય પાત્ર કે તેને રોકતો ખલનાયક, આંટીઘૂંટી ભરી રચનાઓ, વાચકના મનને હલબલાવી મૂકે એવો અંત, ખૂબ ઓછા શબ્દોમાં ઘણુંબધું સમજી શકાય એવી વૈકલ્પિક વિવેચના વગેરે માઈક્રોફિક્શનના એક કે તેથી વધુ તત્વો હોઈ શકે પણ શબ્દસંખ્યા સિવાય બીજુ કાંઈ પણ માઈક્રોફિક્શનને બાંધી શક્તું નથી.

અંગ્રેજીના પ્રખ્યાત માઈક્રોફિક્શન લેખક ડેવિડ ગેફની તેમની પોસ્ટમાં કહે છે, માઈક્રોફિક્શન વાર્તામાં તમને પાત્ર કે દ્રશ્ય ઉભું કરવાની જગ્યા મળવાની નથી, એકથી વધુ પાત્રોની, તેમના નામની કે તેમને વિકસાવવાની જરૂરત પણ અહીં ત્યારે જ પડે છે જો એ વાર્તાના મુખ્ય હેતુને બળ આપતા હોય, ઉપરાંત વાર્તાનો અંત તેના અંતિમ વાક્યમાં જ ન આવે, આખી વાર્તા ફક્ત અંત માટે જ ન લખાઈ હોય એનું પણ ધ્યાન રાખવુ જોઈએ

કારણ કે અહીં તમે એવું ભયસ્થાન ઉભું કરો છો કે વાચક વાર્તાના અંત સુધી પહોંચે ત્યાં સુધી એ વાર્તા સાથે જોડાતો નથી અને અંતે વાર્તા સાથે સેતુ સાધી અને તરત જ એ તોડી નાખે એ પ્રકારની રચના બને, વાચક પ્રથમ શબ્દોથી જ વાર્તા સાથે સંકળાઈ જવો જોઈએ અને અંતિમ શબ્દ પછી એ વાર્તા સાથે નવેસરથી સંકળાવો જોઈએ.

જેને આપણે ક્લાઈમેક્સ કહીએ છીએ એ વાર્તાની પૂર્ણતાના લગભગ બે વાક્યો પહેલા આવવો જોઈએ. આથી એ બાકી રહેલી લંબાઈ વાંચે ત્યારે વાર્તામાંના પાત્રએ કે ઘટનાએ લીધેલા વળાંક સાથે વાચક સંમત કે અસંમત થઈ શકે એવો સમય તેને મળે, પણ આ સૂચન કોઈ બંધન નથી. અને વાર્તાનું અંતિમ વાક્ય એવું હોવું જોઈએ જે વાચકને એ વાર્તાપ્રવાહના શક્ય એવા અનેક વિકલ્પો તરફ વિચારતો કરી મૂકે અથવા એ વાક્ય પાત્રોએ લીધેલા નિર્ણય અથવા ઘટના વિશે વાચકને નવી દ્રષ્ટિથી વિચારતો કરી મૂકે.

અંતિમ વાક્ય આખીય માઈક્રોફિક્શનને વાચકના માનસમાં ગૂંજતી કરી શકે એવું હોવું જોઈએ, પણ ચમત્કૃતિથી વાચકને આંજી નાખવાનો નથી.. વાર્તાનું સત્વ ફક્ત ક્લાઈમેક્સમાં ન હોય એ પણ જોવું જરૂરી બની રહે છે.

માઈક્રોફિક્શન પોતે એક વાર્તા હોવા છતાં તેમાં એક નવલિકા કે નવલકથા બનવાની ક્ષમતા હોવી ઇચ્છનીય છે કારણ કે તો જ તમે લખેલી વાત તેના હાર્દને પામી શક્શે, આ માટે અંગ્રેજી માઈક્રોફિક્શન લેખકો કોઈ પ્રસ્થાપિત શબ્દમર્યાદાને પકડી રાખવાને બદલે લંબાણથી લખવાની શરૂઆત કરી તેને ટૂંકાવતા જવું જોઈએ એમ સૂચવે છે. આ વાર્તાપ્રકાર તમને પોતાને પોતાના સર્જન માટે એડીટર બનવાનો અવસર આપે છે.

શબ્દોની પસંદગી ફ્લેશફિક્શનનું સૌથી અગત્યનું પાસું છે. મહત્તમ જરૂરત ધરાવતા લઘુત્તમ શબ્દો એ મારા મતે ફ્લેશ ફિક્શનની અનૅટમિ છે. એક અતિશય નાના દોરા પર શબ્દોના મોતી મૂકીને માળા બનાવવાની છે. મોતી અગત્યના હોવા જોઈશે, ઓછા હોવા જોઈએ અને ખૂબ સરસ ગૂંથાયેલા હોવા જોઈએ.

માઈક્રોફિક્શનમાં જોવાયું છે કે તેનું મૂળભૂત હાર્દ વાચકને વાર્તાપ્રવાહ સાથે લઈ જતું હોય ત્યારે જે દિશામાં વાચક આગળ વિચારતો હોય તેનાથી વિપરીત દિશામાં જતું હોવું જોઈએ, સામાન્ય રીતે કલ્પી શકાય એ પ્રકારની ન હોવી જોઈએ. આમ કરવાથી એ વાચકને વાર્તામાં વધુ રસ લેતો કરી શક્શે.

અને આખરે… વાર્તાસર્જન માટે અનેક સલાહસૂચન હોઈ શકે, પણ દરેક સર્જન પોતાનામાં એક અનોખી ભાત લઈને અવતરે છે, એટલે મૂળભૂત સર્જનાત્મકતાને તોલે કોઈ બંધનો આવતા નથી.

જાણો છો વિશ્વની સૌથી નાની માઈક્રોફિક્શન અર્નેસ્ટ હેમિંગ્વેએ લગભગ એક સદી પહેલા લખી હતી.. જાણીતા બ્રિટિશ સાયન્સફિક્શન લેખક આર્થર ક્લાર્ક એ પ્રસંગને યાદ કરતા લખે છે, હેમિંગ્વે અને સાથી લેખકો બપોરનું ભોજન કરવા એક રેસ્ટરૉમાં ગયેલા જ્યાં હેમિંગ્વેએ મિત્રલેખકો સાથે $૧૦ની શરત લગાડી કે તેઓ છ શબ્દોમાં એક આખી વાર્તા લખી શકે છે.. એક પાત્રમાં પૈસા ભેગા કરાયાં, પેપરનેપ્કિન પર હેમિંગ્વેએ લખ્યું,

“For sale: baby shoes, never worn”

અને તેઓ શરત જીતી ગયા. આ વાર્તા માઈક્રોફિક્શન લેખન માટેનું સૌથી ઉત્તમ ઉદાહરણ મનાય છે, અને તેનો આધાર છે મે ૧૬, ૧૯૧૦ના ધ સ્પોકેન પ્રેસમાં આવેલો આ લેખ.

તો સૌથી ટૂંકી હોરર માઈક્રોફિક્શન વાર્તા ફક્ત ૧૭ શબ્દોની છે? અને છતાંય એ અનેક સ્પંદનો જગાવી શકે છે.. એ વાર્તા છે ફ્રેડરીક બ્રાઉનની ‘નૉક’ જે ડિસેમ્બર ૧૯૪૮માં પ્રસિદ્ધ થઈ હતી… એ છે…

‘The last man on Earth sat alone in a room. There was a knock on the door.’

હવે થોમસ બ્રેડલી એડ્રીચની આ વાત જુઓ જેના આધારે ઉપરોક્ત વાત લખાઈ..

Imagine all human beings swept off the face of the earth, excepting one man. Imagine this man in some vast city, New York or London. Imagine him on the third or fourth day of his solitude sitting in a house and hearing a ring at the door-bell!

તો પ્રચલિત અમેરિકન માઈક્રોફિક્શન લેખિકા અને બૂકર પ્રાઇઝ વિજેતા લિન્ડા ડેવિસની Spring Spleen શીર્ષક ધરાવતી ખૂબ પ્રચલિત વાર્તા છે,

I am happy the leaves are growing large so quickly.
Soon they will hide the neighbour and her screaming child.
– (The Collected Stories of Lydia Davis)

કે ટિફની શ્લેઈનની થોડામાં ઘણું કહેતી છ શબ્દોની વાર્તા..

Dad’s funeral, daughter’s birth, flowers everywhere.

Latest Jokes In Gujarati, ગુજરાતી ટુચકાઓ
Latest Jokes In Gujarati, ગુજરાતી ટુચકાઓ

સર્જનમાં ખૂબ સહેલું લાગતું હોવા છતાં ખૂબ વિચાર માંગી લે તેવું અને મુશ્કેલ વાર્તાસ્વરૂપ એટલે માઈક્રોફિક્શન… જે વર્ણન નવલકથામાં લખવા એક લેખક અનેક પાનાંઓ ભરી શકે તે અહીં અડધા વાક્યમાં સમાવવાનો ઉદ્દેશ હોય છે. આજના સમયમાં આ પ્રકારના પ્રસારનું અગત્યનું કારણ છે સોશિયલ મીડિયા, જેની સાથે ટૂંકાણમાં પણ સમગ્ર વાર્તાની મજા આપતો આ પ્રકાર ખૂબ પ્રચલિત થયો છે. ટ્વિટર પર છ શબ્દોની વાર્તાથી લઈને ૧૪૦ અક્ષર સુધીની વાર્તા ખૂબ ચલણમાં છે, અનેક અંગ્રેજી બ્લોગર્સ ફક્ત માઈક્રોફિક્શન પર તેમના લેખનની કારકિર્દી બનાવી રહ્યાં છે. લાંબુ લખવું એ એક વહેણની સાથે વહેતા રહેવા સમાન સર્જનપ્રકાર છે, જ્યારે માઈક્રોફિક્શન ધોધમાર વહેણની સામે પાળો બનાવી તેને સંગ્રહ કરવાની પ્રવૃત્તિ જેવો સર્જનપ્રકાર કહી શકાય. એક સિવિલ એન્જીનીયરને આમ પણ કયું બીજુ ઉદાહરણ યાદ આવે?

આજના ફેસબુક અને વોટ્સએપના સમયમાં વાર્તાકથનનો આ પ્રકાર ખૂબ ઉપર્યુક્ત છે, દોડધામ અને તણાવભર્યા સમયમાં આ વાર્તાઓ થોડીક જ મિનિટોમાં વાચકને સાહિત્યનો સ્વાદ આપી જાય છે. અને કદાચ એટલે જ એ ખૂબ ઝડપથી પ્રચલિત પણ થઈ રહ્યો છે.

સર્જકની જે મુશ્કેલી છે એ જ માઈક્રોફિક્શન વાચકની જરૂરત છે, સર્જકની મહેનત અને વિચારવલોણું વાચકને થોડામાં ઘણું માણવાનો અવસર આપે છે, અને એટલે જ કદાચ એક સારી માઈક્રોફિક્શન વાર્તા બિંદુમાં સિંધુની જેમ એકસાથે ઘણુંય લઈને આવે છે ને વાચકને એ રસતરબોળ કરી મૂકે છે.. ગુજરાતીમાં પણ ‘સર્જન’ ગૃપ અનેક માઈક્રોફિક્શન અને છ શબ્દોની વાર્તા લખી રહ્યું છે. સર્જન સામયિકનો મૂળ હેતુ આ પ્રકારને વિકસાવવાનો અને સર્જકોને એ લખવા પ્રેરવાનો જ છે. આ પ્રકારમાં અનેક શક્યતાઓ છે, અનોખા સર્જન માટેનો પડકાર અને આહ્વાન છે, અને આપણી ભાષામાં એનું ભાવિ ઉજ્જવળ છે.

– જીજ્ઞેશ અધ્યારૂ

3 thoughts on “51 માઈક્રોફિક્શન વાર્તાઓ | Best Micro fiction stories”

  1. Pingback: સિંહાસન બત્રીસી : 17 મી પૂતળીની અમરફળની વાર્તા - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *