Skip to content

કુમારી અને રસિયા વાલમની પ્રેમકથા – જોરાવરસિંહ જાદવ

કુમારી અને રસિયા વાલમની પ્રેમકથા - જોરાવરસિંહ જાદવ
2581 Views

રંગીલા રાજસ્થાનની ભાતીગળ લોકસંસ્કૃતિની લોકકથા કુમારી અને રસિયા વાલમની પ્રેમકથા લેખક જોરાવરસિંહ જાદવ. લોકજીવનનાં મોતી, ચતુરાઇની વાર્તાઓ-કાબરાનાં કાંધાવાળો, બાબરો ભૂત – જોરાવરસિંહ જાદવ, Lokvarta, Joravarsinh Jadav – Lokjivan na moti, Love stories.

કુમારી અને રસિયા વાલમની પ્રેમકથા

જગતમાં ક્યાંય જેનો જોટો ન જડે એવી ભાતીગળ લોકસંસ્કૃતિની છડી પોકારતું રંગીલું રાજસ્થાન. રાજસ્થાનની ધરતી માથેથી આરંભાતી અરવલ્લી પર્વતની અલબેલી હારમાળ. લાખેણા નવલખા હારમાં મોંઘામૂલનો હીરો ઝગમગે એવું દેશવિદેશના યાત્રાળુઓનું આકર્ષણ કેન્દ્ર માઉન્ટ આબુ.

અહીં આવનાર અને ઉઘાડી આંખે ફરનાર સંસ્કૃતિપ્રેમી પ્રવાસીઓને એક એક સ્થળ હૈયાની હાટડી ખોલી, રસિક કથાઓ, દંતકથાઓ કહીને આનંદવિભોર કરી દે છે. એમાંય કોઈ પ્રીતવછોયાં હૈયાં ભૂલા પડી, અહીં આવી ચડે ને કુમારી અને રસિયા વાલમની પ્રેમકથા સાંભળે તો સરોવર ભરાઈ જાય એટલાં આંસુડાં વહાવીને જાય છે. ફફળતા નિસાસા નાખીને જાય છે. વાતમાં મો’ણ નાખ્યા વિના વિગતે વાત જ માંડું.

કોણ જાણે કેટલાંય ચોમાસાં વરસી ગયાં હશે, આ વાતને માથે થઈને ! એક દિવસની વાત છે. આભે હોંકારા દેતા પર્વતરાજ આબુ માથે જોનારના અંતરમાં આનંદનો અબિલ ગુલાલ ઉડાડે એવું ફૂલગુલાબી સવાર ઊગ્યું છે. ઉગમણેથી ઉજાસ રેલાયો છે. મોડી રાતનો મેહૂલો સરવડાં નાખીને આળસી ગયો હોવાથી ડુંગરા નાહીને ચોખ્ખાચણાક થઈ ગયા છે.

ધરતીએ લીલીછમ ઓઢણી ઓઢી લીધી છે. ચોતરફથી ધુમ્મસનો પછેડો ધરતી માથે ઢંકાઈ ગયો છે. વૃક્ષોના પાંદડાં અને લીલોતરા ઘાસ માથે મોતીના દાણા જેવા ઝાકળબિંદુઓ જામી ગયાં છે. ઊંચા ડુંગર માથે અધ્ધરદેવી (અર્બુદાદેવી)ના મંદિરમાંથી ઘંટ અને નગારાના અવાજ ઉપર સવાર થઈને આવતો આરતીનો મધુર અવાજ સવારને વધુ સોહામણી બનાવે છે.

દેવીના મંદિરમાં નિત્યક્રમ મુજબ દર્શને આવેલી આબુરાજની પુત્રી કુમારીદેવી હાથમાં હેમનો થાળ લઈ પાંચ પાંચ વાટયુની જ્યોત પ્રગટાવી આરતી પૂરી કરી, સખીઓ સાથે રાજમહેલ તરફ જવા નીકળી. એવામાં સાનભાન ભૂલાવી દે એવા વાંસળીના મધુર સૂરોએ એના હૃદયની ધડકન વધારી દીધી. એના ચાલતા પગ થંભી ગયા. શું થયું ? શું થયું કહેતી સખીઓએ સવાલોની ઝડી વરસાવી. કુમારીએ આંખ્યું માથે હાથનું નેજવું કરીને દૂરના ડુંગરાઓ ભણી મીટ માંડી…

રૂપના કટકા જેવો અલગારી જુવાનિયો મગરી (ડુંગરી)ની ધાર માથે બેઠો બેઠો સાત કાણાવાળી વાંસળી માથે આંગળિયું રમાડી રહ્યો છે. કાનુડાની મોરલીએ જેમ રંગભીની રાધાને રસઘેલી કરી હતી એમ જુવાનડાની બંસરીના મધુરા સૂર માથે કુમારીનું અંતર ઓળઘોળ થઈ ગયું. સંગીત સાથે પૂર્વજન્મની કોઈ પ્રીત હોય એમ વર્ષાની ભીનીભીની મોસમમાં વાંસળીના સૂરોએ જુવાન હૈયાનાં અંતરમાં પ્રેમની વસંત પ્રગટાવી દીધી. ત્યાં તો સુનમુન થઈ ગયેલી કુમારીના કાળજાની વાત જાણી ગયેલી સખિ બોલી ઊઠી ઃ

‘એઈ અલબેલી ! ચાલ આપણે વાંસળીવાળા પાસે જઈને એનું નામઠામ તો પૂછીએ.’

‘દરહણ એના ભરવાડના ભાઈ જેવા દેખાય છે. એના નામઠામ પૂછે મારી બલારાત.’

‘એય વાલામૂઈ ! અજાણ્યા આદમી હાર્યે વાત કરવામાં બીવે છે શું ? કાલ્ય સવારે પરણીને સાસરે જઈશ ત્યારે પરાયા પુરુષ હાર્યે, વર હાર્યે વાતડિયું નઈ કરવી પડે ?’

નયનો નચાવતી કુમારી કહેવા લાગી : ‘હાય હાય બા ! ઈને પૂછતાં મારી જીભ નો ઉપડે. ખંભાતી તાળાં વસાઈ જાય. મારા માજણ્યા ભાઈ જોડે હું ઊંચી આંખ કરીને વાત કરતી નથી ઈ આ ભરવાડિયાનો ભાવ પૂછવા જાઉં ? ગાંડી થા મા ગાંડી.’

‘બીકણ સસલી ! તું શું પૂછતી’તી ! હિંમત હોય તો હાલ્ય મારી હાર્યે !’ પછી કુમારી સખીઓના વૃંદ સાથે જુવાનિયા આગળ જઈ ઉન્નત મસ્તકે ઊભી રહી. વાંસળી વગાડતો જુવાનિયો આંખો બંધ કરીને સંગીતની સૃષ્ટિમાં ખોવાઈ ગયો છે. સૂર સાથે એની સુરતા લાગી ગઈ છે. થોડીવાર ઊભા રહ્યા પછી ધીરજ ખૂટી પડતાં રૂપાની ઘંટડીઓના મધુર અવાજે કુમારી બોલી : ‘અલ્યા એય વાંસળીવાળા ! તારું નામ, ગામ ઠેકાણું તો વતાવ્ય.’

કોયલના અવાજ જેવો કામણગારો ટહૂકો કાને પડતાં જ સૂરજને ઉગતો જોઈ પોયણું ખીલે એમ વાસળીવાદકની આંખનાં પોપચાં ઉઘડ્યાં. ચાર આંખો એક થઈ. વાંસળીના વહેતા સૂરો થંભી ગયા. મેનકાને જોઈને તપસ્વી ૠષિનો તપોભંગ થયો હતો એવી સ્થિતિ જુવાનિયાની થઈ. એણે હિંમત એકઠી કરીને કહી દીધું :

‘લોકો મને રસિયો વાલમ કહે છે.’

‘અલ્યા, રસિયાનાં કોઈ માબાપ તો હશે ને ! એમનું કોઈ ગામ-ઠામેય હશે ને !’

મણ એકનો નિસાસો નાખતો રસિયો ધીરગંભીર અવાજે બોલ્યો : ‘માબાપ તો મારી છઠ્ઠી કરીને ભગવાનના ધામમાં પોગી ગયાં છે. ઘડો ફૂટે ને ઠીંકરી રઝળે, મા વગર્યની દીકરી રઝળે એવા મારા હાલ છે. નમાયા નબાપા છોરુંનું આ મલકમાં કોણ ?’

‘તો રસિયા ! તને મોટો કોણે કર્યો ? આવું સંગીત તું ક્યાંથી શીખ્યો ?’

‘ગોરખનાથની ગુફાનું નામ સાંભળ્યું છે ? ત્યાં મારા ગુરુદેવ રહે છે. એમણે મને ઉછેરીને મોટો કર્યો. સાધના કરતાં શીખવ્યું. સંગીત દ્વારા ઈશ્વરીય આનંદની અનુભૂતિ કરતાં શીખવ્યું. રસિયા વાલમની આવી પડપૂછ કરનાર સુંદરી તમે કોણ છો ?’

‘હું આબુરાજની રાજકુંવરી કુમારી છું. દેવીના મંદિરે નિત્ય આરતી ને દર્શન કરવા આવું છું.’ આટલું બોલતીને ખડખડખડ હસતી કુમારી ડુંગરો ઊતરીને ધીરા ડગ દેતી દેતી રાજમહેલે પહોંચી તો ગઈ પણ હૈયું રસિયા આગળ મૂકતી ગઈ. તે દિ’થી રસિયો કુમારીને મન બસિયો. બીજા દિવસથી બે હૈયાંની પ્રેમપંથની યાત્રા આરંભાઈ ગઈ.

રસિયો રોજ સવારે મગરી માથે બેસીને બંસરીના અલૌકિક સૂર છેડતો. બંસરીના નાદે ઘેલી બનીને કુમારી રસિયા પાસે પહોંચી જતી. બંસરીના સૂરે એનું નૃત્ય આરંભાતું. રંગની મહેફીલ જામવા માંડી. પ્રેમની ઉજવણી થાવા માંડી. પછી તો અર્બુદાદેવીનું મંદિર જુવાન હૈયાંનું મિલનસ્થાન બની રહ્યું. પણ જુવાનિયાના મોઢે ફૂટતો મૂંછનો દોરો, ફૂલની ફોરમ અને નર્તકીના પગના ઘુંઘરુંનો અવાજ આટલા છૂપાવ્યા છૂપતા નથી એવું જ પ્રેમનું પણ છે.

રાજકુમારી અને રસિયાના પ્રેમની વાતો વાયે ચડીને નગર આખામાં વહેતી થઈ ગઈ. નવરી પડેલી જગબત્રીસીને કામ મળી ગયું. આ વાત વહેતી વહેતી રાજરાણી અનંતાદેવી સુધી પહોંચી. રાણીએ રાજાને વાત કરી. રાજાએ ઉકેલ શોધવા પ્રધાનને વાત કરી. પ્રધાને ઉંમરલાયક રાજકુમારીને યોગ્ય વર શોધીને હાથ પીળા કરી દેવા સૂચવ્યું. કુમારી માટે રાજકુંવરની શોધ આરંભાઈ.

બાબરો ભૂત
બાબરો ભૂત વાર્તા

આ વાતની જાણ થતાં કુમારીના માથે આભ તૂટી પડ્યું. એના હૈયાને જાણે સો સો વીંછીઓએ સામટા દંશ દીધા. એની મતિ મુંઝાઈ ગઈ. કોઈ માર્ગ સૂઝતો નથી. એણે વિશ્વાસુ સખી સાથે રસિયાને સંદેશો પાઠવ્યોઃ ‘હું નજરકેદમાં છું. મારા પગમાં બંધનના લંગર લાગી ગયા છે. લગ્ન લેવાની વાતું ચાલી રહી છે. હું તો તારા પ્રેમની પૂજારણ છું. તને તનમનથી વરી ચૂકી છું. રસિયા ! રાજમહેલ ને રાજવી ઘરાનાની સુખસાહ્યબી મને ખારા દૂધવા રોખા લાગે છે. આમાંથી ઉગરવાનો એક જ માર્ગ છે. આવતી અમાસની અંધારી રાતે નખી તળાવને કાંઠે તારી રાહ જોઈશ. આપણે ભાગી જઈએ.’

રાજકુમારીને પ્રેમ કરીને નાસી જવાનું પરિણામ મોત જ હોય એ રસિયો જાણતો હતો, પણ શૂરવીરોની જેમ પ્રેમીઓ પણ ખડિયામાં ખાપણ લઈને જ ફરતા હોય છે. એના હૈયામાં મોતના માંદલા તરંગો નહીં પણ પ્રેમ અને વફાદારીના લોઢ ઉછળતા હોય છે. રસિયો વિચાર કરે ન કરે ત્યાં તો રાજરાણી અનંતાએ કુમારીને સમજાવવા માંડી.

‘દીકરી, તું રાજકુળનું ફરજંદ છે. તારા નશીબમાં રાજમહેલનાં સોળેય સુખ લખાયેલાં છે. માબાપ વગરના ગોવાળિયાને દિલ દઈને સુખના સોણલાને શીદને નંદવે છે ! તારાથી રાજપરિવારની મર્યાદા ન લોપાય. અમારી આબરૂનો તો વિચાર કર’

‘મારાથી હવે બીજો કોઈ વિચાર થઈ શકે એમ નથી. તમે માનજો કે તમારી કુમારી મરી ગઈ છે. મને ભૂલી જજો. હું મારું વચન તોડું તો દુનિયાના પ્રેમીઓ એમની પ્રેમિકાઓને માટીપગી કહીને ગાળ ભાંડશે. કોઈ પ્રેમી એની પ્રેમિકાના વચન પર કદી વિશ્વાસ નઇં મૂકે. પ્રેમની પવિત્રતા પર હું મારા હાથે કાળી ટીલી લગાડું એના કરતાં મરવાનું વધુ પસંદ કરું છું. તમે ફરમાવો તે સજા મને મંજૂર છે, પણ રસિયાને હું નઇં ભૂલી શકું.

રાણીએ રાજાને ને રાજાએ પ્રધાનજીને વાત કરી. કપટી પ્રધાને રસિયા વાલમના પ્રેમનું પારખું કરવાની યોજના બનાવી. બળથી નહીં પણ કળથી (ચતુરાઈ) કામ લેવાની સલાહ આપી. યોજના અનુસાર બીજા દિવસે રસિયાને રાજદરબારમાં હાજર કરવામાં આવ્યો. પ્રધાને એને પૂછ્‌યું : ‘રસિયા ! તારે રાજકુમારી સાથે લગ્ન કરવાં છે ?’ રસિયાની આંખો ધરતી ખોતરવા માંડી. પ્રધાને ખંધું હસીને કહ્યું : ‘મુંઝાઈશ મા ! કુમારી તારી જીવનસંગિની બનશે. પણ એક શરતે.’

‘કઇ શરત?’ નીચી ઢાળેલી રસિયા વાલમની આંખો ઊંચી થઈ. એના મોંમાંથી શબ્દો સરી પડ્યા.

‘રાજકુમારીનું પાણિગ્રહણ કરવું હોય તો આબુની તળેટીથી માંડીને આબુ પર્વત સુધીની સડક બનાવી આપ.’

‘પ્રધાનજી ! શરત મને મંજૂર છે.’

‘સાંભળ, સડક આખી એક જ રાતમાં બાંધી આપવાની શરત છે.’

‘એ પણ મને મંજૂર છે.’

‘જો એક રાતમાં આખી સડક ન બાંધી શકે તો જીવનભર કુમારીને ભૂલી જવાની. આ રાજમાં પછી રહી શકાશે નઇં !’ મહારાજ ! હું વચને બંધાઉ છું.’

‘અત્યારથી તારા કામનો આરંભ કરી દે, કાલે સવારે ઉગમણા આભે સૂરજ કોર કાઢે તે પહેલાં સડક તૈયાર હશે તો કુમારી સદાયને માટે તારી બનશે. રાજાજી કાલે સવારે સડક જોવા પધારશે.’

‘રાજાજી ! આડી રાત, એની શી વાત ?’એમ કહેતો રસિયો વાલમ હસતો હસતો રાજદરબારમાંથી હાલી નીકળ્યો. ઘેર આવી રસિયાએ ગુરુજીનું ધ્યાન ધર્યું. સાધનાના પ્રતાપે ભૂતનાથ પ્રસન્ન થયા. એમણે ડુંગર ખોદીને સડક બનાવવા માટે આખી ભૂતાવળને મોકલી આપી. જોતજોતામાં આબુનો રસ્તો ભૂતનગરી બની ગયો. રસિયાએ ભૂતડાંને ભેરુ બનાવી સડક બનાવવાના શ્રીગણેશ માંડી દીધા. મધરાત થતાં થતાંમાં તો મોટાભાગની સડક તૈયાર થઈ ગઈ.

ચાડિયાઓએ રાણીને કાને વાત નાખી. રાણીએ પ્રધાનને બોલાવ્યા. એમણે કપટ રચીને પ્રભાતનો પહોર દર્શાવવા કૂકડા બોલાવ્યા. કૂકડાના કલશોરથી ડુંગરાઓ ગુંજી ઊઠ્યા. સવાર થયું માની ભૂતાવળ ભાગી નીકળી.

રસિયાને કંઈ સમજાયું નહીં. મધરાત થઈ ત્યાં ભૂતડાં સડક અધૂરી મૂકીને કેમ ભાગી ગયા ? કૂકડા ક્યાંથી બોલ્યા ? રસિયાના અંતરમાંથી ફફળતો નિસાસો નીકળી ગયો. એ અર્ધપાગલ જેવી હાલતમાં હારીથાકીને અર્બુદાદેવીના મંદિરે આવીને બેઠો. જીવતર હવે એના માટે ખારુંઝેર બની ગયું હતું.

સવાર પડી. રાણી અનંતા અને કુમારીને મંદિરે આવતાં જોયાં. એના હૈયામાં વેદનાનાં વન ઊગી નીકળ્યાં. પ્રેમિકાને નજરે નિહાળી પણ પોતે શરત હારી ગયો હતો. છળકપટથી એને છેતરવામાં આવ્યો હતો. રસિયાએ માથું કૂટ્યું ને ભૂતનાથને યાદ કર્યા. આકાશમાં ભયંકર કડાકો થયો. રસિયાએ ત્રાડ નાખીઃ

‘ભૂતનાથ ! આ કપટી મા-દીકરીને પથ્થરના પૂતળાં બનાવી દો, જેથી ધરતી માથે કોઈ પ્રેમીઓ સાથે દગો-કપટ ન કરે.’ જોતજોતામાં મા-દીકરી પથ્થરનાં પૂતળાં બની ગયાં. ગુસ્સાના આવેશમાં રસિયાએ રાણી અનંતાનું પૂતળું તોડી નાખ્યું. એનો ગુસ્સો શાંત થતાં સામે હૃદયેશ્વરી કુમારીની પ્રતિમા જોઈ. એનું કાળજું કકળી ઊઠ્યું. આંખમાંથી શ્રાવણભાદરવો વરસવા મંડાણો.

‘કુમારી ! કુમારી ! તું મને એકલો નઇં મૂકી શકે. તારા વિજોગની વસમી વેદના હવે મારાથી નહીં જીરવાય. આ દંભી દુનિયાને અલવિદા કરીને હું આવું છું. આપણાં સ્વપ્નનો મહેલ હવે સ્વર્ગમાં રચીશું.’ એટલું બોલતો રસિયો ઝેરનો પ્યાલો હસતે મુખે ગટગટાવી ગયો. વર્ષો આવીને વહી ગયાં પણ અમર પ્રેમીઓ તેમની યાદ અવનિ પર દંતકથાઓ રૂપે મૂકતાં ગયાં છે.

માઉન્ટ આબુ પર દેલવાડાના દહેરાં પાછળ રસિયા વાલમ અને કુમારીની આરસની અનુપમ પ્રતિમાઓ પ્રવાસીઓને એમના અવિનશ્વર પ્રેમની યાદ આપે છે. કુમારી સૌભાગ્યની દેવી તરીકે પૂજાય છે. કોઈવારે આબુ જાઓ તો કુમારીદેવી (કુંવારી કન્યા)નું મંદિર જોવા જરૂર જજો. ત્યાંના ગાઈડ તમને રોમાંચક પ્રેમકથા અચૂક સંભળાવશે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

આ અમર પ્રેમકથાઓ પણ વાંચવાનું ચુકશો નહી 👇

🍁 હોથલ પદમણી અને ઓઢો જામ અમર પ્રેમકથા

🍁 પરણેતર – રાણાવાવની સત્યઘટના – મેઘાણી

🍁 ઓળીપો – એક પ્રેમકથા – મેઘાણી

🍁 ઢોલા મારુ

🍁 શેણી વિજાણંદ click

🍁 વીર માંગડાવાળો

દેવરો અને આણલદે – શેતલને કાંઠે

દેવરો અને આણલદે - શેતલને કાંઠે ભાગ 1
દેવરો અને આણલદે – શેતલને કાંઠે ભાગ 1



1 thought on “કુમારી અને રસિયા વાલમની પ્રેમકથા – જોરાવરસિંહ જાદવ”

  1. Please can I have all this letreature on my WhatsApp.
    My number is 9426736100.
    Thanks.
    Your reply is highly solicited.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *