Skip to content

ગાંઠિયા પુરાણ – શાહબુદ્દીન રાઠોડનો હાસ્યલેખ, ગાંઠિયા વિશે નિબંધ – કવિતા

    ગાંઠિયા પુરાણ - શાહબુદ્દીન રાઠોડ
    2067 Views

    ગાંઠિયા પુરાણ – શાહબુદ્દીન રાઠોડનો હાસ્યલેખ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડમાં ગાંઠિયાનુ મહત્વ ખુબ જ અનેરુ છે, સવાર સવારમા જો ચા સાથે ગાઠિયા મળી જાય તો મોજ પડી જાય આજે વાંચો શાહબુદ્દીન રાઠોડનો હાસ્યલેખ ગાંઠિયાનો મહિમા

    ગાંઠિયા પુરાણ – શાહબુદ્દીન રાઠોડ

    “હું વસ્તુ સૌથી મોંઘેરી
    ને જાજરમાન વહેંચું છું,
    ઓલ્યા ઇમાન વેચે છે
    ને હું મુસ્કાન વહેંચું છું.”

    મને સતત એવું લાગ્યા કરે કે, અમારું કાઠિયાવાડ એ માત્ર કાઠિયાવાડ નથી, એનું બીજું નામ ‘ગાંઠિયાવાડ’ પણ હોવું જોઈએ. ચણાના લોટને અમે લોકો સિમેન્ટ અને સોના કરતાં પણ વધુ મૂલ્યવાન ગણીએ છીએ. વણેલા અને ફાફડા ગાંઠિયાનો જે મહિમા સૌરાષ્ટ્રની પ્રજાને છે એ કદાચ વિશ્વની કોઈ પ્રજાને નહીં હોય. અમારે કલાકારોને મન તો ચા અમારી કુળદેવી અને ગાંઠિયા અમારા શૂરાપૂરા.

    સાંજ પડયે દોઢ કરોડના ચા-ગાંઠિયા ફાકી જતા અમે બધાય કોઈ પણ ડખાનું સમાધાન ચા-ગાંઠિયાથી કરીએ છીએ ને વળી કોઈ ચા-ગાંઠિયાનો વિવેક ન કરે તો ડખો પણ કરીએ છીએ. ડાયરામાં હું કાયમ કહું કે :-

    “ભડકે ઇ ભેંસ નહીં,
    બેહે ઇ ઘોડો નહીં,
    ગાંગરે નહીં ઇ ગાય નહીં,
    જાગે નહીં ઇ કૂતરો નહી,
    હસે નહીં ઇ માણા નહીં,
    ને…
    ગાંઠિયા ન ખાય ઇ ગુજરાતી નહીં.”

    મારા ગામમાં ચંદુ નામે એક ભુક્કા કાઢી નાખે એવો ગાંઠિયાવાળો વસે છે. રોજ રાત્રે અમારા જેવા કેટલાય નિશાચરો અને ભ્રમણ નક્ષત્રમાં જન્મેલા અતૃપ્ત જીવોની ભૂખને ચંદુના ગાંઠિયાથી મોક્ષ મળે છે. ઐશ્વર્યાના પોસ્ટર પાસેથી નીકળો અને જેમ એને ટીકી ટીકીને જોવી જ પડે એવી જ મોહકતા ચંદુના ગાંઠિયામાં છે. એની રેંકડી પાસેથી નીકળો એટલે ગાંઠિયા ખાવા જ પડે. આ મારી ચેલેન્જ છે અને અનુભવ પણ. અમારા ઘણાં બધા ઉપવાસ અને એકટાણાં ચંદુની રેંકડી ઉપર શહીદ થયાના દાખલા છે. વળી ચંદુના ગાંઠિયારથનું નામ ખૂબ મોડર્ન છે, ‘રિલાયન્સ ગાંઠિયા સેન્ટર.’ અને આ ટાઈટલ નીચે ઘાસલેટના ડબ્બા જેવડા અક્ષરે લખ્યું છે કે, “અમારી બીજી કોઈ શાખા નથી.”

    એક રાતે દોઢેક વાગ્યે હું ઝરમર વરસાદમાં મનમાં દોઢસો ગાંઠિયાનો સંકલ્પ કરી ચંદુના રથ ઉપર પહોંચ્યો. ગાંઠિયા બાંધી દીધા પછી ચંદુએ એક અઘરો સવાલ મને પૂછી નાખ્યો કે, “સાહેબ, અટાણે તમને કોણે મોકલ્યા?”

    હું ગળગળો થઈ ગયો. મેં કહ્યું, “ચંદુ, મારી બા તો મને રાતે દસ વાગ્યા પછી બહાર નીકળવાની ના પાડે છે. તું વિચાર, અટાણે મને કોણે ધક્કો માર્યો હશે? ઘરવાળી સિવાય કોઈની હિંમત છે કે મારી ઉપર આવી સરમુખત્યારશાહી ભોગવે?”

    મેં આટલો ઉત્તર વાળ્યો ત્યાં તો ચંદુની ઘોલર મરચાં જેવી આંખમાં આંસુડાં તગતગવાં માંડયાં. ગાંઠિયાનો જારો પડતો મૂકીને ઇ મને બાથ ભરી ગ્યો કે, સાહેબ, તમે તો મારી દુખતી રગ ઉપર પગ મૂકી દીધો. હું રોજ રાત્રે દસ વાગ્યે રેંકડી લઈને આવું છું ને સવારે પાંચ વાગ્યા સુધી આખા ગોંડલ હાટું ગાંઠિયા વણું છું. મનેય શું મારી બા મોકલતી હશે? પછી તો અમે બેય સમદુખિયા એટલું રડયા કે અમારા ગાંઠિયા પલળી ગયા.

    ગાંઠિયાનો મહિમા અપરંપરા છે. મારા તો એપેન્ડિક્ષના ઓપરેશન વખતે આંતરડાંમાંથી ડોક્ટરે અડધો કિલો ચણાનો લોટ કાઢયાના દાખલા છે. મારી દૃષ્ટિએ કોમવાદી બનવું એના કરતાં ગાંઠિયાવાદી કે હાસ્યવાદી બનવું સારું.

    નેસ્ટ્રોડેમસની જેમ મારી આગાહી છે કે, ગુજરાતમાં ગાંઠિયા જ્યાં સુધી તળાતાં રહેશે ત્યાં સુધી ખવાતાં રહેશે. મારી તો કલ્પના છે કે, ઇ.સ. ૨૦૨૨ માં ભારત સરકાર બસ્સો કરોડની ગાંઠિયાની યોજના વહેતી મૂકે તો નવાઈ નહીં. વિશ્વના તમામ દેશોમાં ગુજરાતના ગાંઠિયા એક્સપોર્ટ કરવા માટે કેબિનેટમાં ચટણીમંત્રી, મરચાંમંત્રી અને ગાંઠિયા વિકાસમંત્રીની નિમણૂક થશે. દરેક કંદોઈને લાલ ગોળાવાળી ગાડી અને લોટ બાંધતી વખતે ઝેડપ્લસ સુરક્ષા અર્પણ કરાશે. યાદ રાખજો ગાંઠિયાનો વિકાસ એ જ ભારતનો વિકાસ હશે.

    ગાંઠિયાવાદી પાર્ટીની જય હો.

    ગાંઠિયાની કવિતા

    હું આપું ગામડાં બે-ચાર, દિલને મોજ આવે છે,
    કે ચંદુ તું વણેલા ગાંઠિયા એવા બનાવે છે.

    છે દુર્લભ દેવતાઓને તીખા મરચાં, તીખી ચટણી,
    ને કોઈ પુણ્યશાળી આત્મા ભજિયાંને પામે છે.

    હું ફાઈવસ્ટાર હોટેલમાં જમું છું તે છતાં આજે,
    એ ફાફડિયા સમી લિજ્જત ન અમને ક્યાંય આવે છે.

    ચણાનો લોટ, સોનાની કડાઈ સ્વર્ગમાં છે પણ
    ગરમ આ ફાફડા ઉતારતાં ત્યાં કોને ફાવે છે?

    એ તારા સ્થૂળ દેહેથી વહી પ્રસ્વેદની ગંગા,
    જડયું કારણ અમોને આ જલેબી તેથી ભાવે છે.

    ✍ શાહબુદ્દીન રાઠોડ….

    ગાંઠીયા વિશે નિબંધ નીચે મુજબ લખેલ છે

    ગાંઠિયા … એ ચણાના લોટમાં …. વણેલી કવિતા છે.😆😄😁

    ગાંઠિયા સૌરાષ્ટ્રની મહાન પારિવારીક વાનગી છે …folk food એટલે કે લોકખાણું છે.।।

    વિદ્યાર્થીના લંચ બોક્સથી માંડીને વૃદ્ધાશ્રમમાં થતા દાન ધર્માદામાં ગાંઠિયા હાજર હોય છે.

    લગ્ન હોય અને જાન આવે એટલે વેવાઈને ગાંઠિયા-જલેબીનો નાસ્તો 1957માં અપાતો અને આજે 2022 માં પણ અપાય છે.

    કોઈના મૃત્યુ પછીના જમણમાં પણ ગાંઠિયા અને
    અન્નકૂટના પ્રસાદમાં પણ ગાંઠિયા હોય છે.

    આ ધરા ઉપર કેટલુંક ઈશ્વરદત્ત છે, જેમ કે નદી, પર્વતો, વૃક્ષ, પક્ષીઓ, પતંગિયા, પવન વગેરે. જ્યારે …. કેટલુંક મનુષ્યે જાણે ઈશ્વરની સીધી સુચના નીચે વિકસાવ્યું હોય એવું જણાય છે. જેમ કે સ્પેસ શટલ, કોમ્પ્યુટર, સ્માર્ટ ફોન, ગાંઠીયા વગેરે.

    લીસ્ટમાં ગાંઠિયા જોઈ ચમકી ગયાને? પણ સાચે જ સ્પેસ શટલ કે સ્માર્ટ ફોન વગર ચાલી શકે છે પણ ગાંઠિયા વગર ઘણાનો દિવસ ઉગતો નથી.

    ઇતિહાસમાં ગાંઠિયાને લઈને એક પણ યુદ્ધ તો ઠીક પણ નાનું સરખું ધીંગાણું થયું હોય એવું પણ સૌરાષ્ટ્રની રસધારમાં કયાંય વાંચવામાં આવ્યું નથી.☺

    આ બતાવે છે કે, ગાંઠિયા મોડર્ન આઈટમ છે. ગાંઠિયા ચોક્કસ કલિયુગની જ દેન હશે. કારણ કે જો પુરાણકાળમાં ગાંઠીયાનું ચલણ હોત તો, દેવાધિદેવ ઇન્દ્ર ઋષિમુનીઓનું તપોભંગ કરવા માટે અપ્સરાઓને બદલે સેવકો સાથે સંભારા-મરચા સાથે ભાવનગરી ગાંઠિયાની ડીશો મોકલતા હોત…!😝

    સૌરાષ્ટ્ર બાજુ સવારના પહોરમાં ગાંઠિયા ખાવાનો રીવાજ છે. ત્યાં ગાંઠિયાના બંધાણીઓ પણ મળી આવતા હોય છે. અહીં દરેક શહેરમાં, પ્રાંતમાં, પેટા પ્રાંતમાં ગાંઠિયાનો અલગ તૌર છે !

    રાજકોટમાં વણલખ્યો રિવાજ છે કે ફાફડા સવારે ખવાય અને રાત્રે વણેલા ગાંઠિયા જ મળે. રાત્રે સાડા બાર કે દોઢ વાગ્યે લારી પર ઊભા રહી કહો કે, 200 ફાફડા…. એટલે કપાળેથી પરસેવો લૂછતાં અને બીજા હાથે તળેલાં મરચાં પર મીઠું છાંટતાં છાંટતાં ભાઈ કહે : ‘પંદર મિનિટ થાહે બોસ, વણેલા જોઈએ તો તૈયાર છે !’ રાત્રે સાડા બારે ?

    હા, સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં રાત્રે 12.30, 2.30 કે સવારે 4.00 વાગે પણ ગાંઠિયા મળી શકે ! જૂનાગઢના કાળવા ચોકમાં રાત્રે સાડા ત્રણે ગાંઠિયા ખાધા છે ને ધોરાજીમાંય એવી જ રીતે રાત્રે દોઢ વાગ્યે ગાંઠિયા પ્રાપ્ત છે.

    ગાંઠિયા માત્ર મોર્નિંગ બ્રેકફાસ્ટ નથી, આઠે પ્રહરની ઊજાણી છે. પિત્ઝા અને બર્ગર ભલે અમદાવાદના બોપલ કે સૌરાષ્ટ્રના ઉપલેટા સુધી પહોંચી ગયા પરંતુ, ગાંઠિયા પ્રત્યે પ્રીતિ યથાવત્ છે.

    વેકેશન ગાળવા ગયેલા ગુજરાતી પરિવાર દિલ્હીમાં સાંજે ચાટ અને પાઉંભાજી ભલે ખાય પણ ગુજરાતી સમાજની કેન્ટિનમાં તો “બે પ્લેટ ગાંઠિયા અને બે ચ્હા” એવા જ ઑર્ડર અપાય છે.

    ગાંઠિયાનું વૈવિધ્ય અપાર છે. ફાફડા એ તેનું મૂળ સ્વરૂપ છે. એ પછી વણેલા, તીખા, લસણિયા ગાંઠિયા બનાવાય છે.
    ફાફડાની બેન પાપડી તરિકે ઓળખાય છે અને ખુબ ખવાય છે.
    ભાવનગર પાસેના રંઘોળામાં ઝીણા ગાંઠિયા વખણાય છે.

    ચોકડી આકારના ગાંઠિયાનું નામ ‘ચંપાકલી’ સ્ત્રીલિંગમાં છે.

    ફાફડા અને વણેલા ગાંઠિયા ગરમ ખાવાનું ચલણ છે, ને બાકીના ગાંઠિયા ઘરે ડબ્બામાં ભરી રખાય છે.

    ગાંઠિયાની સંગતમાં ક્યાંક કઢી ક્યાંક કચુમ્બર તો ક્યાંક કાંદા મળશે, પણ મરચાં તો બધે જ મળે છે.

    જેમ સ્ત્રી વગર પુરુષ અધુરો હોવાનું મનાય છે, એમ મરચાં વગર ગાંઠિયા અધુરા છે.

    તબલામાં જેમ દાયું અને બાયું સાથે હોય તો જ સંગત જામે, એમ જ ગાંઠીયા સાથે મરચા હોય તો જ રંગત જામે છે.

    જાણે … નવવધૂએ પહેલીવાર પિયર લખેલા આછાં પીળાશ પડતાં પોસ્ટકાર્ડ કલરના, ગાંઠિયા, જ્યાં તળાઈને થાળમાં ઠલવાય અને
    એની પાછળ જ કોઈની યાદ જેવા તીખા તમતમતાં લીલેરા તેલવર્ણ મરચાં કડકડતા તેલમાં તળાઈને અવતરે …. એ ઘટના ઉપવાસીને પણ ઉપવાસ તોડવા મજબુર કરી મુકે તેવી હોય છે !!!!
    ખરે, મરચાં વગરના ગાંઠિયા કે ગાંઠિયા વગરના મરચાં એ નેતા વગરની ખુરશી કે ખુરશી વગરના નેતા જેવા જ નિસ્તેજ જણાતાં હોય છે.

    કડકડતા તેલમાં ઉછળતા, ફૂલતા, તળાતા ગાંઠિયાનું દ્રશ્ય કેવું આહ્લાદક હોય છે!

    ઝારામાં તારવેલા ગાંઠિયામાંથી નીકળતી હિંગ, મીઠું, મરી અને ચણાના લોટની ઉની ઉની ખુશ્બુસભર વરાળ દિલને ગાર્ડન ગાર્ડન કરી મુકે છે.

    મોરારિબાપુ તો આખા ગાંઠિયાના પરિવારની વાત વિનોદમાં કહે છે. તેઓ કહે છે : “ગાંઠિયો પતિ, જલેબી મીઠી એટલે પત્ની (પણ જલેબી ગુંચળાવાળી હોય છે !) અને સંભારો – મરચા તેના સંતાન – એમ જાણે કે ગાંઠિયા, મરચા અને સંભારાનું ટ્રસ્ટ રચાય છે !” ll.

    ।।ઈતિ શ્રી ગાંઠિયા પુરાણ સંપુર્ણ…।।

    ☕😝🤒😂😆☕

    🍁 આવ ભાણા આવ – શાહબુદ્દીન રાઠોડ

    🍁 શિક્ષકોનું બહારવટું – શાહબુદ્દીન રાઠોડ

    🍁 શો મસ્ટ ગો ઓન – શાહબુદ્દીન રાઠોડ

    🍁 નટા-જટાની જાત્રા – શાહબુદ્દીન રાઠોડ

    🍁 મુંબઇનો મારો પ્રથમ પ્રવાસ – શાહબુદ્દીન રાઠોડ

    🍁 મને ડાળે વળગાડો – શાહબુદ્દીન રાઠોડ

    🍁 જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ – શાહબુદ્દીન રાઠોડ

    shahbuddin rathod ni books pdf, shahbuddin rathod jock, શાહબુદીન રાઠોડની કેસેટ,shahbuddin rathod na karykram, ગુજરાતી હાસ્ય સાહિત્ય, શાહબુદ્દીન રાઠોડ ના જોક્સ, શાહબુદ્દીન રાઠોડ સાહેબ ની વાત, વનેચંદનો વરઘોડો

    બાળવાર્તા સંગ્રહ, ગુજરાતી બાળવાર્તા pdf, બાળવાર્તા સંગ્રહ pdf, બાળવાર્તા pdf, જાદુઈ વાર્તાઓ, નવી બાળવાર્તા, ટૂંકી બાળવાર્તા, ગુજરાતી વાર્તા, ગિજુભાઈ બધેકા ની વાર્તા, નાના બાળકોની વાર્તા, હિતોપદેશની વાર્તાઓ pdf, પંચતંત્રની વાર્તાઓ pdf, ગુજરાતી બાળ વાર્તા, મુદ્દા પરથી વાર્તા pdf, મહેનત વાર્તા pdf, ગુજરાતી વાર્તા, ગુજરાતી વાર્તા વાંચન, રાજકુમારીની વાર્તા, કાગડાની વાર્તા, ડોશીની વાર્તા, મહેનત વાર્તા, ચકી ની વાર્તા, વાર્તા લેખન, પરીઓની વાર્તા, પોપટની વાર્તા, ડોશીમા ની વાર્તા, ભુતની વાર્તા, રાક્ષસની વાર્તા.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *