Skip to content

ઝેની – નિર્દોષ પ્રેમકથા | Zeni -Innocent love story 1

ઝેની - નિર્દોષ પ્રેમકથા
8955 Views

ઝેની – (એક લાગણીસભર વાર્તા – એક નિર્દોષ પ્રેમ..જે આપને બચપણમા લઇ જશે.) મુસ્લિમ છોકરી અને હિન્દુ છોકરાનાં નિર્દોષ પ્રેમની હ્રદયસ્પર્શી વાર્તા. ગુજરાતી ટુંકી વાર્તાઓં. ધોરણ ૧૧ જુનો અભ્યાસક્રમ, zeni gujarati short story, gujarati love story, true love story, bachapan ka pyaar. zeni std 11 old textbook story

ઝેની – નિર્દોષ પ્રેમકથા


—— #અમર_કથાઓ —–
બાએ નાનાંમોટાં નવાં વસ્ત્રોનો ઢગલો કરી દીધો હતો. તે અમુક વસ્ત્રો પટારામાં મૂકતી જતી હતી અને અમુક ન જાણે શુંયે વિચારીને બહાર એક બાજુ ઢગલો કરતી જતી હતી. પુસ્તકમાંથી મોઢુ કાઢીને મેં બાને પૂછયું , “હજુ સૂવું નથી બા ? બે વાગવા આવ્યા છે. ”
પરંતુ માને આજે જાણે વેળા – કવેળાની ફિકર નહોતી. મારાં લગ્ન થાય અને નવવધૂ માટે તે વસ્ત્રો સજાવીને રાખે તે દિવસ જોવા માટે તો તે કેટકેટલી માનતાઓ પણ માની હશે !

પટારામાંથી એક વસ્ત્ર કાઢતાં માએ કહ્યું , “બસ હવે મૂકી દઉં છું. આ બધું ગોઠવાઈ જાય તો સારું.” પણ તે વસ્ત્ર ક્યાંય ફસાઈ ગયું હતું. માએ તેને બહાર કાઢવા ખેંચ્યું તો કાપડ ફાટવાનો અવાજ આવ્યો. વધુ ન ફાટે તેની કાળજી રાખતાં માએ તે વસ્ત્રને સંભાળપૂર્વક બહાર કાઢ્યું, અને તેને સંકેલીને અન્ય વસ્ત્રોથી અલગ રાખી મૂક્યું. તે વસ્ત્રને જોતાં જ મેં જાણે આંચકો અનુભવ્યો અને મારું સમગ્ર ધ્યાન તે વસ્ત્રમાં પરોવાઈ ગયું.

તે એક ઓઢણી હતી. સર્વે વસ્ત્રોથી તે અલગ પડી હતી. તે ઓઢણી જોતાં મારા માનસપટ પર જૂની સ્મૃતિઓ તરી આવી.

અમારું અને ઉમર સુતારનું ધર લગોલગ હતાં. અમારા ઘરની વાતચીત તે ઘરમાં સંભળાતી અને તેમને ત્યાંની વાતચીત અમે સાંભળી શકતાં. એ જાણે ઓછું હોય એમ બાએ વચ્ચેની દીવાલમાં બાકોરું પાડીને સુખદુ:ખના સમય માટે બન્ને ઘરને વધુ નજીક લાવી દીધાં હતાં. તે બાકોરામાંથી બન્ને ઘરની પ્રવૃત્તિઓ જોઈ શકાતી હતી, અને દેખભાળ પણ રાખી શકાતી હતી. રસોડાના કામમાંથી પરવારીને બા અને માસી બહાર આવીને ભીંતના તે બાકોરા પાસે ખાટલો ઢાળીને બેસી જતાં. બીજી બાજુએથી ઉમરની પત્ની આવીને બેસતી. દાદીમા પડોશની વલુનીમાને ત્યાંથી હોકો ગડગડાવીને બાર – એક વાગ્યે આવીને બારણું ખખડાવે ત્યાં સુધી આ નારી સભા ચાલતી રહેતી. ક્યારેક – ક્યારેક આ મહિલામંડળ વચ્ચે એવી તો રસપૂર્ણ ચર્ચા જાગતી કે પરોઢિયાના પ્રકાશનો આભાસ થતાં જ સાશ્ચર્ય સભાને વિખેરાઈ જવું પડતું.

ઉમર સુતારને એક પુત્રી હતી. તે મારી સમોવડી હતી. તેનું નામ હતું ઝીનત. લાડથી બધાં તેને ઝેનીના હુલામણા નામે બોલવતાં. બીજી ચોપડીથી અમે બન્ને સાથે ભણ્યાં હતાં. સિંધના ગ્રામવિસ્તારોમાં લોકો જવલ્લે જ તેમનાં બાળકોને શાળામાં મોકલતા. તેમાંયે છોકરીઓને તો કેવળ વડેરા ચૌધરી કે મોટા લોકો જ શાળાએ મોકલતા. બાળકીઓને શાળાએ મૂકી આવવા કે તેડી આવવા પણ ખાસ નોકરચાકર રાખવો પડતો કે અન્ય ગુમાસ્તા ખેતમજૂર વગેરેને તે કામગીરી સોંપાતી. વડેરા તાલિબની છોકરીઓને જુમો નિશાળે મૂકવા લઈ જતો. જ્યારે રઈસ ખુદાબક્ષની છોકરીઓને તેડવા માટે મામા મવાલી શાળાની બહાર રાહ જોતો બેઠો રહેતો.
ઝેની કોઈ રઈસની દીકરી હોત તો અવશ્ય જ તેની સેવામાં કોઈ ગુમાસ્તો ખડે પગે ઊભો હોત. પરંતુ તે ઉમર સુતારની પુત્રી હોવાને કારણે તે સંભવિત નહોતું.

તેની મા નૂરાં કહેતી , “ઝેની ચાર સિંધી ચોપડીઓ ભણી છે તો તે તારા કારણે , કારણ કે તું ઝેની વિના શાળાએ જવાની ઘસીને ના પાડતો હતો. રિસાઈ જતો , અમે તારી હઠના કારણે ઝેનીને તારી સાથે ભણવા મોકલતાં.”

સવાર થતાં તૈયાર થઈને ઝેની અમારા ઘરે આવતી અથવા હું તૈયાર થઈને તેમના ઘરે જતો. બન્ને સાથે જ નિશાળે જતાં , બન્નેનાં પુસ્તકો એક જ દક્તરમાં રહેતાં, અને દફ્તર હંમેશા ઝેની જ ઉપાડતી. હું મારા હાથમાં એક નાની ડાબલી રાખતો, તે ડાબલીમાં સફેદ કાળી પેનના ટુકડાઓ રાખતો. શાળાનો ઘંટ વાગ્યા પહેલાં કે શાળા છૂટ્યા બાદ હું અને ઝેની બીજા છોકરાઓ સાથે પેનના તે ટુકડાઓથી રમતાં. અમે ક્યારેક વધુ પેનો જીતીને આવતાં અને ક્યારેક બધી જ પેનો હારીને વીલા મોંએ ઘેરી આવીને નવી પેન ખરીદી આપવા હઠ પકડીને રિસામણા કરતા. અમર_કથાઓ

રામુ ચણાવાળાને ત્યાં અમારું ખાતું ચાલતું. રિસેસમાં તે અમને બન્નેને એક એક પૈસાના ચણા આપતો અને મહિનો પૂરો થયે ઘરે આવીને બાપુજી પાસેથી હિસાબ લઈ જતો.

અમારા શિક્ષક તુલસિયામલની આંખોએ ઝાંખ આવી હતી. તેઓ જ્યારે ગણિતનાં પલાખાં પૂછતાં ત્યારે અમે તેમની નબળી આંખનો લાભ લઈને એકબીજાને પ્રશ્નનો ઉત્તર કહી દેતાં. એક દિવસે હું પકડાઈ ગયો. મારા ગાલે એવી થપાટ પડી કે તેની પાંચેય આંગળીયો મારા ગાલ ઉપર ઊપસી આવી. હું રડી પડ્યો. મને માર ખાતો જોઈને ઝેની પણ સિસકારા કરતી રડી પડી.
અમે ઘરે આવ્યાં ત્યારે મારા પહેલાં જ બાપુજીની ગેરહાજરીનો લાભ લઈ તેને જઈને ચેતનકાકાને રડતાં રડતાં ફરિયાદ કરી : “આજે માસ્તરસાહેબે આને પૂરા પાંચ તમાચા માર્યા છે. ”

મહેનતનો રોટલો : બોધકથા

મહેનતનો રોટલો : બોધકથા

બાપુજીને કહેવાથી કંઈ વળવાનું નહોતું , પરંતુ ચેતનકાકા જરા ગરમ સ્વભાવના હતા. બીજે દિવસે અમે શાળાએ પહોંચ્યાં ત્યાં જોયું. કાકા હેડમાસ્તરને ફરિયાદ કરી રહ્યા હતા. હેડમાસ્તરે ક્લાસમાંથી તુલસીસાહેબને બોલાવ્યા ત્યારે ઝેની બાંકડા પર ઊભી થઈ ગઈ અને તાળી પાડતી કહેવા લાગી : ” અમે તો તુલસીસાહેબને પણ માર ખવડાવ્યો ! ”

ઝેની આખો દિવસ અમારા ઘર નાચતી- કૂદતી રહેતી અથવા હું તેમના ઘરે તોફાન ધમાચકડી મચાવ્યા કરતો.
હું ખાવાની બાબતમાં ક્યારેક હઠે ચડતો તો બા તુરત જ ઝેનીને બોલાવી લેતી. ત્યાં જો ઝેની કોઈ વાતે હઠે ચડતી તો તેની મા મને બોલાવી લેતી. ઉમર ઝેની માટે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદી લાવતા તો મને પણ ભૂલતા નહિ , અને મારા બાપુજી કોઈ વસ્તુ લાવતા તો તેમાં ઝેનીનો ભાગ અવશ્ય રહેતો.

ગામમાંથી પસાર થતી નહેર અમારા ઘરથી દૂર નહોતી.
હું અને ઝેની બાની ઓઢણી લઈને ત્યાં જતાં અને ઓઢણી પાણીમાં નાખીને માછલીઓ પકડવાનો પ્રયાસ કરતાં. ક્યારેક નહેરમાં થોડે સુધી અંદર પેસીને નાની – નાની માછલીઓ પકડતાં અને કિનારે એક ખાડો ખોદી તે પાણીથી ભરીને તેમાં માછલીઓ ભેગી કરતાં. પકડાયેલી માછલીઓ લઈ જવા , હું ઘરે કોઈ વાસણ લેવા જતો’તો ; પાછા આવતાં બધી જ માછલીઓ અદૃશ્ય થઈ ગયેલી, અથવા ઝેનીને એક – એક બબ્બે માછલીઓ ખાડામાંથી કાઢીને પાછી નહેરનાં પાણીમાં નાખતી જોતો.

હું ગુસ્સે થઈ જતો. એક તમાચો ચોડીને તેને તતડાવી નાખતો : “આ શું કરે છે ?” તે જોરથી હસતી અને કહેતી , “માછલીઓ બિચારી ખૂબ રડતી હતી … “

ઘરના આંગણે પાણીની ટાંકી હતી. તે મને ટાંકી પાસે લઈ જઈને નળ ખોલી દેતી અને પોતે પણ મારી સાથે નાહવા બેસી જતી. ક્યારેક પછી તે બે બિલાડાઓને સામસામાં અથડાવીને મને બોલાવીને કહેતી , “જો બે સાવજ બાખડી પડયા છે.”

એકવાર તેણે મીંદડીના બચ્ચાને ટાંકીમાં નાખી દીધું. પછી ડરની મારી તેણે બાને જઈને એવું કહ્યું કે મેં મીંદડીના બચલાને ટાંકીમાં નાખી દીધું છે , માએ કંઈ પૂછયાગાછયા વગર મને બે તમાચા ચોડી દીધા.
બા જતી રહી ત્યારે ઝેની રડવા લાગી. રડીને શાંત થઈ ત્યારે મને પૂછયું , “ સાચું કહેજે , તમાચો બહુ જોરથી તો નથી વાગ્યો ને ? ”

સ્વર્ગસ્થ દાદીમા સાથે અમારે કદી બનતું નહિ. અમે દાદીમાની હોકલીની નળી ક્યાંક સંતાડી દેતાં અને ક્યારેક ઘાસ રાખવાની ઓરડીમાં ફેંકી દેતા. નળી ન મળતાં દાદીમાં આખા ઘરમાં ઊથલપાથલ મચાવી દેતાં.
ઝેની તેમની પાસે જઈને કહેતી , “ અરે હા , હુક્કાની એક નળી ઘાસની ઓરડીમાં જોઈ હતી … તે તો તૂટેલી હતી દાદીમા … ” પછી ઝેની તે નળી લેવા જતી અને સંતાડેલી જગ્યાએથી નળી લઈને પાછા વળતાં આખી નળીના બે ટુકડા કરીને દાદીમાને લાવીને આપતી અને કહેતી : “જુઓ દાદીમા , આ છે તમારી નળી ? ”

દાદીમાને અસ્પૃશ્યતાનું ભૂત વળગેલું હતું ઝેની અમારા ઘરમાં આખો દિવસ નાચતી- કૂદતી રહેતી. દાદીમા અવારનવાર તેના પર ગુસ્સે થતી. એક દિવસે હું જમી રહ્યો હતો ઝેની મારી પાસે જ બેઠી હતી. કહેવા લાગી “હું પણ તારી સાથે જમીશ.” એમ કહીને એ ચોખાના રોટલાનો એક ટુકડો તોડીને મોઢામાં કોળિયો નાખવા જતી હતી ત્યાં દાદીમાં તેને જોઈ ગયાં અને ખૂબ ગુસ્સે થઈને તેને એક થપાટ ચોડી દીધી. ” છોડી , તેં તો મારા છોકરાનું સત્યાનાશ વાળ્યું છે ; ટળ ભાગ અહીંથી નહિ તો …. ”
ત્યારે પહેલી વાર એવું બન્યું કે દાદીમાના ખિજાવાથી હસવાને બદલે ઝેની રડી પડી હતી. તે અશ્રુધારામાં તેનો નિષ્પાપ નિર્મલ પ્રેમ કોઈ અંધ કૂપમાં પડીને ડૂબી ગયો.

પાછળથી તેણે મને પૂછયું હતું દાદીમા આપણને સાથે જમવાની શું કામ ના પાડે છે ? તે વખતે હું પણ એનો અર્થ સમજી શક્યો નહોતો અને તેનાં વહેતાં અશ્રુનો ઉત્તર પણ અશ્રુ વહાવીને આપ્યો હતો. અમરકથાઓ

તે દિવસ પછી કેટલાય દિવસો સુધી ઝેની અમારા ઘરમાં આવતાં અચકાતી. તેને ખૂબ લાગી આવ્યું હતું. દાદીમાનો માર યાદ આવતાં તે ડરની મારી અમારે ત્યાં આવવાનું ટાળતી.

મારી સાથે ચોથા ધોરણમાં ઉત્તીર્ણ થયા બાદ ઝેનીને ઘરમાં જ રહેવું પડયું. ગામમાં માત્ર પ્રાથમિક શાળા હતી … પાંચમાં ધોરણ પછી ગામમાં કોઈ અંગ્રેજી શાળા ન હતી. આથી મને માધ્યમિક શાળામાં અભ્યાસ કરવા મારા મોસાળ મોકલવામાં આવ્યો. ઉનાળાની રજાઓમાં હું મારે ગામ આવતો. બા મને પત્રમાં લખ્યા કરતી. “ઝેની તને ખૂબ સંભારે છે. તને જલદી બોલાવવા કહ્યાં કરે છે. ઉનાળાની રજાઓમાં જરૂર આવજે , નહિ તો અમારું માથું ખાઈ જશે.”

એક વખતે મોસાળમાં હું માંદો પડી ગયો. મારા મામાએ પત્રમાં બાપુજીને તે સમાચાર પાઠવ્યા હતા. ઘરમાં તે પત્ર વંચાતો હતો ત્યારે ત્યાં ઝેની પણ બેઠી હતી. મારી માંદગીનું સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. બાએ ત્યાંના સમાચાર જણાવતાં લખ્યું હતું કે ઝેનીએ બે દિવસ સુધી તો ખાધું પણ નહોતું.

દર વરસે હું ઉપરના ધોરણમાં જતો. અંગ્રેજી શાળાની તૃતીય કક્ષા ઉત્તીર્ણ કરીને હું ઘરે આવ્યો ત્યારે ઝેની મને બસસ્ટેન્ડે સામેથી સત્કારવા આવી હતી. મળતાં જ ટીખળમાં મને ધક્કો મારતાં કહ્યું હતું , “ હવે તો સાહેબ કામેટી પાસ થઈને આવ્યો છે. ”

તે પછીના ઉનાળામાં ઘરે આવ્યો ત્યારે મારા માથે સાહેબ લોકો જેવો ટોપો હતો. મારા માથેથી ટોપલો ઉતારતાં તે બોલી , “લાટસાહેબ , આ તો ફકીરોનું ખપ્પર લાગે છે,” અને પછી ટોપલામાં પાણીના એક – બે ગ્લાસ ઠાલવીને બોલી , “ હા , જરૂર પડ્યે આમાં પાણી પણ પી શકાય.”

મારા યજ્ઞોપવીત પ્રસંગે સૌથી વધુ પ્રસન્ન ઝેની દેખાતી હતી. અહીંથી ત્યાં નાચતી – કૂદતી હતી. બે દિવસ સુધી લોકગીતો ગાતી રહી. “હું ……..ના વિવાહ કરાવું છું …….. નવોઢા લાવશે” તેના સ્વરની સરસતાની સાથે તેમાં મારા ઉજ્વળ ભવિષ્ય અને સુખી જીવન માટેની મંગલ કામનાઓ પણ ભરી હતી.

દેશના વિભાજન બાદ અમે વતન ત્યજી રહ્યાં હતાં ત્યારે ઝેની અત્યંત ઉદાસ બની ગઈ હતી. અમારી હિજરતને હજુ ચારપાંચ દિવસ બાકી હતા ત્યારે એક ઓઢણી પર ભરતકામ કરીને તેમાં તે આભલાં ટાંકવા બેઠી. તેને નિશદિન પ્રેમ અને ઉત્સાહથી ઓઢણી પાછળ મહેનત કરતી જોઈને મેં તેને પૂછ્યું હતું , “આ કોના માટે ભરી રહી છે ? ”

તેણે જવાબમાં ઉત્તર વાળ્યો હતો : “મારા માટે ! ”

“અરે , પોતાનાં લગ્ન માટે કંઈ હાથે ભરત કરાતું હશે ? ”

વાક્ય પૂરું થયા પહેલાં જ રડી પડી હતી , જે દિવસે અમે વતનને અલવિદા કરી તેને આગલે દિવસે મારી માને તે ઓઢણી આપતાં ઝેનીએ કહ્યું હતું , “આ ઓઢણી આની વહુને પહેરાવજો અને તેને એમ પણ કહેજો કે આ તેની એક ઘેલી નણંદ તરફથી ભેટ છે. ” કહેતાં કહેતાં તો તેની આંખો છલોછલ ઊભરાઈ પડી હતી.
મને ત્યારે જ ખબર પડી કે આટલા પરિશ્રમ અને ખંતથી તે મારી સંગિની માટે ઓઢણી ભરી રહી હતી.

અને…… અને.. બાએ પટારામાંથી બહાર કાઢેલી તે ઓઢણી ત્યાં પડી છે. અન્ય સર્વે વસ્ત્રોથી અલગ અને એકલી, ખામોશ … અચેતપણે મને લાગે છે કે તે ઓઢણી પર ભરેલાં સર્વે આભલાંઓ જાણે દર્પણ બની ગયાં છે અને પ્રત્યેક દર્પણમાં ઝેનીની આછી આકૃતિ ચિત્રિત બની ઊઠી છે.
કેટલાંક દર્પણમાં તે મલકાતી દેખાય છે. અમુકમાં હસતી – ઊછળતી દેખાય છે, અમુકમાં ઉદાસ અને અમુકમાં સજળ નયને તાકતી દેખાય છે. ઓઢણીના ભરતમાં વપરાયેલા વિભિન્ન રંગના દોરામાં ઝેનીનો માસૂમ, નિર્મલ પ્રેમ વણેલો અને બંધાઈ ગયેલો ભાસે છે.

‘પ્રેમ’…..જેના પ્રત્યે હૃદયમાં શતશત શિકાયતો સમાયેલી હતી, પરંતુ તે જાહેર કરવા જિહ્વા પર શતશત તાળાં મારેલાં હતાં.

મને લાગ્યું , જાણે ઝેની તેનાં ડૂસકાં અને સિસકારા દબાવીને રડમસ અવાજે કહી રહી છે, “બસ … આટલી વારમાં …. ? તું તારી દુલ્હનનાં રેશમી વસ્ત્રોની સાથે મારી આ તુચ્છ ભેટ નહિ રાખે ? શું આ ઓઢણી અને અન્ય વસ્ત્રોની વચ્ચે પણ તે દીવાલ આડી છે જે બાળપણમાં આપણને સાથે જમવા બેસવાની આડે આવતી હતી અને એ જ દીવાલ , જે યુવાનીમાં પણ આપણને દૂર રાખતી રહી છે.”

દલો તરવાડી – રીંગણા લઉ બે ચાર

વાંસળીવાળો અને ઉંદર

ભટુડીની વાર્તા – બકરીબેનની વાર્તા

✍ મોતી પ્રકાશ.
સંપાદન & ટાઇપીંગ- અમર કથાઓ (તા.૧૪/૨/૨૦૨૧)

▪ફોટો પ્રતિકાત્મક છે.

અમારી વેબસાઇટ ની મુલાકાત બદલ ધન્યવાદ.

11 thoughts on “ઝેની – નિર્દોષ પ્રેમકથા | Zeni -Innocent love story 1”

  1. Pingback: Zohra | Heart touching story in Gujarati - AMARKATHAO

  2. Pingback: જુમો ભિસ્તી વાર્તા ધોરણ 8 - AMARKATHAO

  3. Pingback: મંગળસૂત્ર - ગુજરાતી વાર્તા - AMARKATHAO

  4. Pingback: 2 Heart Touching Story in Gujarati | ગુજરાતી ટુંકી વાર્તા

  5. Pingback: Best Gujarati short story - "CHAHERO" - Tolstoy - AMARKATHAO

  6. Pingback: ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 101 વાર્તાઓનો સંગ્રહ - AMARKATHAO

  7. Nice blog! Is your theme custom made or did you download it from somewhere? A design like yours with a few simple adjustements would really make my blog stand out. Please let me know where you got your design. Many thanks

  8. બહુ સરસ કાર્ય, ગુજરાતી વાંચતા લોકો માટે સદ્કાર્ય.
    અભિનંદન અને આભાર.

  9. Pingback: જુમો ભિસ્તી વાર્તા ધોરણ 8 | Jumo bhisti path - AMARKATHAO

  10. Pingback: ખેમી વાર્તા | Khemi Gujarati Best vartao - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *