Skip to content

કઠપૂતળીનો ઇતિહાસ અને રોચક વાતો | kathaputali the puppet

કઠપૂતળીનો ઇતિહાસ અને રોચક વાતો
3814 Views

કઠપૂતળીનો ઇતિહાસ, કઠપૂતળીના ખેલ, કઠપૂતળી કળા, કઠપૂતળી શો, કઠપુતળી, kathaputali the puppet, kathputali show, kathputali history in gujarati, Puppetry

‘એ હાલો કઠપૂતળીનો ખેલ જોવા…’ એક જમાનામાં ગામડાંની કોઈ શેરીમાં આ સાદ પડતાંની સાથે જ ગામ આખું પડદા પાછળથી દોરી વડે લાકડાંની પૂતળીઓને નચાવતો ખેલ જોવા ચોકમાં ઉમટી પડતું. ત્યારે કઠપૂતળીના ખેલ ગ્રામ્ય સંસ્કૃતિનું અતિ જૂનું અને મહત્ત્વનું મનોરંજનનું માધ્યમ હતું.

કઠપૂતળીનો ઉદ્ભવ અને પ્રાચીન ઇતિહાસ

ભગવાન શિવથી પાર્વતીજી નારાજ થયા હતાં, ભગવાન શિવે પત્નીને ખૂશ કરવા લાકડાની કઠપૂતળીમાં પ્રવેશ કર્યો અને પત્નીને મનોરંજન આપી ખુશ કર્યા. ભારતમાં કઠપૂતળીના ખેલનો જન્મ ભગવાન મહાદેવના હાથે થયો….

નવી પેઢીએ વિક્રમાદિત્યની બત્રીસ પૂતળીઓની વાર્તા વાંચતી હશે કે કેમ એ ખબર નથી પણ આપણે નાના હતાં ત્યારે બત્રીસ પૂતળીઓની વાર્તા લગભગ બધા વાંચતા, કઠપૂતળીનો ઇતિહાસ આશરે પચ્ચીસસો વર્ષ પ્રાચીન છે, પાણિનીના નટસૂત્રમાં કઠપૂતળીના ઉલ્લેખો છે. બે હજાર વર્ષ પહેલાં પણ નાટકો કઠપૂતળીના માધ્યમથી ભજવાતા હતાં.

ભારતથી પડોશી દેશો થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ફિલિપાઇન્સ, વિયેટનામ,કોરિયા વગેરેમાં કઠપૂતળી પહોંચી, ત્યાંથી ચીન થઈ રશિયા અને યુરોપ સુધી ફેલાતી ગઇ. મહત્વની વાત એ છે ત્યાં કઠપૂતળીની કળાનો આધુનિક જ્ઞાન સાથે વિકાસ થયો અને આજે તેને જાળવવા સુંદર પ્રયાસો પણ થાય છે. કઠપૂતળીના ખેલ પરથી અનેક પોપ્યુલર ટીવી શોઝ પણ થાય છે. ઇવન કાર્નિવલમાં પણ પ્રાણીઓની પ્રતિકૃતિ પણ કઠપૂતળી કળા પર આધારિત છે.

એવું માનવામાં આવે છે કે ગ્રીસથી કઠપૂતળી કળા વિકાસ પામી હતી…. ઇવન ઇજીપ્તમાં પણ આ કળા પૌરાણિક યુગથી વિકસી હતી. આપણે બંને વાતો સાથે એટલો વાંધો નથી… વાંધો તો એ છે કે ભગવાન શીવે આપેલી આ કળાને બચાવવા પ્રયત્નો ઘણા ઓછા છે…

યુરોપિયન દાર્શનિક એરિસ્ટોટલ અને પ્લટોએ કઠપૂતળી વિશે લખ્યું છે, હોમરના પૌરાણિક નાટકો ઇલિયાડ અને ઓડીસી કઠપૂતળી દ્વારા રજૂ થયા હતાં.
ભારતની વાત કરીએ તો આપણી લોકકથાઓને જીવંત રાખવા માટે કઠપૂતળીઓના ખેલ અને કલાકારોનો આભાર માનવો જોઈએ.

આપણે ગુજરાતીઓએ રાજસ્થાની કઠપૂતળીના ખેલ વધારે જોયા છે, કપડાની કઠપૂતળીને દોરા વડે બાંધી આંગળીઓથી નચાવતા બજાણિયા જોયા છે. આ શૈલીની વિશેષતા એ છે કે કઠપૂતળીના પહેરવેશ પરથી ખબર પડી જાય કે કોણ રાજા છે અને કોણ પ્રજા…

સાપ વિશે માહિતી
સાપ વિશે જાણવા જેવુ

ઓરિસ્સામાં કુંદેઈ, મહારાષ્ટ્રમાં માલાસૂત્રી કે તમિલનાડુમાં બોમલટ્ટમ શૈલી જાણિતી છે. કેરાલામાં કઠપૂતળી નચાવતા નચાવતા પ્રેક્ષકોને પણ નચાવવામાં આવે છે.
દક્ષિણ ભારતમાં કઠપૂતળી જાનવરોના ચામડામાંથી બને છે પણ બંગાળમાં ડંડા સાથે કઠપૂતળી બાંધી નાચ નચાવવામાં આવે છે….

૨૧ માર્ચે દુનિયાભરમાં વિશ્વ કઠપૂતળી દિવસ તરીકે મનાવાય છે. કઠપૂતળીની કલા ભારતમાંથી દુનિયાના અનેક દેશોમાં પહોંચી હોવા છતાં આજે ભારતમાં તે મૃતપ્રાય હાલતમાં છે. ગ્રામીણ ભારતમાં મનોરંજન સાથે શિક્ષણની ગરજ સારતી કઠપૂતળી સ્માર્ટફોન અને ઈન્ટરનેટના આગમનથી રસ્તે રઝળતી થઈ ગઈ છે

આ ખેલ લોકશિક્ષણનું કાર્ય પણ કરતા. આ ખેલના કલાકારો રોજ કોઈ ગામમાં ખેલ બતાવીને પેટ પૂરતું રળી લેતા. સમય જતાં લોકોનાં જીવનધોરણથી માંડીને મનોરંજનનાં સાધનોમાં પરિવર્તન આવ્યું. સિનેમા અને ટેલિવિઝન જેવાં ઉપકરણોએ પરંપરાગત કળાઓને મરણતોલ ફટકો માર્યો. એ ઘા એટલો જડબેસલાક નીવડ્યો કે પરંપરાગત કળાઓ પર અનેક વિચરતી-વિમુક્ત જાતિઓનો જીવનનિર્વાહ ચાલતો હતો તે બંધ થઈ ગયો. કઠપૂતળી આવી વિસરાયેલી કળાઓમાંની એક છે.

મોહેં-જો-દડો અને ઈજિપ્તના પિરામિડોમાંથી પ્રાચીન પૂતળીઓ મળી આવી હતી. ઔરંગઝેબના સમયમાં કઠપૂતળીના ખેલમાં ‘પૃથ્વીરાજ ચૌહાણ’ અને ‘અમરસિંગ રાઠોડ’ની શૂરવીરતા રજૂ કરાતી. પરિણામે સ્થાનિકોમાં બળવો થવાની આશંકાએ ઔરંગઝેબે તેના પર પ્રતિબંધ મૂકી દીધેલો, ત્યારથી કઠપૂતળીના ખેલ કરનારે મુખથી સંવાદો બોલવાનું બંધ કરીને ‘પીપાડી’ (સીટી)થી સંવાદ બોલવાનું શરૂ કર્યું હતું. ભારતમાંથી જ કઠપૂતળીના કલાકારો જાવા, સુમાત્રા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, ચીન અને જાપાન જેવા દેશોમાં જતા. આ દેશોમાં આજેય ભારતીય પારંપરિક કઠપૂતળી કળા હયાત છે.

હાલ ગુજરાતમાં જે કઠપૂતળીની કળા રજૂ થાય છે તે રાજસ્થાનથી આયાત થયેલી છે. રાજસ્થાનમાં રાજ નટ, દક્ષિણી નટ અને ભાટ નટ એમ ત્રણ પ્રકારની નટજાતિ છે. ભાટ નટ કઠપૂતળી ભાટ તરીકે ઓળખાય છે. ભાટ કોમની ચાર પેટા જાતિઓ રાજભાટ, રાવભાટ, કંકાળીભાટ અને દક્ષિણીભાટ છે. જેમાંથી રાજભાટ રાજાના દરબારમાં રાજકવિ તરીકે સ્થાન પામ્યા હતા. રાવ ભાટ વિવિધ કોમના ‘બારોટ-વહીવંચા’ બન્યા. કંકાળીભાટ કઠપૂતળીના ખેલ સાથે જોડાયા. જેમાં દક્ષિણી નટ કોમ પણ જોડાઈ, જે પછીથી નટભાટ તરીકે ઓળખાઈ. 

ખીજડો અથવા શમડી, શમી વૃક્ષ
ખીજડા ના વૃક્ષનો પરિચય

કઠપૂતળી અંગે દંતકથા

કઠપૂતળીના કલાકારની કારમી ગરીબી પાછળ પણ એક દંતકથા છે. પાંચમી સદીમાં રાજસ્થાનમાં પાદલિપ્ત સૂરિ નામના જૈન સાધુ હતા. તેઓ ૨૭ ઔષધીઓનો રસ પગે લગાવીને અદૃશ્ય થઈ શકતા હોવાથી તેમનું નામ પાદલિપ્ત સૂરિ (પાદ એટલે પગ, લિપ્ત એટલે લીંપેલા પગવાળા. આમ, લીંપેલા પગવાળા એટલે પાદલિપ્ત) પડેલું. તેમણે ઉનાળાની ગરમીથી બચવા માટે પોતાના માટે એક કઠપૂતળી બનાવી, જે આંખો પણ પટપટાવતી.

કઠપૂતળી આરામના સમયે સાધુને હાથથી પંખો નાખતી. સાધુની આ કઠપૂતળીની ખ્યાતિ આસપાસનાં ગામોમાં ફેલાઈ ગઈ. જે કેટલાક લોકોને આંખના કણાની જેમ ખૂંચવા લાગી. ઈર્ષાળુઓએ રાજાને ફરિયાદ કરી કે સાધુએ બનાવેલી કઠપૂતળીનો ચહેરો તમારી બહેન જેવો છે. પરિણામે રાજાએ ઉશ્કેરાઈને સાધુને અપમાનિત કરી રાજ્યમાંથી હાંકી કાઢ્યા.

અપમાનથી વ્યથિત થયેલા પાદલિપ્ત સૂરિએ કઠપૂતળીને તોડીને રસ્તા પર ફેંકી દીધી અને શાપ આપ્યો કે તારી સાથે જીવનાર હંમેશાં ભૂખે મરશે.“ગુજરાતમાં કઠપૂતળીને વેઢી-વિષ્ટિકા કહે છે.જેનો મતલબ થાય છે કપડું વીંટીને બનાવેલી ઢીંગલી.

કઠપૂતળીના પ્રકાર

તેના મુખ્ય ચાર પ્રકાર છે. 1. ગ્લવ્ઝ પપેટ, 2. રોડ પપેટ, 3. શૅડો પપેટ અને 4. સ્ટ્રિંગ પપેટ. 

ગ્લવ્ઝ પપેટ હાથમાં પહેરાય છે. રોડ પપેટને એક લાકડા સાથે જોડીને ઊંચેથી દર્શાવાય છે. જ્યારે શૅડો પપેટ પડદા પર પડછાયા દ્વારા રજૂ થાય છે. દરેકની બનાવટ અને રજૂઆત અલગ રીતે થાય છે. મહારાષ્ટ્રમાં કઠપૂતળીની કળા બાઉલી, કર્ણાટક અને મૈસુરમાં ગોમ્બેઆટ્ટા, કેરળમાં તોલપાવૈ-તૂણીપાવા, ઓરિસ્સામાં સખીનત્ત અને રાવણછાયા, બંગાળમાં પુત્તુલ નાચ-બેનીર પુત્તુલ અને આંધ્રમાં બોમ્મા-તોળુ બોમ્મા તરીકે રજૂ થાય છે.

આ કળા દેશનાં અન્ય રાજ્યોમાં ટકી પણ ગુજરાતમાં ડચકાં ખાઈ રહી છે તેની પાછળનાં અનેક કારણો પૈકીનું એક કારણ ગુજરાતી પ્રજાની કળા પ્રત્યેની ઉદાસીનતા છે. ગુજરાતી ફિલ્મો-નાટકો પણ આ અનુભવમાંથી પસાર થઈ ચૂક્યાં છે, ત્યારે આ મામલે પ્રજા કરતાં સરકાર વધુ જવાબદાર લાગે છે.

ફ્રાન્સ, ડેન્માર્ક, ઈટાલી, જર્મની, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ જેવા દેશોમાં તેમને કઠપૂતળીના ખેલ માટે ભારે ક્રેઝ છે.  “કઠપૂતળી મનોરંજન સાથે શિક્ષણ આપે છે, આ વાત વિદેશીઓ વધુ સમજે છે. કેન્દ્રીય સંગીત નાટક અકાદમી આ કળાને પ્રોત્સાહન આપે છે, ગુજરાતની સંગીત નાટક અકાદમી આ બાબતે ઉદાસીન છે.

આ કળાના પતનનું સૌથી મોટું કારણ મનોરંજનનાં સાધનોનો વિકાસ છે. કળા સાથે જોડાયેલા લોકો મોટાભાગે અભણ અને ગરીબ છે. તેમને સરકારી યોજનાનો સહારો કે નથી સમાજ તરફથી કોઈ સહાનુભૂતિ પણ નથી. ગુજરાતમાં પૂતળી ભાટ કોમનાં લગભગ સવાસો કુટુંબ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને મહેસાણામાં વસે છે.

જેમાંથી કઠપૂતળીના ખેલ કરનારા ગણ્યાગાંઠ્યા કલાકારો રહ્યા છે. મોટાભાગના હવે કાપડનાં હાથી-ઘોડા, તોરણ, ચકલી-પોપટની સેરો, નાનીમોટી કઠપૂતળીઓ અને લાકડાની અણઘડ મૂર્તિઓ બનાવીને જીવન ગુજારે છે. શિક્ષણની ઉપેક્ષા અને ગરીબીરેખાથી પણ નીચું જીવનધોરણ હોવાથી તેઓ સામાન્ય પ્રવાહમાં જોડાઈ શક્યા નથી. 

બાકી હતું તે સિનેમા, ઈન્ટરનેટ, કમ્પ્યૂટર, સ્માર્ટફોન જેવાં મનોરંજન માધ્યમોએ પૂરું કર્યું. લોકો ઈન્ટરનેટ અને સ્માર્ટફોનથી એવા બંધાઈ ગયા છે કે તેમને કઠપૂતળી જેવી પ્રાચીન કળામાં રસ રહ્યો નહીં.આ કળાને બચાવવી હશે તો સરકારે તેને ફરજિયાત પ્રોત્સાહન આપવું પડશે. સમાજ આ ઉપેક્ષિત કલા પ્રત્યે જાગ્રત થાય તે પણ જરૂરી છે. કઠપૂતળીની કળાની સાથે શિક્ષણ પણ મળી રહે તેવી જોગવાઈ થઈ શકે. એનજીઓ દ્વારા આ કોમના પ્રૌઢોને અક્ષરજ્ઞાન આપવું પડશે. 

કઠપૂતળી કળાનો ઉપયોગ બાળ શિક્ષણ, સમાજ શિક્ષણ, મનોરંજન, દિવ્યાંગો માટે થઈ શકે. વિદેશોમાં ખાસ કરીને ઈંગ્લેન્ડમાં રાષ્ટ્રીય અભ્યાસક્રમમાં કઠપૂતળીને સમાવાઈ છે.જેમાં આઠમા ધોરણ સુધીનાં બાળકોને પપેટ દ્વારા અંગ્રેજી ભાષા, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, વિજ્ઞાન અને સામાન્ય ટેક્નોલોજીનું જ્ઞાન અપાય છે. આ પ્રયોગ આપણે ત્યાં અમલમાં મૂકી શકાય.

કલા-કલાકારો સમાજનો શણગાર છે. કઠપૂતળીની કળાનો શણગાર આજે ઝાંખો પડી ગયો છે. તેને ફરીથી ચમકદાર બનાવવાની જરૂરિયાત છે. જો એમ નહીં થાય તો એ દિવસ દૂર નથી જ્યારે કઠપૂતળીની કળા મ્યુઝિયમોના કાચના કબાટમાં કેદ થઈને પોતાની કમનસીબી પર આંસુ સારતી હશે.

રૂખડો - રૂખડાનાં વૃક્ષ વિશે જાણવા જેવુ
રૂખડો – રૂખડાનાં વૃક્ષ વિશે જાણવા જેવુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *