Skip to content

દલપતરામ ના શ્રેષ્ઠ કાવ્યો 7 – શરણાઈવાળો અને શેઠ & બીજી કવિતા

દલપતરામ ના શ્રેષ્ઠ કાવ્યો
7808 Views

દલપતરામ ની સુંદર 7 કવિતાઓ અહીથી વાંચો. શરણાઈવાળો અને શેઠ, ઊંટ કહે આ સભામાં, ભીંડો ભાદરવા તણો, અંધેરી નગરીને, કરતા જાળ કરોળીયો, હતો હુ સુતો પુત્ર પારણે, શિયાળે શિતળ વા વાય, દલપતરામની શ્રેષ્ઠ કવિતાઓ, ગુજરાતી કવિતા સંગ્રહ pdf, દલપતરામનો પરિચય, દલપતરામની કૃતિઓ, Kavi Dalpatram, Gujarati Kavita collection

દલપતરામનો પરિચય

દલપતરામ ડાહ્યાભાઇ ત્રવાડી (૨૧ જાન્યુઆરી ૧૮૨૦ – ૨૫ માર્ચ ૧૮૯૮)

જેઓ દલપતરામ તરીકે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના કવિ હતા. તેઓ કવિ ન્હાનાલાલના પિતા હતા. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે. તેમણે અમદાવાદમાં સમાજ સુધારણાની ચળવળમાં અગ્રણી ભાગ ભજવ્યો હતો અને અંધશ્રદ્ધા, જ્ઞાતિવાદ અને બાળલગ્ન વિરુદ્ધ લેખો લખ્યા હતા. તેમની કવિતા વેનચરિત્રમાં તેમણે વિધવા પુન:લગ્નનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

દલપતરામની મુખ્ય કૃતિઓ

કવિતા – ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઇ, માના ગુણ, દલપત કાવ્યો ભાગ ૧, ૨ (૧૮૭૯, ૧૮૯૬).

નિબંધ – ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ.

નાટક – મિથ્યાભિમાન, લક્ષ્મી નાટક, સ્ત્રીસંભાષણ, ગંગાબાઈ જમનાબાઈની વાત.

વ્રજભાષામાં – વ્રજ ચાતુરી.

વ્યાકરણ – દલપતપિંગળ.

કાવ્ય દોહન.

બાપાની પિંપર, તાર્કિક બોધ

ગુજરાતી ભાષાના કવિઓનો ઇતિહાસ

ઊંટ કહે આ સભામાં

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;

ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;

કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;

ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;

“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

ઊંટ કહે આ સભામાં - ઊંટનાં અઢાર અંગ વાંકા
ઊંટ કહે આ સભામાં – ઊંટનાં અઢાર અંગ વાંકા

શરણાઈવાળો અને શેઠ

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,

રાગ રાગણી વગાડવામાં વખણાણો છે.

એકને જ જાચું એવી ટેક છેક રાખી એક

શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.

કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ,

“ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.

પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?

સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”

શરણાઈવાળો અને શેઠ - દલપતરામ
શરણાઈવાળો અને શેઠ – દલપતરામ

ભીંડો ભાદરવા તણો

ભીંડો ભાદરવા તણો, વડને કહે : “સુણ વીર,

સમાઉં નહિ હું સર્વથા, તું જા સરવરતીર.”

“તું જા સરવરતીર”, સુણી વડ ઊચર્યો વાણી,

“વીત્યે વર્ષાકાળ, જઈશ હું બીજે જાણી.”

દાખે દલપતરામ, વીત્યો અવસર વર્ષાનો,

ગયો સુકાઈ સમૂળ, ભીંડો તે ભાદરવાનો.

કરતા જાળ કરોળિયો

કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય

મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,
પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ.

એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર

હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર,
ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર

ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત
ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત…

એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત
આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત.

અંધેરી ને ગંડુ રાજા

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;

બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;

લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”

ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;

હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે…

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”

કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”

ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;

પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.

માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”

વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.

ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”

પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”

“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.

ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”

જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.

જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”

ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

હતો હું સુતો પારણે પુત્ર નાનો

હતો હું સુતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?

મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે, તજે સ્વાદ તો તે;

મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

લઇ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજું મને કોણ દેતું ?

મને કોણ મુખે મીઠાં ગીત્ ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

પડું કે ચડું તો ખમા આણી વાણી;
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;

પછી કોણ પોતા તણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

મને કોણ કે‘તું પ્રભુભક્તિ જુક્તિ
ટળે તાપ પાપે મળે જેથી મુક્તિ

ચિત્તે રાખી ચિંતા રૂડું કોણ ચા‘તું
મહા હેતવાળી દયાળી જ મા તું.

તથા આજ તારું હજી હેત તેવું
જળે માછલીનું જડ્યું હેત જેવું

ગણિતે ગણ્યાથી નથી તે ગણાતું
મહા હેતવાળી દયાળી જ મા તું.

અરે આ બધું શું ભલું જૈશ ભૂલી
લીધી ચાકરી આકરી જે અમૂલી

સદા દાસ થૈ વાળી આપીશ સાટું
મહા હેતવાળી દયાળી જ મા તું.

અરે દેવના દેવ આનંદ દાતા
મને ગુણ જેવો કરે મારી માતા

સમો વાળવા જોગ દેજે સદા તું
મહા હેતવાળી દયાળી જ મા તું.

શિયાળે શીતળ વા વાય

શિયાળે શીતળ વા વાય
પાન ખરે ઘઉં પેદા થાય;

પાકે ગોળ કપાસ કઠોળ,
તેલ ધરે ચાવે તંબોળ.

ધરે શરીરે ડગલી શાલ,
ફાટે ગરીબ તણા પગ ગાલ;

ઘટે દિવસ ઘણી મોટી રાત,
તનમાં જોર મળે ભલી ભાત.

ઉનાળે ઊંડા જળ જાય,
નદી સરોવર જળ સુકાય;

પામે વનસ્પતિ સૌ પાન,
કેસૂડાં રૂડાં ગુણવાન.

સારા હોજ ફુવારા બાગ,
પ્યારા ચંદન પંખા લાગ;

બોલે કોયલ મીઠાબોલ,
તાપ પડે તે તો વણ તોલ.

ચોમાસું તો ખાસું ખૂબ,
દીસે દુનિયા ડૂબાડૂબ;

લોક ઉચ્ચારે રાગ મલાર,
ખેતર વાવે ખેતીકાર.

ચંપા ચમેલી જૂઈ જાય,
ફૂલ ગુલાબ ભલા ફુલાય;

છત્રી ચોમાસે સુખ માટ,
ચાખડીઓ હીંડોળાખાટ.

✍ દલપતરામ

આ વાંચવાનું પણ ચુકશો નહી 👇

🌺 ચાલોને રમીએ હોડી હોડી – chalo ne ramie hodi hodi

🌺 સાદ કરે છે, દિલ હરે છે. – sad kare chhe kavita

🌺 કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ – મિન પ્યાસી – kabutaro nu ghoo ghoo kavita

🌺 અડકો દડકો દહી દડુકો – Adko dadko dahi daduko

દલપતરામ ના ભજન, દલપતરામ જીવન કવન, કવિ દલપત પઢિયાર કયા પંથ ના ગાદીપતિ છે ?, ફાર્બસ વિરહ, બાપાની પીપર કાવ્ય, મિથ્યાભિમાન નાટક pdf, બાપની પીપર કૃતિ સૌ પ્રથમ કયા સામયિકમાં પ્રકાશિત થઇ છે ?, દલપતરામની કવિતા

1 thought on “દલપતરામ ના શ્રેષ્ઠ કાવ્યો 7 – શરણાઈવાળો અને શેઠ & બીજી કવિતા”

  1. Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *