1855 Views
નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં આ લોકગીત તો આપે સાંભળ્યુ જ હશે. પણ આ લોકગીત પાછળ રહેલી ઘટના જાણ્યા સિવાય આ લોકગીતનો અર્થ બરોબર સમજાશે નહી… તો આજે અમરકથાઓમાં વાંચો આ અદ્ભુત સ્ટોરી નટવર નાનો રે, ગુજરાતી લોકગીત સંગ્રહ, લોકગીત pdf, લોકગીત lyrics, lokgeet pdf
“માડી ! હું તમારા દીકરાને મારો બાપ બનાવીને રાખીશ.” સાત વરસની એક છોકરી નેવું વરસના માજીને એના પૌત્રની જાળવણી વિશે ધરપત આપેછે.
વરસો પહેલાંની લોકજીભે વહેતી વાત છે. આજના મહુવા પાસેના ટીંબાની આ ઘટના હોવાનું મનાય છે. મરકીનો રોગચાળો ફાટી નીકળેલો. ટપોટપ માણસો મરકીની હુતાશનમાં હોમાવા લાગ્યા. કહેવાય છે કે ડાઘુનું ફાળીયું સુકાતું નહિ. હજી તો સ્મશાને એક ચિતાને ઠારીને ન આવે ત્યાં શેરીમાં બીજું મરણ થયું જ હોય. બધે મરકીની મહામારીનો ખોફ ફેલાયેલો હતો.
ઘરનાં બારણાંને તાળું મારવાની પરવા કર્યા વગર વસ્તીના ટોળેટોળાં સીમમાં કે જંગલમાં નાસી છૂટતા. મરકીની મહામારીએ કોઇને ના છોડ્યા. અબાલ વૃદ્ધ બધા યમરાજના વિકરાળ જડબામાં હોમાવા લાગ્યા. મંત્ર તંત્ર, દોરાધાગા, માદળિયું બધું નકામું પૂરવાર થયું. વસ્તીની સાથે ભૂવા ગામ છોડી ભાગવા લાગ્યા. ચુડેલના વાંસા જેવી ગામની શેરીઓ ભેંકાર બની ગઇ. વસ્તી વગરની શેરીઓમાં કૂતરા રઘવાયા થઇ રખડવા લાગ્યા. કૂવાકાંઠો, નદી, ગામનો ચોક જાણે બાબરો ભૂત આવવાનો હોઇ તેમ સૂનકાર લાગે. ગલઢેરાઓએ આખી જિંદગીમાં ના જોયા હોય એવા દ્રશ્યો સર્જાયા.
કોઇ ઘર બાકી ના રહ્યું હોય કે ત્યાં કાંણ મંડાણી ન હોય. કેટલાય એવા ઘર હતા કે જેમાં કોઇ જીવતું બચ્યું ના હોય. આકાશમાંથી શકરો અચાનક નીચે ઉતરી બચ્ચાં સહિત પક્ષીનો માળો ચુંથી નાંખે એવી દશા ગામેગામ વસ્તીની થઇ ગયેલી. કેટલાક ઘરમાં અંતકાળે મોંમા પાણીની ચમચી આપવા વાળું કોઇ ન રહ્યું. દરેકની આંખમાં મોતના તાંડવનો ખોફ છવાયેલ દેખાય.
સાત વરસની એક છોકરીના ઘરના બધા મરકીમાં ભગવાનને વહાલા થઇ ગયા. ભૂખી તરસી શેરીઓમાં ભટકે છે. કોઇ ઘરમાં માણસ તો શું એનો ઓછાયો પણ ના દેખાયો. ઘોર નિરાશામાં શેરીએ શેરીએ ભટકતી ગામના છેવાડે પહોંચી ગઇ. ત્યાં એક ઝૂંપડું જોયું. છોકરીના થાકેલા પગમાં જોર આવ્યું .
અંદર જઇને જુએછે તો એક વયોવૃદ્ધ માજી તૂટેલ વાણના ખાટલામાં છેલ્લી ઘડીના શ્વાસ લેવાના બાકી હોય તેમ હાંફતા હતા. બાજુમાં રહેલ ઘોડિયામાં છ મહિનાનો છોકરો આ બધાથી બેખબર ઘૂઘરેથી રમતો હતો.
છોકરીએ ખૂણામાં પડેલ માટલીમાંથી પ્યાલો ભરી માજીને બેઠા કરી પાણી પાયું. માજી ત્રુટક અવાજે બોલ્યા: “ ગગી ! ભગવાન તારું ભલું કરે. મરકી મને ભરખી જાશે. હું ઘડી બે ઘડીની મેમાન છું. પણ મારો જીવડો કંઠે આવી અટકી ગયોછે. હું સુખેથી નહિ મરી શકું.”
“ કાં આવું બોલોછો માડી ?” છોકરીએ કહ્યું.
“ મારા ઘરના બધા મરી ગયાછે, હું એકલી જ બચીછું.”
“ગામમાં કોઇ કરતા કોઇ દેખાતું નથી. અહિ તમે દેખાણા. ઘોડિયામાં આ છોકરો કોનો છે?”
માજીએ નિસાસો નાંખતા કહ્યું :” ઇ મારા છોરાનો છોરો છે. દીકરો, વહુ બેય મરકીમાં હાલ્યા ગયા. અભાગણી એક હું અને આ છોરો બચ્યા છીએ. હું ઘડી બેઘડીની મે’માનછું. મારા મર્યા પછી મારા આ છોરાનું શું થાશે ઇ ચિંતામાં ને ચિંતામાં મારો જીવ અટક્યોછે.”
છોકરી હતી તો સાત વરસની, પણ કોઠાડાહી હતી. થોડામાં ઘણું સમજી ગઇ. માજીને કહ્યું:” માડી ! હું તમારા દીકરાને સાચવીશ.”
માજી હાંફતા બોલ્યા:” કેવી રીતે રાખીશ?”
છોકરી બોલી,” માડી ! હું તમારા છોકરાને મારો બાપ ગણીને રાખીશ.”
“ ના ગગી, કાલ સવારે તારા લગ્ન થાય; તું તારા સાસરે જાય ત્યારે મારો છોરો એકલો થઇ જાય.”
“મા ! તમારા દીકરાને મારો માડીજાયો ભાઇ બનાવીને રાખીશ.” છોકરીએ જવાબ આપ્યો.
માજીએ કહ્યું :” ઇ ને ઇ વાત થઇ. તું સાસરે જાય ત્યારે મારો છોરો અણોસરો થઇ જાય. તારા ગયા પછી એનું કોણ? કોણ એની ભાળ રાખે? કેમ કરીને જીવ ગતે કરું?”
છોકરી બોલી, “ મા ! તો હું શું કરું? મારો બાપ નહિ, મારો ભાઇ નહિ પણ આજથી અટાણથી ઇ મારો ધણી. એમ માનો કે મેં એના નામનું ઓઢણું ઓઢી લીધું. મારા છેલ્લા શ્વાસ સુધી એની સાથે રહીશ.”
આટલું સાંભળતા માજીના મોં પર હાશકારો છવાઇ ગયો. માજી પરલોક પધાર્યા.
છોકરી એના છ મહિનાના પતિને કાંખમાં તેડી ટીંબો છોડી ગઇ. આ વાતને સાત વર્ષ વીતી ગયા. છોકરી હવે ચૌદ વરસની કન્યા અને બાળક સાડા સાત વર્ષનો છોકરો થયો. બીજી વસ્તીમાં ઠરીઠામ થયા. છોકરી જ્યાં કામે જાય ત્યાં પેલા છોકરાને આંગળી પકડીને સાથે લઇ જાય. એક તો હાડેતી અને રુપાળી કાયા એટલે ચૌદ વરસની છોકરી રુપરુપની અંબાર લાગવા માંડી. તે ગામના જુવાનિયાઓ તેના દીવાના થઇ ગયા. પોતાની ઘરવાળી બનાવવા તલપાપડ થયા. જુદી જુદી ઓફર આપવા લાગ્યા.
કોટવાલના દીકરાએ કહ્યું કે જો તેની થાય તો ઘોઘા બંદરેથી અરબી ઘોડા મંગાવી દેશે.
છોકરી જવાબમાં કહેછે, “ઘોડલાનો ખુંદનાર કાનો તો એની કેડમાં છે.”
નગરશેઠના દીકરાએ પાટણના પટોળાની લાલચ આપી તો કોઇ શ્રેષ્ઠીના દીકરાએ હીરા મોતીના દાગીના આપવાનું કહ્યું. કન્યાનો એકજ જવાબ રહ્યો કે ઘોડાનો ખેલૈયો મારા આ રહ્યો મારો ધણી, પટોળા કે હીરા મોતીના દાગીના મારો ધણી પહેરાવશે.
ચૌદ વરસની કન્યાની સમજણ અને માજીને આપેલ વચનનું પાલન એ અજોડ વાત બની રહી. સૌરાષ્ટ્રમાં આ લોકજીભે રહેલ ઘટનાને ઉજાગર કરતું ખમીરવંતુ લોકગીત પેઢી દર પેઢી પ્રચલિતછે.
‘ નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
ફૂલકુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં
ક્યો તો ગોરી ઘોઘેથી ઘોડલા મંગાવી દઉં
ઘોડલાનો ખુંદનાર રે કાનો રમેછે મારી કેડમાં ‘
✍ ડો હર્ષદ લશ્કરી
નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં ગીત lyrics
નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
ફુલકુંવર નાનો રે ગેડીદડો કાનાના હાથમાં
નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
ક્યો તો ગોરી ચિત્તલની ચૂંદડી મંગાવી દઉં
ચૂંદડીનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
ક્યો તો ગોરી નગરની નથડી મંગાવી દઉં
નથડીનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
ક્યો તો ગોરી ઘોઘાના ઘોડલા મંગાવી દઉં
ઘોડલાનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
ક્યો તો ગોરી હાલારના હાથીડા મંગાવી દઉં
હાથીડાનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં
આ પણ વાંચો 👇
👉 રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘરે જાવુ ગમતુ નથી
👉 ઉંબરે ઉભી સાંભળુ રે બોલ વાલમનાં

ગુજરાતી કાવ્ય આસ્વાદ, ગુજરાતી કાવ્ય સંગ્રહ, ગુજરાતી કાવ્ય રચનાઓ, જૂની કવિતા, કવિ અને કવિતા, કાવ્ય પંક્તિઓ, જીવન કવિતા, ગીત કાવ્ય, ગુજરાતી કવિતા pdf, ગુજરાતી કવિતા ગઝલ, કાવ્ય લેખન, કુદરત પર કવિતા, ઉશનસ્ ના શ્રેષ્ઠ કાવ્યો, દલપતરામના શ્રેષ્ઠ કાવ્યો, જુની કવિતા, કવિ અને કવિતા, ગુજરાતી કવિતા pdf, રોમેન્ટિક ગુજરાતી કવિતા, ગુજરાતી કવિતા ગઝલ, ગુજરાતી કવિતા સંગ્રહ, ગઝલ pdf, ગુજરાતી કાવ્ય રચનાઓ, શ્રેષ્ઠ કવિતા, ગુજરાતી કવિતા mp3, ધોરણ 1 થી 8 કવિતા, બાળપણની કવિતા,