11737 Views
(ચુનીલાલ મડિયાની ‘ખીજડીયે ટેકરે’ – નવલિકા મા લેખકે જીવન ની કારમી ગરીબાઈ સામે ઝઝૂમતા ભોજાની હદય દ્વાવક વેદનાને આલેખી છે. શિયાળાની કડકડતી ઠંડી મા ઉઘાડા શરીરે તે મૃત બાળક નુ વસ્ત્ર મેળવવા મથે છે.) વાંચો ચુનીલાલ મડીયા ની હ્રદયસ્પર્શી નવલિકા – ખીજડીયે ટેકરે
ખીજડીયે ટેકરે – ચુનીલાલ મડિયા.
હિરણના હેઠવાસના પટમાં ખીજડીયાની નજીક ભોજા કોળીએ દર વર્ષના રાબેતા મુજબ તડબૂચનો વાડો ઊભો કર્યો હતો. આડે દિવસે તો ભોજાનું કુટુમ્બ નદીના ખુલ્લા પટમાં પડયું રહેતું, પણ ઓણ શિયાળે રીંગણી બાળી નાખે અને ગોળાનાં પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈને ત્રણચાર તલબાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો કરીકરીને સૂકી સાંઠીઓની ભારીઓ ભેગી કરી; ચાર દિવસમાં તો ધણીધણીયાણીએ મળીને ચાર છોકરાં ને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો.
છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે. એક તો હિરણની પાટનાં ટાઢાંબોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો.
આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે ડિલે ઊભો ઊભો વાડાનું ટોયામણ કરતો. એને પહેરવા કડિયું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું. વરસોજૂની ચોરણી હતી એના ઉપર ગોદડાં જેટલાં ઉપરાઉપરી થીગડાં ચોંટી ચૂક્યાં હતાં, અને હવે તો એ થીગડાંઓ પણ ઘસાતાં ઘસાતાં ચાળણી બનેલું એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતો.
ટાઢ જીરવવી એ ભોજાને માટે નવીનવાઈ નહોતી. ભૂતકાળમાં પોતે જ્યારે સીમચોરીઓ ને રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળીડિબાંગ રાતે એ કાજળ-રંગ જોડે, પોતાના સીસમવરણા શરીરનો સુમેળ સાધવા આ ભોજો કડકડતી ટાઢમાં પણ લગભગ નવસ્ત્રો થઈને ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો.
છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ પણ ઘટી હતી, તેથી હીરણના ઉપરવાસથી સૂસવતા વીંછીના ડંખ જેવા વાયરા કવચિત્ ભોજાનાં જડબાંની ડાકલી બજાવી જતા ખરા; પણ પોતાની બત્રીશી દાંતિયાં કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો, જેટલો રંજ એને ટાઢમાં કપડાંને અભાવે ઠૂંઠવાતાં નાગાંપૂગાં બાળકોનો હતો.
ટોયામણ કરતો ભોજો કવચિત્ ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાનાં મન:ચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોરનજરે નોંધી લેતો. ‘માધવજી કાપડિયો ગજના ગજ ભરે પણ મારા જેવા સારુ કટકી લૂગડું પણ ફાડે નહિ!’ ભોજા જેવો ભડ માણસ પણ મણ એકનો નિસાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજિયો ધાડપાડુ સળવળી ઊઠતો. ‘માધિયાની હાટના ઉંબરામાં એક ગણેશિયો ભરાવું ઇ ભેગાં જ એનાં ખોખરાં કમાડ ભટાક કરતાંક ઊઘડી પડે ને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કૂબા ભેળું કરી દઉં….’ અમરકથાઓ
પણ આ ચિત્રની સાથોસાથ જ બીજું એક ચિત્ર પરાણે આવી ઊભતું હતું : ગામના ‘શકમંદ શખસો’ની યાદી ઉપરથી કૂબાનો સગડ કાઢીને પસાયતાઓ ભોજાને ઢોરમાર મારી રહ્યા છે…. ગુનાની પરાણે કબૂલાત કરાવવા, પોતાને ઝાડની ડાળે ટાંગીને નીચે તાપ કર્યો છે: મુદ્દામાલનો પત્તો મેળવવા, કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા, પૂંઠમાં લાલ મરચાનું ભરણ ભર્યું છે… હાથપગ બાંધી, રણગોવાળિયો બનાવીને ઉપર લાકડીઓની તડાપીટ બોલે છે….
“ના, ના, હવે આ ઊતરતી અવસ્થાએ આવા ઢોરમાર મારાથી નહિ વેઠાય.” ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું.
આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંયોગ ભોજા સમક્ષ આવી ઊભો.
ખીજડિયા ટેકરાનો ઉપયોગ નાનાં મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ નહોતી તેથી સાદી નાનકડી કોશ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઇ શકતું.
ગામના પોસ્ટ-માસ્તરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો, કોઈ કહેતું કે જન્મ્યા પછી મરી ગયો. ઉપરાઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ-માસ્તરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો પણ નસીબમાં ન સમાયો તેથી તેમને ભારે આઘાત લાગ્યો. આ હતભાગીને ઘેરે અવતરીને કશું સુખ ન પામનાર એ બાલૂડા પાછળ માસ્તરે સારું દાનપુણ્ય પણ કરી નાખ્યું. માધવજીના હેડેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે વીંટાળ્યું.
અને અધમણ મીઠાનો ગાંસડો બાંધીને ચાર સંબંધીઓ જોડે માસ્તર ખીજડીયે ટેકરે ચાલ્યા.
ઉઘાડે ડિલે ઠંડીમાં થરથરતો, માધા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઇ જવાની બીકે પોલીસના મારથી કાંપતો ભોજો તડબૂચોની વચ્ચે ચાડીકાની જેમ ઊભો હતો. એ જ વખતે પોસ્ટ-માસ્તર પુત્રના દફન માટે ખીજડિયે ટેકરે આવી પહોંચ્યા.
બાળકના મૃતદેહ પર સાત-આઠ પડમાં વીંટાળેલ મહામૂલું વસ્ત્ર ભોજા નવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું.
બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટી, માથે મીઠું ભભરાવી, ઉપર પૂર્વવત્ પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઊઠ્યો : “અરે, લૂગડાં તો ગાંસડામોઢે આ ટેકરાના પેટમાં દટાણાં છે. મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાર… હાથફેરો જ કરવાનો….”
હાથફેરો કરવો કે ન કરવો એના સરવાળા-બાદબાકી કરવાની ભોજાને આદત નહોતી. ડેન્માર્કના રાજકુંવર જેવી દ્વિધાવૃત્તિ આ કોળીએ કદી કેળવી નહોતી.
એક ઘા ને બે કટકા કરવાનું જ એનું જીવનસૂત્ર હતું.
રાતે સીમની અવરજવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો ત્યારે ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. કૂબામાંથી કોદાળી અને પાવડો લઈને એ સડસડાટ ટેકરા પર ચડી ગયો.
#અમર_કથાઓ
ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે સિફતપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. કપડું જરા પણ ફાટ્યાતૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો. વળી, પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી.
ખતરીસો મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઇસ્કોતરો સરકાવી લે એમ ભોજાએ લૂગડેવીંટ્યા બાળકને ખાડામાંથી ઊંચકી લીધું.
પણ ઊંચકતાં જ એણે આશ્ચર્ય અનુભવ્યું. હાડમાંસનો એ નાનકડો નિશ્ચેષ્ટ લોચો સળવળ્યો. કૂણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચીનીચી થતી લાગી.
ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઊઠ્યો.
મરેલ છોકરાંઓને દાટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું…? આ કોઇ ખવીસની રમત તો નહિ હોય…? પણ અત્યારે આવી કલ્પનાઓ કરવાનો અવકાશ ક્યાં હતો? હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવળતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોરખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં આ સ્થળ છોડી જવું જરૂરી હતું.
પણ કરવું શું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી? સો ટકા સલામત માર્ગ તો એ જ હતો. પણ તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ માર્યો જાય. અંગ-ઢાંકણ કપડાનું શું?
“લૂગડું ઉતારીને, છોકરું પાછું હતું એમ ધરબી દઉં?” આ વિચાર આવતાં તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે જ ધ્રુજી ઊઠ્યો. “મારે કેટલા ભવ કાઢવા છે તી આવી બાળહત્યાનું પાતક માથે લઉં…!”
હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂંઠવાતાં શિયાળિયાંની લાળી સંભળાઈ. ગામ તરફથી કોઈનો ખોંખારો પણ કાને પડ્યો. હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત નહોતું.
કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઇને સડસડાટ ટેકરો ઊતરી ગયો અને કૂબામાં આવી ઊભો.
ઓરડો ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મળનાર ખાપણિયા કપડાની આશામાં જાગતી જ બેઠી હતી અને એક તાપણાના તાપે ટાઢ ઉડાડી રહી હતી. પણ ભોજાએ જ્યારે કપડા ઉપરાંત એક જીવતાજાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઇ ગઈ. ખીજડિયે ટેકરે અનેક જાતનાં ચળીતરો થતાં જીવલીએ જાણ્યાં હતાં અને જીરવ્યાં પણ હતાં.
આજનો બનાવ કોઈ ચળીતર નહિ પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે એવી ખાતરી થતાં એણે વત્સલ માતા બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું.
ટેકરાની પોચી માટી-મટોડીનાં આવરણમાંનાં છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃગોદની ઉષ્મા મળતાં એનો અવાજ પણ ઊઘડ્યો.
——- અમરકથાઓ ———
તે મધરાતે જ ભોજાએ પોસ્ટ-માસ્તારની ડેલીની સાંકળ ખખડાવી.
પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તર કબૂલાત કર્યા પછી ભોજો છોભીલો બનીને પોસ્ટ-માસ્તરની સમક્ષ ઊભો રહ્યો.
મૂઠી ભરેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક ભણી પોસ્ટ-માસ્તર તેમ જ પત્ની આનંદભેર જોઈ રહ્યાં હતાં.
હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો.
“હું તો તમને પહેલેથી જ કેતી’તી કે દાટવા જવાની ઉતાવળ કરો મા, દાક્તરને તેડાવીને પાકી ખાતરી કરાવો; પણ તમે માન્યા નહિ….” પુત્રપ્રાપ્તિથી અર્ધી અર્ધી થઈ જતાં પત્ની પતિને મીઠો ઠપકો આપવા લાગી.
“આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પુગ્યો ને?” પોસ્ટ-માસ્તરે કહ્યું, અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા : “ભોજિયા, તને મનમાં આવે એ ઇનામ માગી લે.”
કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા. એ માત્ર હાથ જોડી શક્યો – પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માગતો હોય એવી રીતે.
“અમારે તો આ ઊતરતી અવસ્થાએ દીકરાના નામની દ્દશ્ય દેવાઈ ગઈ’તી” પોસ્ટ-માસ્તરનાં પત્ની બોલતાં હતાં : “છતે છોકરે વાંઝિયા જેવું થઈ પડ્યું’તું. તેં અમારું નામલેણું રાખ્યું. તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર! જલમભર તારાં ઓશિયાળાં રહેશું. અમારાં ચામડાં ઉતારીને તારાં પગરખાં સિવડાવીએ તોય તારા ગણનું સાટું વળે એમ નથી “
“ઝટ ઇનામ માગી લે, ભોજા !” પોસ્ટ-માસ્તરે ફરી કહ્યું.
“મોટા સા’બ, ઇનામ લેવા સારુ ટેકરે નો’તો ચડ્યો. પણ બાયડીની આબરૂ ઢાંકવા લૂગડાનો લીરોય નથી જડતો ; ને પહુ જેવાં નાનકડાં બળચાં આ હિમમાં હિજરાય છે; એકેકી જોડ્ય લૂગડાં અપાવો તો મોટું ઇનામ જડ્યું ગણું…” ભોજાએ માગણી કરી.
“બસ? માગીમાગીને આટલું જ માગ્યું?”
“માગું તમારી મોટા માણહની મહેરબાની….”
“અબઘડીએ જ માધવજીની હાટ ઉઘડાવું. ” પોસ્ટ-માસ્તરે ઊભા થતાં કહ્યું. અને પછી ખભે ડગલો ભરાવતાં બોલ્યા : “એક શું, બબ્બે જોડ્ય લૂગડાં વેતરાવી લે…”
✍ ચુનીલાલ મડિયા.
ચુનીલાલ મડિયાનું સાહિત્ય.
ચુનીલાલ મડિયાની નવલકથાઓ
‘પાવકજવાળા’ (૧૯૪૫), ‘વ્યાજનો વારસ’ (૧૯૪૬), ‘ઈંધણ ઓછાં પડ્યાં’ (૧૯૫૧), ‘વેળા વેળાની છાંયડી’ (૧૯૫૬), ‘લીલુડી ધરતી’- ભા. ૧-૨ (૧૯૫૭), ‘પ્રીતવછોયાં’ (૧૯૬૦) ‘શેવાળનાં શતદલ’ (૧૯૬૦), ‘કુમકુમ અને આશકા’ (૧૯૬૨), ‘સધરા જેસંગનો સાળો’- ભા. ૧-૨ (૧૯૬૨), ‘ગ્રહાષ્ટક વત્તા એક’ (૧૯૬૫), ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ (૧૯૬૭), ‘ધધરાના સાળાનો સાળો’ (૧૯૬૮), ‘આલા ધાધલનું ઝીંઝાવદર’ (૧૯૬૮) વગેરે એમની નવલકથાઓ છે.
ચુનીલાલ મડિયાની નવલિકાસંગ્રહ.
‘ઘૂઘવતાં પૂર’ (૧૯૪૫), ‘શરણાઈના સૂર’ (૧૯૪૫), ‘ગામડું બોલે છે’ (૧૯૪૫) ‘પદ્મજા’ (૧૯૪૭), ‘ચંપો અને કેળ’ (૧૯૫૦), ‘તેજ અને તિમિર’ (૧૯૫૨), ‘રૂપ-અરૂપ’ (૧૯૫૩), ‘અંતઃસ્ત્રોતા’ (૧૯૫૬), ‘જેકબ સર્કલ સાત રસ્તા’ (૧૯૫૯), ‘ક્ષણાર્ધ’ (૧૯૬૨), ‘ક્ષત-વિક્ષત’ (૧૯૬૮) એ એમના નવલિકાસંગ્રહો છે.
ચુનીલાલ મડીયાનાં નાટકો
‘હું અને મારી વહુ’ (૧૯૪૯), ‘રંગદા’ (૧૯૫૧), ‘વિષયવિમોચન’ (૧૯૫૫), ‘રક્તતિલક’ (૧૯૫૬), ‘શૂન્યશેષ’ (૧૯૫૭), ‘રામલો રોબિહનહૂડ’ (૧૯૬૨) વગેરે એમનાં ત્રિઅંકી અને એકાંકી નાટકનાં પ્રકાશનો છે.
એમનાં સંપાદનોમાં ‘મડિયાની હાસ્યકથાઓ’, ‘મડિયાની ગ્રામકથાઓ’, ‘મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ’, ‘શ્રેષ્ઠ એકાંકીઓ’, ‘નટીશૂન્ય નાટકો’, ‘નાટ્યમંજરી’ અને ‘ઉત્તમ એકાંકી’ જેવાં સંપાદનનો ઉલ્લેખનીય છે. જોકે આમાં મોટા ભાગનું સંપાદન પુનર્મુદ્રિત છે. ‘શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ’ અને ‘કાળજાં કોરાણાં’ એ પ્રખ્યાત અમેરિકન વાર્તાકારોની કૃતિઓની અનુવાદોના સંગ્રહો છે; તો ‘આંતરરાષ્ટ્રીય એકાંકીઓ’ અને ‘કામણગારો કર્નલ’ એ એમણે કરેલા નાટ્યાનુવાદો છે.
કાવ્યસંગ્રહ – ‘સૉનેટ’ (૧૯૫૯) એમનો એકવીસ સૉનેટકાવ્યોનો સંગ્રહ છે.
Khijadiye Tekare – Chunilal madiya, Madiya ni vartao, ચુનીલાલ મડિયાની વાર્તાઓ, મડિયાની કવિતાઓ,
આવી જ અન્ય વાર્તાઓ 👇 અહીથી વાંચો.
Pingback: ઈચ્છાકાકા - ચુનીલાલ મડિયાની જુના જમાનાની જાનની આ વાર્તા સાંભળીને મોજ પડી જશે - AMARKATHAO
Pingback: ચુનીલાલ મડિયા ની ટૂંકીવાર્તા - અંત:સ્ત્રોતા - AMARKATHAO
Pingback: ચંપો ને કેળ : ચુનીલાલ મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ 5 - AMARKATHAO