5331 Views
મિત્રો યાદ છે ને ? ભાગલો વહોરો નામનો પાઠ જુના અભ્યાસક્રમમાં આવતો, વર્ષો પછી આ પાઠ મળ્યો છે, જે જાતે ટાઇપ કરીને મુક્યો છે. લેખકનું નામ યાદ નથી, કોઇને યાદ હોય તો કોમેન્ટમાં જણાવશો. ભાગલો વહોરો – જુના અભ્યાસક્રમમાં આવતો યાદગાર પાઠ | Bhaglo vhoro old Gujarati textbook, Bhaglo vohro story
ભાગલો વહોરો
બધા એને ભાગલો વહોરો કહેતા.
તમે એને એકવાર જુઓ તો તેને ક્યારેય ભુલી ન શકો.
તેની ગંદી કાળી ટોપીની નીચે તેનુ કપાળ કઇ બહુ મોટુ તો નહોતુ, છતાય એ ચહેરામાં એવડુ જ કપાળ બરાબર છે, એમ તમને લાગે, ઉલ્ટાવેલો ત્રિકોણ હોય એવો એનો ચહેરો હતો, અને એ ત્રિકોણનાં શિરોબિંદુએ થોડા વાળ ચોટાડી રાખ્યા હોય એવી એમની દાઢી હતી, ઉપરનો હોઠ ચોખ્ખો દેખાઇ આવે તેટલા જ વાળ મૂછ પર, પીઠે કેડેથી એ થોડો નમેલો.
એના પગ જરા વાંકા રાંટા પડતા હતા, એના નબળા હાથમા એ વાંસી કાયમ રાખતો.. એનો ઝભ્ભો કે પાયજામો મૂળ ક્યા કપડાનો બનેલો હશે એ કહેવુ મુશ્કેલ થઇ પડે એટલા થીંગડાવાળો હોય, આ જમાનામાં એ હોત તો ફેશનમાં ગણાઇ જાત કદાચ, એ ચાલતો જ એવી રીતે કે તમે એને ભાગલો કહો.
લોકો એને ભાગલો કહેતા એનો એને જરાય ધોખો ન હતો, એ વિશેષણ એણે સ્વીકારી લીધુ હતુ, તેથી જ તો એના સાચા નામની કોઇને ખબર નથી. એને તો એ ભલો ને એનુ કામ ભલુ.
ઉગ્યાથી આથમ્યા સુધી એ પગ વાળીને બેસતો નહી, એ શુ કરતો ? એમ તમે પુછો છો ને ?
નાનપણમાં એ તમારી જેમ નિશાળે ગયો નહોતો, એટલે લખતા વાંચતા એને આવડતુ નહી, એને છોકરાય હતા નહી, એની ઘરવાળી ક્યારે ગુજરી ગઇ હતી એ પણ એ ભુલી ગયો હતો. સંસારમાં એનુ કોઇ નહોતુ. દૂર દૂરનાં એક ભાઈ હતા એને ત્યા એ બે ટાણા જમી આવતો.
શિયાળે-ચોમાસે એની ઓસરીમાં રાત્રે પડ્યો રહેતો પણ ઉનાળે તો એ ગમે ત્યા સુઈ રહેતો. પથારી એને ભોય અને ઓઢણ એનું આકાશ.
કોઇ એને પૂછે : ” એ ભાગલા તારુ ઘર ક્યા ? તારુ કોઇ છે ખરુ ?
એ કહેતો : ” આ ઢોરનું છે કોઇ ? આ પંખીડાનું છે કોઇ ? જુઓને પેલા વાંદરા એને ન મળે માળો કે ન મળે તબેલો અરે કોઢેય નહી”
બસ આટલુ બોલે ન બોલે અને એ પોતાના કામે વળગી જાય, તમે એનુ સાંભળ્યુ છે કે નહી એ જાણવાની એને જરુર પણ ન લાગતી.
રામપુરનું પાદર આજે લીલુ કુંજાર દેખાતુ, વટેમાર્ગુઓ અહી આવે કે તરત જ એમનાં મનમાં ટાઢક વળી જાય અને કહે આ પાદર તો ગોકુળ વૃંદાવનની કુંજો જેવુ લાગે છે, હરિયાળા અને છાંયાવાળા આ વૃક્ષોમાં કેટકેટલાય પક્ષીઓ કલશોર કરે છે, ને કેટકેટલાય ધણ રંભારવ કરે છે.
પાદરને અડીને જ ગામનુ તળાવ છે, એ તળાવની પાળેપાળે લીમડા, પીપળા અને વડના ઝાડ લહેરાય છે, વચ્ચે વચ્ચે આંબાના વૃક્ષોનો ખાસ લીલો રંગ જુદો તરી આવે છે અને આવા વાતાવરણમાં “પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ” કે ” પોપટ ભુખ્યો નથી, પોપટ તરસ્યો નથી ” એ વાત યાદ આવ્યા વગર રહે જ નહી.
આટલા બધા ઝાડ એ ભાગલાની મહેર છે, એમ ગામમાં સૌ કોઇ કહે, ભાગલો હોય જ નહી અને આટલા ઝાડ ઉછરે નહી, ભાગલો એકલો થઇ ગયો પછી તેણે આ કામમાં જીવ પરોવી દીધો.
ખાડો ખોદે, તળાવમાથી કાંપ લઇ અાવે, એમા નાના રોપા રોપે, પછી એને ફરતુ ખામણુ કરે, રોજ એને પાણી પાય. ભાગલાની લગન જ એવી કે રોપાને નવા નવા અંકુર ફુટે, નવા નવા પાન ફુટે એ જોઇ ભાગલો રાજી રાજી થઈ જાય. એના નબળા જણાતા શરીરમાં શક્તિ આવતી, રજળતા ઢોર બકરાથી રક્ષણ કરવા એ મજાનું વાડોલીયું પણ કરતો..
છતા કોઈ ઢોર કે બકરુ કુમળા પાન ખાઈ જતુ તો ભાગલો કહેતો “ખાઓ ભાઈ ખાઓ, રામ કી ચિડીયા રામ કા ખેત” વળી કહેતો ” ચાલો ભાઈ હવે ફરી વધારે કામ કરવાનો અવસર તો મળ્યો”
ગામને ગોંદરે એક મોટો વડ હતો, વડને ટેટા આવતા ત્યારે વડદાદાના મહેમાન થઇને કેટલાય પંખીઓ ત્યા આવતા, વડદાદાના ઘરે પછી જમણવાર જ ચાલતો, ભાગલો બપોરનાં ઘડીક પોરો ખાવા વડનાં ઝાડ નીચે સુતો. અને સુતા સુતા પંખીઓની રમણા જોતા જોતા જરી જંપી પણ જતો.
ભાગલાને કોઇની સામે કદી કશી ફરિયાદ નહોતી.
કોઈ એને પૂછે : “ચાચા કેમ છો ?”
“એઇને આરામ હો” – ભાગલો તરત જ બોલે ” ભઇ આ મનખા દેહ જ ન મળ્યો હોત તો આ રૂપાળી ધરતી જ જોવાની રહી જાત ને ? જ્યા જુઓ ત્યા આ પંખીડા, આ પશુડા, આ જીવજંતુ એક જોવો ને બિજુ ભુલો. ને મારા ભાગલાની પાસે પ્રભુ કેવુ કામ કરાવે છે નૈ”
ભાગલાનુ બળ જ આ…
ભાગલાને કોઇ કહે : ” ભાગલા આ ઝાડ રોપાની માથાકુટ તુ કરે છે તે કંઇ ખપ લાગવાનું ખરુ કે ?”
“અરે ભૈ આ ધરતી બનાવી હશે કો’કે પણ જોવોને વાપરુ છુ તો હુ જ ને ?” ભાગલાને એ જવાબો ગોઠવવા જ ન પડતા. અમરકથાઓ
www.amarkathao.in
ભાગલો ક્યાંકથી કાંટી ભેગી કરે, ક્યાંકથી થોરીયા લઇ આવે, ક્યાંકથી ઝાડવાનાં રોપા લઇ આવે, આ કામ એ ક્યારે કરતો એ કોઇને ખબર ન પડતી. બધુ જ કામ એ મોજથી કરતો, ઝાડ ઝાડ એના સ્વજન બની ગયા હતા. ઝાડ સાથે એ વાતો પણ કરતો.
” હા… તને કાલ પાણી પાવાનું રહી ગયુ.. માળુ શરીર છે જરી થાકે ને ?? એલા લીમડા ભીમાનાં ઊટીયાએ તારી ડોક મરડી નાખી તે તનેય દુ:ખતુ હશે ને ? ચાલ કાલ સારા થઇ જવાશે, બિચારો ઊટીયોય ભૂખ્યો થયો હશે ને ? અને અલ્યા પીપળા તારા કુણા કુણા પાંદડાંનો રંગ તો જો ભલા કો’કની નજર બેસશે.”
આમ ભેરુબંધો સાથે એની ગોઠડી સતત ચાલતી.
એ પુરા સો વર્ષ જીવ્યો અને છેલ્લે ચૈત્રની મજાની ચાંદની રાતે તળાવની પાળે એ સુતો એ સુતો, કોઇની ચાકરી લેવી પડી નથી. એનું અવસાન થયુ ત્યારે ગામ આખુ બેબાકળું બની ગયું હતું. http://amarkathao.in
Typing અને સંકલન – અમરકથાઓ ગ્રુપ (આ લેખની કોપી કરીને ઉપયોગ કરતા પહેલા અમારી પરવાનગી લેવી જરૂરી છે.)
👉 આ પાઠનો વિડિયો જોવા માટેની લિંક 👇
આ વાંચવાનું પણ ચુકશો નહી 👇
🍁 જીવ – જયંતિ ગોહિલ (માય ડિયર જયુ)
🍁 જુમો ભિસ્તી – ધૂમકેતુ
🍁 પોસ્ટ ઓફિસ – ધૂમકેતુ
Pingback: ગુજરાતી સાહિત્યની Best 101 વાર્તાઓનો સંગ્રહ | Gujarati Varta Pdf - AMARKATHAO