Skip to content

સાપ વિશે રોમાંચક માહિતી | Best Facts about snake

સાપ વિશે માહિતી
8257 Views

સાપ વિશે માહિતી, ભારતમાં જોવા મળતા સાપ, કાળોતરો, નાગ, પૈડકુ, ધામણ સાપ, ચિતોર સાપ, ગુજરાતમાં જોવા મળતા સાપ, કોબ્રા સાપ, ઝેરી સાપ, બિનઝેરી સાપ, સાપ ના દાંત, સાપ ના ફોટા, સાપ નો અવાજ, સાપ કરડે ત્યારે શું કરવુ ?, સાપનાં પ્રકાર, સાપ ઝેરી છે કે બિનઝેરી કેમ ઓળખવુ ?

સાપ વિશે જાણવા જેવુ (Indian snake)

વિશ્વમાં સાપની 2,900 જેટલી વિવિધ જાતિઓ વસે છે, જે પૈકી ભારતમાં અંદાજે 250 જાતિઓ છે, તેમાં 50 જેટલા સાપ ઝેરી છે. ઝેરી સાપોમાં જમીન પર વસતા ઝેરી સાપોની સંખ્યા માત્ર 4 ની છે, બાકીના મોટાભાગના દરિયાઈ ઝેરી સાપ છે.

સાપ ચતુષ્પાદ પ્રાણી હોવા છતાં તેમાં ઉપાંગોનો અભાવ છે અને શરીર લાંબું નળાકાર છે. એ રીતે તેના શરીરમાં દરમાં રહેવા માટેનું અદભુત અનુકૂલન છે. સાપના શરીર પર અધિચર્મીય ભીંગડાંઓનું બહિર્કંકાલ હોય છે. આ ભીંગડાંઓનાં કદ, આકાર અને ગોઠવણીને આધારે વિવિધ સાપોને ઓળખી શકાય છે. આ ભીંગડાંઓ વખતોવખત ખરી પડે છે અને તેમના સ્થાને નવી ચળકતી ભીંગડાં સાથેની ત્વચાનું નિર્માણ થાય છે. આ ક્રિયાને કાંચળી ઉતારવાની ક્રિયા કે નિર્મોચન-ક્રિયા (Ecdysis) કહે છે.

સાપને અનેક દાંત આવેલા હોય છે, જે સતત ઘસાતા જાય છે અને તેમના સ્થાને નવા દાંત ઉત્પન્ન થતા હોય છે. દાંત ભક્ષ્ય પકડવા માટે અનુકૂળ, સહેજ વાંકા (curved) હોય છે. દાંતની અંદરની સપાટીએ એક લાંબી ખાંચ (groove) આવેલી હોય છે. ઝેરી સાપના આગળના દાંત પોલી નળી જેવા હોય છે. તે ઝેરી ગ્રંથિ (poison gland) સાથે સંકળાયેલા હોય છે.

તે ગ્રંથિમાંથી નીકળતા સ્રાવને ભક્ષ્યના શરીરમાં રેડવામાં મદદરૂપ બને છે. બાહ્ય કર્ણના અભાવમાં, જમીન સાથે અથડાતાં ધ્વનિમોજાંના તરંગો નીચલા જડબા સાથે અથડાય છે અને તે શ્રવણેન્દ્રિયની ગરજ સારે છે. પાંપણના અભાવમાં આંખ ઉપરની બાજુએથી એક પારદર્શક શલક (shield) વડે ઢંકાયેલી હોય છે, જેથી તે સુરક્ષિત રહે છે.

સાપનાં ભીંગડાં છાપરાનાં નળિયાંની જેમ એકબીજાં પર ગોઠવાયેલાં હોય છે. તેના નીચલા જડબાના બે અર્ધભાગો એક-બીજાથી અલગ હોય છે, જે સ્થિતિસ્થાપક તાંતણા વડે એકબીજા સાથે જોડાયેલા હોય છે. તેને લીધે મોઢું પહોળું બની જતાં સાપ મોટા કદના ભક્ષ્યને સહેલાઈથી પકડીને ગળી શકે છે. જીભ પાતળી, ચીપિયા(forceps)ની જેમ દ્વિશાખી હોવા ઉપરાંત બંધ મોંમાંથી પણ બહાર આવીને સળવળે (flickers) છે. તેને લીધે ખોરાકના કણો જીભના સંપર્કમાં આવે છે અને જીભ તેને સૂંઘીને સંવેદનશીલ બની ઘ્રાણ (smell) અને સ્વાદની ઇન્દ્રિયની ગરજ સારે છે. અન્ય સરી-સૃપોની જેમ સાપનાં જડબાંમાં એક વધારાનું અંગ આવેલું હોય છે. Jacobson’s organ નામે ઓળખાતું આ અંગ ઘ્રાણેન્દ્રિય (organ of smell) તરીકે કાર્યરત હોય છે.

સાપ જમીન પર ચાલી શકે છે, દોડી શકે છે, ઝાડ પર ચઢી શકે છે તેમજ પાણીમાં તરી શકે છે. પ્રચલનની આ વિવિધ પ્રવૃત્તિઓ માટે તેની ભીંગડાંયુક્ત ત્વચા, વિવિધ પ્રકારના સ્નાયુઓ અને કરોડસ્તંભ વિશિષ્ટ રીતે અનુકૂલિત થયેલાં હોય છે. કશેરૂકાઓની ગોઠવણી અને તે સાથે જોડાયેલી પાંસળીઓના છેડા પ્રચલન દરમિયાન જરૂરી પાર્શ્ર્વીય (lateral) વલન (વક્રીભવન) શક્ય અને સહેલું બનાવે છે. તેઓમાં સ્કંધમેખલા અને નિતંબમેખલા હોતી નથી, પરંતુ અજગર અને રેતીના સાપમાં નિતંબ-મેખલા અને પશ્ચઉપાંગોનાં કેટલાંક અસ્થિઓ અવશિષ્ટ અંગ તરીકે જોવા મળે છે.

સાપનો દેહ અત્યંત લાંબો અને નળાકાર હોવાથી પાચનમાર્ગ, શ્વસનમાર્ગ, અભિસરણ-અંગો, ઉત્સર્ગ-અંગો અને જનન-અંગો તેને અનુરૂપ રીતે ગોઠવાયેલાં હોય છે; જેમ કે, હૃદય નાનું, અપૂર્ણ રીતે ચતુષ્ખંડીય, શ્ચાસનળી લાંબી, ડાબા ફેફસા અને મૂત્રાશય-કોથળીનો અભાવ. જનન-અંગોની અસમાનતા જેવી કેટલીક વિશિષ્ટતાઓ જોવા મળે છે. તેનાં મૈથુન-અંગો પૂંછડીના તલપ્રદેશમાં જોડમાં આવેલાં હોય છે. તે અસમતાપી પ્રાણી છે અને શીતકાળ દરમિયાન તે શીતસમાધિ(hibernation)માં જતા રહે છે. આ સમયે સાપ ચયાપચયનો દર ધીમો કરી લગભગ નિષ્ક્રિય જીવન ગુજારે છે. શરીરના પ્રમાણમાં શીર્ષપ્રદેશ નાનો હોય છે. જ્યારે મગજ અલ્પવિકસિત રહે છે.

ધડ અને પૂંછડી વચ્ચે વક્ષ બાજુએ અવસારણી-છિદ્ર આવેલું હોય છે.

સાપની બધી જાતિઓ માંસાહારી છે. તેના ખોરાકમાં નાનાં પક્ષીઓ, તેમનાં ઈંડાં, દેડકાં, ઉંદર, કીટકો, ગરોળી, કાચિંડા, માછલી વગેરેનો સમાવેશ થાય છે. મોટા કદના અજગર, બતક, મરઘાં, વાંદરાં કે હરણનાં બચ્ચાંનો પણ શિકાર કરે છે. તેની હોજરીમાં રહેલા પાચકરસો અત્યંત સંકેન્દ્રિત હોવાથી તે પીંછાં, વાળ અને નખ સિવાયના બધા ભાગોનું સંપૂર્ણ પાચન કરે છે. પ્રતિકૂળ સંજોગોમાં સાપ લાંબા સમય સુધી ખોરાક અને પાણી વગર રહી શકે છે.

સાપનો પ્રજનનકાળ મુખ્યત્વે ઉનાળાનો ઉત્તરાર્ધ અને ચોમાસાનો પૂર્વાર્ધ એટલે કે એપ્રિલથી જુલાઈ સુધીનો હોય છે. પ્રજનન માટે એકાંત જગ્યા પસંદ કરે છે. નર અને માદા સાપ અવસારણી-દ્વાર વાટે વિશિષ્ટ ગંધ ધરાવતા પ્રવાહીનો સ્રાવ કરી એકબીજાને આકર્ષે છે અને આ રીતે ઉત્તેજિત થયેલાં નર-માદા પરસ્પર એવી રીતે વીંટળાય છે કે બંનેનાં અવસારણી-દ્વાર સંપર્કમાં રહે. બે પૈકી નર શિશ્નનો ઉપયોગ કરી શુક્રકોષોનો સ્રાવ માદાની અવસારણીમાં કરે છે. સાપની કેટલીક જાતિઓ અંડપ્રસવી છે તો કેટલીક અપત્ય (બચ્ચું) પ્રસવી છે. ઈંડાં કે બચ્ચાંની સરેરાશ સંખ્યા 5થી 20 સુધીની રહે છે. ગર્ભાધાન કે ઈંડાં-સેવનનો સમય જાતિ અનુસાર ભિન્નતા દર્શાવે છે.
મોટાભાગના ભારતીય સાપોમાં ઈંડાંનો સેવનકાળ 60થી 90 દિવસનો હોય છે

ભારતના ઝેરી સાપો (Venomous snakes of India)

ભારતમાં જોવા મળતા ઝેરી સાપ
ભારતમાં જોવા મળતા ઝેરી સાપ

(1) નાગ (cobra)

નાગ પોતાના શીર્ષપ્રદેશને ચપટું, પાતળું અને પહોળું બનાવવાની ક્ષમતા ધરાવે છે, જે ફેણ (hood) તરીકે ઓળખાય છે. નાગ બે ભિન્ન સ્વરૂપના જોવા મળે છે. ભારતમાં લગભગ સર્વત્ર દેખાતા સામાન્ય સાપ(Naja naja kathua)ની ફેણની પૃષ્ઠસપાટી પર એકચશ્મીય (monocellate) આકૃતિ જોવા મળે છે; જ્યારે બીજા સાપમાં આ આકૃતિ સામાન્ય ચશ્માંની જેમ બે ભાગની બનેલી હોય છે. નાગ ફેણ દ્વારા બીજાને બિવડાવવાનો પ્રયત્ન કરે છે; પરંતુ તે પોતે જ બીકણ હોવાને કારણે તુરત જ દૂર ખસી જતો હોય છે. અત્યંત ખિજાયેલો સાપ પ્રતિકાર કરી સામેના પ્રાણીને દંશ દે છે. નાગના ઝેરની અસર ચેતાતંત્ર ઉપર થાય છે અને શ્ચાસ રૂંધાઈ પ્રાણી મૃત્યુ પામે છે.

(2) કાળોતરો (Bungarus caeruleus krait)

The common krait (Bungarus caeruleus), also known as Bengal krait
આ સાપ ચળકતો ભૂરો રંગ ધરાવે છે અને શરીર પર સફેદ રંગના પટ્ટાઓ જોવા મળે છે. તે નિશાચર છે. તેના વિષની અસર ચેતાતંત્ર પર થાય છે અને દરદીને ઊંઘ આવવા લાગે છે.

– એશિયામાં સૌથી ઝેરી ગણાતો કાળોતરો સાપ સ્વભાવે એકદમ શાંત છે.
– કાળોતરો કરડે તેના 15 મિનિટ પછી વ્યક્તિને ખબર પડે છે

સૌથી ઝેરી હોવા છતાં પણ તેની ગણતરી એકદમ શાંત સ્વભાવના સાપમાં થાય છે. ભારતમાં કાળોતરો પછી નાગ, ખડચિતડો અને પૈડકુની ગણના સૌથી ઝેરી સાપમાં થાય છે. કાળોતરો (Bungarus caeruleus krait) : આ સાપ ચળકતો ભૂરો રંગ ધરાવે છે અને શરીર પર સફેદ રંગના પટ્ટાઓ જોવા મળે છે. તે નિશાચર છે.

તેના વિષની અસર ચેતાતંત્ર પર થાય છે અને દરદીને ઊંઘ આવવા લાગે છે.સામાન્ય ક્રેટની સરેરાશ લંબાઈ 0.9 મીટર (2 ફૂટ 11 ઇંચ) છે, પરંતુ તે 1.75 મીટર (5 ફૂટ 9 ઇંચ) સુધી વધી શકે છે. નર માદા કરતાં લાંબા હોય છે, પ્રમાણસર લાંબી પૂંછડીઓ હોય છે. માથું સપાટ છે

સાપનું રહેઠાણ

આ સાપ સિંધથી પશ્ચિમ બંગાળ, સમગ્ર દક્ષિણ ભારતમાં અને શ્રીલંકા સુધી લગભગ 1,600 મીટર (5,200 ફૂટ) સુધીની ઊંચાઈએ રહેઠાણ ધરાવતા હોય
છે.તે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળમાં પણ નોંધાયેલ છે.

તે ખેતરો અને નીચા ઝાડીવાળા જંગલથી માંડીને સ્થાયી વિસ્તારો સુધી વિવિધ પ્રકારના આવાસમાં રહે છે. તે ઉધઈના ટેકરા, ઈંટોના ઢગલા, ઉંદરોના છિદ્રો અને ઘરોની અંદર પણ રહે છે. તે વારંવાર પાણીમાં અથવા પાણીના સ્ત્રોતની નિકટતામાં જોવા મળે છે.

આ સાપની દિવસ અને રાત્રિ દરમિયાન વર્તણૂકના તફાવતો નોંધાયા છે. દિવસ દરમિયાન, તે સુસ્ત અને સામાન્ય રીતે નમ્ર હોય છે. તે ઘણીવાર ઉંદરના છિદ્રો, ઢીલી માટીમાં અથવા કાટમાળની નીચે છુપાય છે, તેથી તે ભાગ્યે જ જોવા મળે છે. તે ઘણી વખત તેના શરીરને ઢીલા, વીંટળાયેલા બોલમાં ફેરવે છે, તેના માથાને સારી રીતે છુપાવે છે. રાત્રિના સમયે, સાપ ખૂબ જ સક્રિય હોય છે તેઓ તેમની પૂંછડી પણ ઉપાડી શકે છે.

(3) ખડચીતરો (Vipera russeli)

રસેલ વાઇપર તરીકે જાણીતો આ સાપ ભારતભરમાં મળી આવે છે. સતત ફૂંફાડાનો અવાજ, તેની આગવી ઓળખ છે. તેના શરીર પર ત્રણની હરોળમાં ટપકાં જોવા મળે છે. રંગે બદામી કે ચૉકલેટી હોય છે. સામાન્ય સ્થિતિમાં તે શરીરનું ગૂંચળું વાળી વચ્ચે શીર્ષ ગોઠવી પડી રહે છે. આ સાપનું ઝેર અત્યંત કાતિલ હોય છે અને તેની અસર શરીર પર તરત થતી જોવા મળે છે.

(4) ફૂરસા (Echis carinatus scale viper)

આ સાપ નિશાચર છે. ક્વચિત્ સૂર્યપ્રકાશમાં વહેલી સવારે પણ જોવા મળે છે. તેના શરીર પર 25થી 30 જેટલાં ટપકાં અને શીર્ષ પર તીર જેવું નિશાન આવેલું હોય છે. તેનું વિષ ખાસ જીવલેણ નીવડતું નથી; પરંતુ તેની અસરથી રક્તસ્રાવ થયા કરે છે. આ વ્યાધિને રક્તસ્રાવિતા (bleederts disease) કહે છે.

ભારતમાં જોવા મળતા કેટલાક બિનઝેરી સાપો

(1) આંધળા સાપ (Blind Snakes Typhlina)

આ સાપો દેખાવે ગોળ કીડા જેવા હોય છે. મુખ્યત્વે એકલ જીવન પસાર કરતા આ સાપો કોહવાતાં લાકડાં જેવાની નીચે દરમાં રહેતા હોય છે. સાપની આ જાતો લંબાઈમાં 17 સેમી.થી 60 સેમી. જેટલી હોય છે. તેમનો આહાર મુખ્યત્વે કીટકો-કીડા(worms)નો હોય છે.

(2) આંધળી ચાકણ (Earth boa)

આ સાપને મરાઠીમાં ‘દુ તોંડ્યા’ (Two mouth snake) કહે છે. કેમ કે, તેની પૂંછડી આકારે ગોળ અને દેખાવે માથા જેવી હોય છે. ઘણા લોકો પૂંછડીને પણ માથું માને છે. સાપની લંબાઈ આશરે 1.25 મીટર હોય છે. ખોરાક તરીકે તે ઉંદર જેવાં નાનાં સસ્તનો પર નભે છે. તે આખા ભક્ષ્યને વીંટળાઈને જકડે છે અને ગળે છે.

(3) અજગર (Python)

ભારતમાં સર્વત્ર મળતા અજગરનું શાસ્ત્રીય નામ Python molurus છે. તેની લંબાઈ આશરે 5 મીટર જેટલી હોય છે. મજબૂત બાંધો અને આશરે 90 કિલોગ્રામ વજન ધરાવતો આ અજગર શીર્ષ પ્રદેશ અને પૂંછડીના ભાગે સાંકડો જ્યારે વચલા ભાગે જાડો હોય છે. ભીંગડાં લીસાં અને ચળકતાં, માથું ચપટું અને મુખ લાંબું હોય છે. તેની ચાલ ધીમી અને સહસ્રપદી(mille-pedes)ની જેમ સરળ રેખીય હોય છે.

તે ઝાડ પર સહેલાઈથી ચડીને ડાળખી વચ્ચે છુપાઈને રહે છે. તરવામાં તે નિપુણ હોય છે. તેનો ખોરાક સસ્તનો અને કેટલેક અંશે સરીસૃપો તેમજ પક્ષીઓનો હોય છે. પાચનક્રિયા ઘણી ધીમી હોવાથી ઉંદર કે પક્ષી જેવાને પચાવવામાં આઠેક દિવસનો સમય લાગે છે. જ્યારે બકરી જેવાને પચાવવામાં ત્રણ અઠવાડિયાંનો સમય વીતે છે. ભારતમાં કેટલાંક માંસાહારીઓ અજગરને ખાય છે. ભારતમાં બે જાતો નોંધાયેલી તે પૈકી Python reticulatus-નું અસ્તિત્વ આસામ, આંદામાન-નિકોબાર અને બાંગ્લાદેશ પૂરતું મર્યાદિત છે.

(4) ધામણ (Dhaman/Rat snake)

ભારતમાં સર્વત્ર વસતા આ સાપનું શાસ્ત્રીય નામ Ptyas mucosa છે. તેની લંબાઈ 2 મીટરની આસપાસ છે. કેટલાક 3.5 મીટર લાંબા પણ હોઈ શકે છે. માદા કરતાં નર સહેજ લાંબો હોય છે. શરીર બંને બાજુએથી ચપટું અને શરીરનો ¼ જેટલો ભાગ પૂંછડીનો બનેલો હોય છે. શરીર મજબૂત હોય છે. તે ઝાડ પર સહેલાઈથી ચઢે છે અને પ્રસંગવશાત્ શીઘ્રગતિએ ઝાડપરથી નીચે કૂદી પડે છે. તે તરવામાં નિપુણ છે. ખોરાક મુખ્યત્વે દેડકાં અને ઉંદરનો બનેલો હોય છે. વળી તે ચામાચીડિયાં, પક્ષીઓ તેમજ અન્ય સરીસૃપોને પણ આરોગે છે.

(5) વૃક્ષ–સર્પ (Tree snake)

સામાન્ય રીતે ઝાડ પર કે ઝાડી પર જોવા મળતા આ સાપનું શાસ્ત્રીય નામ Dendroclaphis tristis છે. તેની લંબાઈ 1.5થી 2 મીટર હોય છે.

Types of snakes with pictures
Types of snakes with pictures

સાપનો આહાર

સામાન્ય ક્રેટ મુખ્યત્વે અન્ય સાપને ખાય છે, અને. તે નાના સસ્તન પ્રાણીઓ (જેમ કે ઉંદરો અને ઉંદર), ગરોળી અને દેડકાને પણ ખાય છે

સર્પદંશની અસરો (snakebite)

દરેક પ્રકારનાં સાપમાં રહેલા વિષનો પ્રકાર અલગ અલગ હોવાથી સર્પડંશની અસર પણ જુદીજુદી હોય છે, અહી કાળોતરા સાપનાં ડંશ ની અસરો વિશે લખ્યુ છે.

સરીસૃપો ઠંડા લોહીના હોવાથી વરસાદ પડતા જ ઠંડક અને ભેજવાળા વાતાવરણ સામે રક્ષણ મેળવવા તેઓ ઘરમાં, વ્યક્તિના બૂટમાં કે કાટમાળના ઢગલામાં લપાઈને બેસી જાય છે. કાળોતરોની વિશેષતા એ છે કે તે નિશાચર એટલે કે રાત્રે જ શિકાર કરવા નીકળે છે અને તેનો ખોરાક અન્ય સાપ છે. પરંતુ ચોમાસાની ઋતુમાં હૂંફ માટે તે જે વ્યક્તિ જમીન પર સૂવે તેના શરીરની બગલમાં, ગળા, ખભા, પગમાં રજાઈ લપાઈ જાય છે અને વ્યક્તિ જ્યારે પડખુ ફરે અને તે દબાય ત્યારે તે ડંખ આપે છે. મોટાભાગના સર્પોના ડંખ પગ અથવા હાથ પર જોવા મળે છે જ્યારે કાળોતરો માનવ શરીરમાં લપાઈ જતો હોવાથી તે હોઠ, ખભા કે છાતી પર વધુ ડંખ મારે છે.

ગામડામાં લોકો જમીન પર સૂતા હોવાથી આ પ્રકારના બનાવો ત્યાં વધુ જોવા મળે છે. પૃથ્વી પર માનવીની જેમ સામાન્ય જીવને પણ જીવવાનો અધિકાર છે. સાપ નીકળે ત્યારે કોઇએ તેની જીવ હત્યા કરવી નહીં.
ગામડાઓમાં લાઇટના અજવાળામાં ગરોળી, દેડકા, માખી-મચ્છર, કિડી, મકોડા ખાવા આવતા હોય છે. આથી સાપ પણ તેમની પાછળ પાછળ આવી જતા હોય છે. ત્યારે જાણે-અજાણએ લોકોનો પગ સાપ પર પડી જતો હોય છે. જેથી સાપ પોતાના બચાવ માટે ડંખ મારે છે. ખેતરમાં પણ આવી જ રીતે સર્પદંશના બનાવ બનતા હોય છે.

સાપ કરડે તો સૌથી પહેલાં તો 108ને જાણ કરી દર્દીને હોસ્પિટલ પહોંચાડવો જોઈએ ગણા સાપ બિનઝેરી હોય છે જેથી સાપ ઝેરી છે કે બિનઝેરી તેની ઓળખ કરવી જોઈએ. સાપ કરડે ત્યારે ઘરગથ્થુ સારવારના ભરોશે ન રહેવું જોઈએ. સર્પદંશ થાય તે સમયે દર્દીને ચત્તા સુવડાવી રાખવા જોઈએ. સ્થિર રાખી બિલકુલ હાથ-પગ વાળવા ન જોઈએ. સાથે જ હાથ-પગમાં લોહીનું પરિભ્રમણ બંધ થાય તેનું ધ્યાન રાખવું.
સર્પદંશને કારણે સ્થાનિક સોજો, બે છિદ્રબિન્દુઓ તથા 10 મિનિટમાં દુખાવો થાય છે. જેટલું ઝેર વધુ પ્રવેશેલું હોય તેટલો સોજો પણ વધુ થાય છે. ઝડપથી વ્યાપક પ્રતિક્રિયાઓ ઉદભવે છે. દંશના સ્થાન, સાપની જાતિ તથા ઝેરની માત્રાને આધારે પ્રતિક્રિયાની તીવ્રતા અને ઝડપ નક્કી થાય છે.

ચેતાતંત્રીય વિકાર રૂપે ઝણઝણાટી અને પરાસંવેદના (paraesthesia), અંધારાં આવવાં, ચક્કર આવવાં, સ્નાયુતંતુઓનું સંકોચન થવું, ખોપરીની ચેતાઓનો લકવો થવો, ધનુર્વાની માફક જડબું ઝલાઈ જવુંં, ખેંચ આવવી તથા ક્યારેક નાગના ઝેર પછી શ્વાસોચ્છવાસના સ્નાયુઓનો લકવો થવો વગેરે વિવિધ લક્ષણો જોવા મળે છે.

હૃદય અને રુધિરાભિસરણ પરની ઝેરી અસરોને કારણે લોહીના દબાણમાં ઘટાડો, અનિયમિત નાડી, આઘાત (shock) વગેરે થાય છે. લોહીના વિકારને કારણે પેઢાંમાંથી લોહી વહેવું, લોહીની ઊલટી થવી, ઝાડા-પેશાબમાં લોહી પડવું, કાળો મળ થવો, ગળફામાં લોહી પડવું વગેરે વિવિધ લક્ષણો થાય છે. ક્યારેક દર્દીને પુષ્કળ પરસેવો, મૂંઝવણ, ઊબકા, ઊલટી, અશક્તિ, શરીરના તાપમાનમાં ઘટાડો વગેરે પણ થાય છે.
આ સાપનું ઝેર ન્યુરોટોક્સિન હોય છે. સાપનું ઝેર એ એક પ્રકારનું પ્રોટીન છે. જે શરીરમાં પ્રવેશતા પોતાની ચેઇન બનાવવા માંડે છે.

આ સાપ નું ઝેર મગજના કોષો એટલે ન્યુરો સેલ ઉપર અસર કરે છે જે હાઇપોટોક્સિન કરતા વધુ ખતરનાક છે. જેનાથી તરત જ બ્રેઈન ડેડ થવાના ચાન્સ વધુ થતા જાય છે.
આ સાપનું ઝેર લોહીના માધ્યમથી સિધુ મગજના કોષ ઉપર અસર કરે છે. મગજની રૂઢિરકોશિકા જાળ ને તોડીને પોતાની નવી પ્રોટીન શૃંખલા જાળ ફેલાવી દે છે. જેથી મગજના કોષો નષ્ટ થતા જાય છે. જો સમય જતા જતા આ ઝેર મગજને નુકશાન વધુ કરે છે જેથી લોકો કોમામાં સરી પડે છે.

એટલે હૃદય ચાલુ રહે પરંતુ મગજ નષ્ટ થઈ જાય. એટલે કોમાં. આ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ છે.
ઈશ્વરની કરામાત જુઓ જે સાપ આવો ખતરનાક છે એ સાપ મનુષ્યથી ખૂબ ડરે છે. (કાળોતરો) આ સાપનું ઝેર કોબ્રા કરતા પણ વધુ ખતરનાક છે. પરંતુ આ સાપ કરડતો જ નથી. ટૂંકમાં ઓછો આક્રમક છે

Types of snakes with pictures
beautiful snake picture

સર્પદંશ અને તેની પ્રાથમિક સારવાર

જ્યારે કોઇ પણ વ્યક્તિને સર્પદંશ થાય ત્યારે આજુબાજુમાં તમાશો જોવા વાળા લોકોની ભીડ એકઠી થઇ જતી હોય છે. સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કે ટોળાને સ્વતંત્ર વિચાર શક્તિ હોતી નથી. ટોળું જ્યારે આવા કોઇ પણ સમયે એકઠું થયું હોય ત્યારે દરદીના લાભાર્થે જાત-ભાતના સૂચનો અને સલાહોની તો જાણે ગંગા જ વહેવા માંડે છે. આમાંનાં મોટા ભાગના લોકો દંશનો ભોગ બનેલા વ્યક્તિના હિતમાં પોતાના જ્ઞાનનું ભાથું ખોલતા હોય છે પરંતુ આ બધામાં જાણે-અજાણે દર્દી મોતની વધુને વધુ નજીક જઇ રહ્યો છે તે મુદ્દો વિસરાઇ જતો હોય છે. તો ચાલો સર્પદંશના કિસ્સામાં ધ્યાનમાં લેવાની બાબતો પર પણ એક દૃષ્ટિપાત કરી લઇએ.

૧. જેને સર્પદંશ થયો હોય તે વ્યક્તિ સામાન્ય રીતે જાણતી હોતી નથી કે તેને જે સર્પે દંશ કર્યો છે તે ઝેરી છે કે બિન-ઝેરી છે તેથી તે વ્યક્તિએ સૌપ્રથમ તો ગભરાવું જોઇએ નહીં. કારણ કે જો ગભરાય તો બ્લડ પ્રેસર વધે અને તેમ થતાં ઝેર શરીરમાં વધુ ઝડપથી ફેલાશે. આમ સર્પદંશના કિસ્સામાં માનસીક સ્વસ્થતા સૌથી અગત્યનો રામબાણ ઇલાજ છે.

૨. દંશ થયા બાદ સૌ પ્રથમ ઘાવમાંથી જો લોહી વહેતું હોય તો વહેવા દેવું પરંતુ દંશના નિશાન પર ચોખ્ખા પાણીની ધાર કરવી અને લોહીના પ્રવાહને અટકાવવો નહીં કે વધુ લોહી નીકળે તેવા પ્રયત્નો કરવા નહીં. જુની માન્યતા મુજબ કોઇ પણ તિક્ષ્ણ વસ્તુથી દંશ પર કાપો મુકવો નહીં કે પછી તે અંગ કાપી નાખવું નહી. કારણ કે એમ કરવાથી સર્પનું વિષ જો હીમોટોક્સિક હશે તો વધુ પડતું લોહી વહી જવાનો ભય રહે છે તથા ગેંગ્રીન અથવા ધનુર થવાનો ભય રહે છે.

૩. દંશ થયેલી વ્યક્તિને હલન ચલન ન કરવા દેતાં તેને કોઇ પણ વાહન પર નજીકના સરકારી દવાખાને પહોંચાડવી તથા ત્યાંના ડૉક્ટર સલાહ આપે તો નજીકના જીલ્લા મથકની સિવીલ હોસ્પિટલ પહોંચાડવી. સરકારી દવાખાનાઓમાં સર્પ-દંશ વિરોધી રસી વિનામુલ્યે ઉપલબ્ધ હોય છે. આ રસી જાહેર બજારમાં ખુબ જ મોંઘી વેચાતી હોય છે.

૪. સરકારી હોસ્પિટલ જો ખુબ જ દુર હોય અને ત્યાં પહોંચવામાં જો વાર લાગે તો શરીરના જે ભાગ પર દંશ થયો હોય તે અંગ પર એક વહેંત હૃદય તરફ જતા જોઇન્ટ એટલે કે સાંધા પર એક ચોખ્ખા કપડાના ટૂકડાનો પાટો બાંધવો. આ પાટો એટલો ચુસ્ત ન હોવો જોઇએ કે જેનાથી રક્ત પ્રવાહ સાવ અટકી જાય પરંતુ રક્ત પ્રવાહને ધીમો કરવાનો છે જેથી ઝેર ઓછુ ફેલાય. દર પાંચ મીનિટે આ પાટાને બે મીનિટ માટે ઢીલો કરી ફરી બાંધી દેવો. જેથી શરીરના જે-તે અંગમાં ગેંગ્રીન શરૂ થઇ શકે નહીં.

૫. હોસ્પિટલ પહોંચતા સુધી દર્દીને કોઇ કેફી પીણું, દવા આપવી નહી. શક્ય હોય તો પાણી પણ માત્ર ગળું સુકાય નહી તેટલું એકાદ વાર જ આપવું. દર્દીને સુવા પણ ન દેવો. દર્દીની ચિંતા અને તનાવ વધે નહી તેવું વાતાવરણ રાખવું. દવાખાને પહોંચ્યા બાદ ડૉક્ટરની તમામ સલાહોનું પાલન કરવું અને ડૉક્ટરો પર કોઇ પણ પ્રકારનો દબાવ ઉભો કરવો નહી. જો શક્ય હોય તો સર્પને દવાખાને સાથે લઇ જવો જેથી ડૉક્ટરોને ઝેરના પ્રકારનો ખ્યાલ આવે તથા તે મુજબ તે અનુસાર દર્દીની સારવાર ઝડપી કરી શકાય. ડૉક્ટર જો આ સાપને ઓળખી ના શકે તો જે-તે વિસ્તારના સર્પ તજજ્ઞને બોલાવીને સર્પના વિષ અંગે ડૉક્ટરને માહિતગાર કરવાં.

સાપ વિશેની અંધશ્રદ્ધાઓ

types of snake
most beautiful snake

સાંપ્રત સમાજમાં શિક્ષિત તેમજ અશિક્ષિત વર્ગ સાપ અંગે અનેક ભ્રામક માન્યતા ધરાવે છે. વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી વ્યક્તિઓ પણ તેમાં અપવાદરૂપ નથી. એ દર્શાવે છે કે સાપ અંગેની દંતકથાઓ, અંધશ્રદ્ધાઓ, ધાર્મિક રિવાજો વૈશ્વિક સ્તરે કેટલા રૂઢ થયા હશે ! સાપ વિશેની તદ્દન ખોટી માન્યતાઓ આ પ્રમાણે છે

(1) સાપ ઊડી શકે છે.

(2) દૂધ એ સાપનો પ્રિય ખોરાક છે.

(3) સાપનું આયુષ્ય 100 વર્ષનું હોય છે.

(4) સાપને મારી નાંખીએ તો નર કે માદા તેનો બદલો અવશ્ય લે છે.

(5) ભૂવા અને તાંત્રિકો સાપનું ઝેર ઉતારે છે.

(6) સાપના માથા પર મણિ હોય છે.

(7) સાપ મોરલી કે વાંસળીની ધૂન પર નાચે છે.

(8) સાપ ઇચ્છાધારી હોય છે અને માનવનું રૂપ ધારણ કરી શકે છે.

(9) અવાવરાં ખંડેરો કે જંગલોમાં સાપ જમીનમાં દટાયેલા ધનની રક્ષા કરે છે.

(10) કેટલાક સાપ મૂછોવાળા હોય છે.

(11) સાપની કાંચળીને તિજોરીમાં રાખવાથી ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય છે.

આમ, સાપ એ વાસ્તવમાં મનુષ્યનો દુશ્મન નથી. તેને સાચા પરિપ્રેક્ષ્યમાં મૂલવવામાં આવે તો તે આપણો મિત્ર છે; કારણ કે અબજો રૂપિયાનું અનાજ અને અન્ય કીમતી ચીજવસ્તુઓને નુકસાન પહોંચડાતાં ઉંદરો અને કીટકો સાપનો મુખ્ય ખોરાક છે, જેમનું જૈવિક નિયંત્રણ સાપ દ્વારા શક્ય બને છે. આ ઉપરાંત તેના વિષમાંથી બનતાં ઔષધો તો ઉપયોગી છે જ.

👉 નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. સર્પદંશ લગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે

🌺 આ પોસ્ટ પણ વાંચો 👇

બિટકોઇન (Bitcoin) શું છે ? બિટકોઇનમાં રોકાણ કરાય ?

વિશ્વ ના અજબ ગજબ પશુ પક્ષીઓ

પતંગો વિશે અજબ ગજબ

એક રહસ્યમય ટાપુ – ઈસ્ટર્ન દ્વીપ

જ્યા ગયેલા વિમાનો જહાજોનો કોઇ પત્તો નથી લાગતો એવુ રહસ્ય – બર્મ્યુડા ટ્રાયેંગલ

શુ પૃથ્વી પર આવેલી છે સોનાની ધરતી ? – વાંચો રહસ્ય

આ પોસ્ટને આપ અહીથી share કરી શકો છો 👇


1 thought on “સાપ વિશે રોમાંચક માહિતી | Best Facts about snake”

  1. Pingback: 21 most amazing trees in the world | दुनिया के अनोखे पेड़ - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *