Skip to content

કવિ કલાપીનાં જીવનની જાણી અજાણી વાતો અને કલાપીના કાવ્યો

કવિ કલાપી
3139 Views

કવિ કલાપી ગુજરાતી સાહિત્યમા જેમનુ નામ અગ્રીમ હરોળમા મુકી શકાય, તેમની યાદગાર ક્રુતિઓમાં કલાપીનો કેકારવ, શિકારીને કાવ્ય, હૃદય ત્રિપુટી, વિદાય, બિલ્વમંગલ, સારસી, વનમાં એક પ્રભાત, વ્હાલીને નિમંત્રણ, નદીને સિંઘુનું આમંત્રણ, ગ્રામમાતા કલાપી, નવો સૈકો વગેરે છે. કલાપી ની પંક્તિ, કવિ કલાપી નું જીવન, કલાપી ના કાવ્યો, કલાપી વિશે માહિતી, કલાપીના વારસદાર, કલાપી નો કેકારવ pdf, kavi Kalapi

કવિ કલાપીનું જીવન

૨૬મી જાન્યુઆરી , ૧૮૭૪, લાઠીના રાજ દરબારગઢ તેમજ શહેરમાં ઘેર ઘેર આંબાનાં પાનનાં તોરણો બંધાયાં હતાં , દરબારગઢની ડેલીએ ઢોલને શરણાઈના સૂર રેલાઈને ગગન ગજવતાં હતાં, પ્રસંગ પણ એવોજ હતો. લાઠીના રાજા તખ્તસિંહજી ને ત્યાં બીજા પુત્રનો જન્મ થયો હતો.ઠેર ઠેર આનંદ પ્રવર્તતો હતો.

નામ પાડ્યું સુરસિંહ. એ સુરસિંહ એટલે સૂરતાની વાડીનો મીઠો મોરલો, રાજવી કવિ “કલાપી”. કલાપી કંઈ જન્મથી કલાપી નહોતા, પણ કવિ થવાના આશીર્વાદ લઈને અવતર્યા હતાં.અને એ પ્રજા વત્સલ રાજવી તેમજ કવિ બનીને રહ્યા.રાજવી તરીકે તો લાઠીની પ્રજા યાદ કરેજ છે પણ કવિ તરીકે સમગ્ર ગુજરાત માટે તેઓ અવિસ્મરણીય પ્રેમ કવિ બની રહ્યા.

જેમનું જીવન પટ ટૂંકુ, માત્ર ૨૬ વર્ષ, પણ સર્જન પટ વિશાળ છે તેવા આપણા લાડલા રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ ઊર્ફે “કલાપી” માટે કવિતા એ ઉપાસના અને ઉપનિષદ સમાન હતી,કવિતા જ ભૂખ અને એજ તરસ,એજ એમનો વૈભવ,વાસના,સાધના અને ઉપાસના બની રહ્યાં !

મોટા ભાઈ ભાવસિંહ નું નાની ઉમરેજ ઘોડા પરથી પડી જતાં થયેલા અવસાન અને પિતા ૧૮૮૬માં દેવ થયા પછી સગીર વયેજ તેમના પર રાજ કારભારની જવાબદારી આવી પડી હતી. ૧૮૮૮માં માતા રામબા મૃત્યુ પામ્યા ત્યારે તો માત્ર સૂરસિંહજી જ નહી પણ આખું લાઠી રાજ્ય ખળભળી ઉઠ્યું, કારણકે રાજા તખ્તસિંહજીને પણ ઝેર આપી મારી નાખવામાં આવ્યા હતાં,અને રાજમાતા રામબાને પણ ઝેર અપાયું હતું. આવી વિષમય રાજ ખટપટ સુરસિંહને વારસામાં મળી હતી.

“………યાદી ઝરે છે આપની”

“નવાં શાસ્ત્રો નવી વેદી , નવી ગીતા કલાપીની ,

અહા! ગુજરાતમાં ટહૂકે અલગ કેકા કલાપીની ;”

જોકે, તેઓ આઠ વર્ષની ઉમરથી, એટલેકે ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કોલેજમાં વિદ્યા અભ્યાસ માટે રહ્યા હતા.તેમના લગ્ન વખતે પણ કલાપી રાજકુમાર કોલેજમાં જ હતાં. ૧૫ વર્ષની ઉમરે તેમના લગ્ન થયાં. ૧૮૮૯નુ વર્ષ તેમના જીવનના પરિવર્તનનું વર્ષ બની રહ્યું. રાજપૂતોમાં આજે પણ ખાંડા લગ્નની પ્રથા કાયમ છે.

કચ્છ રાજ્યનું સુમરી રોહા ગામ એ કચ્છ રાજ્યમાં સૌથી મોટી જાગીર હતી, જેની કચ્છના બાવન ગામો પર આણ પ્રવર્તતી હતી. રાજ્યનું ચલણ સ્વીકાર્ય પણ સત્તા નહી, એ રીતે રોહા એક સ્વતંત્ર રાજ્ય સમાન હતું. પોતાની કોર્ટ, પોતાનોજ વહીવટ. કચ્છમાં પહેલ વ્હેલી અંગ્રેજી સ્કૂલ અને બોર્ડીંગ રોહા જાગીરે શરૂ કરી હતી. એવી એ રોહા જાગીરના તેજસ્વી રાજકુંવરી રમાબા અને કોટડા સાંઘાણી ના કુંવરી આનંદીબાં ને લઇ સૂરસિંહના ખાંડા સાથે ઘુઘરમાળ બળદો સાથેની “વ્હેલું” લાઠી તરફ રૂમઝૂમ કરતી આગળ ધપી રહી હતી.

કલાપીની સૂચના હતી કે પહેલાં રોહા વાળા રમાબા પોંખાય, પરંતુ કોટડા સાંઘાણીના કારભારી રાજરમત રમી ગયા અને પહેલા પોંખાયા આનંદીબાં. નિયમ એવો કે જે રાણી પહેલી પોંખાય તે પટરાણી બને. રમાબા પટરાણી ન બન્યાં તેનો કલાપીને વસવસો નહોતો પરંતુ રમાંબાની મહત્વાકાંક્ષા પર પાણી ફરી ગયું એ ધૂંધવાઈ ઉઠ્યા અને ત્યાજ રોપાયા રાજ ખટપટના બીજ અને દોરાઈ કલાપીની આયુષ્ય રેખા!

અહીં એ ઉલ્લેખ જરૂરી છે કે, રમાબા, પતિ કરતાં આઠ વર્ષ મોટાં હતાં. સુરસિંહ સગીર વયના હોવાથી લાઠી અંગ્રેજોની હકુમત હેઠળ હતું, એટલે રાજ કારભારની તેમને ચિંતા નહોતી. બંને રાણીઓ અને રમાબા સાથે રોહાથી આવેલી તેમની દાસી “મોંઘી” સાથે તેઓ રાજકોટમાં અભ્યાસ ચાલુ હોવાથી, ત્યાં બંગલામાં રહેવાનું રાખ્યું, રાજકુમાર કોલેજે પણ એ રીતે રહેવાની રજા આપી.

અત્યાર સુધીમાં સૂરસિંહજીએ કોઈ પ્રકારનું અનોખું સાહિત્ય પ્રદાન કર્યું હોય તેવું નોંધાયું નથી. કોલેજ જીવન દરમ્યાન, ૧૩ કે ૧૪ વર્ષની ઉમરે થોડી કલમ ચલાવી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે.બંને રાણીઓ સાથે જીવન સુખ ભર્યું પસાર થયા કરે છે. સ્વરૂપવાન અને બુદ્ધિશાળી રમાબા તરફ સૂરસિંહજી નો વધારે ઝુકાવ હતો. આનંદીબા તેમને ભોળાં લાગતાં. અને…..મોંઘી……..?

વર્ષ ૧૮૮૯, મહિનો ડિસેમ્બર, લાઠી રાજ દરબારગઢનો વિશાળ ચોક. લગ્ન પછીનો ઉત્સવ. અચાનક સુરસિંહજીને મધુર કંઠે કચ્છીમાં હલકથી ગાતી અને રાસ રમતી એક સોહામણી યુવતી નજરે પડે છે.કંઠ અને ગીતના બોલ તેમના હૃદયને સ્પર્શી જાયછે. તેમણે તરત તપાસ કરી અને જાણવા મળ્યું કે એ તો રાણી રમાબા સાથે રોહાથી આવેલી તેમની દાસી છે.

મોંઘી તરફ તેમનો વાત્સલ્ય ભાવ ઊભરાયો. મનમાં કંઈક ગાંઠ બાંધી. મોકો મળતા પાસે બોલાવી અને કહ્યું “મોંઘી તું સરસ ગાય છે હો , ચાલ હું તને શુધ્ધ ગુજરાતી શીખવાડું” સાહિત્ય જગત સાક્ષી છે કે, મોંઘી ને થોડાજ સમયમાં તેમણે પોતાની કવિતાઓ જ નહી પણ સરસ્વતી ચંદ્ર જેવી મહા નવલ વાંચતી કરી દીધી, ગાતી કરી દીધી, કચ્છી ભાષામાં માત્ર એકજ “સ”નો ઉચ્ચાર સાંભળવા મળે છે. કલાપીએ મોંઘી ને ત્રણેય ‘સ,શ ,ષ’ ની ઓળખ આપી અને છંદ વસંતતિલકામાં ગવડાવ્યું:

“પુષ્પો પરે ટપકતાં સુતુષાર બિન્દુ,

ને સ્નિગ્ધ પાંખ ફુલની મકરંદ ભીની;

અંધાર ઘોર વિધુહીન નિશાની શાંતિ,

વા શ્વેત દૂધ સમ રેલ રૂડા શશીની;”

માત્ર ત્રણ મહિનામાં મોંઘી એ આ બધું આત્મસાત કરી લીધું. બસ પછી તો એ યાત્રા આગળ ને આગળ ધપતી રહી અને ૧૮૯૨ સુધીમાં તો મોંઘી સૂરસિંહજીના સાહિત્યનું સૌન્દર્ય બનવા લાગી હતી, જોકે આ વર્ષોમાં કવિ એ જે પ્રેમ કાવ્યો લખ્યાં તેના કેન્દ્રમાં સ્નેહરાગીણી રાણી રમાબા જ હતાં. તેમનાજ શબ્દો:

“રમાં હું તમને ખૂબ ચાહું છું. તમારા આગમન પછી મારા દિલના બે ભાગ થઇ ગયા છે. એ સાંભળીને રમાબા ચોંકી જાય છે. બે ભાગ? એવા તેમના સવાલના જવાબમાં સૂરસિંહજી કહેછે કે, રમાં ચોંકો નહી, એક ભાગ સાહિત્યનો અને બીજો તમારો.”

પણ, પટરાણી તો આનંદીબા જ ને? રમાબા અંદર ઉછળી રહેલા રાજ મોહને તક મળતાં સપાટી પર લાવવાનું ચૂક્યાં નહી. સુરસિંહજી તેમને સમજાવે છે કે, રમાં, છોડો આ રાજ ખટપટ, મને આ બધુ નથી ફાવતું:

“તમારા રાજ્દ્વારોના ખૂની ભભકા નથી ગમતા,

મતલબની મુરવ્વત જ્યાં ખુશામતના ખજાના ત્યાં;”

“રમાં, માત્ર પૂર્ણ પ્રેમ હોય તો બધુજ શક્ય બને છે. આપણે માત્ર પ્રેમ યોગી બનીએ. વડવાઓના હાથબળે મેળવેલી રાજગાદી કરતાં મારા સ્વબળે મેળવેલી વિદ્યા આ ગાદી કરતાં હજાર દરજ્જે ઉત્તમ અને સુખદ છે. જ્ઞાનજ આપણને આનંદ અને મુક્તિ આપી શકશે.” રાજા પ્રેમ ઘેલો અને જ્ઞાન પિપાસુ હતો જયારે રાણી રાજ પિપાસુ ………અને રાજાની કલમથી ટપક્યું:

“રે પંખીડાં! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો,

શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો?

પાસે જેવી ચરતી હતી આ ગાય તેવોજ હું છું,

ના ના કો દિ તમ શરીરને કાંઈ હાની કરું હું;”

રાજાને માત્ર પ્રેમ અને સત્ય નિતરતો પ્રેમ જ જોઈતો હતો, અને રાણી રમાબા એ સમજીજ ના શક્યાં અથવાતો પોતે સેવેલાં રાજ્સ્વાર્થની સાધનામાં વ્યસ્ત રહીને સુરસિંહજી મારા સિવાય જશે ક્યાં એવા ભ્રમમાં રાચતાં રહ્યા.જયારે રમાબાએ પુત્ર પ્રતાપસિંહને જન્મ આપ્યો ત્યારે રાજમાતા બનવાના ઓરતાં જાગ્યા ! તેઓ ગમે તેમ કરીને સુરસિંહજી અને લાઠી રાજ્ય પર પોતાનું પ્રભુત્વ સ્થાપવા ઇચ્છતાં હતાં.

સુરસિંહજી તેમને માત્ર પ્રેમ યોગી બનવા સમજાવતા હતાં, પણ રમાબા હ્રદયથી નહીં બુદ્ધિ થી કામ કરતાં હતાં અને તેમના નશીબ જોગે આનંદીબાએ ત્રણ મહિના પછી કુવર જોરાવરસિંહને જન્મ આપ્યો.રિવાજ એવો હતો કે જે રાણી પ્રથમ પુત્રને જન્મ આપે એ રાજમાતા બને. તેથી હવે રમાબા રાજ ખટપટમાં વધુ રસ લેવા લાગ્યાં અને……….

“મોંઘી યુવાનીમાં પ્રવેશી.૧૮૯૩-૯૪ નું વર્ષ. મોંઘીના મન,બુદ્ધિ ,અને ચિત્તનો વિકાસ જોઈ ઠાકોર સુરસિંહજી ખૂબજ પ્રભાવિત થયા અને કહ્યું: “ આજથી તું મોંઘી નહીં, તારું નામ રહેશે શોભના, હા,શોભના. શોભના, મેં તને જેમ વાંચી છે,તેમ હવે તું મને વાંચ. તને મેં માટી માંથી પિંડ અને પિંડ માંથી પૂતળી બનાવી, હવે તું બની મારી શોભના!” એ સાથે ઠાકોર સાહેબનો શોભના પ્રત્યેનો વાત્સલ્ય ભાવ પ્રણય ભાવમાં પલટાય છે અને રાગનું પાત્ર બને છે શોભના. ને, સર્જાય છે “પ્રણય ત્રિકોણ”.

સૂરસિંહજી ગાઈ ઉઠે છે:

“મ્હેં પૂતળી કંઈ છે ઘડી દિલમાં હજારો હોંશથી ,

એ પૂતળી જેને ગણી તેનો થયો હું બાવરો !,

એ પૂતળીના જાદુને કો જાણનારું જાણશે !

તે કોઈ માશૂકને મુખે છે? એજ પૂછે બાવરો !”

આમ ૧૮૯૨ થી તેમનું સાહિત્ય સર્જન સોળે કળાએ ખીલતું જોવા મળે છે. તેમાં પણ એજ વર્ષમાં ગોવર્ધનરામ ત્રિપાઠી સાથે પરિચય અને પત્ર વ્યવહાર નો પ્રારંભ થતાં તેમના સાહિત્ય સર્જનને બળ મળ્યું હોય તેવું જણાય છે. ધીરે ધીરે તેમનું સાહિત્ય વર્તુળ વધતું જાય છે.મણીલાલ નભુભાઈ દ્વિવેદી ,તેમને તો તેઓ તેમના જ્ઞાનગુરૂ માનતા હતાં,તે ઉપરાંત બળવંત ઠાકોર, લલીતજી, ભોળા કવિ, કવિ મસ્ત, કવિ કાન્ત અને જટિલ તેમજ બાલુનો સમાવેશ જોવા મળેછે.

તેમણે અંગ્રેજી સાહિત્યકારો શેક્સપીયર,મિલ્ટન,ગટે જેવા લેખકોને પણ ભરપુર વાંચ્યા.અંગ્રેજી સાહિત્ય મન ભરીને માણ્યું પણ તેની અસર તેમના સર્જન પર પડેલી જોવા નથી મળતી.અલબત તેમાંથી પ્રેરણા મેળવીને “માળા અને મુદ્રિકા”અને “નારી હ્રદય” જેવી નવલકથાઓ લખી. પરંતુ તેમના સર્જનનું ખરું પ્રેરક બળ તો તેમનું જીવન જ બની રહ્યું. અને તેમણે માત્ર ૨૬ વર્ષના આયુષ્યમાં ૨૫૯ કવિતાઓ એટલે અંદાજે ૧૫૦૦૦ પંક્તિઓ, ખંડ કાવ્યો,ઊર્મિ કાવ્યો,ગઝલો અને ઉત્તમ ગદ્યનું સર્જન કરી, ગુજરાતી સાહિત્ય અને ગુર્જર ધરાને અર્પણ કર્યાં.

૨૧ વર્ષની ઊમરે તેમને સત્તાવાર લાઠીનું રાજ્યપદ સોંપાયું અને આપણા કલાપી લાઠીના રાજા બન્યાં. અંગ્રેજોનો એવો નિયમ હતો કે રાજ્યપદ સોપતાં પહેલાં રાજાએ છ મહિના સુધી દેશ દર્શન કરીને ભારત દેશનો વાસ્તવિક પરિચય મેળવવો. સૂરસિંહજી માટે તો એ અત્યંત આશીર્વાદ સમાન સાબિત થયું. દેશના વિવિધ વિસ્તારોની માટીની સુગંધ, કાશ્મીર જેવા રમણીય પ્રદેશોમાં પ્રકૃતિનું પયપાન અને પત્ની રમાબાનો વિયોગ, આ ત્રણેય તત્વોને કારણે રોમાંચિત અને વ્યથિત સૂરસિંહજીએ પ્રવાસ દરમ્યાન ગુરૂને,મિત્રોને અને પત્નીને લખેલા પત્રો ગુજરાતી સાહિત્યનો અમૂલ્ય ખજાનો બની રહ્યા છે. ૧૮૯૪ થી તેમની સર્જક મુદ્રા ઉપસે છે.

ઊર્મિ,આઘાત,પ્રત્યાઘાત,પ્રકૃતિ,પ્રણય અને પ્રભુથી રસપ્રચૂર તેમનું સાહિત્ય સર્જન વિશ્વ ઐક્યના દર્શન કરાવે છે. ૧૮૯૬ માં તેઓ કવિ કાન્તના સંપર્કમાં આવે છે. આ બધા સર્જક તત્વોના કારણે ૧૮૯૬થી ૧૮૯૮ સુધીમાં તેમણે સર્જેલા સાહિત્યના ૭૦% સર્જન આ ગાળા દરમ્યાન થયેલું નોંધાયું છે. જેટલો સાહિત્ય પ્રત્યે રાગ હતો તેટલો રાજ વહીવટમાં નહી, છતાં પણ તેઓ પ્રજાના સુખ દુ:ખ માં સાથે રહ્યા.તેમની પ્રજા વત્સલતા “ગ્રામ્ય માતા” કાવ્યમાં ઉભરી આવે છે:

“બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા”

કહીને પાત્ર યુવાને, માતાની કરમાં ધર્યું,

કાપી કાપી ફરી ફરી અરે કાતળી શેલડીની,

એકે બિન્દુ પણ રસ તણું કેમ હાવાં પડેના ?

“શું કોપ્યો છે પ્રભુ મુજ પરે?” આંખમાં આંસુ લાવી,

બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેલડીમાં;

“રસહીન ધરા થઇ છે; દયાહીન થયો નૃપ;

નહીં તો ના બને આવું” બોલી માતા ફરી રડી.

એવું યુવાન સુણતાં ચમકી ગયો ને

માતા તણે પગ પડી ઉઠીને કહે છે;

“એ હુંજ છું નૃપ, મને કર માફ બાઈ !

એ હુંજ છું નૃપ; મને કર માફ ઈશ !”

આવા ઋજુ હ્રદયના રાજવીનું હૈયું રમાબા અને શોભના વચ્ચે ઝૂલતું થયું. રમાબા જો પ્રાણ છે તો શોભના શ્વાસ છે. એક તરફ રમાંબાની રાજ ખટપટ વધતી જાય છે અને સુરસિંહજી શોભના મય થતા જાય છે. શોભનામાં કવિતા અને કવિતામાં શોભના છે. રાજવી કવિના હ્રદયમાં સતત સંઘર્ષ ચાલ્યા કરે છે. રમાબાને અન્યાય ન થાય અને શોભના સચવાય પણ રમાબાને એ સંબંધો ક્યાંથી મંજુર હોય ? એ પતિને સ્પષ્ટ કહી દે છે કે, શોભનાનો હાથ છોડી દો પરંતુ સુરસિંહજીનો જવાબ હતો: “ હાથ છોડવા માટે રાજપૂત ક્યારેય કોઈનો હાથ પકડતો નથી.

રમાં, મારા પ્રેમનો પડઘો હવે શોભનાજ ઝીલી શકે તેમ છે, હું તેને પ્રેમ કરું છું અને એ પ્રેમને સન્માન આપવા હું તેની સાથે લગ્ન કરીશ.” રમાબા માટે આ વાત અકલ્પનીય હતી. તેમણે કહ્યું: એ કોઈ કાળે શક્ય નથી, હું લગ્ન થવા નહી દઉં. રામ, તમે મારી સાથે આવેલી દાસી સાથે……,ના, એ નહી બને”. રમાબા સુરસિંહજી ને રામ તરીકેજ સંબોધતાં. કવિ હ્રદય જખ્માયું, અને સારી પડ્યા આ શબ્દો:

“ તુને ન ચાહું, ન બન્યું કદી એ,

તેને ન ચાહું, ન બને કદી એ;

ચાહું છું તો ચાહીશ બેયને હું,

ચાહું નહિ તો નવ કોઈને હું;”

રમાબા પર જાણે વીજળી પડી. પિયરથી રાજ ખટપટ શીખીને આવેલાં રમાબાએ મનમાં કંઈક ગાંઠ બાંધી. સુરસિંહજી મહાબળેશ્વર ગયા કે તેમણે રોહાથી રામજી ખવાસને બોલાવી શોભનાને તેની સાથે પરણાવી દીધી અને ઠાકોરને મહાબળેશ્વર જાણ કરી. સુરસિંહજી ચીસ પાડી ઉઠ્યા: “રમાં, તમે આ શું કર્યું?” પણ, પંખી ની ઉપર પત્થર ફેંકાઈ ગયો હતો! ભગ્ન હૃદયના કલાપીની કલમેથી આંસુ ઝરતી રચના સરી પડે છે:

“તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,

છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયાં મહી તો !

રે રે ! શ્રદ્ધા ગત થઇ પછી કોઈ કાળે ન આવે,

લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે;”

શોભના તરફથી મનને પાછું વાળવું ક્યાં શક્ય હતું? દિલ પર અસહ્ય બોજ સાથે કવિનો કાવ્ય વિલાપ વધી ગયો. હવે જોવા મળે છે, પ્રણય વૈરાગ્યથી રડતા કલાપી! વિલાપમાં પ્રેમનો આલાપ કરતા કલાપી ! સત્ય સ્વીકારવાથી પ્રેમની ઉપાસના ઉપનિષદ બની જાય છે,એવું સ્વીકારી, સમાધાન શોધતા કલાપી ! કવિ રાગ માંથી ત્યાગ તરફ વળે છે. “અરે, આ ઈશ્ક કરવાથી અમારે હાથ શું આવ્યું ?” અને :

“દુ:ખી દિલદર્દને ગાતાં, જિગરની આહ માં લ્હાતા ,

ફના ઈશ્કે સદા થાતાં હવે હું આજ પરવાર્યો !

ન લૂછું એક આંસુ વા કહું હું લૂછવાનું ના !

હવે છો ધોધ ચાલે આ ! રડી રોતાં હું પરવાર્યો !

બસ, પછી તો પ્રજાનાં દુ:ખો સાંભળે અને પોતાનાં દુ:ખો કવિતામાં ઉતારે. એકજ સંકલ્પ કે બીજાને ટાઢક આપવા બરફની જેમ ઓગળી જવું. પ્રણયની વેદનામાંથી “પ્રવીણ સાગર” પ્રગટે અને “કેકારવ” પણ ગુંજે..

૧૮૯૬-૯૭ નો સમય. ભાવનગર ના જીવણલાલની પ્રેસમાં તેમનાં કાવ્ય સંગ્રહ છાપવા માટે કવિના ખાસ મિત્ર બાલુ બધાં કાવ્યો લાવે છે. સંપાદન બાલુએ કર્યું હોવાથી સંગ્રહને નામ આપવાનું તેઓ બાલુંનેજ સોંપે છે. પહેલું સુચન: બાપુ, સંગ્રહનું નામ “મધુકરનો ગુંજારવ” રાખીએ તો? કવિ જવાબ આપે છે: બાલુ, પણ આમાં હ્રદયનો ગુંજારવ ક્યાં છે? અન્ય એક મિત્ર એ સૂચન કર્યું કે, બાપુ, તમારું તખલ્લુસ “કલાપી” રાખીએ અને સંગ્રહનું નામ રાખીએ “કલાપીનો કેકારવ”

બસ, ત્યારથી, લાઠીના એ રાજવી કવિ “કલાપી” તરીકે સાહિત્ય જગતમાં ઓળખાવા લાગ્યા. પણ હજુ ઈતિહાસ કરવટ બદલવા થનગની રહ્યો હતો. શોભનાના વિરહના અગ્નિમાં સેકાઈ રહેલા કલાપી ફિલોસોફી,વેદાંત,ઈશ્વર,પ્રભુ વિરહ,પ્રભુ સ્મરણના આનંદ અને આધ્યાત્મમાં શ્રદ્ધા પરોવવાના પ્રયાસ કરી રહ્યા હતા ત્યાં સાસરે પતિનો માર ખાતી અને અત્યંત દુ:ખી શોભનાનો પત્ર આવે છે: “મને નરકાગાર માંથી છોડવો” પત્ર વાંચી કલાપીને આઘાત લાગે છે. ખૂબજ વિચાર કર્યા પછી કલાપી પોતાનો નિર્ણય જાહેર કરે છે: “હું શોભનાને દુ:ખી થવા નહી દઉં , હું તેને છોડાવીશ અને તેની સાથે લગ્ન પણ કરીશ.”

કલાપીના આ નિર્ણયથી રાણીવાસ સહીત દરબારગઢ હચમચી ગયો. રમાબાનો તેમને સાથ નહોતો પણ કુશળ કારભારી તાત્યા સાહેબ તેમની સાથે રહ્યા. ૧૮૯૮માં કલાપી પ્રિયતમા શોભના સાથે લગ્ન કરે છે. લગ્નમાં પુરોહિત છે પણ અગ્નિ નથી. પુસ્તકની સાક્ષીએ બંને ફેરા ફરે છે. કાકા જશવંતસિંહ આશીર્વાદ આપવા હાજર હતાં. કવિ કાન્તને પત્ર લખીને કલાપી જણાવે છે કે, દર્દ વધતાં મારે આ સાહસ કરવુંજ પડ્યું છે.

“અરે ! જો કોઈને હાથે હજુ ખ્વાહેશ બર લાવે !

સનમ રાજી, હંમે રાજી, ખુદા ની એજ છે મરજી !”

રમાબાને આઘાત માંથી કળ વળી એટલે તેમના અંગત સચિવ કૃષ્ણલાલને કોઈ પણ રીતે આ લગ્નને પડકારવા આદેશ આપે છે પણ,ઘણી ખટપટ પછી પણ તેમના હાથ હેઠ પડે છે. અહીં કલાપી જે બન્યું તેનાથી ખૂબજ ખૂશ હતાં. લગ્નથી પણ સંતુષ્ટ.

“યારી ગુલામી શું કરું તારી ? સનમ !,

ગાલે ચૂમું કે પાનીએ તુને? સનમ !”

“શોભના, હવે હું ખૂબ ખૂશ છું. તું મારામાં અને મારી કવિતાઓમાં ઓગળેલી હશે, પણ તને સંબોધીને નહી લખું, પહેલાં રમાં માટે લખ્યું હવે ઈશ્વર માટે. રસયોગ પછી હવે ઈશ યોગ. પ્રિય કે પ્રભુ નહી, પ્રિયા અને પ્રભુ, પ્રિયા વિના પ્રભુ કેમ પમાશે? ઓહ! રમાં, કેવો સ્નેહ? કેવો અંત! પ્રભુ ઈચ્છા ! એ ખટપટમાંજ રોકાયેલી રહી અને પીડા મારે- આપણે સહન કરી. એ મારી ગમે તેટલી ઉપેક્ષા કરે પણ સહી લેવું એજ પ્રેમનું સન્માન છે. હવે વેદનાનો વિલય થયો છે. હવે વિલાપ નહી પ્રેમ અને પ્રભુ નો આલાપ!”

અને એક દિવસ નડિયાદથી તાર આવે છે: “ઓહ, મણીલાલ ગયા !” કલાપી શોકમાં ડૂબી ગયા. તેમની સાથેના સાત વર્ષના સંબંધમાં કલાપીએ સાત જન્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમણેજ કલાપીને રાજધર્મ સમજાવી ગાદી ન છોડવા કહ્યું હતું. એ મણીલાલ નભુભાઈ દ્વિવેદી સિધાવ્યા. અને એક રાત્રે શોભના સાથે નૌકાવિહાર કરતાં તેમની યાદમાં લખ્યું:

“જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની,

આંસુ મહી એ આંખથી યાદી ઝરે છે આપની !

પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર !

ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની !”

અત્યાર સુધી કલાપીના દિવસો અને રાત્રીઓ બે રાણીઓ વચે વહેચાયેલા હતાં, શોભના સાથેના લગ્ન પછી,ત્રણ દિવસ શોભનાના, બે દિવસ રમાબાના અને બે દિવસ આનંદીબાના. અને પાછું જમવાનું તો રમાબાના રસોડેજ. ૮ મી જૂન,વર્ષ ૧૯૦૦. શોભનાના સાનિધ્યમાં કલાપી. રમાબાના મહેલમાં જતાં પહેલાં: “શોભના, આ રાજપાટ છોડીને એવા રાગમાં રંગાઇ જાઈએ કે આપણા સર્વે કર્મો,કર્મો ન રહે. બસ, સૂરજના એક કિરણથી જેમ બધાં અંધકારો દૂર થાય છે એમ..કારણકે, દરેક સંબંધને એક આયુષ્ય હોય છે, છેવટે કુદરત તો બધાને છૂટા કરવાનીજ છે. શોભના, હું બહુ બોલી ગયો નહી ? ચાલ હું જાઉં રમાં રાહ જોતી હશે, જવાનું મન તો નથી થતું પણ શું કરું, જવુજ પડશે. ફરજ છે.”

“મારા જોગી ઠાકુર, સુખે સિધાવો અને ફરજમાં પ્રેમને પણ પરોવજો.” શોભનાએ વિદાય આપતાં કલાપીને કહ્યું. પણ તેને ક્યાં ખબર હતી કે કાળના ગર્ભમાં શું છૂપાયું છે ! તેની પાસેથી તેના પ્રાણપ્રિય ની એ આખરી વિદાય બની રહેશે.

“આવી ગયા રામ !” રમાબાએ તેમના ઓરડે કલાપીને આવકાર આપતાં કહ્યું. આજે તમારા માટે મેં મારા હાથે પેંડા બનાવ્યા છે, તમને એ ભાવે ને!” તમે મારું કેટલું ખ્યાલ રાખોછો રમાં ! રમાં, તમે સાંભળ્યું ને કે હું રાજપાટ છોડી ને ક્યાંક દૂર ચાલ્યો જવા ઈચ્છું છું, તમે શું વિચાર્યું ? આવશો ને મારી સાથે? શોભના, આનંદી તમે અને કુવર પ્રતાપસિંહ, કુવરી રમણીકબાં અને જોરુભા આપણે બધાજ…ના, રામ, ના, બાળકો હજુ નાનાછે,તેમને રાજ કેળવણી આપવાની બાકી છે અને હું પ્રતાપસિંહને યુવરાજ પદે જોવા માગું છું. અને રામ, છોડો એ બધી વાતો અને આ પેંડા આરોગો, એમ કહી રમાબાએ પેંડો કલાપીના મોઢામાં નાખ્યો.

આગ્રહ કરીને કે ગણત્રી પૂર્વક ત્રણ પેંડા તેમણે તેમના રામને ખવડાવી દીધા. થોડીજ ક્ષણોમાં પેંડા એ પોતાની અસર બતાવવી શરુ કરી દીધી. કલાપી બેચેની અનુભવવા લાગ્યા તેમણે રમાબાને કહ્યું અચાનક આ અ સુખ? રમાં, હવે તો પેટમાં ચૂંક આવે છે, રમાં મને કંઈક થાય છે:

“ધીમે ધીમે મૂરછા મુજ મગજને ચુંબન કરે,

અહા ! હું ગાતો તે અનુભવી શકું છું સુખ હવે”

રમાં, મને લાગે છે કે,

“હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત હરિને,

તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે ?”

ઝેર, હળાહળ ઝેર ! શરીરમાં ફેલાતું જાય છે. વૈધ્યરાજે ઘી પીવડાવીને શરીર માંથી ઝેર કાઢવાના કરેલાં સૂચનને રમાબા સૌના આશ્ચર્ય વચ્ચે ફગાવી દે છે. નજીકનાં શહેરો, રાજકોટ કે ભાવનગરથી ડોક્ટરને આવતાં કલાકો લાગી જાય છે અને એ પહોંચે છે ત્યારે કલાપીઆખરી શ્વાસ લેતાં કહે છે:

“હું જાઉં છું ! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહી !

સો સો દીવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહી !

સૌ ખુશ રહો જેમાં ખુશી! હું જ્યાં ખુશી તે હું કરું !

શું એ હતું? શું આ થયું ? એ પૂછશો કોઈ નહી.”

અને, ૯ મી જૂન ૧૯૦૦ ના રોજ એ સુરતાની વાડીના મીઠા મોરલાએ પોતાની કળા સમેટી લીધી.

કવિ કલાપીની જાણીતી પંક્તિઓ

  1. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની
  2. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.
  3. સૌંદર્ય વેડફી દેતા ના, ના સુંદરતા મળે.
  4. ચળકાટ તારો એ જ પણ તું જ ત..
  5. કિસ્મત કરાવે ભૂલ, તે ભૂલો કરી નાખું બધી
  6. જે પોષતુ તે મારતુ ….
  7. રે પંખિડા સુખથી ચણ જો…
  8. તે પંખીની ઉપર પથ્થરો ફેકતા તો ફેકી દીધો

કવિ કલાપીની જાણીતી કૃતિઓ

કાવ્ય સંગ્રહ:- કલાપીનો કેકારવ, હૃદય ત્રિપુટી, વિદાય, બિલ્વમંગલ, સારસી, વનમાં એક પ્રભાત, વ્હાલીને નિમંત્રણ, નદીને સિંઘુનું આમંત્રણ, નવો સૈકો

મહાકાવ્ય:- હમીરજી ગોહિલ (કવિ કલાપીના દાદા વિશે)

પ્રકૃતિ કાવ્ય:- ગ્રામમાતા, આ૫ની યાદી, યારી ગુલામી

પ્રવાસ નિબંઘ :– કશ્મીર કાવ્ય

નવલકથા :- માલા અને મુદ્રિકા, નારી હદય

અન્ય કૃતિઓ:- કલાપી ની પત્રધારા સ્વીડનબર્ગ ના વિચારો

🌺 સમી સાંજનો ઢોલ ઢબુકતો કન્યાવિદાય – sami sanj no dhol

🌺 સૂના સમદરની પાળે મેઘાણી – suna samdar ni pale

🌺 હાલો મારા શામળાને હાલો મારા ધોળીયા – Halo mara shamla ne halo mara dholiya

🌺 ગામને ગોંદરે ગાડુ આવે – Gaam na gonare gadu ave kavita

🌺 મારી મહેંદીનો રંગ ઉડી જાય રે, સૂરજ ધીમા તપો – mari mahendi no rang

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *