Skip to content

લાલિયા ધોકાની વાર્તા 3 | best story read gujarati

લાલિયા ધોકાની વાર્તા
7938 Views

લાલિયા ધોકાની વાર્તા, ચતુરાઈની વાર્તા 3, ગુજરાતી પ્રાચીન વાર્તાઓ, દાદાજીની વાર્તા, moral story, gujarati varta pdf, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા pdf, ગુજરાતી વાર્તા pdf, હિતોપદેશની વાર્તાઓ pdf, મહેનત વાર્તા pdf, શ્રેષ્ઠ પ્રેરક કથા, બોધ વાર્તા pdf, ગુજરાતી બોધ વાર્તા pdf, ગુજરાતી સાહિત્ય વાર્તા, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા, ગુજરાતી વાર્તા સંગ્રહ, વાર્તા gujarati pdf, varta gujarati pdf, ગુજરાતી પ્રેરક વાર્તા pdf, નવી વાર્તા pdf, વાર્તા ગુજરાતી સાહિત્ય, બોધ વાર્તા ગુજરાતી, બોધ કથા pdf, Laliya dhoka ni varta, હાસ્યકથા, હાસ્યવાર્તા, comedy story in Gujarati, લાલિયો ધોકો.

લાલિયા ધોકાની વાર્તા – best short stories

કોઇ એક ગામમાં મંગલમામા કરીને એક ચૌધરી રહેતા હતા. પોતાની સમજણ અને બુદ્ધિચાતુર્ય માટે તેઓ ખૂબ જાણીતા હતા. સજ્જનોને તે હંમેશ સહાય કરતા અને દુર્જનોની ચોટલી પોતાના હાથમાં રાખતા. જ્યારે કોઇ માનવી દુઃખમાં આવી પડે ત્યારે મંગલમામા એને મદદ કરતા. એટલે લોકો એમને મંગલમામાના નામે ઓળખતા.

એ ગામમાં એક પંડીતજી રહેતા હતા. આ પંડીતજી અત્યંત શાંત અને ધર્મમાં આસ્થા રાખવાવાળા હતા. એકવાર એમણે જાત્રાએ જવાનું વિચાર્યું. જાત્રાએ જતા પહેલાં એ મંગલમામાં પાસે એમની સલાહ લેવા ગયા.

મામાએ પંડીતજીને કહ્યું : ‘ મારગ માથે ઠગ લોકોનું નગર આવે છે. ઠગની ચાલાકીમાં ફસાઇ જવાય નહિ એનું ધ્યાન રાખજો. બાકી તો સુખરૂપ જાત્રા પૂરી કરો. આગળ કયાંય બીક જેવું નથી. ’

મામાની સલાહ લઇને પંડીતજી બીજે દિવસે જાત્રા કરવા નીકળી પડયા. ચાલતાં ચાલતાં સાંજના એક નગરમાં આવી પહોંચ્યા. મામાની સલાહ એ તો સાવ જ ભૂલી ગયા. આ નગરના લોકો અત્યંત ભાવિક અને મહેમાનોને માનપાન આપનારા જણાયા. એટલે પંડીતજી રાતના વિશ્રામ લેવા ત્યાં જ રોકાઈ ગયા.

ગ્રામવાસીઓએ પંડીતજીનો ભાવભર્યો આદરસત્કાર કર્યો , એમની સેવામાં કંઇ ખામી ન રહેવા દીધી. પણ જ્યારે પંડીતજી સવારના ઊઠઠ્યા ત્યારે એમને ખબર પડી કે ભકત લોકો એમની કેડે બાંધેલ રૂપિયાની વાંસળી ( કોથળી ) આખી ઉપાડી ગયા હતા. પોતાની ઘોડીની તો થોડીક લાદ જ પડી હતી બાકી કંઇ નામનિશાન રહેવા દીધું ન હતું.

પંડીતજીએ નમ્રતાપૂર્વક બધા લોકોને બે હાથ જોડીને વિનંતી કરી : ‘ હું જાત્રાળું છું. રૂપિયા તો ભલે ગયા પણ મને ઘોડી પાછી આપો તો હું મારી જાત્રા પૂરી કરું. ’ પણ ઠગનગરીમાં એમનું કોણ સાંભળે ?

અસહાય પંડીતજી પોક મૂકીને રડી પડયા ને માથું પછાડતા પછાડતા કહેવા લાગ્યા : ‘ હાય હાય ! હું લુંટાઇ ગયો રે … બ્રાહ્મણનું ચોરેલું ખાશે એનું નખોદ જાશે. એની દીકરીએ ય દીવો નહિ રહે . ’

પછી તો પંડીતજી તીર્થયાત્રાનો વિચાર માંડી વાળીને ઘેર પાછા આવ્યા. જ્યારે મંગલમામાને ખબર પડી કે પંડીતજી તીર્થયાત્રાને બદલે ઠગનગરીની યાત્રા કરીને પાછા આવ્યા છે , ત્યારે એમણે ઠગોને પાઠ ભણાવવાનું અને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનો નિર્ધાર કર્યો.

બીજે દિવસે સવારના વહેલા ઊઠીને મામા એક મડદાલ ઘોડી પર તીર્થયાત્રાએ જવા માટે નીકળી પડયા. દિવસ આખો મુસાફરી કરતા કરતા સાંજ વેળાએ તેઓ ઠગનગરના પાદરમાં પહોંચ્યા.

ગામની ભાગોળ આવતાં ઘોડાનું ચોકઠું કાઢી લઇને પૂછડાવાળા ભાગ તરફ લગાડીને ઊંઘા મોઢે બેસી ગયા. આ કૌતુક જોઇને ગામના કૂવે પાણી ભરવા આવેલી સ્ત્રીઓ ખડખડાટ હસવા લાગી. પુરુષોએ આ મૂરખરાજને ધન્યવાદ દેતાં કહ્યું કે , ‘ કોઇ આંધળો જાતે જાળમાં ફસાવા આવ્યો છે. ’

પોતાના નિયમ અનુસાર ગામના કેટલાક સિદ્ધહસ્ત ઠગો આવીને અત્યંત આદરપૂર્વક મામા ફરતા ફરી વળ્યા અને પોતાના ઘરે લઇ ગયા. રાતના અચ્છી તરહથી મામાને જમાડયા. મોડે સુધી વાતોચીતો કરી , ચોપાટ રમીને સૌ સૂતા.

અડધીક રાત જયાં થઇ ત્યાં મામા ઊઠયા ને પોતાની પાસે રૂપિયા હતા એ ચતુરાઇપૂર્વક ઘોડાની લાદમાં સંતાડી દીધા. પડખે સૂતેલા ઠગોએ રાતના જાગીને હાથ ફેરો કર્યો પણ રૂપીયાને બદલે કાણિયો પૈસો ય હાથ આવ્યો નહિ. બાજુમાં બાંધેલી ઘોડી તરફ નજર કરી તો ઘોડી પણ મરવા વાંકે જીવતી હોય એવી મડદાલ હતી , એટલે એને લેવાની હિંમત ઠગોએ કરી નહિ.

સવાર પડી એટલે મામાએ એક સુંડલો મંગાવ્યો. છોકરાઓ સુંડલો લઈ આવ્યા. મામાએ ખોબે ખોબે તેમાં ઘોડીની લાદ ભરી. પછી તળાવે જઈને લાદને ધોઈ નાખી ત્યારે લાદના એકેક લીંડામાંથી એક એક રૂપિયો નીકળ્યો. આ જોઈને તો ઠગોના આશ્ચર્યનો પાર રહ્યો નહિ.

આ લાદના ચમત્કારની વાત વીજળી વેગથી ગામમાં ફેલાઈ ગઈ. પછી તો ઘરોઘર મામાનો અનેરો આદર – સત્કાર થવાં લાગ્યો. ઠગો મંગલમામાને ખુશ કરવા બધા જ પ્રયત્નો કરવા લાગ્યા.

બીજે દિવસે મામા એ સૌની રજા લીધી અને કહ્યું : ‘ ભાઈઓ ! તમે મારી સેવા – ચાકરી ખુબ કરી છે, તેનો હું બદલો વાળો શકું તેમ નથી . મારી પાસે બીજું તો કંઇ નથી પણ આ એક ઘોડી છે. હનુમાનદાદાની કૃપાથી મને આ દેવતાઈ ઘોડી મળી છે. રાતના આ ઘોડી લાદ કરે છે તેમાંથી થોડા રૂપિયાની આવક મળી જાય છે એટલે ગાડું ગબડયે જાય છે. ‘

આ સાંભળીને ઠગના હાથમાં ખંજવાળ આવવા લાગી કે આ ઘોડી કેવી રીતે આપણા હાથમાં આવે !

છેવટે ઘરડા ઠગોએ મળીને વિચાર કર્યો કે , આ દેવતાઈ ઘોડી આપણને મળી જાય તો ગંગા નાહ્યા. ગમે એમ કરીને આ ઘોડી તો આપણે પડાવી જ લેવી. રાત હોય તો ચોરી લેવાય , પણ દિવસના ઘોડી લેવી કેવી રીતે એ વિચારે સૌ મૂંઝાઈ પડયા.

ત્યારે એક અનુભવી ઠગે કહ્યું : ‘ એમાં શું મોટી વાત છે ! મામાને ભલું મનાવીને આ ઘોડી સસ્તી કિંમતે ખરીદી જ લઈએ તો જિંદગીભર બેઠા બેઠા બાદશાહીથી રોટલા તો ખવાય ! ’

સૌએ ભેગા થઈને અત્યંત નમ્રતાથી મામા આગળ પોતાની ઈચ્છા વ્યકત કરી , ત્યારે મામા ઉદાર ભાવે બોલ્યા : ‘ ગમે તેમ તોય તમે મારા ભાણિયાઓ કહેવાવ. તમારી ઇચ્છાને માન આપવાની મારી ફરજ ગણાય. તમારે ઘોડી જોઈતી હોય તો રાખો. હું વળી જપતપ કરીને બીજી મેળવી લઈશ, પણ અત્યારે તો હું જાત્રા જવા નીકળ્યો છું. તો મને એક સારી ઘોડી ને વાટખરચી માટે બે હજાર રૂપીયા આપો તો આ દેવતાઈ ઘોડી તમને આપતો જાઉં. તમે કયાં કો’ક છો ? ’

મામાની ઉદારતાથી પ્રભાવિત થયેલા ઠગોએ રૂપિયા રૂપિયાનો ફાળો કરીને બે હજાર ભેગા કર્યા. પછી આ રૂપિયા અને એક સારી ઘોડી મામાને ભેટ આપી. મામા આ ઘોડી પર સવાર થઈને સીધા ઘેર આવ્યા, અને પંડીતજીને ઘોડી અને રૂપીયા ગણી આપ્યા. વધ્યા તેટલા રૂપિયા પોતાના ખિસ્સામાં મૂકી પોતાના ઘેર ગયા.

બીજે દિવસે વહેલી સવારે ઠગનગરીમાં હલચલ મચી ગઈ. રૂપીયાનો ફાળો આપનાર સૌને એમ હતું હવે પોતાને રોજ રૂપીયા મળવા શરૂ થશે. ઘોડીની ચારે તરફ કડક ચોકીપહેરો હતો, જેથી કોઈ વ્યકિત ચાલાકીથી ઘોડીની લાદનું એક લીંડું પણ ઉપાડી ન જાય.

સવાર પડી. સૂરજદાદા આકાશમાં રમવા નીસર્યા ત્યારે ફાળો આપનાર સૌની હાજરીમાં ઘોડીની લાદ સુંડલામાં ભરીને ઘસી ઘસીને ધોવામાં આવી પણ રૂપિયા તો શું રાતી પાઈ પણ લાદમાંથી નીકળી નહિ. આ જોઈને બધા ઠગો કાપો તો લોહી ન નીકળે એવા થઈ ગયા. સૌનાં મોં એરંડિયા પીધા જેવાં થઇ ગયાં. ગાંઠનું ગોપીચંદન ગયું ને પોતે મૂર્ખ બન્યા એ નફામાં.

પછી તો ઠગનગરીમાં નાનામોટા સૌ ઠગો ભેગા થયા અને વિચાર કર્યો કે મામાની પાસેથી ગમે તે રીતે પૈસા તો વસૂલ કરવા જ. એમ વિચારીને બધા ઠગ ગુસ્સાથી રાતા પીળા થઈને મામાના ગામ તરફ ચાલી નીકળ્યા. એ વખતે મામા પોતાના ખેતરમાં સાંતી હાંકતા હતા અને દુહા લલકારતા હતા.

ઠગો આવીને એમની ફરતા ફરી વળ્યા. ત્યારે મામાએ અત્યંત શાંતિથી પૂછ્યું : ‘ પણ વાત શું છે ભાઈ ! કંઇક કહો તો ખબર પડે ને ! ‘
ઠગ બોલ્યા : ‘ તમે અમને ઠગી લીધા છે. ઘોડી તો લાદમાં રૂપિયા નથી હંગતી. ’

આ સાંભળીને મામા ખડખડાટ હસી પડયા ને બોલ્યા : ‘ મને ખબર જ હતી કે ઘોડી તમારે આંગણે લાદમાં રૂપીયા નહિ હંગે. સારું, હવે મને એ કહો કે તમે ઘોડીને દાણા ખવરાવ્યા હતા ? ’

‘ હા , હા , કેમ નહિ ! અમે તો ઘોડીને શેર દાણા ખવરાવ્યા હતા. અમારા ઘેર નહોતા તે છેવટ વાણિયાના હાટેથી નામે મંડાવીને લાવ્યા હતા. ’

ત્યારે મામા બોલ્યા : ‘ તમારી એ જ મોટી મૂર્ખામી છે ને ! દાણા ખાઈને ઘોડી ચાંદી હંગે ખરી ! ખેર ! જવા દો. તમે તમારા રૂપિયા ને ઘોડી લઈ જાવ અને મારી ઘોડી મને પાછી આપી દો. ’

એટલે ઠગોને મામાની ઈમાનદારી તરફ માન પેદા થયું. મામાની વાતથી ઠગ પ્રભાવિત થયા. એટલે મામા બોલ્યા : ‘ આજે તો હવે તમે મારા મહેમાન. મેં તમારી મહેમાનગતિ ખૂબ માણી છે એટલે તમે મારી ગરીબની ઝૂંપડી પાવન કરો. ’

એમ કહીને મામાએ એમના દીકરાને ઘેર દોડાવ્યા ને કહ્યુંઃ ‘ તારી બાને કહેજે ભાણાભાઈઓ આવ્યા છે. દૂધ – પાક – પૂરી કરી નાખે. થોડીવાર પછી અમે ઘેર આવીએ જ છીએ. ’
મામાની દિલાવરી જોઈને ઠગો તો અત્યંત પ્રભાવિત થયા. મામાની રખાંવટથી તેમનો ગુસ્સો સાવ ઓગળી ગયો. પછી સૌ મામાને ઘેર પહોંચ્યા. હાથ – પગ ધોઈને જમવા બેઠા. મામા થાળીઓ લેવા રસોડામાં ગયા. રસોડામાં જતાવેંત જ મામા તો રાતાપીળા થઈને જોર જોરથી રાડારાડ કરવા લાગ્યા અને ક્રોધના આવેશમાં એમની સ્ત્રીને ન કહેવાના વેણ કહેવા લાગ્યા.

મામાનો અવાજ સાંભળોને ઠગો અંદર ગયા. એ જોઈને મામા તો વધુ જોરથી બૂમો પાડવા લાગ્યા : ‘ આ કેવી બેવકૂફ સ્ત્રી છે ! ભાણિયાઓ કેટલા વખતે ઘેર આવ્યા છે. દૂધપાક – પૂરી ઉપરાંત બીજી એકાદ મીઠાઈ ન બનાવવી જોઈએ ? દૂધપાક સાથે એકલી પૂરી કેવી રીતે ખવાય ! કંઇક શીરો કે સુખડી તો બનાવવી જોઈએ ને ! આને કહી કહીને મારી જીભ ઘસાઈ ગઈ , પણ નફફટ મારું સાંભળતી જ નથી. ‘

એમ કહેતા મામાએ તો ઓશરીની ખીંટીએ ટિંગાતી તલવાર લઈને સોઈ ઝાટકીને મામીના ગળે વળગાડી. મામી તો રસોડામાં જ ઢળી પડયાં ને તરફડિયાં મારવા લાગ્યાં. ગળામાંથી લોહીની ધાર વહેવા લાગી. પરિસ્થિતિ પામી ગયેલા ઠગો એકબીજાના મોં સામે જોવા માંડયા. પછી મામાએ એમની પત્નીની હેરાનગતિની બધી ફરિયાદો એક સાથે કહી નાખી અને જણાવ્યું :

‘ ભાઈઓ ! તમે જરાયે ગભરાશો નહિ. આ સ્ત્રી એ જ માગતી હતી. માર વગર પાંસરી થાય એવી નથી. ’
ઠગ બીતા બીતા બોલ્યા : ‘ અરે મામા , ધોલ – ધપટ કરવી એ એક વાત છે, પણ તમે તો એને જાનથી મારી નાખી. ’

‘ મારું મારવાનું તો થૈ આવું જ હોય છે. કાળમાં ભરાઈ જાઉં છું ત્યારે મને કંઇ ભાન રહેતું નથી. તમે મારી વાત માનતા ન હો તો , લ્યો હું એને જીવતી કરું. મારા ઉપર તો શંકરદાદા પ્રસન્ન છે. એમણે મને ચમત્કારી ધોકો આપ્યો છે. ’ એમ કહીને મામા ઓરડામાં જઈને એક સરસ દંડિકો લાવ્યા અને મામીના ઢીંઢા પર બે વળગાડયા.

ત્યાં તો મામી આળસ મરડીને બેઠાં થયાં. આ ચમત્કાર જોઈને ઠગ તો આશ્ચર્યમુગ્ધ બની ગયા અને મામાને પગે પડયા અને હાથ જોડીને બોલ્યા : ‘ અરે મામા ! તમે આટલા બધા ચમત્કારી પુરુષ છો એની તો અમને ખબર જ નહિ. અમારી ભૂલ માફ કરો. અમારે હવે ઘોડીયે જોતી નથી ને રૂપિયાયે નથી જોતાં. પણ આ તમારો ચમત્કારિક ધોકો અમને નો આપો ? ’

‘ અરે ભાણાઓ ! આ લાલિયો ધોકો તો મારા ગુરુની પ્રસાદી છે. મારાથી કોઇને અપાય તો નહિ પણ હવે તમે ભાણાઓ ઊઠીને માગો છો એટલે ના ય કેમ કરીને પડાય ! પણ એનો અખતરો સૂઝ – સમજથી કરજો, નહિ તો યમરાજાના કાર્યમા વિઘ્ન ઊભું કરશો તો ખતરો મોટો આવશે. ’

‘ મામા ! તમે જરાયે ચિંતા ન કરશો. તમારા ભાણાઓ એટલા બધા મૂર્ખ નથી. ’ આ બધા ઠગો પોતાની સફળતા પર ગૌરવ લેતા લેતા ઘરે પાછા ફર્યા.

ઠગોને વિદાય આપીને ઘેર આવેલા મામા પોતાની પત્ની પાસે જઈને હસી પડયા ને બોલ્યા : ‘ આ લોકોમાં તો અક્કલનો છાંટો ય બળ્યો નથી. બકરાના પેટની હોજરી લોહીથી ભરી એને ગળે બાંધવાથી માણસને મારવાનો દેખાવ થઈ શકે છે. એની ય એમને ખબર નથી ને મારા બેટા દુનિયાને ઠગવા નીકળ્યા છે, પણ એમને હજુ મારા જેવા ભાયડા ભટકાણા નથી ત્યાં સુધી આવાં કરતૂત કર્યા કરશે. ’

પતિની સાથે ખડખડાટ હસતી પત્ની બોલી : ‘ તમારું આ કરતૂત કોણ જાણે કેટલીય ગરીબ સ્ત્રીઓનો બાપડીનો ભોગ લેશે ! ’ ઠગોએ ઘેર જઈને પોતપોતાની પત્નીઓને દૂધપાક પૂરી બનાવવાનો હુકમ કર્યો. થોડીવાર પછી તેમના પર ગુસ્સે થઈને ગાળોનો વરસાદ વરસાવ્યો. આડોશીપાડોશી એકઠા થઈ ગયા. ત્યારે રોફ છાંટતા ઠગોએ પોતાની તલવાર લઈને વારાફરતી પોતાની પત્નીઓને ફટકારી. ગળે તલવારનો ઘા પડતાં બધી સ્ત્રીઓના રામ રમી ગયા.

આ હત્યાકાંડથી આડોશીપાડોશીઓ ચોંકી ઊઠયા. ગામ આખામાં હાહાકાર મચી ગયો.

ગામ લોકોને આશ્ચર્યમુગ્ધ કરી દેવા એ ઠગોએ હાથમાં કરામતી ધોકો લઈને કહ્યું : ‘ કોઈ બીશો નહિ. આ ચમત્કારી ડંડાથી હું બધીયું ને જીવતી કરી દઈશ. ‘ પછી ડંડાથી મરેલી સ્ત્રીઓની મરમ્મત કરવા માંડી. ઝૂડતા ઝૂડતા ઠગ લોકો થાકી ગયા ત્યારે મૂર્ખાઓની મતિ ઠેકાણે આવી અને સૌ પોક મૂકી રડી પડયા : ‘ હાય હાય ! આપણે લૂંટાઇ ગયા. બૈરાં મારીને નકટા થઈ ગયા. આપણા ખોરડાં લૂંટાઇ ગયા. ’

આથી ઠગ લોકો સમસમી ઊઠયા. હવે તો મામાને જીવતા પકડીને નદીમાં પધરાવી દેવાનો નિર્ધાર કર્યો. થોડા ઠગ પાછા એક દિવસ મામાને ગામ ગયા. મામા રાતના ખાટલામાં સૂતા સૂતા નસકોરાં બોલાવતા હતા. ખાટલા સોતા ઉપાડીને ગામના પાદરમાં લાવ્યા. ત્યાં ભીખા રાવળના વાડામાંથી સારો ગધેડો લીધો ને મામાને ગધેડા પર બેસાડીને તેમના હાથપગ બાંધી દીધા અને પછી નદીએ જવા નીકળ્યા.

અંધારી રાત હતી. ચાલતા ચાલતા ઠગો થાકી ગયા. એક જગ્યાએ એક માણસ ગાયો – ભેંસો ચારતો હતો , ત્યાં ઠગ લોકો ચલમ પીવા બેઠા ત્યાં મામા જે ગધેડા પર બેઠા હતા તે ચરતું ચરતું આગળ નીકળી ગયું. ઉપર બેઠા બેઠા મામા ધીમા ધીમા સાદે રોતા હતા.

ત્યારે બીજા એક માણસે એમને રોતા જોઈને કારણ પૂછ્યું એટલે મામાએ કહ્યું : ‘ મારા કરમની કઠણાઈની શું વાત કરું , ભઈલા ! મારે પરણવું નથી. આ બધા મને પરાણે પરણાવવા લઈ જાય છે. ‘

આ સાંભળીને પેલા ભાઈની ડાઢ ડળકી. એ બોલ્યો : ‘ તું પરણવાથી આટલો બધી બીએ છે શું લેવા ! ગાંડા ભઇ, તારે ન પરણવું હોય તો તું ઊતર નીચે. મને તારી જગાએ બેસાડી દે. હું તો આજ લગી બૈરા વિનાનો વાંઢો મરી ગયો. o’

થોડીવારમાં તો આ બધું બની ગયું. મામા તો પેલા માણસનો કાંબળો ઓઢીને દૂર ઊભા રહી ગયા. અને તે માણસ મામાનાં લૂગડાં પહેરીને હાથ – પગ બંધાવીને ગધેડે બેસી ગયો. ઠગ તો ગધેડાને હાંકીને નદીકિનારે લઈ ગયા. ખળખળ નદી વહે છે. મોટી ભેખડ પર ગયા, ત્યાં મોં સૂઝણું થઈ ગયું. નદીકાંઠે જઈને ગધેડા સાથે ધક્કો માર્યો.

અહીં મામા પેલાની હાથણી જેવી કિંમતી ભેંસો લઈને ઘેર પહોંચ્યા અને ભેંસો બાંધીને ઓશરીમાં સૂઇ ગયા. ઠગોએ વિચાર્યું કે મામા તો હવે નદીમાં ગયા. હવે એમની માલ – મિલકત લૂંટીને આપણે વહેંચી લઈએ એમ વિચાર કરીને બપોર થતાં પહેલાં તો ઠગો મામાને ઘેર આવ્યા.

ઠગો તો મામાનું ઘર જોઈને અચંબામાં પડી ગયા. એમના આંગણે હાથી જેવી ૫૦ ભેંસો ઝૂલતી હતી. ઓશરીમાં સૂતા સૂતા મામા તો નસકોરાં બોલાવતા હતા. ઠગો તો મામાને જોઈને ડઘાઈ ગયા. એમણે મામાના પગનો અંગૂઠો ઝાલીને ઝપ લઈને જગાડયા. ઠગોને આવેલા જોઈને મામા બોલ્યા : ‘ હું તો તમને ચમત્કારની વાત કહેવા આવવાનો જ હતો ત્યાં તમે આવી ગયા તે સારું કર્યું ! ‘

‘ ભાણાઓ ! તમે મોટી ભૂલ કરી નાખી. જો મને નદીના જરાક વધારે ઊંડા પાણીમાં ફેંકી દીધો હોત તો કોણ જાણે એક એકથી ચડિયાતા હાથી , ઘોડા , ઊંટ , હીરા – મોતી મારા હાથમાં આવત. તમે છીછરા પાણીમાં નાખ્યો તો ય ૫૦-૬૦ ભેંસો ભાયડો લઈ આવ્યો. ‘

આ સાંભળીને ઠગો પાછા મામાથી પ્રભાવિત થઈ ગયા અને કહેવા લાગ્યા : ‘ મામા, તમને મળ્યું ઈ અમને નો મળે ! ’

‘ શું લેવા નો મળે ! હિંમત જોઈએ અને ગધેડા પર બંધાઇને ડૂબવું જોઈએ. ગધેડો તો બહુ ધન આપનાર પ્રાણી ગણાય છે. એના પ્રતાપે મારા આંગણે લીલા લહેર થઈ ગયા, તમે જુઓ છો ને ! ‘

‘ તો અમે ય ગધેડે બંધાઈને ડૂબીએ. ’ એ સાંભળી મામાએ રાવળના ઘેરથી રપ સારાં ગધેડાં મંગાવ્યાં. બધા ઠગોને ગધેડાં સાથે બાંધ્યા ને ગામમાં ફેરવીને નદીકાંઠે લઈ જઈ ઊભી ભેખડ ઉપરથી નાખ્યા નદીમાં. બધા ઠગ હાથી – ઘોડા – ઊંટ ને હીરા – મોતી લેવા ગયા તે ગયા, હજુ કોઇ પાછા ફર્યા નથી.

✍ ટાઈપીંગ અને સંકલન અમરકથાઓ – Amarkathao team – આ વાર્તાની કોઇપણ જગ્યાએ કોપી કરીને ઉપયોગ કરવો ગેરકાયદેસર છે. આપ ફક્ત share કરી શકો છો.

આ મજેદાર વાર્તાઓ વાંચવાનું પણ ભુલશો નહી 👇

👉 મામો ભાણેજ ચતુરાઈની વાર્તા

ચતુરાઇની વાર્તા - મામા-ભાણેજ
હાસ્યવાર્તા મામા ભાણેજ

👉 કાબરાનાં કાંધાવાળો – ચતુરાઈની વાર્તા

ચતુરાઇની વાર્તાઓ-કાબરાનાં કાંધાવાળો
ચતુરાઇની વાર્તાઓ-કાબરાનાં કાંધાવાળો

🍁 આવ ભાણા આવ – શાહબુદ્દીન રાઠોડ

🍁 શિક્ષકોનું બહારવટું – શાહબુદ્દીન રાઠોડ

🍁 શો મસ્ટ ગો ઓન – શાહબુદ્દીન રાઠોડ

🍁 નટા-જટાની જાત્રા – શાહબુદ્દીન રાઠોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *