9423 Views
સંત વેલનાથ બાપુનો ઇતિહાસ અને પરચાઓ, વેલનાથ બાપુનાં ગુરુ કોણ હતા ?, વેલનાથ બાપુનાં માતા પિતાનું નામ ?, અષાઢી બીજનો ઇતિહાસ, સંત વેલનાથનાં ભજન, Girnari sant velnath bapu no itihas, સોરઠી સંતો – ઝવેરચંદ મેઘાણી, સૌરાષ્ટ્રનાં સંતો, ગિરનારી સંતો, velnath jayanti 2022, velnath bapu na bhajan, વેલનાથ બાપુ ના ફોટા. વેલનાથ બાવા ના ભજન, વેલનાથ જયંતિ ક્યારે છે ?
સંત વેલનાથ બાપુ ની માહિતી
જન્મ : સંવત ૧૪૪૫ અષાઢ સુદ બીજનાં વેહલી સવારે
ગુરૂનું નામ : વાઘનાથજી
દાદાનું નામ : ભગત અમરાજી ઠાકોર
પિતાનું નામ : ભગત બોધાજી
માતાનું નામ : અમરબા
શાખ : મકવાણા
જ્ઞાતી : ચુંવાળીયા કોળી
જન્મ સ્થળ : પાદરીયા જુનાગઢ જીલ્લો.
પત્નીનું નામ : મીણામાં અને જશુમાં
સસરા : જુનાગઢ જીલ્લાના માંડવડ ગામના લાખાજી ઠાકોર
દર વર્ષે અષાઢી બીજ નાં રોજ વેલનાથબાપુની જયંતિ ઉજવવામાં આવે છે.
સંત વેલનાથ બાપુ નો ઇતિહાસ
સંત દાસી જીવણનો ઈતિહાસ, પરચા અને ભજનો
વેલનાથ બાપુની કથા અને પરચાઓ
” કાળી કોયલ કલકલે, ભેરવ કરે ભભકાર,
નિત નગારાં ગડહડે, ગરનારી વેલનાથ “
શેરગઢ નામે જૂનાગઢ તાબાનું મૂળગરાસીયું ગામડું છે. એ ગામમાં જસમત સેંજળીઓ નામે એક કણબી રહેતો હતો.
સહુ પટેલોમાં જસમત પટેલ દૂબળો ખેડુ છે. તાણી તૂંસીને પેટગુજારો કરે છે.
એક દિવસ જસમતની ખડકીએ એક દસ-બાર વરસનો બાળક આવીને ઉભો રહ્યો. બાળકે સવાલ નાખ્યો કે “આતા, મને સાથી રાખશો ?”
“કેવો છે ભાઈ ?”
“કોળી છું આતા ! માવતર મરી ગયાં છે. એાથ વિનાનો આથડું છું.”
કોળીના દીકરાની નમણી મુખમુદ્રા ઉપર જસમતનાં નેત્રો ઠરવા માંડ્યાં.
“તારૂં નામ શું ભાઈ ?”
“વેલીયો. ” વિચાર કરીને જસમતે ડોકું ધુણાવ્યું: “ વેલીયા ! બાપા, મારે ઘેરે તારો સમાવો થાય એવું નથી. મારા વાટકડીના શીરામણમાં બે ઉપર ત્રીજાનું પેટ નહિ ભરાય !”
જસમતના ઘરમાં ભલી ભોળી કણબણ હતી. એ પ્રભુપરાયણ સ્ત્રીને સંતાન નહોતું. વેલીયા ઉપર એને વ્હાલ વછૂટ્યું. ધણીને કહેવા લાગી કે “કણબી ! ભલેને રહ્યો છોકરો. એ પણ પોતાનાં ભાગ્ય ભેળાં બાંધીને જ આવતો હશે. અને રોટલો તો એના સાટુ રામ ઉતારશે. બાળુડો આપણી ટેલ કર્યા કરશે. વળી આપણે એને દેખીને છોરૂનાં દુઃખ વિસરશું.”
જસમત સમજતો કે કણબણ પોતાના કરતાં વધુ શાણી છે. કણબણને પોતે પોતાના ગરીબ ઘરની લખમી માનતો. એનું વેણ ન ઉથાપતો. તેથી વેલીયાને એણે રાખી લીધો. પૂછ્યું કે “એલા વેલીયા ! તારો મુસારો કેટલો માંડું, ભાઇ !”
“મુસારો તો તમને ઠીક પડે તે માંડજો આતા ! પણ મારે એક નીમ છે તે પાળવું જોશે.”
“શી બાબતનું નીમ ?”
“કે આ મારી માતાજી મને રોટલા ઘડી દેશે તો જ હું ખાઇશ. બીજા કોઇના હાથનું રાંધણું મારે ખપશે નહિ.”
સાંભળીને કણબણને એના પર બેવડું હેત ઉપજવા લાગ્યું. કરાર કબુલ થયા.
વળતે જ દિવસે જસમતના ઘરમાં રામરિદ્ધિ વર્તાવા લાગી. કોળીના દીકરાને પગલે કોઠીમાં સેં પુરાણી. ગામના દરબારે જસમતને ઢાંઢાની નવી જોડ્ય, સાંતી, અને એક સાંતીની નવી જમીન ખેડવા દીધાં. પટેલ અને એનો બાળુડો સાથી બીજે દિવસ જ્યારે બે સાંતી હાંકીને ખેતર ખેડવા નીકળ્યા ત્યારે ગામના કણબીઓ એ જોડલીને જોઇ રહ્યા.
આખો દિવસ કામ કરીને વેલો ઘેર આવે, તો પણ આતાના અને માડીના પગ ચાંપ્યા વગર સૂતો નથી. જસમતની તો ઉપાધિ માત્ર ચાલી ગઇ છે. એાછાબોલો અને ગરવો કોળીપૂત્ર જોત જોતામાં તો જસમતને પડખે જુવાન દીકરા જેવડો થઇ ગયો છે.
પટલાણી માને પણ વાંઝીઆ મેણાં ભાંગ્યાં. એને એક પછી એક સાત દીકરા અવતર્યા. જસમત અને પટલાણી આ જાડેરા કુટુંબ માટે વેલાનાં મંગળ પગલાંનો જ ગુણ ગાવા લાગ્યાં છે. પેટના સાત સાત દીકરા છતાં પણ વેલા ઉપરનું હેત ઓછું નથી થયું.
એક દિવસ સાંજે વેલો વાડીએથી આવ્યો. રોજની માફક આજે પણ આવીને એની આંખો માડીને જ ગોતવા લાગી. પણ ડોશીમા આજે ઘરમાં દેખાતાં નથી. વણ બોલ્યો પણ વેલો માડીને શોધી રહ્યો છે. વાળુ વેળા થઇ ગઇ છે. છોકરાઓએ કહ્યું “ વેલાભાઇ, હાલ્ય, રોટલા પીરસ્યા છે.”
“માડી ક્યાં ગયાં ?”
“માડી તો બહાર ગયાં છે. હાલો ખાઇ લઇએ.”
“ના, હું તો માડી આવીને ખવરાવશે તો જ ખાઇશ.”
વેલાએ જ્યારે હઠ લીધી ત્યારે પછી પટેલથી ન રહેવાયું: “માડી માડી કર મા ! ને છાનો માનો ખાઇ લે બાપ ! જો આ રહી તારી માડી !”
એમ કહી, કાંડું ઝાલી, વેલાને બીજા ઓરડામાં લઇ જઇ ડોશીનું મુડદું બતાવ્યું.
“જો આ ખાલી ખોળીયું પડ્યું છે. સવારે એને ફૂંકી દેશું. હવે એમાં તારી માડી ન મળે.”
“માડીને શું થયું ?”
“છાણના માઢવામાંથી સરપ ડસ્યો.”
“ના ના, મને જમાડ્યા વિના માડી જાય નહિ. મારૂં નીમ ભંગાવે નહિ.” એમ કહીને વેલો નીચે નમ્યો. માને ગળે બાઝીને કહ્યું : “મા ! મા ! ઉઠો. મને રોટલા કરી દ્યો ને ? હું ભૂખ્યો છું.”
બાળકની ઇચ્છાશકિતથી ડોશીને ઝેર ઉતરી ગયું. ઉઠીને ડોશીમા વેલાને બાઝી પડ્યાં.
=================================
એલા જસમત !”
“કાં ?”
“આ તારો સાથી તો તું ને દિવાળું કઢાવશે દિવાળું ! હવે એને કેટલોક પેંધાડવો છે ? ગમે તેમ તોય કોળો ખરો ને, કોળો ! એનાં તો હાડકાં જ હરામનાં થઇ ગયાં.”
“પણ છે શું ?”
“એ જરાક ખેતરે જઇને જો તો ખરો ! વિસવાસે તારાં બારે વા’ણ બૂડવાનાં છે. આંહીથી ધડસા જેવા રોટલા બાંધીને સાંઠીયું સૂડવા જાય છે, પણ ત્યાં તો ઓશીકે ટાઢી ભંભલી મેલીને ખીજડીને છાંયે દિ આખો ઉંઘી રહે છે. આ વૈશાખ ઉતરવા આવ્યા તો ય સાંઠીયું સૂડાઈ ન રહી !”
જસમતને તો વેલા ઉપર ઘણી ઘણી આસ્થા હતી. વેલો કદી દગડાઇ કરે નહિ. એના કામમાં પોણા સોળ આની ન જ હોય. છતાં આજ પંદર વરસે જસમતનો વિશ્વાસ ડગી ગયો. એ તો વૈશાખને ધોમ ધખતે બપોરે કોચવાઇને દોડ્યો સીમાડાને ખેતરે. એના અંતરમાં એમ જ થઇ ગયું કે વેલો ઉંઘતો હોય તો પાટુ મારીને જગાડું. અને મુસારાની કોરીઓ જમા છે તે ન આપું. એના વિચારો વણસી ગયા.
ખેતરને શેઢે જઇને જસમતે શું જોયું ? સાચોસાચ : ખીજડીને છાંયડે, પાણીભરી શીતળ ભંભલીને ઓશીકે માથું ટેરવી વેલો ભરનીંદરમાં સૂતો છે.
પણ ખેતર રેઢુ નથી પડ્યું. કોદાળી એકલી એકલી ખોદી રહી છે. એકલી કોદાળી : એની મેળે ઉછળી ઉછળીને સાંઠીઓ સૂડી રહી છે.
ખેતર ગાદલા જેવું બની ગયું છે.
આ શું કૌતુક ! કોદાળી પોતાની મેળે ખોદે છે !
દેખીને જસમત ભાભો સજ્જડ થઇ ગયો. આ વેલો કોળો નહિ : કોઇક જોગી પુરૂષ છે : મેં આજ એને માટે મનમાં બુરા વિચારો બાંધ્યા !
વેલો જાગી ગયો. આતાને એણે ઉભેલો જોયો. વેલો સમજી ગયો.
દોડીને જસમત વેલાના પગમાં પડવા ગયો, ત્યાં વેલાએ આતાના હાથ ઝાલી લીધા. જસમત બોલ્યો :
“મને માફી આપો, મેં તમારી પાસે મજૂરીનાં કામ કરાવ્યાં. તમને મેં ન એાળખ્યા.”
“આતા ! મને મજૂરી મીઠી લાગતી હતી. આંહી મારી તપસ્યા ચાલતી હતી. મને દીકરો થઇને રહેવા દીધો હોત તો ઠીક હતું. પણ આજ તમારી નજરે મારી એબ ઉઘાડી પડી. હવે મારે વસ્તીમાં રહેવું ઘટે નહિ. મારો મુસારો ચૂકાવી દો.”
જસમત બહુ કરગર્યો. પણ જોગી ન માન્યો. જતાં જતાં એટલું કહ્યું કે “આતા માગી લ્યો.”
“શું માગું ? તમારી દુવા માગું છું.”
“જાવ આતા, મારો કોલ છે. તમારા સેંજળીયા કુળનો કોઇ પણ જણ મારા મરતુક પછી ગિરનાર ઉપર મારી સાત વીરડીએ આવીને શિવરાતને દિ’ તંબુરામાં ભજન બોલશે, તો હું એ વીરડીયુંમાં પાણી રૂપે આવીને તમને મળીશ. વરસ કેવું થાશે તેનો વરતારો કહીશ !”
મુસારાની કોરીઓ ગામનાં નાનાં છોકરાંને વહેંચતો વહેંચતો બાળુડો જોગી શેરગઢથી નીકળીને ગિરનારમાં ઉતરી ગયો.
=================================
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
અઘોર નગારાં તારાં વાગે
ગરનારી વેલા ! અઘો૨ નગારાં તારાં વાગે !
ભવે રે સરમાં દાતણ રોપ્યાં રે
ચોય દશ વડલો બિરાજે-ગરનારી…
ગેામુખી ગંગા, ભીમકંડ ભરિયા
પરચે પાણીડા પોંચાડે-ગરનારી…
ચોસઠ જોગણી બાવન વીર રે
હોકાર્યાં મોઢા આગળ હાલે-ગરનારી…
વેલનાથ ચરણે બોલ્યા, રામૈયો ધણી
ગરનારી ગરવે બિરાજે-ગ૨નારી…
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
બાર વરસ સુધી એણે ગિરનારને પરકમ્મઓ દીધા કરી. કંદ મૂળ અને ફળ ફુલ આરોગ્યાં. પછી એ પણ ત્યજી દીધાં. ટુંકે ટુંકે અને ગુફાએ ગુફાએ ઉતારા કર્યા. બાર વરસની તપશ્ચર્યા પૂરી થયે ગિરનારની તળેટીમાં ભવેશ્વર આવી દાતણ કર્યું. દાતણની ચીર કરી એ જમીનમાં રોપી. એ રોપામાંથી વડલો ફાલ્યો. વડલાની લેલુબ ઘટા પથરાઇ ગઇ. આજ પણ એને વેલા-વડ નામે એાળખવામાં આવે છે.
તપસ્વી વેલાને કૈં કૈં સિદ્ધિઓ વરવા લાગી. કુદરતના નિયમો ઉપર એને કાબુ મળી ગયો. એને મુખમાંથી જ્ઞાન-વાણી વહેતી થઇ. પોતાના કોઈ ગિરનારી ગુરૂ યોગી વાઘનાથના નામ પર ભજનો આરંભ્યા.
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
બાજી કેમ આવે હાથ
બાજી કેમ આવે હાથ રે
લાગી રે લડાયું કાયા શે’રમાં જી રે !
સમજે વાતું સમજાય
વેદે વાતું વદાય રે !
મૂરખ નરને ક્યાં જઈ કે’વું રે જી – બાજી..
હે વીરા !
સાવી વસત હે તારા શે’રમાં રે જી;
દુનિયા અંધી મ થાવ !
દુનિયા ભૂલી મ જાવ રે !
કરો દીપક ને ઘર ઢુંઢીએ રે જી – બાજી..
હે વીરા !
તરકસ તીરડા ભાથે ભર્યા રે જી;
થોથાં કાયકું ઉડાડ !
થોથાં કાયકું ઉડાડ રે !
મરઘો ચરે છે તારા વનમાં રે જી – બાજી..
હે વીરા !
તખત તરવેણીના તીરમાં રે જી,
ધમણ્યું ધમે છે લુવાર
ધમણ્યું ધમે છે લુવાર !
નૂર ઝરે ધણીના, શૂરા પીવે જી – બાજી..
હે વીરા !
સાતમે સુન મારો શ્યામ વસે જી;
કસ્તૂરી છે ઘરમાં
કસ્તૂરી છે ઘરમાંય રે !
અકળ અવિનાશીનાં રાજ છે રે જી – બાજી..
હે વીરા !
વાઘનાથ ચરણે વેલો બોલીયા રે જી;
ગુરૂ દૃશ્યુંનો દાતાર
ગુરૂ મુગતીનો ઓધાર રે
અધરમ ઓધારણ ગુરૂને ધારવા રે જી.
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
=================================
“અરે ભાઈ, આ ગામમાં કોઈ રાતવાસો રાખે એવું ખોરડું દેખાડશે ?”
“ક્યાં રેવું ?”
“રહું છું તો આરબની ટીંબલીએ. જાતનો કુંભાર છું. સામે ગામ પળાંસવે વેલા બાપુ પાસે જાતો’તો, ત્યાં તો આંહી ડેરવાવને સીમાડે જ દિ આથમ્યો.”
“હં ! ભગત છો ને? સારૂં ભગત, હાલ્યા જાવ રામ ઢાંગડને ઘેર, ત્યાં તમને ઉતારાનું ઠેપે પડશે.”
ડેરવાવ ગામના ફાટી ગયેલા કુકર્મી ખાંટોએ ચોરે બેઠાં બેઠાં આ પુંજા નામના કુંભાર ભગતની મશ્કરી કરવા માટે ક્રૂરમાં ક્રૂર ખાંટ શિકારી રામ ઢાંગડનું ખોરડું બતાવ્યું. ભોળીઓ કુંભાર મુસાફર રામને ખોરડે જઈ ઉતર્યો. પણ ઉતરતાંની વાર જ એને સમજાઇ ગયું કે ખાંટોએ પોતાને ભેખડાવી માર્યો છે !
રામ ઢાંગડના ઘરમાં દેવી માતાની માનતા ચાલી રહી છે : વિકરાળ ડાકણ જેવી કાળીની દેવી–મૂર્તિ પાસે બકરાના ભક્ષ પથરાઈ ગયા છે. નિવેદમાં દારૂના સીસા પણ ધરેલા છે. રામડો કોળી દારૂના કેફમાં ચકચૂર બની અધરાતે પાપાચાર આદરે છે. માણસને ભરખી જાય તેવા અસૂર રૂપ દેખાતા ભૂવા ધૂણી રહ્યા છે. ડાકલાં વાગે છે.
એવામાં રામડાના રંગમાં ભંગ પડ્યો. એનો જુવાન દીકરો ફાટી પડ્યો.
એને જીવતો કરવા ક૫ટી ભૂવા ડાકલાં લૈને બેઠા. દેવીને રીઝવવા માટે બીજા કૈંક જીવ ચડાવી દીધા.
સવાર પડ્યું. નનામી બંધાવા લાગી. પૂંજો ભગત બેઠા બેઠા આ બધું જોઇ રહ્યા છે. જ્યારે રામ ઢાંગડનો મદ ઉતરી ગયો ત્યારે કુંભાર બોલ્યા “ભાઇ ! જીવ માર્યે જીવ ઉગરશે ? કે જીવ ઉગાર્યે ? આટલાં નિરાપરાધીને તમે કાપી નાખ્યાં ? ફક્ત એક દીકરાની આવરદાને સ્વારથે ?”
“ત્યારે શું કરૂં ભગત ? મારો જુવાનજોધ દીકરો જાય છે. માતા ડાકણી કાંઇ હોંકારો દેતી નથી.”
“તારો એક દીકરો જાય છે એમાં કેટલાં પશુડાંનાં છોરૂનાં તે પ્રાણ લીધા છે ભાઇ ?”
“હાય ! હાય ! ભાઇ, એનો હિસાબ જ નથી રહ્યો.”
“એ સહુના વિલાપ હવે સમજાય છે ?”
“સમજાય છે.”
“તો લે ઉપાડ આ કંઠી. આજથી બંદૂક મેલી દે.”
“કોની કંઠી ?”
“વેલા બાપુની.”
રામડે અહિંસાની કંઠી બાંધી. કોણ જાણે કેટલાં યે પશુ પંખીના આશીર્વાદ એકઠા થયા. એટલે દીકરાના ખેાળીયામાં પ્રાણ પાછા આવ્યા. પરબારે રામ પૂંજા ભગત ભેળો ખડખડ પહોંચ્યો. વેલા બાવાને ચરણે હાથ દીધા.
સાદી સીધી વાણીમાં વેલા બાવાએ એક જ વાત સમજાવી કે “ભાઈ ! હિંસા કરીશ મા ! પ્રભુ જેવો વસીલો મેલીને લોહીના રંગાડા પીનારી દેવીઓના આશરા હવે ગોતીશ મા.”
=================================
આજ પાણીની હેલ્ય ભરીને આવતાં જ રામની વહુએ વાત કરી કે “પાદરમાં જ નદીને સામે કાંઠે એક રોઝડું ચરે છે. પણ અરધું ગામ ધરાય અને પંદર રૂપીઆ ચામડાના ઉપજે એવું જબ્બર ડીલ છે, કોળી ! ઝટ બંદૂક લઈને પોગી જા !”
“ના ના ! મારાથી હવે બંદૂક ન લેવાય. હું ગરૂજી બાપુને બોલે બંધાણો છું.”
“અરે પીટ્યા ! ખાંટ છે ? કે વાણીયો બામણ છો ? આંહી કયાં તારા ગુરૂ જોવા આવતાતા ?”
રામ ન માન્યા. ગામ આખું એને ઘેર હલક્યું: “એ રામડા ! એક વાર બંદૂક ઉપાડ. ફરી નહિ કહીએ. અને તારા ગુરૂને કોઇ વાત નહિ પોગાડે. અને તું રોઝડું તો જો ! નજરમાં સમાતું નથી.”
રામના અંતર ઉપર હજી પૂણ્યનો પાકો રંગ નહોતો ચડ્યો પાપમાં મન લપટી પડ્યું. બંદૂક ઉપાડી. પાદર જઇને જુવે ત્યાં તો સામે જ મોટી કોઈ દેસાણ ગાય જેવડું રોઝડું ચરે છે. નિરખીને રામના મ્હોંમાં પાણી આવ્યું.
રામડો તો મોતીમાર હતો. એનું નિશાન કોઈ દિવસ ખાલી નહોતું ગયું. એવા ઉડતાં પંખીડાં પાડનારને આ રોઝ બાપડું શી વિસાતમાં હતું ! એક ગોળી છૂટીઃ રોઝને ચેાંટી. પણ એ તો જરાક ઠેકીને વળી ચરવા માંડ્યું.
બીજી ગોળી છૂટીઃ ચોંટીઃ પણ રોઝ નથી પડતું, ઠેકીને પાછું ચરે છે.
ત્રીજી : ચેાથી : પાંચમી : એમ નવ ચોંટાડી. રોઝ ન પડ્યું. દિવસ આથમી ગયો. અંધારૂં થઇ ગયું. ઘવાયેલ રોઝને કાલે સવારમાં જ ખેાળી કાઢશું, એમ ધારી સહુ ઘેર ગયા. રામ ડેલીએ જાય ત્યાં ખેપીયો આવીને વાટ જોતો બેઠો છે.
“રામભાઇ ! ગરૂજી બાપુ તેડાવે છે.”
“કાં ? કેમ ઓચીંતા ?”
“પંડે પથારીવશ છે. કહ્યું છે કે પાણી પીવા યે રામ ન રોકાય.”
બંદૂક હાથમાં જ રહી ગઇ. ઘેર મોકલી દેવાનું ઓસાણ ન ચડ્યું. દોટ દેતો રામ ગુરૂજીની પીડાથી ચિંતાતૂર બની પળાંસવે. આવ્યો. પૂછવા મંડ્યો:
“કેમ બાપુ ! એાચીંતા પડદે પડવું થયું ?”
“રામ ! અજાણ્યા બનીને પૂછછ ભાઇ ? નીમ તોડીને નિરપરાધી કાયા ઉપર નવ નવ ગાળીયું ચોડી ભાઇ ? અરેરે તને દયા ન આવી ? આમ તો જો ! આ મારા અંગે અંગે ફાંકાં !”
રામે બાવાજીનું શરીર વીંધાયલું દીઠું. નવ ઠેકાણેથી રૂધિર ચાલ્યાં જાય છે.
“અને ભાઇ, લે આ તારી નવે નવ ગોળીઓ.”
ગુરૂએ રામની જ બંદૂકની નવે ગોળીઓ ગણીને હાથમાં દીધી.
“બાપુ ! તમે હતા ?” ચોંકીને રામે પૂછ્યું.
“બાપ ! હું નહિ, પણ મારા, તારા અને તમામના ઘટઘટમાં જે રમી રહ્યો છે એ ઠાકર હતા. અરેરે રામ ! વિચારી તો જો ! તેં કેને વીંધી નાખ્યો ? ચામડામાં તારૂં મન લોભાણું ?
સન્મુખ છીપર પડી હતી. બંદૂકને તે પર પછાડી રામડે કટકા કર્યા. વેલાના પગ ઝાલીને બેસી ગયો. નેત્રમાંથી નીરની ધારા મંડાઈ ગઈ. ગળું રૂંધાઈ ગયું. શું બોલે ? શબ્દ નીકળે તેમ નહોતું રહ્યું.
“રામ ! હવે ઘેરે જા !”
“ઘર તો મારે આ ધરતી માથે નથી રહ્યું બાપુ !”
“અરે જાછ કે નહિ કોળા ? વયો જા, નીકર ચામડું ફાડી નાખીશ.” ગુરૂએ આંખો રાતી કરી.
“નહિ જાઉં, નહિ જ જઉં. ”
“નહિ જા એમ ? એલા શકરગર ! તલવારથી એના કટકા કરીને ભોંમાં ભંડારી દે એ પાપીઆને. તે વિના એ આંહીંથી નહિ ખસે.”
રામડે ગરદન નમાવી.
“ઠીક, શંકરગર ! હમણાં ખમ, એને આપણાં ગોળાનાં પાણી ભરી લેવા દે, પછી એના રાઈ રાઈ જેવડા ટુકડા કરીને આંહી જ દાટી દઈએ.”
ગુરૂએ પાણી ભરવાને બહાને રામડાને રફૂચકર થઈ જવાનો સમય દીધો. એણે માન્યું કે મોતના ડર થકી રામ નાસી છૂટશે. પણ રૂંવે રૂંવે રંગાઈ ગયેલા રામને હવે મોતની બ્હીક ક્યાં રહી હતી ! ઠંડે કલેજે પાણી સીંચીને એણે ગોળા ભર્યા. ભરીને ગુરૂની સન્મુખ આવી મોતની વાટ જોતો બેઠો.
છેલ્લી વાર ગુરુએ ત્રાડ પાડી “ જાછ કે નહિ ?”
“ના બાપુ ! ” ગુરૂએ છુરી ખેંચીને છલાંગ દીધી. રામને પછાડી, એની છાતી પર ચડી બેઠા. છુરી છાતીમાં જવાની વાર નથી. તો યે રામડો ન થડક્યો. એને તો જાણે અંતરમાં અજવાળું થયું. એના કંઠમાંથી આપોઆપ વાણી ફુટી. ગુરૂના ગોઠણ નીચે ચંપાઈને પડ્યાં પડ્યાં, મોતની છુરી મીઠી લાગતી હોય તેવા તોરમાં એણે આપજોડીયું ભજન ઉપાડ્યું :
🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅
જેમ રે ઉંડળમાં વેલે રામને લીધો
પ્રેમના પિયાલા વેલે પાઇ પીધા !
મેરૂ રે શિખરથી પધાર્યા મારો નાથજી
મૃગ સ્વરૂપે આવી ઉભા રે;
રામને ચળવા રૂખડિયો આવ્યા,
પૂરણ ઘા પંડે લીધા–જેમ
ગૌહત્યા રે ત્યારે ગુરૂ અમને બેઠી,
પૂરવ જલમનાં કરમ લાગ્યાં;
ભવસાગરમાં વેલે ભૂલો રે પાડ્યો,
સમશ્યાની ભેદે વેલે શરણુંમાં લીધા – જેમ
મહા દરિયામાં [૩]બેડી ડોલવા લાગી,
રૂદિયે ના જોયું મેં જાગી રે;
ભરમ વન્યાના ભાઈ ભરમાજી ભૂલ્યા;
એકલશીંગી ગુરૂએ વનમાં લૂંટ્યા -જેમ
કરણીનાં રે મારે કમાડ દેવાણાં,
આંખે અંધારી ગુરૂએ અમને દીધી રે;
વેલનાથ ચરણે બોલ્યા રામૈયો,
ખાવંદે ખબર મારી વેલી લીધી રે – જેમ
🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅
આંખેામાં શરણાગતીની મીઠાશ છલકી. છતાં ગુરૂ હજુ ઉતરતા નથી. ગુરૂ તો આ કુકર્મનાં મુખની વાણીમાં ન્હાય છે. એના અચંબાનો તો પાર જ નથી: ત્યાં રામડે ગુરૂના પગ નીચે પડ્યાં પડ્યાં બીજું ભજન ઉપાડ્યું:
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
મેં તેરા બંદીવાન
ગરનારી વેલા ! મેં તેરા બંદીવાન.
જ્ઞાની ભૂલ્યા, ધ્યાની ભૂલ્યા,
કાજી ભૂલ્યા કુરાન – ગરનારી…
અમર તંબૂડા ભીંજાવા લાગ્યા,
તંબૂડા જમી અસમાન – ગરનારી…
સતીએ સત ધરમ છોડ્યાં,
સૂરે છોડ્યાં હથીઆર – ગરનારી…
વેલાને ચરણે બોલ્યા રામૈયો,
ઘરે આયા મારો દીવાન – ગરનારી…
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
તો યે ગુરૂ ઉતરતા નથી. રામડાની છાતી ઉપર તો જાણે કમળનું ફુલ પડ્યું છે ! નિરક્ષર રામડાની રસના પર સરસ્વતીએ જાણે કે વીણા લઈને ગાવા માંડ્યું. કેવો પરમાનંદ એને અંતરે પ્રગટી નીકળ્યો ! જાણે ગિરનારનાં તરૂવરો એને રૂંવાડે રૂંવાડે રોપાયાં. જાણે મસ્તક પર ગિરનારનાં શિખરો ખડાં થયાં. લલાટમાં તિલક ખેંચાઈ ગયાં, અંગમાં ગંગા યમૂના રેલાઈ અને નેત્રોમાં ચાંદો સુરજ ઝળેળ્યા :
🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳
ગરવાનાં ત્રીવર મારે રોમે રોમે રોપાણાં
શખરૂં રોપાવેલ મારે શિષે જી.
તનડાનાં તલ્લક મારે લેલાડે લખીયાં રે
છાપ ગરનારી કેરી દિસે જી.
કાશી ને પ્રાચી કેડે દામોદર નાઇં રે
નેણલે નરખું રે ગરવો વેલો જી.
નવસો નવાણું નદીયું અંગડે ઉલટીયું રે
ગંગા જમના સરસતી જી.
નવલખ તારા મારી દેઇમાં દરસાણા રે
ચાંદો સૂરજ નેણે નીરખ્યાં જી.
કાયા છે ક્યારો ને પવન પાણોતીયો ને
ગરનારી સીંચણહારા જી.
સતગુરૂ સીંચણહારા જી.
🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳
સાંભળી સાંભળીને ગુરૂનું અંતર ઓગળવા લાગ્યું. પાપીની પરીક્ષા પૂરી થઇ ગઇ. છાતી પરથી વેલો નીચે ઉતર્યો. રામને ઉઠાડ્યો. રામને અંગે લાગેલી રજ ખંખેરવા લાગ્યા.
“રામ ! બેટા આટલી વારમાં ?”
“ગુરૂને પ્રતાપે. ”
“તારી શી મરજી છે ?”
“ બીજી શી ? તમે મળ્યા પછી બીજી શી મરજી બાકી રહી ? હવે તે નજરથી અળગા ન થાજો ! હે બાળુડા ! સદાય સન્મુખ રેજો ! સન્મુખ જ રાખજો !
કાયાના ઘડનારા મારી એ નાજરૂમાં રો’ ને !
દેઇના માલમી મારી મીટ્યું માં રો’ ને !
નજરૂમાં રો રે પંથના નાયક જી !
આ રે મારગડે આવતાં ને જાતાં
લખ ચોરાસીના ઓડા જી;
બાળુડો મળે તો દેઇનાં દાણ રે ચૂકવીએ
જીવને છોડાવે જમ લઈ જાતાં જી!
બાંધી અંધારી જીવને એણી પેરે લોઢે,
સતગુરૂ વન્યા એ કોણ છોડે જી !
બાળુડા વન્યા એ કોણ છોડે જી !
ધુમના ધણી તારી બેડલી સવાઈ
પાંચ ઋષિની બેડી બૂડી જી.
નરભેનાં નાંગળ નાખો હે ગરનારી વેલા !
સતની બેડીનાં સત પૂરો જી.
બાળ કારણીએ બિલ્લીહોળીમાં હોમાણા
અગનીમાંથી લઈ ઉગાર્યા જી.
હરચંદ કારણીએ નીર જ ભરિયાં
એક નરે રે ત્રણ એાધાર્યાં જી.
પાંડવું કારણીએ લીધા દશ અવતાર
પીયાડે પડતા ઓધાર્યાં જી.
વેલનાથ ચરણે બોલ્યા રે રામૈયો
સતના માર્ગ સામાં ડગલાં જી.
તે દિવસથી રામડો મસ્તીમાં આવી ગયો. ભક્તિના અજર પ્યાલા એણે પચાવી લીધા. નિરંતર એના મ્હોંમાંથી મસ્તીનાં પદ રેલવા લાગ્યાં
👉 વધુ ભાગ – 2 માં… click photo 👇
નીચે આપેલ પોસ્ટ વાંચવાનું ભુલશો નહી.
Pingback: મહાશિવરાત્રી (MahaShivaratri) ઇતિહાસ અને રહસ્ય - AMARKATHAO