10533 Views
સિંહાસન બત્રીસી, બત્રીસ પૂતળીની વાર્તા ભાગ 1, વિક્રમ વૈતાળની વાર્તાઓ, Sinhasan battisi, vikram or betal, 32 putli ni varta, સિંહાસન બત્રીસી – રાજા ભોજને સિંહાસનની પ્રાપ્તિ કેવી રીતે થઇ તે જાણો ભાગ 1 માં, રાજા ભોજની વાર્તા, રાજા ભોજનો ઇતિહાસ. – આગળના ભાગની લિંક નીચે આપેલી છે.
સિંહાસન બત્રીસી ભાગ ભાગ 1
વીર વિક્રમ સિંહાસન બત્રીસી રાજા ભોજ
**************
ધારા નગરીને માથે પરદુ:ખભંજન રાજા ભોજનાં રાજ ચાલે છે. ભેરવોનાં માથાં ભાંગે એવો ચોગરદમ ફરતો ગઢ છે. ચાર દિશાએ ચાર દરવાજા : ચોરાશી બજાર : ચોપન ચૌટાં : લખપતિઓની હવેલીઓનાં ઈંડાં આભમાં અડે છે. ચારે પહોર ચોઘડિયાં વાગે છે. સાંજરે મશાલો થાય છે. અને ઉજેણીમાં તો કોઈ દુ:ખિયું ન જડે.
એક સમે રાજા ભોજે આજ્ઞા કરી કે “બધસાગરા, આપણે અલક મલક તો જોયો, પણ હવે મારે ઓતરાખંડ જોવો છે.” અમરકથાઓ
“ખમા ઉજેણીના ધણીને જેવી મહારાજની મરજી!” એટલું બોલીને બધસાગરે બે પાણીપંથા ઘોડાને માથે પીતળિયાં પલાણ માંડ્યાં. હથિયાર પડિયાર બાંધીને રાજા-પ્રધાન હાલી નીકળ્યા. હાલતાં હાલતાં ઉજેણીના સીમાડા વળોટવા જાય છે ત્યાં આઘેથી એક કઠિયારે સાદ દીધો કે “એ ભાઈ, મારે માથે ભારો ચડાવશો?”
“બધસાગરા! કોઈક દુખિયારો ડોસો : માથે ભારો ચડી શકતો નથી. હાલો એને મદદ કરીએ.”
એમ બોલી રાજા પાસે ગયા. જુએ ત્યાં છાંટો ય લોહી ગોત્યું ન જડે એવો બ્રાહ્મણ : અસલ હાડપિંજર જોઈ લ્યો! મોઢે માખીઓ બણબણે છે. નાકે લીંટ જાય છે. ખભે વરતડીના કટકા જેવી જનોઈ ધબેડી છે. એવા બ્રાહ્મણને જોઈને રાજા બોલ્યા :
“અરે હે ગોર દેવતા! આવી દશા?”
“ખમા બાણું લાખ માળવાના ધણી! છું તો બ્રાહ્મણ, પણ આ તારી ઉજેણીમાં અમરકથાઓ
નવાનગરને નમો! નમો!
શેરીએ શેરીએ ભમો ભમો!
કોઈ કે’નૈ કે જમો જમો!
– એવા હાલ છે. ઘરની ગોરાણી ગાળ્યું દઈને ભળકડે તાંબડી પકડાવી લોટે ધકેલતી. દીવા ટાણે પાછો વળતો. પણ ઘરે કળશી એક છોકરાં કિયાંવિયાં કરતાં મને પીંખી નાખતાં : બે રોટલાનોયે લોટ નહોતો થતો.”
”અરે ધિક્કાર! ધિક્કાર! ધિક્કાર! બ્રાહ્મણનો દીકરો : ખભે જનોઈ પડી છે, તોયે લાકડાં વાઢવાં પડે! બિચારો વેદ-ભાગવત ક્યારે વાંચે? સંધ્યા-પૂજા ક્યારે કરે? લ્યો મહારાજ! સવા લાખ રૂપિયાની આ ચિઠ્ઠી. અમારે ખજાનેથી લઈ આવજો; કહો સ્વસ્તિ.”
“સ્વસમ્! હે રાજા, સ્વસમ્!”
“મહારાજ, અરધી સ્વસ્તિ કાં કહી?”
“હે રાજા, સવા લાખ રૂપિયા તો કોઈક અડબોત મારીને આચંકી જાશે. તે ટાણે તમને ક્યાં ગોતવા આવું? જમીનનો એક કટકો આપો તો મજૂરી કરીને ગદર્યે જાશું.”
ત્યાં એક વાડી હતી. ત્રાંબાનું પતરું મંગાવી ત્યાં ને ત્યાં પેઢી દર પેઢીના દસ્તાવેજ લખી આપ્યા. ન પાળે તેને માથે ચાર હત્યા લખી. બ્રાહ્મણનાં દળદર દરિયાને સામે કાંઠે નાખી દીધાં. કડડડ! ધૂબ! ભારો ભોંય પર નાખીને ‘સ્વસ્તિ! હે રાજા, સાત સાત સ્વસ્તિ!” કહેતો બ્રાહ્મણ ચાલ્યો ગયો.
ડણણણ….ણ કરતાં ઘોડાં હાંકતા રાજા અને બધસાગરો હાલી નીકળ્યા. મુલક પછી મુલક જોવા મંડ્યા.
જ્યાં હાથીને ગળી જાય એવાં મોટાં ગરજાં થાય છે :
જ્યાં સૂરજ સામી હાંડલી ધરતાં જ ફસ ફસ કરતાં ધાન ચડી જાય છે :
જ્યાં માનવીની કાયા ઉપર રીંછડાંના જેવા વાળ ઊગે છે :
જ્યાં નર અને નારી બેયનાં શરીર જોડેલાં જ અવતરે છે :
જ્યાં ઢોલને ઢમકે પાણી નીકળે છે :
એવી એવી ભાતભાતની ભોમકામાં દેશાટન કરીને બરાબર વરસ દિવસે રાજા ને પ્રધાન પાછા ઘર દીમના વહેતા થયા.
ચોમાસું ઊતરીને આસો મહિનો બેઠો છે. કેડાને કાંઠે એક ખેતર ઊભું છે. માંહી અસવાર સોતાં ઘોડાં પણ ગેબ થઈ જાય એવા લીલુડા મોલ ઝોલે ચડ્યા છે, અને ઊભા ડૂંડાં ફાકી જાય એવો બાજરો લચકી પડ્યો છે. ખેતરની વચાળે મેડો છે અને મેડા ઉપર એક આદમી ઊભો ઊભો હાથમાં ગોફણ લઈને ‘હો! હો!’ કરતો વૈયાં ઉડાડે છે. એ જોઈને રાજાએ પૂછ્યું: “અરે હે બધસાગરા, આવું ખેતર કોનું? પોર તો આંહીં બોરડીનાં ઝાળાં ઊભાં’તાં ને!”
“મહારાજ! આ ખેતર તો ઓલ્યા બામણને કૃષ્ણાર્પણ કર્યું હતું તે.”
ત્યાં તો ‘ઊભા રહેજો! એ મહારાજ! ઊભા રહેજો! જાય એને બ્રહ્મહત્યા! ગૌહત્યા! ચાર હત્યા!’ એવા સાદ પાડીને મેડે ઊભેલો માટી બોલાવવા મંડ્યો. જઈને જુએ ત્યાં તો વરતડીના કટકા જેવી જનોઈ ધબેડી છે, ધડાકામાન તુંબડું કાખમાં રહી ગયું છે, હાથમાં જતરડો છે, અને હો! હો! કરીને વૈયાં હોકારતો બામણ ઊભો છે. દોડીને બામણ બોલ્યો કે “હે મહારાજ,પાંચ ડૂંડાં પોંકનાં લેતા જાવ.”
રાજા કહે: “ગોર! અમારે તો દીધાં દાન રુધિર જેવાં.”
“તો હું કપાળી કરું. માથું ફોડું.”
બધસાગરો કહે: “મહારાજ, આપણે સપાઈ સપરાને આપી દેશું. પણ બામણનું વેણ રાખો.”
મેડેથી ઊતરીને બામણ ખેતરમાં જાય છે. એક હાથમાં દાતરડું રાખીને બીજે હાથે એક ડૂંડું ઝાલી માથું હલાવે છે. મનમાં વિચાર કરે છે કે ‘ઓહોહોહો! આ ડૂંડું તો સારા ખેતરનું સરદાર! આના ઉપર દાતરડું શે હાલે!’
બીજું ડૂંડું હાથમાં લીધું. માથું હલાવી મનમાં બોલ્યો: ‘ઓહોહોહો! આ તો ઓલ્યા ડૂંડાનું જ ભાઈ! વાઢતાં જીવ શે હાલે!’
રાજા પાસે આવીને બામણે માથું ખંજવાળતાં ખંજવાળતાં કહ્યું : “મહારાજ! આણીકોર લોંઠિયાં લાણી ગ્યાં, ઢોર ખાઇ ગ્યાં, બગલાં ચણી ગ્યાં! તમને અલાય એવું એકેય એવું એકેય ડૂંડું હાથ આવતું નથી.”
મોઢું મલકાવીને રાજા પ્રધાન ચાલતા થયા. વળી પાછો બામણ મેડે ચડ્યો. અને મેડે ચડતાં વાર જ એણે હાકલા માંડ્યા કે ‘પાછા વળો મહારાજ! પાછા વળો, ચાર હત્યા છે તમને. પોંક લેતા જાઓ.’
વળી પાછા રાજા બામણની પાસે આવ્યા એટલે બામણ કહે: “મહારાજ ઊભા રો.’ આથમણી દશ્યે ડૂંડાં ઊભા છે એમાંથી વાઢી દઉં.”
એમ કહીને બામણે દાતરડું ઝાલ્યું. આથમણી બાજુએ ડૂંડાં વાઢવા ઊતર્યો. એક પછી એક ડૂંડું હલાવીને નિસાસો નાખ્યો કે,’ઓહોહો! આ તો સારા ખેતરનું સરદાર ડૂંડું! આ વળી એનું જ ભાઈ! શે વઢાય?’
આવીને વળી પાછો ગરીબડો થઈ બોલવા મંડ્યો: “મહારાજ! ઈ પડખેય લોંઠિયાં લણી ગ્યાં, ઢોર ચરી ગ્યાં, તમને અલાય એવું એકેય ડૂંડું જ ન મળે, બાપજી!”
મોં મલકાવીને રાજા ભોજ હાલી નીકળ્યા, ત્યાં તો મેડે ચડીને બામણ બૂમ પાડે છે કે “પાછા વળો, લેતા જાઓ, ચાર હત્યાનાં પાપ!”
રાજા પૂછે કે “અરે બધસાગરા! આ તે શી સમસ્યા! બામણ મેડે ચડે છે ત્યાં સમદરપેટો બની જાય છે અને હેઠે ઊતરે છે ત્યાં જીવ ઊંડો વહ્યો જાય છે : એ વાતનો કાંઈ મરમ જાણ્યો?”
“મહારાજ! એ તો જગ્યા-બદલો!” હસીને બધસાગરે જવાબ વાળ્યો.
” એટલે શું?”
હે રાજાજી, એ તો જગ્યા જગ્યાના પ્રભાવ સમજવા. જે ઠેકાણે બામણનો મેડો ઊભો છે, તે ઠેકાણે ધરતીમાં નક્કી માયા દાટેલી પડી હશે. અને કાં કોઈ મહાદાનેશ્વરી રાજાનું થાનક હશે, એટલે મેડે ચડતાં જ બામણનું મન મોટા રાજેશ્વર જેવું બની જાય છે, પણ નીચે ઊતરે છે ત્યાં પાછુ બામણનુ મન ફરી જાય છે.”
“અને તમારું ભાખ્યું ખોટું પડે તો?”
“તો તમારી તરવાર ને મારું ડોકું.”
બામણના મેડા તળેની ધરતી રાજા ભોજે ખોદાવી. ખોદે, ત્યાં તો ઠણીંગ કરતો કોદાળીનો ઘા રણકારો કરી ઊઠ્યો. બીજે ઘાએ ત્રીકમનું પાનું કોઈક કડામાં પરોવાઈ ગયું હોય એમ લાગ્યું. ચોગરદમથી ખોદે ત્યાં તો એક-બે-ત્રણ-ચાર એમ સાત ચરુ માયાના નીકળ્યા. અને તેની નીચે ખોદે ત્યાં તો જ……બરું.. એક સિંહાસન!
સાતેય ચરુની માયા રાજા ભોજે ગરીબગુરબાંને વહેંચી દીધી, ઢોરને રોટલા નીર્યા, અને સિંહાસનને સાફસૂફ કરાવી પોતાના દરબારમાં મેલાવ્યું ત્યાં તો ઝળળળ તેજનાં પ્રતિબિંબ પડી ગયાં. ચારે ભીંતો ઉપર હીરા- માણેક-મોતીના રંગ ચીતરાઈ ગયા. સિંહાસન ફરતી બત્રીસ પૂતળીઓ ઝગમગી ઊઠી.
“આવા દેવતાઈ સિંહાસન ઉપર તો અમે જ બેસશું.” એમ કહીને જે ઘડીએ રાજા ભોજે સિંહાસનના પે’લા પગથીયા ઉપર પોતાનો પગ મેલ્યો તે જ ઘડીએ ‘મા! હે રાજા ભોજ! મા!’ એવા ગેબી અવાજો સંભળાણા અને ઝણણણ એવા ઝણકારા કરતી બત્રીસેય પૂતળીઓએ પોતાના રૂમઝૂમતા હાથ ઊંચા કર્યાં. અમરકથાઓ
‘અરે! આ સિંહાસનને અમે ખોદીને બહાર કાઢ્યાં. સાફસૂફ કર્યાં, શણગાર્યા, અને આજ માંહીથી આ માકારા કોણ કરે છે.’ અમરકથાઓ
ઝણણણ કરતી બત્રીસેય પૂતળીઓ નાચવા મંડી. બત્રીસેયના હોઠ ખડ! ખડ! ખડ! હસી પડ્યા.
“હે પૂતળીઓ, તમે કોણ છો? કેમ હસો છો? આ બધો શો ભેદ છે? બોલો,” ઝબકીને રાજા ભોજ સિંહાસન સામો થંભી ગયો, એટલે એ વખતે –
પહેલી પૂતળી બે હાથ જોડીને ઊભી રહી. એને વાચા આવી. માનવીની વાણી કાઢીને એણે જવાબ દીધો: “હે રાજા ભોજ! અમે બત્રીસેય જણી તારા વડવા રાજા વીર વિક્રમની રાણીઓ હતી. આ સિંહાસન અમારા સ્વામીનાથનું છે. માટે હે બાપ! જો વિક્રમનાં જેવાં કામ કર્યાં હોય તો જ બેસજે; નીકર તું તપીશ નહિ.”
“હે માતા! વિક્રમ રાજાનાં કામાં કેવાં હતાં! હું તો જાણતો નથી.”
“સાંભળ બાપ! વિક્રમે તો વિધાતાના લેખમાંયે મેખ મારી હતી.” એમ કહીને પહેલી પૂતળીએ વાર્તા માંડી.
👉 પ્રથમ પૂતળીની વાર્તા ક્લીક 👈- બીજા ભાગમાં follow કરવાનું ભુલશો નહી.
🍁 સિંદબાદની સાત સફર – (સફર -૧ થી ૭)
🍁 ખાપરો અને કોડીયો કોણ હતા ? જાણો અજબ ગજબ
Pdf
Pingback: "સિંહાસન બત્રીસી" ચોથી અને પાંચમી પૂતળીની વાર્તા ભાગ 5 - AMARKATHAO
Pingback: "સિંહાસન બત્રીસી" છઠ્ઠી પૂતળી : અબોલા રાણીની વાર્તા ભાગ 6 - AMARKATHAO
Pingback: વીર વિક્રમ અને સિંહાસન બત્રીસી સાતમી અને 8 મી પૂતળીની વાર્તા - AMARKATHAO
Pingback: વીર વિક્રમ રાજા અને સિંહાસન બત્રીસી : નવમી પૂતળીની વાર્તા - AMARKATHAO
Pingback: 32 પૂતળી ની વાર્તા - "સિંહાસન બત્રીસી" દસમી પૂતળીની વાર્તા - AMARKATHAO
Pingback: વીર વિક્રમ અને સિંહાસન બત્રીસી 11 મી પૂતળીની વાર્તા - AMARKATHAO
Pingback: Batris putali ni varta in gujarati |12 મી પૂતળીની વાર્તા - AMARKATHAO
Pingback: સિંહાસન બત્રીસી - 13 મી પૂતળીની વાર્તા - AMARKATHAO
Pingback: 15 મી પૂતળીની વાર્તા : મેના પોપટની વાર્તા - AMARKATHAO
Pingback: Batris Putli Ni Varta Gujarati - 16 mi putli - AMARKATHAO
Pingback: Batris Putli last story - 32 પૂતળીની અંતિમ વાર્તા - AMARKATHAO
Pingback: Batris Putli All stories in gujarati pdf book | 32 પૂતળીની વાર્તાઓ સંપુર્ણ - AMARKATHAO