Skip to content

કાળી રાત, કાળી ઓઢણી, કાળી ચીસ – ચુનીલાલ મડિયાની ટૂકીવાર્તા

કાળી રાત, કાળી ઓઢણી, કાળી ચીસ - ચુનીલાલ મડિયાની ટૂકીવાર્તા
5353 Views

ટૂકીવાર્તા કાળી રાત, કાળી ઓઢણી, કાળી ચીસ વાંચો, ચુનીલાલ મડિયા ની શ્રેષ્ઠ વાર્તાઓ અંત:સ્ત્રોતાશરણાઈ નાં સૂરવાની મારી કોયલઈચ્છાકાકા મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ, જીવદયા ચુનીલાલ મડિયા, મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ pdf, અંત:સ્ત્રોતા વાર્તા, લીલુડી ધરતી, ચુનીલાલ મડિયાની નવલકથા, વ્યાજનો વારસ નવલકથા, ઘૂઘવતાં પૂર’, ‘ગામડું બોલે છે’, ‘પદ્મજા’, ‘ચંપો અને કેળ’, ‘તેજ અને તિમિર’, ‘રૂપ-અરૂપ’, ‘જેકબ સર્કલ સાત રસ્તા’, ‘ક્ષણાર્ધ’, ‘ક્ષત-વિક્ષત’ એ એમના નવલિકાસંગ્રહો છે. chunilal madia ni shreshth vartao

કાળી રાત, કાળી ઓઢણી, કાળી ચીસ

અંગેઅંગ ઠૂંઠવાઈ જાય એવો ઠાર વરસતો હતો. હેમાળા જેવી ટાઢમાં સ્ટેશન આખું જાણે કે ટૂંટિયાં વાળીને સૂતું હતું. આમેય મધરાતનો સુમાર હોવાથી યાર્ડમાં અને આજુબાજુ સૂનકાર તો છવાઈ જ ગયો હતો. એમાં વળી વીંછીના ડંખ જેવી કાતિલ ઠંડીને લીધે આખું વાતાવરણ જાણે કે નિસ્તબ્ધ બની ગયું હતું.

વદ બારસની રાત, જાણે કે સોયરું ઘૂંટ્યું હોય એવી, કાળી ડિબાણ લાગતી હતી. સ્ટેશનના પ્લૅટફૉર્મ પરના દીવા પણ, કેરોસીનની કરકસર ખાતર, ટ્રેનને ટાઇમે જ પેટાવાતા હોવાથી, ચારેય કોર ઠાંસોઠાંસ અંધકાર ભર્યો હતો. આવા ઘોર અંધારામાં યાર્ડને બન્ને છેડે ઊભેલા સિગ્નલમાં ટમટમતા લાલ દીવા કોઈ વિકરાળ પશુઓની તાતી આંખ જેવા બિહામણા લાગતા હતા.

આવા નિસ્તબ્ધ વાતાવરણમાં સ્ટેશન-માસ્તરની ઑફિસમાં મોર્સ સાઉન્ડર ઉપર ઊતરતા તારસંદેશનો એકધારો ટક ટક…ટક ટક અવાજ વધારે પડતો મોટો અને કર્કશ લાગતો હતો. આ યાંત્રિક અવાજ સાથે, થોડે થોડે આંતરે નજીકની સીમમાંથી તરસ્યાં શિયાળિયાંની લાળી સંભળાતી ત્યારે વાતાવરણ વધારે બિહામણું લાગતું હતું…

થોડી વારે શન્ટરો, સિગ્નલમેન અને એકબે કુલીઓએ ભેગા થઈને સામેની સાઇડિંગમાં તાપણું પેટાવ્યું. તાપણાના ભડકાની આસપાસ ગોળ કૂંડાળે ગોઠવાઈ ગયેલા એ માણસોમાં કોઈએ સરકારી ઓવરકોટ પહેર્યા હતા, તો કોઈએ બનૂસ ઓઢ્યાં હતાં. તાપણાના રાતાચોળ ઉજાસમાં એમની મુખાકૃતિઓ ઉપર તેજરેખાઓ સંતાકૂકડી રમતી હતી.

તાપણાની ઉષ્મામાં પોતાનાં ઠૂંગરાઈ ગયેલા હાથપગ શેકતાં શેકતાં, સમય પસાર કરવા માટે તેઓ ટોળટપ્પાંએ ચડ્યા હતા. અલકમલકની વાતો થતી હતી. પણ બધી જ વાતો, ફરીફરીને, અશ્લીલ રસના કેન્દ્ર ઉપર આવી ઊભતી હતી. અને એ એકેક અશ્લીલ તુક્કા ઉપર આખી મંડળી અમાનુષી અટ્ટહાસ્ય વેરતી ત્યારે નરમેધયજ્ઞ કરી રહેલા અઘોરીઓના હર્ષનાદ જેવી હવા જામતી હતી.

હવામાંથી જાણે કે હિમ વરસતું હતું અને એની સામે આ તાપણાનો ભડકો પણ કશી રાહત આપતો નહોતો. ગોદડા જેવાં જાડાં બનૂસમાં લપેટાયેલાં આ માણસોનાં શરીરમાં, સૂસવતો શીળો વાયરો કમ્પારી મૂકી જતો હતો, અને એમનાં જડબાંની બત્રીસી વચ્ચે ડાકલી બજાવી જતો હતો. તેથી એક માણસ થોડી થોડી વારે મંડળીમાં એક શીશો ફેરવતો હતો. એ શીશામાં દારૂ નહોતો…દારૂ ખરીદવા જેટલી આ ગરીબ માણસોની ગુંજાસ નહોતી. એ તો હતો…

મેથિલેટેડ સ્પિરિટનો શીશો. રેલવેના ગોદામમાંથી ચોરેલો, કાચા સ્પિરિટનો શીશો. એ કાચેકાચા સ્પિરિટના એકાદબે ઘૂંટડા ભરીભરીને સહુ ડિલમાં કાંટો જાળવી રહ્યા હતા અને ફરીફરીને સ્ત્રી નામના પ્રાણી ઉપર કેન્દ્રિત થતી મજાકો માણી રહ્યા હતા.

આખરે મંડળીમાંથી એક માણસ ઊભો થયો અને પ્લૅટફૉર્મ પર આવ્યો. એણે એક પછી એક કાચની પેટીમાંના દીવા પેટાવવા માંડ્યા. એક ખીંટી ઉપર ટિંગાતી લાલ-લીલી બત્તીઓ ઉતારીને એમાં પણ દીવા કર્યાં.

અંદરના ઓરડામાંથી સંભળાતા તાર-યંત્રના એકધારા ટકટકાટમાં કશોક ફેર પડ્યો…બે સ્ટેશનો વચ્ચે સામસામો સંદેશ-વિનિમય થઈ ગયો.

માસ્તરે ઊંઘભર્યા અવાજે સાંધાવાળાને સૂચનાઓ આપી. અને એક ખખડધજજ આંબલીના ઝાડની ડાળીએ ટિંગાતા લોખંડના પાટાના ટુકડા ઉપર સાંધાવાળાએ ટકોરા પાડ્યા. આગળના જંકશન ઉપર ડાઉન ટ્રેન ‘લાઇન’ થઈ ગઈ હોવાની જાહેરાત થઈ.

ઝમઝમ કરતી રાતના નીરવ વાતાવરણમાં લોખંડના બે ટુકડાઓએ પાડેલા ટકોરાનો અવાજ અનેક ગણો સંવર્ધિત થતો લાગ્યો. એ ટકોરને પગલે પગલે બીજા અવાજો પણ ઊઠવા લાગ્યા. સ્ટેશન પરની હોટેલવાળો લાંબું બગાસું ખાઈને ઊઠ્યો અને સગડીમાં કોલસા ભાંગવા લાગ્યો. ટ્રેનના ઉતારુઓ પાસેથી ભિક્ષા માગવા માટે એક સાંઇબાવાએ તસબીમાં લોબાન છાંટ્યો.

એક બળદગાડું આવી ઊભું. એકાદ ઘોડાગાડીના ઘૂઘરા પણ રણકી ગયા. થોડાક પાનબીડીના ટોપલા ને પારસલો ઠલવાયાં, બેચાર છડિયાં ટિકિટબારી ઊઘડવાની રાહ જોતાં લાઇનમાં ઊભાં, પ્લૅટફૉર્મની ફરસબંધી ઉપર જ ઊંઘી રહેલા એકલદોકલ મુસાફરો આળસ મરડીને બેઠા થયા. સાઇડિંગમાં ધડીમ ધડીમ અવાજ સાથે ભારખાનાંના ડબા ભટકાયા.

ગુડ્ઝના અનાજની ગૂણોમાં મોઢું નાખીને ભરપેટ ધરાઈ રહેલી એક ગાય ભાંભરી. કોઈ શન્ટરના ઘરમાં કાચી ઊંઘમાંથી જાગી ગયેલું છોકરું રડી ઊઠ્યું એને માતાએ મીઠા હાલા નાખ્યા. આંબલી પર માળો બાંધીને પોઢેલા પંખીની પાંખોનો ફફડાટ સંભળાયો ને શમી ગયો. નજીકના ખેતરમાં એક ચીબરી બોલી…

ટિકિટબારી પર કપાતી ટિકિટો ઉપર ધડધડ અવાજે તારીખો પડવા લાગી.

શગે બળતા તાપણાની જવાળાઓ શમવા લાગી. તાપનારાઓ ઊભા થઈને પોતપોતાને કામે વળગ્યા. પ્લૅટફૉર્મ ઉપર કરંડિયા, થેલા ને બારદાનનો ઢગલો થઈ ગયો.

ફરી લોખંડના ટુકડાઓએ ટકોરા પાડ્યા. આગળના જંકશન ઉપરથી ગાડી છૂટી ગઈ હોવાની જાહેરાત થઈ. માણસો વધારે સાબદા થયા. રેલવેનો એક પોલીસ હાથમાં ટૉર્ચ-બેટરી લઈને, ખોંખારા ખાતો ખાતો લટાર મારવા લાગ્યો; એણે હોટેલવાળા પાસેથી અલિખિત લાગા તરીકે એક ડબલ-કપ ચા મફત પીધી અને પછી પાનવાળા પાસે જઈ પહોંચ્યો.

ફાર સિગ્નલ પાસે એંજિનની બત્તીનો ઉજાસ દેખાયો. તુરત સિગ્નલના લાલ દીવા લીલા બની ગયા. ટ્રેનનાં પૈડાંનો ધમધમાટ પણ સંભળાયો. એ ધીમો અવાજ ધીમે ધીમે વધવા લાગ્યો.

અને પલકવારમાં તો છક્ છક્ છાકોટા નાખતું એંજિન ભારખાનાં અને ઉતારુઓના ડબાની મિક્સ ટ્રેન લઈને આવી ઊભું.

કાળી રાતે પણ ઘડીક વાર પહેલાંના નિર્જન વાતાવરણમાં કલબલાટ મચી ગયો. ઉજાગરા વેઠેલી આંખો ચોળતાં કેટલાક પેસેન્જરો ઊતર્યા, કેટલાક ચડ્યા. લગેજ-વાનમાંથી થોડોક માલ ઊતર્યો, થોડોક ચડ્યો. મોખરાનાં બે વેગન કપાઈ ગયાં ને સાઇડિંગમાં ધકેલાઈ ગયાં. સાઇડિંગમાંથી વળી બીજાં બે વેગન જોતરાઈ ગયાં. ગાડીની ‘લાઇન ક્લિઅર’નું બીંડલ ડ્રાઈવરને સુપરત થઈ ગયું. ‘શાન્તાનુકૂલ પવનશ્ચ’ સૂચવતી લીલી બત્તી ઝબકી ગઈ, ગાર્ડે સિસોટી વગાડી, એંજિને આર્ત અવાજે તીણી ચીસ પાડી અને ગાડી ઊપડી…ભખ્…

ભખ્…ભખ્…ભખ્…

જેટલી ઝડપે ઘોંઘાટ મચ્યો હતો એટલી જ ઝડપે એ ઓસરવા લાગ્યો. ઊતરેલાં છડિયાં પગપાળાં કે વાહનમાં બેસીને દૂરના ગામ ભણી વિદાય થઈ ગયાં. ટિકિટબારીના ગોખલા પર ધડાક કરતુંકને પાટિયું વસાઈ ગયું. હોટેલમાં કપ-રકાબીના ખખડાટ બંધ થઈ ગયા. સગડીમાં કોલસાનો તતડાટ શમી ગયો, ચોકિયાત પોલીસના મર્દાનગીભર્યા ખોંખારા શાંત થઈ ગયા. ઑફિસમાંનું તાર-યંત્ર પણ ઉપલે સ્ટેશને સંદેશો પાઠવીને બંધ થઈ ગયું.

ટ્રેનના ખખડાટ-ભભડાટને લીધે આંબલી પર જાગી ઊઠેલાં પંખીઓ પાછાં ઊંઘી ગયાં. છડિયાંઓને મૂકવા આવેલી ઘોડાગાડી ઘૂઘરા ગજવતી ગજવતી ગામ તરફ ચાલી ગઈ. બધો શોરબકોર બંધ થઈ ગયો. બધો ગજર ભાંગી ગયો. અને ફરી પાછો સ્ટેશન ઉપર સોપો પડી ગયો.

ફરી પાછા છવાયેલા એ સૂનકારમાંથી એક બાળકનો અવાજ ઊઠ્યો:

‘ઊંઆં.. ઊંઆં…ઊંઆં…

સહુ ઉતારુઓ ચાલ્યા ગયા, છતાં પ્લૅટફૉર્મ ઉપર કાળી ઓઢણી ઓઢેલી એક બાઈ ઊભી રહી હતી. એની ગોદમાં એક બાળક હતું અને એની ઊંઘમાં ખલેલ થઈ હોવાથી એ રડતું હતું.

એક સાંધાવાળાએ આવીને બાઈને કશીક પૂછપરછ કરી. જાણવા મળ્યું કે અંધારી રાતે આ એકલ પ્રવાસી ભૂલથી એક આગોતરા સ્ટેશને ઊતરી પડેલ છે.

હવે? હવે તો વહેલી પરોઢે પેસેન્જર ટ્રેન આવે એમાં જ એ જઈ શકે. બાઈ ગભરાઈ ગઈ. આ અજાણી જગ્યામાં એ રાતવાસો ક્યાં રહેશે?

કેવી રીતે રહેશે? કોને આશરે રહેશે?

આવે સમયે, આવે સ્થળે કવચિત્ જ સાંભળવા મળતા સ્ત્રીના અવાજે ઘણાય માણસોના કાનને ચમકાવી મૂક્યા. આજુબાજુ ગુપ્ત રીતે સંચાર થવા લાગ્યો. બાળક વધારે મોટે અવાજે રડવા લાગ્યું.

માતાએ છોરુને છાતીએ લીધું, પણ એથી એનું રુદન શમ્યું નહીં.

માતાનો અને બાળકનો આ બેવડો બોલાશ સાંભળીને આસપાસમાંથી કેટલીક તાતી આંખો એ કાળી ઓઢણી ઉપર નોંધાઈ રહી.

શરણાઇના સૂર - ચુનીલાલ મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ
શરણાઇના સૂર – ચુનીલાલ મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ

ઠરતા જતા તાપણામાંથી બાવળની ગાંઠના અંગારા હજી ઓલવાયા નહોતા. એના રાતાચોળ કોયલાનો ઝગારો આ કાળી રાતે વધારે રતૂમડો લાગતો હતો. અને રાત ભાંગતી ગઈ તેમ તેમ ઠાર પણ વધવા લાગ્યો હતો. કોઈ કહેતું હતું કે આજે હિમ પડશે ને માટલાંનાં પાણી થીજી જશે. સીમમાં રખોપિયાઓને ભય લાગતો હતો કે આ હેમાળામાં રીંગણી બળી જશે ને ધોરિયા-ક્યારાનાં પાણી થીજીને બરફ બની જશે.

પાછલી રાતના ઝમઝમ કરતા અવાજમાં તમરાંનો તમતમ અવાજ તાલ પુરાવતો હતો, અને એ બંને અવાજ સાથે બાળકના રુદનનો ઊંઆં…ઊંઆં અવાજ એકરસ થઈ જતો હતો.

અસહાય માતાને હવે પોતાની રક્ષાની ચિંતા નહોતી, બાળકને છાનું રાખવાની જ ફિકર હતી. અહીં ક્યાંય દૂધ મળશે કે કેમ એવી એણે પૃચ્છા કરી. પરગજુ સાંધાવાળાએ એને સહાય કરી: સાઇડિંગની પેલી પારના ખેતરમાં ઢોર બાંધ્યાં છે, ત્યાં તપાસ કરીએ તો ખેડૂત કદાચ થોડું દૂધ દોહી આપે. બાઈ હાથમાં પાણી પીવાનું પવાલું લઈને ઊભી થઈ. છોકરાને પણ કાખમાં લીધું, પણ સાંધાવાળાએ સમજાવ્યું કે આવા ટાઢોડામાં છોકરાને ખુલ્લામાં લઈ જવું સલાહભર્યું નથી, અહીં સ્ટેશનની છાપરી તળે જ એ છો સૂતું રહે.

બાળક સૂતું રહ્યું અને માથેમાથાં ન સૂઝે એવા ઘેરા અંધકારમાં કાળી ઓઢણી ઓઢેલ એક પડછાયો આશાભર્યાં ડગ માંડતો સાઈડિંગ ઓળંગી રહ્યો.

દરમિયાનમાં બાળકનું રુદન ધીમું ધીમું પણ ચાલુ રહ્યું, તાપણાના અંગારા તગતગતા રહ્યા, નીરવ રાતે તમરાંનો અવાજ એકસૂરે સંભળાતો રહ્યો. અનાજના કોથળામાં મોકળે મને મોઢું નાખીને બુકરડો બોલાવી રહેલી ગાય ફરી ભાંભરી; એના જવાબમાં વાછરડાએ મીઠું બાંબરડું નાખીને હોંકારો આપ્યો.

…અને એ બાંબરડાના અવાજ સાથે જ એક નિરાધાર અને નિસ્સહાય માનવ-શરીરની કાળી ચીસ સાઇડિંગની દિશામાંથી ઊઠી.

ભાંગતી રાતે, નિર્જન વાતાવરણમાં એ ચીસ વધારે ભયકંર લાગી. પણ એનો ધ્વનિ ઊઠ્યો એવો જ પાછો શમી ગયો. ચીસ પણ જાણે કે અરધેથી કપાઈ ગઈ હોય એમ લાગ્યું – કેમ જાણે એના મોઢા આડે કોઈએ કશીક આડશ દઈ દીધી હોય, ડૂચો દાબી દીધો હોય, મૂગો પહેરાવી દીધો હોય!

હવામાં જાણે કે કોઈની બૂમ કે કોઈના ચિચિયાનાં આંદોલનો ઊઠ્યાં જ નથી, એવી શાંતિ પથરાઈ ગઈ. ચીસનો તીવ્ર ધ્વનિ જે સ્વરમોજાં ફેલાવી ગયો, એ મોજાં એવી નીંભર વ્યક્તિઓને કાને અથડાયાં, કે જેમના કાન આવા આર્તનાદો સાંભળવાને ટેવાઈ ગયા હતા. એમના સરવા કાનને તો આ ચીસ સાંકેતિક સૂચન સમી નીવડી.

લાઇટમેને આવીને પ્લૅટફૉર્મ પરના દીવા એક પછી એક ઓલવવા માંડ્યા.

છાપરી તળેનો રહ્યોસહ્યો ઉજાશ પણ દૂર થયો.

ટાઢા હિમ જેવા ઓટાની ફરસંબધી ઉપર ફૂલ જેવું બાળક માતાની ગોદ શોધવા આમથી તેમ તરફડતું રહ્યું અને સૂસવતો વાયરો ઠાર વરસાવતો રહ્યો.

થોડે થોડે સમયે સાઇડિંગની દિશામાં એક પછી એક પડછાયાની ભેદી હિલચાલ થતી રહી, કોઈક પૂર્વયોજિત લશ્કરી વ્યૂહની જેમ સિગ્નલમૅનનો ખોંખારો સંભળાયો, સાંઈબાવાની તસબી દેખાઈ, પોલીસની બેટરી ઝબકી, હોટેલવાળાની બીડીનો તિખારો ચમક્યો.

બધે જ નિ:શબ્દ મૌન પથરાઈ ગયું. માત્ર ઠાર જામતો ગયો તેમ તેમ થરથરતા બાળકનું ક્રંદન વધતું ગયું. સીમને કાંઠે શિયાળિયાંની લાળી વધતી ગઈ. ઘડિયાળના ટક ટક અવાજની જેમ તમરાંનો તમ તમ અવાજ અવિરિત ચાલુ રહ્યો.

વહેલી પરોઢની પેસેન્જર ટ્રેનનો સમય થયો ત્યારે કલાકેક અગાઉ તાર-યંત્ર પર ફરીથી ‘ડોટ’ અને ‘ડેશ’ની સંજ્ઞાઓ બોલવા લાગી. પણ હવે આ બાળકનું ક્રંદન કોણ જાણે કેમ, પણ સાવ શમી ગયું હતું. મૂંગી રાતે હવે એક માત્ર તાર-યંત્રનો અવાજ ભારે કઢંગો લાગતો હતો.

એવામાં સાઈડિંગનો સામે છેડે એક ભારખાનાનું બારણું ભડાક કરતુંકને ભટકાયું અને એ દિશામાંથી એક સ્ત્રીના શરીરનો પડછાયો બેફામ ઝડપે દોડતો આવતો જણાયો. એ શરીર નખશિખ નવસ્ત્રું હતું – માત્ર એના મોઢા ઉપર કાળી ઓઢણીનું મુશ્કેટાટ બંધન બંધાયું હતું. સ્ત્રીને પોતાની સ્થિતિનું ભાન નહોતું. સદ્ભાગ્યે કાળા નિતાર જેવો અંધકાર આ માતાની લાજ-આબરૂ રક્ષવા એને જાણે કે વિશાળ ઓઢણી ઓઢાડી રહ્યો હતો.

બાળકનું રુદન તો બંધ થઈ ગયું હતું, એટલે અંધારામાં એને શોધવું મુશ્કેલ હતું. સ્ત્રી બહાવરી બહાવરી આમતેમ ખોળવા લાગી અને આખરે, આંતરસ્ફુરણાથી જ પેલા ઓટા નજીક આવી ઊભી. પોતાની કૂખના જન્મેલાને શોધતાં જનેતાને શી વાર? તુરત એ બાળકને વળગી પડી. પણ…

પણ એ જીવ, થોડા કલાક પહેલાં પોતે છોડ્યો હતો એવો ઉષ્માભર્યો, જીવતોજાગતો જીવ નહોતો. એ તો, વરસતા ઠારમાં ઠરીને ઠીકરા જેવું થઈ ગયેલું, જાણે કે બરફનું ગચિયું હતું.

સારું થયું કે સ્ત્રીના મોઢા ઉપર હજીય ડૂચો બાંધેલો હતો. નહીંતર અગાઉની એક કાળી ચીસની જેમ, પુત્રવિયોગના આઘાતની એથીય અદકી તીણી ચીસ આ માતાના મોઢામાંથી નીકળી જાત, એ આ ધરતી કે આભ કોઈ ન જીરવી શકત.

પુત્ર-મિલનની તાલાવેલીએ જ માતાના ખોળિયામાં પ્રાણ ટકાવી રાખ્યો હશે, પણ જીવતા પુત્રને બદલે એના મૃતદેહનું જ મિલન થતાં હવે એને જિવાડનાર કોઈ જિજીવિષા નહોતી રહી.

ઓટા ઉપર એકને બદલે બે દેહ ઢળી પડ્યા. હવે એ નિર્દોષ બાળકને માતાની ગોદમાંથી વિખૂટું પાડવાનું કોઈનું ગજું નહોતું. કેમ કે માતાએ એને જે આલિંગન કરેલું, એ તો અતૂટ મડાગાઠનું આલિંગન હતું.

આવડી મોટી ચોખૂટ ધરતીમાં પેલા ધૂંધવાતા તાપણાના તગતગતા અંગારા સિવાય કોઈ માનવ-આંખોએ આ દૃશ્ય જોયું નહીં.

તાર-યંત્ર એકધારું ચાલતું રહ્યું, તમરાં બોલતાં રહ્યાં, ગાય ભાંભરતી રહી, વાછડું બાંબરડાં નાખતું રહ્યું, શિયાળિયાંની લાળી સૂર પુરાવતી રહી અને સળગતી બાવળની ગાંઠ સૂસવતા વાયરામાં વધારે કોયલા ખેરવતી રહી.

🍁 લોહીની સગાઈ – ઇશ્વર પેટલીકર

🍁 કાબુલીવાલા – રવિન્દ્રનાથ ટાગોર

🍁 રસિકભૈ રસો – યોગેશ જોશી

🍁 ખોટી બે આની – જ્યોતીન્દ્ર દવે

1 thought on “કાળી રાત, કાળી ઓઢણી, કાળી ચીસ – ચુનીલાલ મડિયાની ટૂકીવાર્તા”

  1. Pingback: ગુજરાતી સાહિત્યની Best 101 વાર્તાઓનો સંગ્રહ | Gujarati Varta Pdf - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *