Skip to content

‘મીઠી માથે ભાત’ કવિતા યાદ છે ને ?

મીઠી માથે ભાત
6159 Views

મીઠી માથે ભાત – વિઠ્ઠલરાય અવત્સ્થી, મીઠી માથે ભાત કવિતા, મીઠી માથે ભાત કાવ્ય, મીઠી માથે ભાત કવિતાનાં લેખકનો પરિચય આપો, મીઠી માથે ભાત કવિતા ક્યાં ધોરણમાં આવતી ? mithi mathe bhat, mithi mathe bhat kavita, mithi mathe bhat lyrics, ગુજરાતી કવિતા સંગ્રહ, જુની કવિતાઓ

મિત્રો, આજે એક સુંદર રચના જે શાળામાં ભણવામાં આવતી હતી. ખેતી કરીને ગુજરાન ચલાવતા પટેલ દંપતીની વાત. એમને એક સુંદર પુત્રી – નામે મીઠી. રોજ બપોરે ભોજન માટે આવતા પિતાને કોઈ કારણોસર આવવામાં મોડું થયું તો પોતાની માતાની રજા લઈ એમને ખેતરે ભાત આપવા માટે નાનકડી મીઠી નીકળે છે.

ખેતરે જતાં વચ્ચે સીમમાં શિયાળ, વાઘ અને વરુનો ભય રહેતો. મીઠીની કમનસીબી કે એને રાની પશુનો ભેટો થયો અને કાળનો ક્રૂર પંજો એના પર ફરી વળ્યો. સાંજે પટેલ ઘરે પાછા આવીને મીઠીને સાદ કરે છે ત્યારે પટલાણીને ધ્રાસ્કો પડે છે કે મીઠી ક્યાં ગઈ હશે ? પોતાની વહાલસોયી મીઠીને શોધવા નીકળેલ પટેલ દંપતીને ઝાંખરામાં એની ઓઢણીની નિશાની મળતાં થતી વ્યથાનું હૃદયદ્રાવક વર્ણન આપણને હચમચાવી જાય છે. કરુણરસ સભર આ કૃતિ આજે માણીએ.

મીઠી માથે ભાત કવિતા

ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ,
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ
સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,
ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ

નવાણ છે નવ કોસનું, ફરતા જંગી ઝાડ,
રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ
પટલાણીએ પુત્રનું, મુખ દીઠું છે માંડ,
મીઠી ઉંમર આઠની, બહેન લડાવે લાડ

શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,
વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ
કેળ સમી સૌ શેલડી, ઝૂકી રહી છે ઝુંડ,
રસ મીઠાની લાલચે, ભાંગે વાડો ભૂંડ

ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,
બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યાં તૈયાર
સોંપ્યું સાથી સર્વને બાકી બીજા કામ,
સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ

પટલાણી પેખી રહી, પટેલ કેરી વાટ
રોંઢા વેળા ગઈ વહી, પડતું ટાઢું ભાત

(ભુજંગી)

કહે મા, ‘મીઠી લે હવે ભાત આપું,
કીકો લાવ મારી કને, જા તું બાપુ
હજી ઘેર આતા, નથી તુજ આવ્યા,
ભૂખ્યા એ હશે, વાઢ-કામે થકાયા’ ‘

ભલે લાવ બા, જાઉં હું ભાત દેવા,
દીઠા છે કદી તેં ઉગ્યા મોલ કેવા?
મીઠી કેળ-શી, શેલડી તો ખવાશે,
દીઠી છે ટૂંકી વાટ, જલ્દી જવાશે’

કહી એમ માથે, લઈ ભાત ચાલી
મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી

(દોહરો)

વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ,
ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ
ડુંગર ઝાડી ગીચમાં, કોડે કૂદતી જાય,
સામો વાઢ ઝઝૂમતો, જોતાં તે હરખાય

હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,
એમ અધિક ઉતાવળી, દોડી મળવા તાત
બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ,
થપાટ પાછળથી પડી બાળા થઈ બેહાલ

ભાત ઓઢણી તો રહ્યું, ઝરડામાં ઝકડાઈ,
મીઠી બાળા મોતના, પંજામાં સપડાઈ
વાઘ ઉપાડી ક્યાં ગયો? કુદરતમાં કકળાટ,
વૃક્ષ ઊભાં વીલાં બધાં સૂની બની સૌ વાટ


સાંજ વહી સૂનકારમાં, ઓઢીને અંધાર,
રાત રડે છે રાનમાં, આંસુડે ચોધાર
પ્હોંચી ઘેર પાંચો કરે ‘મીઠી! મીઠી!’ સાદ:
‘મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ’

પટલાણી આવી કહે: ‘મેલી છે મેં ભાત,
મળી નથી તમને હજી? રોકાણી ક્યાં રાત?
’ ‘મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,
કહાં ગોત કરવી હવે? ગઈ હશે પગવાટ !’

બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ,
ગયાં તુર્ત તે ગોતવા કરતાં કંઈ સંતાપ
નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કે મુખ,
ઝાંખા સર્વે ઝાડવાં, દારૂણ જાણે દુ:ખ

‘મીઠી ! મીઠી !’ પાડતાં બૂમ ઘણી માબાપ,
જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ
પડતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ,
તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ

ખાલી આ કોણે કરી? હશે સીમના શ્વાન?
મીઠી કાં મેલી ગઈ?–બોલે નહિ કંઈ રાન
વળી પગે અટવાય છે ઝરડું નીચે જોય,
મીઠી કેરી ઓઢણી — પોકે પોકે રોય

‘હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું ઝમે રુધિર !’
ઉત્તર એનો ના મળે: બધુંયે વિશ્વ બધિર
નિરાશ પાછાં એ વળ્યાં કરતાં અતિ કકળાટ,
‘મીઠી! મીઠી!’ નામથી રડતાં આખી વાટ

વાઢ ગયો વેચાઈ ને વીતી ગઈ છે વાત
તો પણ દેખા દે કદી, મીઠી માથે ભાત

✍ વિઠ્ઠલરાય અવસત્થી

આ સુંદર કવિતાઓ પણ વાંચો 👇

Paraphrase by Shri Tushar Shukla (In Gujarati)

કેટલીકવાર કવીનું નામ સાવ અજાણ લાગે. ને એમની રચના જાણીતી! વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર અવસત્થી એવું જ એક નામ છે. ગુજરાતી કાવ્યસાહિત્યનો ખજાનો ખોલ્યો હોય ત્યારે અત્યંત જાણીતા સર્જકોની વચ્ચે આ અજાણ્યું નામ તમને ય અચરજ પમાડશે.

વળી આ કવિની એક બીજી વિશેષતા એ પણ છે કે એમનું આ એક કાવ્ય એમને આ સ્થાન અપાવે છે. આપણે એમના સંગ્રહ ‘મેઘમૂર્છના’માંથી આ એક કાવ્યને જાણીએ છીએ. ને એ ય મૂળ અંગ્રેજી કાવ્ય ‘Lucy Gray’ નો ભાવાનુવાદ છે. પણ, આ ભાવાનુવાદ એટલો તો મૌલિક છે કે એનાં મૂળને એ ક્યાંય વિસારે પાડી દે છે.

રચનાની પ્રેરણાનું બિંદુ ગમે ત્યાં હોય, રચના સ્વયં કેવી બની છે એનું મહત્વ છે. અહીં કવિએ મૂળના સંદર્ભમાંથી કાવ્યનાયિકા અને એની સાથે બનેલી પીડાદાયી ઘટનાને કેવળ વિષયવસ્તુ તરીકે સ્વીકારીને અસલ ગુજરાતી વાતાવરણ રચતી કવિતા રચી છે.

લ્યુસી અહીં મીઠી નામ ધરે છે. શેરડીના વાઢનું રખોપુ કરતા ખેડૂત પિતાને મદદે ભાતું લ‍ઇને મીઠી વગડામાં નીકળી છે. ભાતું એટલે ટીફીન. ને અહીં એ પોતે વાઘનો શિકાર થ‍ઇ જાય છે. કાવ્યનાં અંતમાં અગોચર વિશ્વનો અણસાર આપતી પંક્તિઓ ભાવકને જૂદા જ ભાવવિશ્વમાં લ‍ઇ જાય છે. વાઘનો શીકાર બની ગયેલી એ કિશોરી મીઠી હજી ય કોઇક વાર વગડામાં દેખાય છે!

‘વાઢ ગયો વેચાઇ ને વીતી ગ‍ઇ છે રાત,

તો પણ દેખા દે કદી, મીઠી માથે ભાત!

આ 👇 સુંદર કવિતાઓ પણ વાંચો

👉 ચાંદો સૂરજ રમતા તા રમતા રમતા કોડી જડી

👉 મારી વાડીમાં રીંગણી વાવી હો રાજ

👉 મે એક બિલાડી પાળી છે

👉 સમી સાંજનો ઢોલ ઢબુકતો – કન્યા વિદાય ગીત