Skip to content

સિંદબાદની સફર 5 | Sindbad Jahaji part 5

Sindbad Jahaji part 5
6987 Views

મિત્રો અગાઉનાં ચાર ભાગ આપ વાંચી ચુક્યા હશો. આજે વાંચો સિંદબાદની સફર 5 | Sindbad Jahaji part 5 (જો આગળના ભાગ ન વાંચ્યા હોય તો નિચે લિંક આપેલી છે. ત્યાથી વાંચી શકશો.)

સિંદબાદની સફર 5 | Sindbad Jahaji part 5

સિંદબાદે પાંચમી સફરની વાત શરૂ કરી : – ‘‘ ચાર ચાર સફરો કર્યા પછી મારી પાસે મોજશોખનાં બધાં સાધનો હતાં. હવે મારી એક જ ઇચ્છા હતી, મારા પિતાશ્રીએ જેનાં સહુથી વધુ વખાણ કરેલ તે ભૂમિ હિન્દુસ્તાનની સફર કરવાની.

થોડા દિવસોમાં નવી સફરની તૈયારી કરી. બસરા બંદરેથી ઉત્તમ પ્રકારનાં વહાણો લઈ અમે હિન્દુસ્તાન તરફ પ્રયાણકર્યું.

બગદાદ પછી બસરા વટાવી અમે રોજ નવા નવા બેટ પસાર કરતાં એકધારી ગતિથી સમુદ્રના ઝંઝાવાતો ઝીલતાં આગળ વધી રહ્યા હતા. અને ત્યાં જ એકાએક દરિયાઈ તોફાન શરૂ થયું. અમે એ ભયાનક તોફાનમાં સપડાયા. કુદરત જાણે કોપાયમાન થઈ ! પવનની પ્રચંડ થપાટોએ અમારા વહાણને આડા માર્ગે ખેચી ચકરાવે ચડાવી દીધું. રસ્તો સૂઝે નહિ, દિશા દેખાય નહિ. વહાણના ખલાસીઓ સુકાન સંભાળવા તનતોડ કોશિશ કરતા હતા, પણ ફાવતા નહોતા.

અમારું વહાણ દરિયામાં ઊપસી નીકળેલ એક મોટા ચુંબકીય પહાડ સાથે ભયંકર ઝડપે ખેંચાઈ અથડાયું. વહાણના સાંધે સાંધા છૂટા પડી ગયા. વહાણનો ભાંગીને ભુક્કો થઈ ગયો ને ટુકડે ટુકડા જાણે ઊડીને પહાડની છાતીએ જઈ ચોંટી ગયા.

અમારામાંથી કેટલાક દરિયામાં ડૂબી ગયા. કેટલાક સાથીદારોને મોટાં જળચર ગળી ગયાં. હું ફંગોળાઈને કિનારા તરફ પડ્યો. પછી શું થયું તે કશું મને યાદ નથી.

જ્યારે ભાનમાં આવ્યો, ત્યારે હું એક નિર્જન બેટ પર આવી પડ્યો હતો. મારાથી થોડેક જ દૂર તૂટેલા વહાણનાં પાટિયાં દેખાયાં. મેં ખુદાનો આભાર માન્યો ને એ પાટિયાં લઈ એક મજબૂત તરાપો બનાવી કાઢ્યો. આજુબાજુ જોયું તો દરિયાનાં મોજાંઓએ માણેક મોતી સોનાચાંદી ને હાથીદાંતની ઘણી કીમતી ચીજો પણ કિનારે ઠાલવી હતી. મેં કીમતી જવાહિરો એકઠાં કરી પોટલીઓ બનાવી બાંધી લીધી. એક પેટીમાં સોનામહોરો ભરી લઈને તરાપા પર બાંધી દીધી. સાંજ થવા આવી હતી. અંધારું થતાં આકાશમાં નક્ષત્રો જોઈ દિશા નક્કી કરી આગળની સફર શરૂ કરી.

દરિયાદેવનાં વિકરાળ સ્વરૂપો જોતાં જોતાં ટચૂકડા તરાપા પર હું આગળ ને આગળ પાણીના પ્રવાહ સાથે ખેંચાતો જતો હતો.

કિનારાના ખડકોથી સલામત રીતે અંતર રાખી આગળ એક મોટી ગુફામાં હું પ્રવેશી ગયો હતો. મેં વિચાર્યું કે જો નદી અહીંથી અંદર પ્રવેશતી હોય તો તે ક્યાંક બહાર પણ નીકળતી હોવી જોઈએ.

ગુફાના અંધારામાં વારંવાર મારી સાથે ચામાચીડિયાં અથડાતાં હતાં. થોડા સમયની કપરી મુસાફરી બાદ સામેના છેડે પ્રકાશ દેખાયો. મારા જીવને રાહત થઈ. ગુફાનો એક પથ્થર મારા માથા સાથે અથડાયો. હું બચવા ચત્તો સૂઈ ગયો. થોડી વારે બહાર આવતાં આજુબાજુના કિનારાની બન્ને તરફ પથ્થરોની ઊંચી ભેખડો હતી. ને હજારો દરિયાઈ પક્ષી તેના પર બેઠાં હતાં.

મારો તરાપો તેજીલા ઘોડાની ઝડપે આગળ ધસમસતો જતો હતો. નદીનો પ્રવાહ ખૂબ તોફાની બનતો જતો હતો. ત્યાં નદીના વળાંક પાસે ઊંચા ખડક ઉપર થોડા માણસોનું ટોળું જોયું. મારી બચાવો … બચાવો … ની બૂમો સાંભળી તે ટોળાએ લાંબાં દોરડાંઓની જાળ નદીમાં ફેંકી હતી. સારા નસીબે હું તરાપાનો કાબૂ ગુમાવું તે પહેલાં દોરડાંની જાળ પકડી લઈ હું અને તરાપો સલામત રીતે કિનારે ઊગરી ગયાં.

ટોળાના લોકોની ભાષા થોડીથોડી મને સમજાઈ. મારી સફરની વાત થોડી ભાષાથી ને થોડી ઇશારાથી મેં તેઓને સમજાવી.

આ લોકો પાણી ભરવા આ ટાપુ ઉપર આવ્યા હતા. ને મને તરાપા સાથે જોઈ બચાવી શક્યા તે બદલ મે તેમનો આભાર માન્યો.

સફર દરમિયાન સાથે લીધેલો ખોરાક અને ફળ ખૂટી ગયા હતા તેથી પેટમાં કકડીને ભૂખ લાગી હતી. તે લોકો મને પોતાને ઘેર લઈ ગયા. તેઓએ મને ભરપેટ ભોજન કરાવ્યું.

તેમણે મને કહ્યું, ‘આ સિરેદીબ ( સિંહલદ્વીપ ) છે.’

અમારા સુલતાન તમને મળીને ખુશ થશે.
બીજે દિવસે સવારે તેઓ મને પોતાના સુલતાનપાસે લઈ ગયા .

સુલતાનને મેં સલામ ભરી. તેમણે મને બાજુમાં આસન ઉપર બેસાડ્યો. મારું નામ તથા કહાણી સાંભળ્યાં. મારાં સાહસથી ખૂબ ખુશ થયા. મેં ઉત્તમ રત્નો સુલતાનને ભેટ ધર્યાં. સુલતાને પણ મને કીમતી સોગાદો ભેટ આપી. હું તેમનો મહેમાન થઈ રોકાયો.

થોડા દિવસની મહેમાનગતી માણી પાછો મારા વતન આવવા તૈયાર થયો. વિદાય માગી. સુલતાને મને દરબારમાં ફરીથી તેડી બગદાદના ખલીફા હારુન અલ રશીદને આપવા મિત્રતાની માગણી કરતો એક પત્ર આપ્યો ને ભેટ આપવા એક કીમતી ફૂલદાની પણ આપી.

સુલતાનનો પત્ર અને ભેટ લઈ હું પાછો બગદાદ આવવા નીકળ્યો. સુલતાને વિદાય સમયે ફરી મને ઘણી કીમતી ભેટો આપી. થોડા દિવસોમાં સુખરૂપ હું બગદાદ આવી પહોંચ્યો.

બગદાદ આવી મેં ખલીફા હારુનને હાથોહાથ પત્ર તથા ફૂલદાની સોંપ્યાં અને પછી હું મારે ઘેર ગયો. થોડા દિવસ આરામ કર્યો.

આમ પોતાની પાંચમી સફરની વાત સિંદબાદે પૂરી કરી. હિંદબાદને થોડી સોનામહોરો ભેટ આપી. અને બીજે દિવસે સમયસર હાજર થઈ જવાની યાદ સાથે વિદાય આપી.

સિંદબાદની સફર 2

સિંદબાદની સફર 4

મિત્રો આપ અમરકથાઓ ની કોઇપણ પોસ્ટ share કરી શકો છો. copy કરીને ઉપયોગ કરતા પહેલા અમારી પરમીશન લેવી ફરજીયાત છે.

2 thoughts on “સિંદબાદની સફર 5 | Sindbad Jahaji part 5”

  1. Pingback: Sindbad Jahaji Ni Safar 4

  2. Pingback: Sindbad ni saat Safar Part 6 - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *