4529 Views
કાંગ ખેતર ગ્યા’તા રે ગોરી કાંગ લ્યો ગુજરાતી લોકગીત, કાંગ વિશે રસપ્રદ માહિતી, વનસ્પતિ પરિચય , વૃક્ષ પરિચય, કાંગને ખેતર ગ્યાતા રે ગોરી કાંગ લ્યો, પાક વિશે જાણવા જેવુ, કાંગ ની ખેતી, કાંગના પાક વિશે જાણો. Kang ne khetar gyata re gori kang lyo – gujarati lokgeet. Foxtail Millet in gujarati. ગુજરાતી કવિતા સંગ્રહ, Old gujarati poems
કાંગને ખેતર ગ્યા તા લોકગીત
કાંગ ખેતર ગ્યાતા રે ગોરી કાંગ લ્યો
ઉભા ઉભા કાંગ લ્યો બેઠા-બેઠા કાંગ લ્યો
કાંગ લેવા ગ્યાતા રે ગોરી કાંગ લ્યો
ચાલતા ચાલતા કાંગ લ્યો દોડતા દોડતા કાંગ લ્યો
કાંગ ખેતર ગ્યાતા રે ગોરી કાંગ લ્યો
ટોપલો ભરી કાંગ લ્યો ખોબલો ભરી કાંગ લ્યો
સૂપડું ભરી કાંગ લ્યો ગાડા ભરી કાંગ લ્યો
કાંગ ખેતર ગ્યાતા રે ગોરી કાંગ લ્યો
===========અમરકથાઓ===========
કાંગ વિશે રસપ્રદ માહિતી
ઉપરનું લોકગીત તો આપે ઘણી વખત સાંભળ્યુ હશે.. પણ શુ એ ગીતમાં આવતા “કાંગ” ધાન્ય વિશે જાણો છો ? ‘કાંગ’ આ નામ કદાચ આજની પેઢી માટે તો સાવ અજાણ્યુ જ હોય, પરંતુ બહુ ઓછું જાણીતું અેવું આ ધાન્ય દક્ષિણ ભારતમાં ખૂબજ પ્રચલિત છે. બાજરી જેવા નાના-નાના દાણા ધરાવતું આ અનાજ સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે.
કાંગને અંગ્રેજીમાં Foxtail Millet કહેવામાં આવે છે. હિંદીમાં તે કાંગણીથી ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે ચીનમાં તેનો વપરાશ થવાનો ચાલુ થયો હતો, સાઉથ ઇસ્ટ એશિયા, યુરોપ જેવા પ્રદેશોમાં પણ મિલેટ પ્રખ્યાત છે તેની ધોળી, કાળી, લાલ અને પીળી એમ ચાર જાત હોય છે. ધોળી કાંગને આયુર્વેદ વધુ સારી કહે છે.
કાંગ : એકદળી વર્ગમાં આવેલા પોએસી (ગ્રેમીની) કુળની એક વનસ્પતિ છે.
કાંગ ઘણા પ્રાચીન સમયથી ધાન્ય પાક તરીકે વવાય છે અને પૂર્વ એશિયા, સંભવત: ચીનમાં તેનો પથ્થરયુગમાં ઉદભવ થયો હોવાનું અને ત્યાંથી યુરોપમાં તેનો પ્રવેશ થયો હોવાનું મનાય છે. તેનું વિતરણ ભારત, ચીન, જાપાન, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ અને પૂર્વ યુરોપ અને ઉત્તર અમેરિકામાં સર્વત્ર થયેલું છે. ચીનમાં તેનું વાવેતર ઈ.સ. પૂર્વે 2700 વર્ષ પહેલાં થતું હતું. પથ્થરયુગમાં સ્વિટ્ઝર્લૅંડના સરોવર પાસેનાં રહેઠાણોના કચરામાંથી કાંગના દાણાઓ મળી આવ્યા છે.
આમ તો કાંગને એક સમયે આંધ્રપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ અને મહારાષ્ટ્ર અને મૈસૂરમાં મોટા પ્રમાણમાં વાવવામાં આવતી હતી, પરંતુ આજકાલ ગુજરાતમાં તેનું વાવેતર ખૂબજ ઓછું થઈ ગયું છે. કાંગ સૂકી જમીન પર ઉગતું અનાજ છે અને તેને આખા વર્ષ દરમિયાન ગમેત્યારે વાવી શકાય છે.
કાંગમાં પ્રોટીન, વિટામિન અને ખનિજના સ્ત્રોત હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ અનાજ ખુબજ ફાયદાકારક ગણાય છે, તેમના માટે ચોખાની જગ્યાએ કાંગ કે કોદરી વધારે ફાયદાકારક ગણાય છે. આયુર્વેદ અનુસાર કાંગ શીતળ, વાતકારક, રૂક્ષ, વૃષ્ય, તૂરી, ધાતુવર્ધક, સ્વાદ, ભાંગેલા હાડકાને સાંધનાર અને ગર્ભપાત અટકાવવામાં ફાયદાકારક ગણાય છે. કાંગ કફ અને પિત્તનો પણ નાશ કરે છે.
ગુજરાતમાં પહેલાં ઘરોમાં કાંગની ખીચડી કે ખીર બનાવવામાં આવતી હતી.

આજકાલ કેટલાક પર્યાવરણ પ્રેમીઓમાં કાંગ લોકપ્રિય બની રહી છે. કાંગ પ્રમાણમાં થોડું પોચુ અનાજ હોવાના કારણે ચકલીને તે ખૂબજ પ્રિય છે. એટલે જ ઘણા લોકો તેમના ઘરે ચણમાં કાંગ મૂકવાનું પસંદ કરતા હોય છે. તો ઘણા ખેડૂતો ખેતરમાં શેઢાની નજીકની બે લાઈનમાં કાંગ વાવતા હોય છે, જેથી ખેતરમાં આવતાં પક્ષીઓને ચણ મળી રહે અને અન્ય પાકનું રક્ષણ પણ થાય. જોકે આજે પણ ઘણા ખેડૂતો માટે તેનું બિયારણ મળવું મુશ્કેલ છે. જે પણ ખેડૂતો પાસે કાંગનું બિયારણ હોય તેમણે અન્ય ખેડૂતોમાં વહેંચવું જોઈએ.
તેના લાંબા સમયના વાવેતરને કારણે તે પુષ્કળ પ્રમાણમાં પરિવર્તી (variable) છે. Setaria viridis કાંગનું પૂર્વજ-તૃણ છે, જે દાણાના કદ પરથી ઓળખી શકાય છે. કાંગના પુષ્પગુચ્છ વધારે મોટા અને ખંડિત હોય છે, જે લીસાં અને ચળકતાં બીજ ઉત્પન્ન કરે છે; જેની વિસંધિ (disarticulation) તુષનિપત્રો અને વંધ્યપુષ્પકની ઉપર થાય છે. S. viridisમાં વિસંધિ તુષનિપત્રની નીચે થાય છે અને ફળાઉ પુષ્પીય તુષનિપત્ર (lemma) ખરબચડી સપાટી (rugose) ધરાવે છે.
ભારતમાં કાંગ આંધ્રપ્રદેશ, ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને મૈસૂરમાં વાવવામાં આવે છે. ગુજરાતમાં ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પંચમહાલ જિલ્લામાં; મહારાષ્ટ્રમાં નાસિક, અહમદનગર, શોલાપુર અને ખાનદેશ જિલ્લામાં; પંજાબમાં કાંગ્રા જિલ્લામાં; હરિયાણામાં કરનાલ જિલ્લામાં; આંધ્રપ્રદેશમાં ગુન્ટુર, કુર્નૂલ, અનંતપુર અને કુડાપ્પાહ જિલ્લામાં; મૈસૂરમાં બેલ્લારી, ચિત્રદૂર્ગ અને તુંકુર જિલ્લામાં અને તામિલનાડુમાં સાલેમ, કોઇમ્બતુર અને મદૂરાઈ જિલ્લામાં ઉગાડવામાં આવે છે.
ઉત્તર અમેરિકામાં કાંગનું ચારા માટે મર્યાદિત પ્રમાણમાં અને મધ્ય અને પૂર્વીય યુરોપમાં પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે.
કાંગની કુલ 1328 જાતો નોંધવામાં આવી છે
કાંગ સૂકી ભૂમિનો પાક છે અને સમગ્ર વર્ષ દરમિયાન તેનું વાવેતર થઈ શકે છે. 50 સેમી.થી 75 સેમી. જેટલો ઓછો વાર્ષિક વરસાદ થતો હોય તેવાં સ્થાનોએ, હિમાલયમાં 1,800 મી.ની ઊંચાઈ સુધી; પંજાબમાં 125 સેમી. વાર્ષિક વરસાદ અને 3,300 મી.ની ઊંચાઈ સુધી તેને વાવવામાં આવે છે. પશ્ચિમ આંધ્રપ્રદેશમાં વરસાદનો સમયગાળો બે માસ જેટલો ટૂંકો હોવા છતાં કાંગ ઉછેરી શકાય છે. જલસભર ભૂમિમાં પાક ટકી શકતો નથી.
આ પાક વિવિધ પ્રકારની મૃદામાં થઈ શકે છે. વરસાદ-આધારિત વિસ્તારમાં લાલ અને કાળી – એમ બંને પ્રકારની જમી માં ઉગાડવામાં આવે છે. લાલ જમીનમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના પ્રારંભ સાથે જૂન-જુલાઈમાં અને ઉત્તર-પૂર્વીય ચોમાસાના પ્રારંભ સાથે કાળી જમીનમાં સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં વાવવામાં આવે છે. સામાન્ય વરસાદવાળા વિસ્તારમાં લાલ-ગોરાડુ જમીન પસંદ કરવામાં આવે છે. વાવેતર માટે ખૂબ હલકી અને ભૂખરી-રાખ જેવી જમીનનો પણ ઉપયોગ કરી શકાય છે. જુવાર પછી, કાળી-કપાસ જમીન પર ઉગાડાતો આ એક મહત્ત્વનો ધાન્ય પાક છે.
કાંગની વાવણી શુદ્ધ, ગૌણ કે મિશ્ર પાક તરીકે કરવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં કપાસ સાથે મિશ્ર પાક તરીકે જુવારના વાવેતર બાદ એકાંતરિક વર્ષે કરવામાં આવે છે. મૈસૂરમાં તેને શુદ્ધ પાક તરીકે જુલાઈમાં વાવવામાં આવે છે. મૈસૂરમાં રાગી કે કપાસની સાથે તેનો ગૌણ પાક પણ લેવામાં આવે છે. તેમાં પુષ્પનિર્માણ શરૂ થાય ત્યારે કાંગની હરોળોની વચ્ચે જુવાર ઉગાડાય છે.

તામિલનાડુમાં મગફળીની વચ્ચે નીંદણ-સમયે કાંગનું વાવેતર થાય છે. લાલ મૃદામાં વાલની સાથે મિશ્ર પાક તરીકે તે ઉગાડવામાં આવે છે. રાગી કે જોલા ઉગાડ્યા પછી તેનો શુદ્ધ પાક લેવામાં આવે છે. જોલા પછી કાંગ અને કપાસનો મિશ્ર પાક લઈ શકાય છે. આમ, આ પાક જુદા જુદા પ્રદેશોમાં 21 અન્ય પાકો સાથે મિશ્ર પાક તરીકે ઉગાડાય છે.
વાવણી પહેલાં ખેતર સારી રીતે તૈયાર કરવામાં આવે છે. કાળી-કપાસ મૃદાને ભાગ્યે જ ખાતર આપવામાં આવે છે; પરંતુ જ્યાં આ પાક સિંચાઈ દ્વારા લેવાય છે અને કાળી-કપાસ મૃદા સિવાય અન્ય પ્રકારની મૃદા હોય ત્યારે ખેતરને ઢોરોનું ખાતર અથવા ઘેટાંની લીંડીનું ખાતર અથવા બંને આપવામાં આવે છે. શુષ્ક મૃદા હોય તો ઍમોનિયમ સલ્ફેટનું પ્રતિ હેક્ટરે 123 કિગ્રા. જેટલું ખાતર અપાય છે. કાંગ ઢોરોના ખાતરનું વધારે સારું પરિણામ આપે છે.
કાંગની વાવણી તેના દાણા છૂટે હાથે વેરીને અથવા ઓરીને કરવામાં આવે છે. વહેલી ઉગાડાતી જાતનું વાવેતર મે માસમાં, વરસાદી જાતનું જૂન-જુલાઈમાં અને મોડી ઉગાડાતી જાતનું ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં કરવામાં આવે છે. સિંચિત ગરમ આબોહવાનો પાક જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વવાય છે.
શુદ્ધ પાક તરીકે કાંગના 58 કિગ્રા./હેકટર દાણા અને મિશ્ર પાક તરીકે 36 કિગ્રા./હેકટર દાણાની જરૂર પડે છે. બે છોડ વચ્ચેનું અંતર લગભગ 20 સેમી.થી 30 સેમી.નું રાખવામાં આવે છે. સિંચિત પાક તરીકે જો કાંગની વાવણી કરવામાં આવી હોય તો છોડ પરિપકવ બને ત્યાં સુધી 710 દિવસમાં એક વાર સિંચવામાં આવે છે. પાકની પ્રારંભિક અવસ્થામાં બે વાર અપતૃણો(weeds)નો નાશ કરવામાં આવે છે. થોડુંક હિમ પણ કાંગ માટે પ્રાણઘાતક હોય છે.
આ પણ વાંચો – જાણવા જેવુ 👇
અજબ ગજબ વૃક્ષ રૂખડો – ફોટાઓ સાથે
મીંઢોળનું વૃક્ષ – જે લગ્ન વખતે વરકન્યાને કાંડે બંધાય છે
મહુડાનું વૃક્ષ – પરિચય અને ઉપયોગો
10 ગુજરાતી પ્રખ્યાત વાનગીઓ – 10 famous Gujarati food
